Home Poemsહેમજીવનગાથા ( ૧૪ ગીત )

હેમજીવનગાથા ( ૧૪ ગીત )

by Devardhi
0 comments

20190610_074352

હેમજીવનગાથા – ૧ 

હેમભૂષણ સૂરિ રાયા , લાખોના લાડકવાયા
ભાવથી કરીએ વંદન
ધરમ ધુરંધર શાસન નાયક ,મારગ દર્શક શક્તિ પ્રદાયક
વચનમાં વરસે શીત સુગંધિત ચંદન
જ્ઞાની ધ્યાની ધન્ય ગુરુવર  , સૌને આપે આત્મીય આદર
શાતાકારી લાગે મંગલ દર્શન
મહિમાવંત મનોહારી , ગીતારથ ગુણકારી
ભાવથી કરીએ વંદન .૧
પલ પલ પ્રભુના રંગમાં રમતા , સત્ય અને સદ્ ગુણને નમતા
પૃચ્છા પ્રેરણા એની હતી મનભાવન
સમતામાં લયલીન એ સાધક , રત્નત્રયના શ્રેષ્ઠ આરાધક
હૈયે ગુરુભક્તિનાં સ્પંદન પાવન
સંઘ સમુદાય વિકાસ , લખ્યો અમર ઈતિહાસ
ભાવથી કરીએ વંદન .. ૨
( બહેતી હવા સા થા વો )
 
શ્રી હેમ યાત્રા – ૧ 
+ જનમ થયો આસો વદ આઠમે .
વિ. સં. ૨૦૦૩ . સ્થાન – કસ્તુરબા હોસ્પિટલ , વલસાડ
—————————–
શ્રી હેમ પ્રેરણા – ૧ 
+ જેની  શક્તિ – શાસન , સંઘ અને સમુદાયને કામ લાગે તેની શક્તિ સફળ . જેની  શક્તિ – શાસન , સંઘ અને સમુદાયને કામ ન લાગે તેની શક્તિ નિષ્ફળ .
_______________________________

શ્રી હેમ જીવન ગાથા – ૨ 

નાનો છે દીવો ને નાની અગરબત્તી ,
નાનો ચરવળો છે નાની છે મુહપત્તી
મંદિર ગમે છે એને ઉપાશ્રય ગમે છે ,
પ્રભુને નમે સાધુ સાધ્વીને નમે છે
કોણ છે આ બાળ ? આ તો હરિન છે .
કરે છે એ સામાયિક , કરે છે પ્રતિક્રમણ ,
અભક્ષને ખાય નહીં એ , કરે નિયમ પાલન
વ્યાખ્યાન સાંભળે છે , ધર્મ સૂત્ર યાદ કરે ,
 આત્માને લાભકારી , અભ્યાસ આબાદ કરે
કોણ છે આ બાળ ? આ તો હરિન છે . ૧
ભણે પાઠશાળામાં જઈ કાયમ , ડરે પાપપ્રવૃત્તિથી હરદમ
એને પ્રેમસૂરિદાદા મહાપુણ્યે મળ્યા
એનું મન મુનિ સંગ જોડાયું , દિલ સાધનાના રંગે રંગાયું
એનાં કર્મો હળવે હળવે દૂર દૂર ટળ્યાં
એને દીક્ષા ગમવા લાગી , એની પુણ્યાઈ ખૂબ જાગી
વીણા વૈરાગની વાગી
કોણ છે આ બાળ ? આ તો હરિન છે . ૨
રોહિતવિજયજીને નિહાળ્યા , સાધુ સંગમાં પાપ પખાળ્યા
મુનિવર નિશ્રાએ રહી અભ્યાસ એ કરે
માતા મણિબેન મન ડોલે પિતા છગનભાઈ બોલે
દીક્ષા લે જો સંતાન , તો એ ભવ તરે
મળ્યા મૃગાંક મુનીશ્વર , એને માન્યા ભાવે ગુરુવર
લાગ્યું સંયમ સુખકર
કોણ છે આ બાળ ? આ તો હરિન છે . ૩
વાપી શહેરનું રતન અમોલ , દીક્ષા મહોત્સવના વાગ્યાતા ઢોલ
દીક્ષાનો વરઘોડો નીકળ્યો મહાન બાળદીક્ષાર્થી દે ખૂબ વર્ષીદાન
કોણ છે આ બાળ ? આ તો હરિન છે . ૩
માતાપિતાની મમતા છોડી , ભાઈ દીપકની પ્રીતને તોડી
સુખ સુવિધા સૌ અનુકૂળતા એ દૂર કરે
દુઃખ સહેવા બને તૈયાર ગુરુને માને જીવન આધાર
હૈયે ઊંચા ઊંચા બહુ અરમાનો એ ધરે
નાની વયમાં પરાક્રમ કીધું , સિંહ સત્ત્વથી સંયમ લીધું
બાલમુનિને જોઈને સંઘની આંખો ઠરે
કોણ છે આ બાળ ? આ તો હરિન છે . ૪
( દેખો યે કૈસી હૈ ઓસ કી )
 
શ્રી હેમ યાત્રા – ૨ 
+ મા-બાપનાં સંસ્કરણથી બાળપણને ત્રણ પ્રવૃત્તિ મળી .
૧ . જિનાલયમાં પ્રતિદિન પ્રભુભક્તિ .
૨ . ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીજીનું સાંનિધ્ય
૩ . પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ અને સંસ્કાર
—————-
શ્રી હેમ પ્રેરણા – ૨ 
+ નાની ઉંમરમાં બાળકને જે સંસ્કાર મળે છે તેના આધારે જ બાળકનું સંસ્કારી ભવિષ્ય નિર્ધારિત થાય છે .
___________________________

હેમજીવન ગાથા . ૪ 

————-
ગુરુભક્તિની અલખ જગાવી  તન મન આળસ દૂર ભગાવી
જય મુનિ હેમ જય જય મુનિ
હેમ શાસ્ત્રાભ્યાસની લગની  પ્રચંડ  ચિત્તવિશુદ્ધિ સતત અખંડ
જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૧
મૃગાંકવિજયજી કરે અનુશાસન ગુણ ઉદ્ ભાસન દોષ નિરાસન
ગુરુ મૈયા કરે છે યોગક્ષેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૨
સેવા કરવામાં એકલીન શિષ્ય રહે આ આજ્ઞા અધીન
મનમાં ધારે નહીં શંકા વહેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૩
ગુરુવર અઘરાં કામ બતાવે શિષ્ય એ કામને સરળ બનાવે
ના ક્યારેય બોલે જેમતેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૪
તપ જપમાં રમતા જ રહેતા મુખથી મીઠાં વચન કહેતા
રત્નત્રયીનો ઉત્કટ પ્રેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૫
ખૂબ ભણ્યા ખૂબ ભીતર ઉતર્યા  માન અને મદ મનમાં ન ધર્યા
તેજ સુવર્ણ આભૂષણ જેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૬
વેયાવચ્ચી ગુણ અનુરાગી ગીતારથ વૈરાગી ત્યાગી
ગુરુ રાખે જેમ રહેતા તેમ જય મુનિ હેમ જય જય મુનિ હેમ . ૭
( મંગલ ભવન અમંગલ હારી )
———————
શ્રી હેમ યાત્રા – ૪ 
+પૂ.ગુરુદેવ શ્રી મૃગાંકવિજયજી મ. ની છત્રછાયામાં મુખ્યત્વે ત્રણ વાત શીખ્યા .
૧ . નિયમપાલન કટ્ટરતાથી કરવું .
૨ . મનને સ્વાધ્યાયમાં પરોવાયેલું રાખવું .
૩ . ગુરુની પ્રસન્નતાનું સતત ધ્યાન રાખવું .
 
શ્રી હેમ પ્રેરણા – ૪
+ ગુણોને પામવા પુરુષાર્થ કરવો પડે છે .
ગુણોને ટકાવવા વિશેષ પુરુષાર્થ કરવો પડે છે .
ગુણોને વધારવા સવિશેષ પુરુષાર્થ કરવો પડે છે .
________________

હેમ જીવન ગાથા – ૫

ગુરુ જીતમૃગાંકસૂરિની , સેવા સતત કરી
હૈયામાં અહોભાવ અને , શ્રદ્ધા નયન ભરી . ..
વ્યાખ્યાનમાં વિહારમાં , જપમાં ક્રિયા મહીં
ગુરુને કોઈ તકલીફ એ , નડવા જ દે નહીં
શાતા અને શાંતિ વધે , એવી વર્તણૂક ધરી
હૈયામાં અહોભાવ અને શ્રદ્ધા નયન ભરી .૧
એક ઘોર રોગ આવ્યો , ગુરુને સતાવવા
ઉપચાર સર્વ શિષ્ય જન , કરતા નવાનવા
નીંદર ભૂલીને હેમે પણ , કરી ખૂબ ચાકરી
હૈયામાં અહોભાવ અને શ્રદ્ધા નયન ભરી . ૨
અંતિમ સમય ગુરુનો , આવ્યો હતો અરે
શ્રી હેમમુખે રામના , પત્રનું શ્રવણ કરે
લે અલવિદા ગુરુ પરમ , સમતા ઉરે વરી
હૈયામાં અહોભાવ અને , શ્રદ્ધા નયન ભરી . ૩
સૂના થયા’તા જીવન , ગુરુની વિદાયથી
અટકી પડ્યો જીવન રથ , ખોવાયો’તો સારથી
જે જાય છે તેઓ કદી , મળતા નથી ફરી
હૈયામાં અહોભાવ અને , શ્રદ્ધા નયન ભરી .૪
( यूं जिंदगी की राह में )
શ્રી હેમ યાત્રા  – ૫
પરમોપકારી ગુરુદેવ પૂ.આ શ્રીમદ વિજય જીતમૃગાંક સૂરીશ્વરજી મહારાજા વિ . સં  . ૨૦૩૨ ફાગણ ……ના દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા .
શ્રી હેમ પ્રેરણા – ૫
ગુરુ પ્રત્યે ઉત્કૃષ્ટ અહોભાવ રાખવો જોઈએ . ગુરુની વેયાવચ્ચમાં પરમ આનંદનો અનુભવ થવો જોઈએ .
_________________

હેમ જીવન ગાથા .  ૬

રામચન્દ્ર ગુરુ પત્ર લખીને  હેમને પાસે  બોલાવે
દાદાગુરુદેવ  મોટા કામો પ્રશિષ્યને  પકડાવે

હેમ સંભાળે છે પત્ર વ્યવહારને
હેમ ઉંચકી લે છે સહસા મોટા મોટા ભારને
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને  હેમને પાસે  બોલાવે . ૧
હેમ વ્યાખ્યાન લખે હેમ પૂછે સવાલ
હેમ વાચનાઓ ઉતારે હેમ ભક્તિ કરે ત્રિકાલ
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને  હેમને પાસે  બોલાવે . ૨
હેમ કાર્યે કુશળ હેમ શાસ્ત્રે કુશળ
હેમ અનુભવમાં કુશળ છે હેમ પ્રતિભા છે વિમળ
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને  હેમને પાસે  બોલાવે . ૩
રામ મહોદય હેમ , એમ ત્રણેય દેખાય
સંચાલન થાય સુંદર , સન્માન આપે સમુદાય
રામચન્દ્ર ગુરુ પત્ર લખીને  હેમને પાસે  બોલાવે . ૪

( ખ્વાબ હો તુમ યા કોઈ )

હેમ યાત્રા – ૬ 
પૂજ્યપાદ દાદાગુરુદેવ શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ સામે ચાલીને પત્ર લખી , શ્રી હેમભૂષણવિજયજી મ.ને પોતાની પાસે રહેવા માટે બોલાવી લીધા તેમ જ મોટીમોટી જવાબદારી સોપી દીધી .
હેમ પ્રેરણા – ૬ 
પોતાની શક્તિનો સત્કાર્યોમા એવો શ્રેષ્ઠ વિનિયોગ કરો કે વડીલો પણ પોતાના કઠિન કાર્યો તમને સોંપવામાં રાજીપો અનુભવે .

___________________

હેમ જીવન ગાથા  . ૭

રામચંદ્ર લે છે વિદાય હવે સમુદાય થાય અસહાય હવે
હવે શું થશે દિન કેમ જશે કંઈ પણ નહીં સમજાય હવે . ૧
સૂરજ હતો મહાદીપ્તિમાન  અજવાળતો હતો આસમાન
અંધકાર પથ પથરાય હવે સમુદાય થાય અસહાય હવે . ૨
મહોદયગુરુ ગચ્છ પતિ બને વાત્સલ્યમય અનુશાસને
અને હેમ યુવરાજ થાય હવે સમુદાય નથી અસહાય હવે . ૩
રાજ તિલક ગુરુનો રા હતો મહોદય ગુરુનો મ હતો
રામ રાજ્ય ફરી સોહાય હવે સમુદાય નથી અસહાય હવે . ૪
( વો નહી મિલા તો મલાલ ક્યાં ? )
હેમ યાત્રા – ૭  
વિ.સં.૨૦૪૭ અષાઢ વદ ચૌદસે , દાદા ગુરુદેવ પરમ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા .
હેમ પ્રેરણા – ૭  
મોટી જવાબદારી સ્વીકારવા માટે  હિમ્મત કેળવવી જોઈએ . મોટી જવાબદારી પાર પાડવા માટે સાચી લગન કેળવવી જોઈએ .
——————-

હેમ જીવન ગાથા  . ૮ 

જુએ રાજ મહોદય
હેમની સુભક્તિ હેમની સુશક્તિ
હરખે અપાર ગુરુજન હરખે અપાર
હેમ સંભાળે સંચાલન , ઝેર પી લે જાણી જાણી
હેમ ધીમું ધીમું બોલે , હૃદયને સ્પર્શ કરે વાણી
કડવું ન બોલે એની
મધુર છે અભિવ્યક્તિ મધુર છે અભિવ્યક્તિ
હરખે અપાર ગુરુજન હરખે અપાર . ૧
હેમ માન નહીં માંગે , હેમ માંગે શાસનનાં કામ
હેમ ઉર્જાવાન સદાય , હેમને ગમતો નથી આરામ
સમુદાય અનુમોદે છે
હેમની અનાસક્તિ હેમની અનાસક્તિ
હરખે અપાર ગુરુજન હરખે અપાર . ૨
રાજ મહોદય જણાવે છે કે તમે સૂરિપદ સ્વીકારો
હેમ કહે આપો નહીં પદ એ મારી વિનતી અવધારો
અવધૂત સેવાયોગીની
ગજબ છે વિરક્તિ ગજબ છે વિરક્તિ
હરખે અપાર ગુરુજન હરખે અપાર . ૩
હવે સૂરિવર દે આદેશ કે પદવી નક્કી જ આપીશું
સૂરિરામની ઇચ્છાનુસાર આચાર્ય પદ પર  થાપીશું
આંખોમાં આંસુ લાવી
હેમ કહે તહત્તી હેમ કહે તહત્તી
હરખે અપાર ગુરુજન હરખે અપાર . ૪
( સો સાલ પહલે હમે તુમ સે )
હેમ યાત્રા – ૮ 
તપસ્વિસમ્રાટ્ પૂ.આ.શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાએ , સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજાએ આચાર્યપદ લેવા જણાવ્યું . શ્રી હેમભૂષણવિજયજી મ.એ વિનયપૂર્વક ના જણાવી દીધી . તો ઉભય સૂરિ ભગવંતોએ  કડક આદેશ કરીને આચાર્યપદનું મુહૂર્ત
જાહેર કરી દીધું .
હેમ પ્રેરણા – ૮ 
મહત્ત્વાકાંક્ષા રાખવાથી  સાધના કમજોર પડે છે . નિર્લેપભાવ રાખવાથી સાધના બળવાન બને છે .
————–

હેમ જીવન ગાથા . ૯

જેના હૃદયમાં ગુરુ વસે છે તેહ શિષ્યને  ધન્ય છે
જે ગુરુઓના હૈયે વસે તે શિષ્યને અતિ ધન્ય છે
ગુરુ રાજ મહોદય પૂર્ણ વત્સલભાવથી  આદેશ કરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૧
ગુરુ દાદાગુરુ મહોદયગુરુની ભક્તિ ખૂબ કરી હતી
સઘળાય વડીલોની નજર ગુરુ હેમ ઉપર  ઠરી હતી
ખુદની અનિચ્છા હતી છતાં ગુરુ આજ્ઞાને શિર પર ધરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૨
નાના આ સુંદર ગામમાં જાણે બની નગરી નવી
શમિયાણો મોટો બાંધ્યો સંઘે પત્રિકાઓ પાઠવી
મહા સુદ  આઠમના દિને ભક્તો હજારો ઉભરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૩
ચૌમુખજી ભગવાન ઊંચા મંચ પર શોભતા હતા
શ્રીચંદ્રગુપ્તમુનિના સંગે હેમગુરુ ક્રિયારત થતા
સમુદાય મોટો શ્રમણ શ્રમણીનો ધવલતા પાથરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૪
છ છ આચાર્યની નિશ્રામાં મંગલ ક્રિયા જે  ચાલતી
ઉત્સુક નયનથી ભવિક જનતા ક્ષણે ક્ષણ તે નિહાળતી
આચાર્ય હેમભૂષણ સૂરિજી નામ ગુરુ ઘોષિત કરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૫
હવે ગચ્છનાયક આદિ શ્રમણો પાટ પરથી ઉતરે
નૂતન ઉભય આચાર્ય પાટ ઉપર હવે આસન ધરે
વડીલોનાં વંદન લેતાં લેતાં આંખથી આંસુ ઝરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૬
આપે પ્રદક્ષિણા ત્રણ અને ચોખાથી સંઘ વધાવે છે
મણિબા છગનભાઈ બેય હાથે અક્ષતો વરસાવે છે
શ્રી અજિતનાથ પ્રભુ કૃપાથી યશ જગતમાં વિસ્તરે .
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૭
ગુજરાતની દક્ષિણ ધરા ઇતિહાસમાં મશહૂર  થઈ
શ્રી હેમગુરુના પુણ્યની વૃદ્ધિ સતત ભરપૂર થઈ
તે કાળને તે સમયને આખોય પંથક સાંભરે
બગવાડા તીર્થે હેમભૂષણ ગુરુ સૂરિપદવી વરે . ૮
( એવા પ્રભુ અરિહંતને )
હેમ યાત્રા – ૯
વિ.સં . ૨૦૫૦ મહા સુદ આઠમે શ્રી બગવાડા તીર્થે ઐતિહાસિક આચાર્ય પદવી થઈ .
હેમ પ્રેરણા – ૧૧
યાદ રાખો કે કોઈ પણ સત્કાર્ય કરવા દ્વારા માન સન્માન મેળવવાનું લક્ષ નથી રાખવાનું નથી . સત્કાર્ય કરવા દ્વારા આત્મશુદ્ધિ થાય એ જ લક્ષ રાખવાનું હોય .
—————

હેમ જીવન ગાથા . ૧૦

સમયને કોઈ રોકી શકે ના , સુખ દુઃખ આવે જાય
સમય વહેતી ધારા કહેવાય
ધાર્યું હોય તે થાય નહીં અને , અણધાર્યું પણ થાય
સમય વહેતી ધારા કહેવાય
વિદાય પામે ગચ્છના નાયક , આચારજ શ્રી મહોદય સૂરિવર
કોણ સંભાળે ગચ્છની ધુરા , પ્રશ્ન રમે આ સૌનાં મુખ પર
સર્વ વ્યવસ્થા સાચવી રાખે હેમભૂષણ સૂરિરાય
સમય વહેતી ધારા કહેવાય . ૧
પંદર વડીલો સાથે મળીને મોટો નિર્ણય એક કરે છે
હેમને ગચ્છપતિ પદ દઈએ વિચાર સૌનો એક ઠરે છે
સુરત નગરે મંગલ દિવસે એની જાહેરાત થાય
સમય વહેતી ધારા કહેવાય . ૨
( દેખ તેરે સંસાર કી હાલત )
હેમયાત્રા ૧૦
વિ.સં .૨૦૫૯ વૈશાખ સુદ પાંચમે , વડીલોએ અને મોભી શ્રાવકોએ નિર્ણય લીધો કે – શ્રી હેમભૂષણસૂરિજી મહારાજાને શુભમુહૂર્તે , ગચ્છાધિપતિ પદ પર બિરાજમાન કરવાના છે .
હેમ પ્રેરણા ૧૦
તમે સૌનું કલ્યાણ ઈચ્છતા રહેજો . કલ્યાણની કામના થકી ઉત્કૃષ્ટ આત્મબળનું નિર્માણ થાય છે .
———

હેમ જીવન ગાથા ૧૧

ડંકો વાગ્યો વાગ્યો વાગ્યો
સૌનાં હૈયે આનંદ જાગ્યો
બન્યા ગચ્છાધિપતિ હેમભૂષણ ગુરુ
નાની વયમાં દીક્ષા લઈને પહોંચ્યા મોટા પદ પર
ગુણનો દરિયો હેમ ગુરુવર જ્ઞાન તણો મહાસાગર
બન્યા ગચ્છના સંચાલક હેમભૂષણ ગુરુ
ડંકો વાગ્યો વાગ્યો વાગ્યો . ૧
જયજયકારના ગુંજારવથી , ભક્તો ગગન ગજાવે
મંત્રોચ્ચારથી પાવન ચોખા ,ધોધમાર વરસાવે
બન્યા ગચ્છના અનુશાસક હેમભૂષણ ગુરુ
ડંકો વાગ્યો વાગ્યો વાગ્યો . ૨
વીરપ્રભુની ઓગણ્યાએશીમી પાટે હેમ બિરાજે
વૈશાખી સુદ સાતમનો દિન અમર બન્યો છે આજે
બન્યા ગચ્છના અધિનાયક હેમભૂષણ ગુરુ
ડંકો વાગ્યો વાગ્યો વાગ્યો . ૩
( તારી આંખનો અફીણી ).
હેમ યાત્રા ૧૧ 
વિ.સં.૨૦૫૯ વૈશાખ સુદ સાતમે , સૂરિ હેમભૂષણ , ગચ્છાધિપતિ પદે બિરાજમાન થયા .
હેમ પ્રેરણા ૧૧
ઉપકારીઓના ઉપકારોનું સ્મરણ , ગુણવંતોના ગુણોનું અનુમોદન અને સ્વકર્તવ્યની સભાનતા – આ ત્રણ વાતો સદાય હૈયામાં જીવંત રહેવી જોઈએ .
———

હેમ જીવન ગાથા   . ૧૨

તીર્થંકર સમ હોય છે સૂરિ , મોક્ષ મારગ શિરતાજ
જૈન શાસનના સુકાની સોહે , હેમભૂષણ સૂરિરાજ
ગુરુવર વંદન તમને , આશીર્વાદ આપો અમને . ૧
પ્રભુની ભક્તિ ગુરુની શ્રદ્ધા , શાસ્ત્રની નિષ્ઠા અપાર
માન અપમાનમાં સમ ચિત્ત  , વિરોધી પ્રત્યે ઉદાર
ગાંઠ રાખે નહીં મનમાં , વૈર ભાવ નહીં જીવનમાં  . ૨
સર્વ સમુદાય સાથે સંબંધ , આત્મીય ભાવે રાખે
યોગ્ય સમય પર યોગ્ય સ્વરૂપે  , સાચા વચનને ભાખે
આજ્ઞાનો વિલોપ ન થાય , એનું પૂરું ધ્યાન રખાય . ૩
ઉપકારીના ઉપકાર સમરે , ભૂલે ન કલ્યાણ મિત્ર
આશ્રિતગણની સંભાળ રાખે , મનવચકાય પવિત્ર
ઘણી મોટી હતી પુણ્યાઈ , વાણીમાં દીપતી  સચ્ચાઈ . ૪
જનમદાતા માતાને દે , દીક્ષા શિવસુખકાર
મણિબા બન્યા મોક્ષમાલાશ્રી  , પામ્યા આત્મોદ્ધાર
ઘટના હતી અતિ ખાસ , રચાયો અનોખો ઈતિહાસ . ૫
પાંચ આચાર અખંડિત પાળે , જીતે ચાર કષાય
પોતાની વાહવાહી ન ચાહે , દંભ ધરે નહીં ક્યાંય
શાસન અને સમુદાય , એની ચિંતા કરે સદાય . ૬
( આંધળી માનો કાગળ )
હેમયાત્રા ૧૨ 
+ સર્વ સમુદાય સાથે આત્મીયતા બનાવી તેને લીધે , પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિ તરીકે ખ્યાતિ પામ્યા .
+ વિ.સં. ૨૦૬૩ વૈશાખ સુદ સાતમના શુભ દિવસે , માતા મણિબેનને દીક્ષા આપી . તેઓ સાધ્વી શ્રી મોક્ષમાળાશ્રીજી મ. એવું નામ પામ્યા .
હેમ પ્રેરણા ૧૨ 
ધર્મ માટેનો પ્રેમ , ધર્માત્મા માટેનું વાત્સલ્ય બનીને બહાર આવે છે .
———————————-

હેમ જીવન ગાથા   . ૧૩

નમો હેમભૂષણ ગુરુરાય , એનો આતમ નિરમલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે
શાસનસેવા કાજે કાયાની ઉપેક્ષા કરી
આહાર ઉપચાર તણી ચિંતા કોઈ મન ન ધરી
મનથી એ થાકે નહીં , ઉત્તમ ઉર્જાબલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે . ૧
આવ્યા’તા ભયંકર રોગ , પીડા અપરંપાર હતી
પણ ચિત્તદશા એની , અવિચલ અવિકાર હતી
એનાં હૈયે સમાધિનું , પાવન અમૃતજલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે . ૨
શાસન માટે જીવીશ , એવો સંકલ્પ કર્યો
જીવન કે મરણનો વિચાર , એણે મનમાં ન ધર્યો
અધ્યાતમ મસ્તીમાં રમમાણ એ પલપલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે . ૩
કાયાનો રાગ નહીં , મનમાં કોઈ ઈચ્છા નહીં
શુભ તત્ત્વે એકાગ્ર હતા , ચિદ્ ઘનની સત્તા રહી
કર્તૃત્વનો ભાવ નથી , સાક્ષિભાવ અવિચલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના. ઉજ્જ્વલ છે . ૩
નાજુક કાયા થાકે , ધીમા પડતા જાય શ્વાસ
અરિહંત સિદ્ધ સાધુ અને ધર્મની ધરે સુવાસ
નિઃસ્પૃહદશા ભાવિત એનું મૃત્યુ મંગલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે . ૪
એનું સંપૂરણ જીવન , શાસનને કામ આવ્યું
વાપી સંઘના આ રતને , શાસનને શોભાવ્યું
એ ધન્ય મહાપુરુષની  , દેવર્ધિ અવિચલ છે
એની સાધના ઉજ્જ્વલ છે , આરાધના ઉજ્જ્વલ છે . ૫
( સંસાર હૈ ઇક નદિયા )
હેમયાત્રા ૧૩ – 
+ અનેક ઉગ્ર રોગને સમતા ભાવે સહેતા રહ્યા .
+ વિ.સં. ૨૦૬૪ જેઠ વદ સાતમ+આઠમે દિલ્હીમાં ઉત્તમ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા .
હેમ પ્રેરણા ૧૩ – 
જે મન વચન કાયાથી જૈનશાસનની સેવા , પ્રભાવના અને સુરક્ષા કરે છે તે સમાધિનો સાક્ષાત્કાર પામે છે .

કલશ

હેમભૂષણ સૂરિરાજને ભાવે  સકલ શ્રી સંઘ વંદના કરે
આસો વદ આઠમના દિવસે જનમ થયો વલસાડ નગરે . ૧
વૈશાખ સુદ બારસના દિવસે  દીક્ષા થઈ વાપી નગરે .
જેઠ સુદી ચૌદસના દિવસે વડી દીક્ષા વાપી નગરે  . ૨
માગસર સુદ ત્રીજના દિવસે પાલિતાણામાં ગણી પદવી
વૈશાખ સુદ દશમના દિવસે અમદાવાદ પંન્યાસ પદવી . ૩
મહા સુદ આઠમ બગવાડા તીર્થે પામ્યા આચાર્ય પદ મહાન
વૈશાખ સુદ સાતમ સુરતમાં ગચ્છાધિપતિ પદે બિરાજમાન . ૪
જેઠ વદી સાતમ – આઠમના દિલ્હીમાં થયું સ્વર્ગગમન
અનંત ઉપકારી ગુરુવરના ચરણોમાં શતશત વંદન . ૫
હેમ સૂરિ પદ રજત ઉત્સવે હેમ જીવન ગાથા ગાવો
આતમને આનંદિત રાખે  એવી દેવર્ધિ પાવો . ૬

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.