Home Gujaratiતમે જે સપનું જોઈ શકો છો એને તમે સાકાર પણ કરી શકો છો

તમે જે સપનું જોઈ શકો છો એને તમે સાકાર પણ કરી શકો છો

by Devardhi
1 comment

સપનાં

જે સપના જોયા હોય તે જ સાકાર કરી શકાય . ઊંઘમાં આવનારા સપના ખોટાં છે . ખુલ્લી આંખે જોવાતાં સપનાં નિરર્થક ગણાયાં છે . કલ્પનાના સથવારે ચોક્કસ ભવિષ્યનો વિચાર કરવો તે ખરાં સપનાં છે . તમે જે કરવાનું નક્કી કરો છો તે તમારું સપનું છે . તમે ડૉક્ટર બનવાનું નક્કી કરો છો તો તે તમારું સપનું છે . તમે જે સપનાં જોતાં નથી તે તમે સાકાર કરી શકતા નથી . તમે જે સપનાં જોયા હોય છે તે જ તમે સાકાર કરી શકો છો .

 

સસલું સિંહ બનવાનું સપનું જોઈ જ શકતું નથી . સિંહ સસલું બનવાનું સપનું જોઈ જ શકતો નથી . માટે સસલું સસલું રહે છે અને સિંહ સિંહ રહે છે .  સિંહને સસલું થવાનો વિચાર આવે તે સિંહની મૂર્ખામી છે . સસલાને સિંહ બનવાનું સપનું આવે તે સસલાનું દોઢ ડહાપણ છે . પોતાનું ગજું હોય તેટલાં જ સપના જોવાય . જે થઈ શકે છે તેનાં જ સપના જોવાય . જે થઈ શકતું નથી તેનું સપનું જોવાની જરૂર નથી , જે કરી શકાય છે અને જે કરવું જરૂરી છે , તેનું સપનું અવશ્ય જોવું જોઈએ .

 
તમારું સપનું તમારા આત્મવિશ્વાસને ધારદાર બનાવે છે . તમારું સપનું તમારી કાર્યક્ષમતાનો દરજ્જો ઊંચો બનાવે છે . તમારું સપનું તમારી હિંમતને વધારે છે . તમે સપનું જોતા નથી . તમે લાંબાગાળાનો કશો વિચાર કરતા નથી . દિવસો અને વરસો ઢોળાતાં પાણીની જેમ વેડફાઈ જાય છે . તમે શું કરી શકો છો તેની તમને કલ્પના નથી . નાની કીડી પોતાના કરતાં વધારે વજનવાળી વસ્તુને ખેંચી જાય છે . તમે કલ્પના કરો તો તમને સમજાય કે ખરેખર તમારી શક્તિ શું છે ? તમે જે થાય છે તે જોયા કરો છો . તમે તમને જે મળે છે તે હાથમાં લેતા રહો છો . તમે તમારી નજરે ભવિષ્યને નિહાળતાં નથી . તમે સરેરાશ આદમીની માફક જીવ્યા કરો છો .

 
તમને જે નથી મળ્યું તેની માટે તમે રડતા નહીં . તમારા હાથમાંથી કાંઈ છીનવાયું હોય તો તમે એની માટે ઝગડતા નહીં . તમે બીજાની તુલનામાં તમારી જાતને નીચી આંકતા નહીં . તમે તમારી તાકાત પર કેન્દ્રિત બનો . તમે જે કામમાં રસ લો છો એ કામમાં તમે સફળ બની શકો છો . સફળ બનવું સહેલું છે . રસ લેતા થવું એ જ મુશ્કેલ છે . તમે પાંચ પચીસ સ્વાર્થી લક્ષ્યો નક્કી કરીને આખી જિંદગીને એ લક્ષ્યો પાછળ જોતરી દીધી છે . તમને આ વિશાળ સૃષ્ટિમાં લહેરાતાં લખલૂટ સપનાઓ દેખાતાં નથી . તમે કૂવાના દેડકાની માફક તમારી જ દુનિયાને સારી માન્યા કરો છો . બહારનું વિશ્વ તમે જોઈ જ નથી શક્યા . ચીલાચાલુ જિંદગીમાંથી બહાર નીકળવાનું છે .

 
તમારી આંખોને સ્વસ્થ અને સુરેખ સપનાની ભેટ તમે ધરો . તમે જોયેલાં સપનાં નિષ્ફળ જવાના નથી . તમે જોયેલાં સપનાં અધૂરા રહેવાના નથી . તમે પામર સપનાં જોતા હશો તો તમે પામર બની રહેશો . મજબૂત સપનાં જોતા હશો તો તમે મજબૂત બનશો . તમે પવિત્ર સપનાં જોતા હશો તો તમે પવિત્ર બનશો . તમારે શું કરવું છે તે તમે નક્કી કરો .
સારા બનવા માટે સારાં સપનાં જુઓ .
ઉત્તમ બનવા માટે ઉત્તમ સપનાં જુઓ .
શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ સપનાં જુઓ .

You may also like

1 comment

precio de priligy en mexico September 23, 2024 - 4:27 pm

My brother recommended I might like this web site.
He was entirely right. This post actually made my day.
You cann’t imagine just how much time I had spent for
this info! Thanks!

Reply

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.