Home Gujaratiસંવેગકથા : પ્રકરણ ૧ થી ૭

સંવેગકથા : પ્રકરણ ૧ થી ૭

by Devardhi
0 comments

સંવેગકથા

૧ . પૂના એર હોમ

પૂના શહેર . બુધવાર પેઠ . પાસોડ્યા વિઠોબા મંદિરની પાસે એક ઈલેક્ટ્રોનિક્સની દુકાન . નામ : પૂના એર હોમ . એના માલિક હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણી . ઓગણીસસો ચાલીસના એ જમાનામાં રેડિયો ઘરે ઘરે વાગતો . હરિદાસભાઈ , રેડિયોવાળા તરીકે મશહૂર . કેેેમ કે રેડિયોરિપેરિંંગમાં એ ઉસ્તાદ . રેડિયોની સાથેસાથે નાનીમોટી ઈલેક્ટ્રોનિક આઈટમનુું પણ  રિપેેરિંગ કરે  . રિપેેરિંગ કરાવવા પાર વિનાના કસ્ટમર્સ દુકાને આવે . પહેલાં માળે દુકાન . રોડ તરફ એક બારી ખૂલે અને બારીની લાઈનમાં લાંબું રિપેેરિંગ પ્લેટફોર્મ.  રોડ તરફ એક દરવાજો પણ ખૂલે અને એ દરવાજાની લાઈનમાં કસ્ટમર  લોકો    માટે સીટિંગ . રિપેેરિંગ પ્લેટફોર્મની આગળ રિપેેરર ટીમ કામ કરતી હોય . કસ્ટમર એનાથી દૂર રહે તે માટે એક બીજું આડું પ્લેટફોર્મ ,  સીટિંગ એરિયાની આગળ હતું.  હરિદાસભાઈ એ પ્લેટફોર્મ પર હાથ રાખીને કસ્ટમર સાથે ડીલ કરે . કસ્ટમર એ પ્લેટફોર્મ પર રિપેેરિંગની આઈટમ મૂકે અને  પ્રોબ્લેમ જણાવે.  હરિદાસભાઈને એમ લાગે કે નાનું રિપેેરિંગ છે તો એ તુરંત કરી આપે . જો એમ લાગે કે લાંબુું રિપેેરિંગ છે તો , કાલે આવજો અથવા થોડા દિવસ પછી આવજો એમ કહી દે . જે મશીન રિપેરિંગ કરવા લાયક ન લાગે તે પાછું આપી દે . કસ્ટમર એ મશીન ફેેંકી દેશે એવુું લાગે ત્યારે હરિદાસભાઈ એ જૂૂૂૂના મશીન સસ્તા ભાવે ખરીદી લે અનેે ગોડાઉનમાં સંઘરી રાખે . આવા વેસ્ટેજ લેવલના ભંગાર મશીનમાંથી એકાદ સારો પૂરજો મેળવીને હરિદાસભાઈ , એને સારા મશીનના રીપેરીંગમાં વાપરે અને ટેકનિકલ વિક્ટરીનો આનંદ અનુભવે .

એ જમાનામાં  સ્પીકરની જગ્યાએ મોટા ભૂંગળાં આવતાં . પૂના એર હોમની પોતાની સાઉન્ડ સીસ્ટમ હતી . કસ્ટમર લોકોની સાઉન્ડ  સીસ્ટમનું રિપેરિંગ વર્ક પણ આવતુું .  એક થિયેટરમાં શો-ના ટાઈમે જ સાઉન્ડ સીસ્ટમ બંધ પડી  ગઈ હતી , પૂના એર હોમની ટીમેે તત્કાળ ત્યાં જઈને રિપેરિંગ કરી આપીને એ થિયેટરવાળાની ઈજ્જત બચાવી લીધી હતી . એ થિયેટરવાળા આ ઘટના બાદ હરિદાસભાઈને    VIP    જેવી રિસ્પેક્ટ આપતા . એ થિયેટરમાં કોઈપણ નવી મૂવી આવે એટલે હરિદાસભાઈના આખાય ફેમિલી માટે એની બાલ્કની ટિકિટ્સ મોકલવામાં આવતી . ફેેમિલીના નાનામોટા સૌ સભ્યો હોંંશે હોંંશે આ VIP સર્વિસ લેવા પહોંચી  જતા .

પૂના એર હોમ પાસે પોતાનો અલાયદો સાઉન્ડ સ્ટુડિયો હતો . ગ્રામોફોનનો એ જમાનો હતો . એચએમવીની કાળી ડીશમાં મ્યુઝિક સ્ટોર રહેતું .  ગ્રામોફોનમાં એ કાળી ડીશ મૂૂકવાની , કાળી ડીશ પર પાતળી નીડલ સેટ કરવાની , પછી સાઉન્ડ પ્લે કરવાનો . કાળી ડીશ ગોળ ફરવા માંડે અને મ્યુઝિક રેલાવા લાગે . પૂના એર હોમ પાસે આશરે હજારેક દેશી વિદેશી બ્લેક ડીશનું યુુુુનિક કલેક્શન હતું .  લોકો ભાડુું આપીને ડીશ ઘરે લઈ જતાં .  શોલે મૂૂવીની સૌથી પહેલી ડીશ પૂૂૂના એર હોમ પાસે આવી હતી . પૂૂૂના એર હોમની રોડ સાઈડની મોટી સાઉન્ડ સિસ્ટમ પર શોલેનો  ત્રણ કલાકનો ઓડિયો ફૂલ વોલ્યુુમમાં પ્લે કરવામાં આવ્યો હતો . રોડ પર દૂૂરદૂર સુધી શોલેના ડાયલોગ  વહેતા થયા હતા . પરિણામે છસો-સાતસો લોકોનુું ટોળું પૂૂૂના એર હોમની સામે જમા થઈ ગયું હતું. ટ્રાફિક જામને ટાળવા પોલીસ આવી પરંતુ શોલે ચાલુ છે તે સમજાયા બાદ પોલીસ પણ ટોળામાં જમા થઈ ગઈ હતી . શોલેની આ ઘટનાનેે કારણે પૂના એર હોમનુું જબરજસ્ત માર્કટિંંગ થયું હતુું. 

 ૨ . જૈન આચાર્યનો પ્રથમ સંપર્ક

રેડિયો અને ગ્રામોફોનની ટક્કર લેવા કેસેટ આવી હતી . પૂના એર હોમે  ગ્રામોફોન ડીશના ઓડિયોઝ , કેસેટમાં ટ્રાન્સફર  કરી આપવાનું નવું કામ શરૂ કર્યું  . માર્કેટમાં રેેેડિયોની જગા ટેપરેકોર્ડર લેશે તે સમજાઈ રહ્યુું હતું .  પૂના એર હોમની ટીમમાં હરિદાસભાઈના બે પુત્રો હતા : સુરેશભાઈ અને અનિલભાઈ . સુરેશભાઈના પત્ની જયાબેને ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો : પપ્પુ , રાજુ , ટીનુ . પપ્પુનું મુખ્ય નામ ભૂપેશ . રાજુનું મુખ્ય નામ અમિત . ટીનુનું મુખ્ય નામ પ્રકાશ . અનિલભાઈના પત્ની કોકિલાબેને બે સંતાનને જન્મ આપ્યો હતો : નયન અને આશા . સુરેશભાઈ અને અનિલભાઈ દુકાનને પૂરપાટ વેગે આગળ લઈ જઈ રહ્યા હતા . માર્કેટમાં ટીવીનું ચલણ પણ જામવા લાગ્યું . ટીવી રિપેરિંગનું વર્ક સુરેશભાઈના હાથમાં રહે તેવો તખ્તો ઘડાયો . સુરેશભાઈએ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના જમાનામાં કલર ટીવીનું રિપેરિંગ શીખી લીધું હતું . આજના સમયમાં જેમ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની માસ્ટરી એ મોટી વાત ગણાય છે તેમ એ સમયમાં ટીવી રિપેરિંગ ઘણી જ મોટી બાબત હતી . સુરેશભાઈએ , પત્ની અને બાળકો સાથે અલગ ઘરમાં રહેવાપૂર્વક ટીવી રિપેરિંગ પર ફોકસ જમાવ્યું .
તે દરમ્યાન બે જૈન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ માટે પૂના એર હોમની સાઉન્ડ સિસ્ટમ મંગાવવામાં આવી . હરિદાસભાઈ ચુસ્ત વૈષ્ણવ . જૈન સાધુઓ નહાતા નથી આ બાબતની તેમને ભારે સૂગ . મંદિરનાં કામમાં વાંધો હતો નહીં . સુરેશભાઈ , સાઉન્ડ ફીટિંગ કરાવવા અને સાઉન્ડ ચેકિંગ કરવા માટે ગયા . ત્યાં એમને ખબર પડી કે અહીં આવેલા જૈન સાધુને સાંભળવા સેંકડો લોકો આવે છે પરંતુ આ જૈન સાધુ માઈક વાપરતા નથી . નામ પૂછ્યું . જવાબમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ સાંભળવા મળ્યું . આશ્ચર્ય થયું : વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ જેમને મળેલું હોય તે માઈક ન વાપરે ? જોવા ગયા કે  આખી સભાને અવાજ કેવી રીતે પહોંચે છે ? દેખાયું કે ખરેખર માઈક વગર વ્યાખ્યાન ચાલી રહ્યું હતું અને સૌને અવાજ પહોંચી રહ્યો હતો . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યારે એક પ્રતિષ્ઠાના વિરોધમાં હતા અને બીજી પ્રતિષ્ઠાનાં સમર્થનમાં હતા . આ પણ જાણવા મળ્યું . એક જ આચાર્ય , બે મંદિરની પ્રતિષ્ઠા અંગે બે અલગ મંતવ્યો ધરાવે છે તે અજીબ લાગ્યું . પછી ખબર પડી કે આ જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાનાં સમર્થનમાં છે તેનો વિરોધ શરૂ થયેલો છે . એ પણ ખબર પડી કે જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાના વિરોધમાં છે તે પ્રતિષ્ઠા માટે એક મોટો વર્ગ તરફેણ કરી રહ્યો છે . આવી ગૂંચવાડા જેવી પરિસ્થિતિ જોઈને સુરેશભાઈને આ આચાર્ય ભગવંત માટે એક કુતૂહલ પેદા થયું . વ્યક્તિગત રીતે મળાય તેવી પોતાની ભૂમિકા હતી નહીં તે યાદ હતું . વ્યાખ્યાન સાંભળવાનો રસ જાગ્યો . એ સાઉન્ડ સિસ્ટમનો ઓર્ડર , પૂના એર હોમને ન મળ્યો હોત તો કદાચ , ભાયાણી પરિવારમાં કોઈ જ વાવંટોળ જાગત નહીં . 

૩ . પરિવર્તનનો પ્રારંભ

ભાયાણી પરિવાર ધાર્મિક હતો . વૈષ્ણવ પરંપરા . નાની હવેલી અને મોટી હવેલીએ જવાનું એટલે જવાનું જ . શ્રીનાથજી , જમનાજી , રાધાજીનાં દર્શન વગર કોઈને ન ચાલે . શ્રી કૃષ્ણઃ શરણં મમ-ની માળા સૌ ગણે . જલારામ બાપા પર ખૂબ આસ્થા . આળંદી અને વિઠ્ઠલવાડીની યાત્રાઓ ચાલતી જ હોય . નવરાત્રિમાં નાચવા જવાનું . ગણપતિમાં રાતે ફરવા જવાનું . દીવાળીએ ફટાકડા ફોડવાના . ઘરમાં રામાયણ , મહાભારત , ભાગવતનું વાંચન થતું . રામચંદ્રજી ડોંગરે , મોરારિબાપુ , આઠવલેજી જેવા વરિષ્ઠ કથાકારોનો સત્સંગ કરવામાં ભાયાણી પરિવાર આળસ ન રાખે . વરસે એકવાર પંઢરપુરની ડિંડીમાં હજારો હજારો મરાઠી યાત્રાળુઓ દુકાન પાસેથી પદયાત્રાએ નીકળે તેમને અલ્પાહાર અપાતો .

પાડોશીઓ સાથે ખાસ્સો ઘરોબો . ખાવાપીવાનો શોખ તગડો . મન્ના ડે , તલત મહેબૂબ , સાયગલ , સુરૈયા , મોહમ્મદ રફી , મુકેશ , કિશોરકુમાર જેવા ગાયકો અને પૃથ્વીરાજ કપૂર , સોહરાબજી મોદી , અશોકકુમાર , રાજ કપૂર , અમિતાભ બચ્ચન જેવા અભિનેતાઓ વિશે લાંબી લાંબી વાતો થતી કેમ કે આ જ બિઝનેસ લાઈન હતી . મશીન રિપેરિંગમાં સતત મોટા અવાજે સાઉન્ડ ટેસ્ટિંગ કરવું પડતું તેને લીધે એવી મજાક રોજેરોજ અરસપરસ થતી રહેતી  કે આપણને નાની ઉંમરે બહેરાશ આવી જવાની છે.  બાળકોને આરસીએમ ગુજરાતી સ્કૂલમાં ભણવા મૂક્યા હતા . બાળકો , દરવરસે સમાજમિલનમાં , ગુડ એજ્યુકેશન કેટેગરીનું સ્પેશ્યલ ઈનામ જીતી લાવતા . વ્યાવસાયિક , પારિવારિક અને સામાજિક વર્તુળ સેટ હતું તેમાં ક્યાંય જૈનધર્મનું નામોનિશાન  નહોતું .
સુરેશભાઈને સ્વીમિંગનો ભારે શોખ . બેકસ્ટ્રોક પોઝિશનમાં બોડીને ફ્લોટિંગ મોડ પર મૂકી દે . કાન પાણીમાં ડૂબે , બહારના અવાજો બંધ થાય અને અગાધ શાંતિ અનુભવે , ખુલ્લા નાકે શ્વાસ લેતા રહે . એકવાર પત્ની સાથે હોટેલમાં ગયેલા ત્યારે એટલાબધા ઓર્ડર આપતા ગયા કે વીસ પચીસ વેઈટર્સ ઓછા પડી ગયા હતા .  ઇલેક્ટ્રોનિક ઇંજીનિયરિંગમાં એમઈ સુધી પહોંચેલા . વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા . સ્પષ્ટવાદી સ્વભાવ . મર્યા પછી ક્યાંક જવાનું છે આટલી શ્રદ્ધા પાકી હતી . मैं मृत्यु सिखाता हूं – ના ઉદ્ઘોષક આચાર્ય રજનીશને સાંભળવા પણ જતા .

અમુક વિચારો દિમાગમાં સ્પષ્ટ હતા : મર્યા બાદ , ફરી જનમવું જ પડે . આ ચક્રનો અંત આપણા હાથમાં નથી . ભગવાનની ભક્તિ થકી સારી જગ્યાએ નવો જનમ થાય . સુખનો અહેસાસ અનેક રસ્તે થાય છે , સુખ કેવળ ભૌતિક સીમાઓમાં બંધાયેલું નથી . ભૌતિકતા સિવાયના સુખની ખોજ ચાલુ રહેતી .

મહામહિમ સૂરિસમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં વ્યાખ્યાનો સાંભળવાનું શરૂ કર્યું ત્યારે એવું લાગ્યું કે આજસુધી ગાડી જ્યાં અટકેલી છે ત્યાંથી આગળ વધવાની વાત અહીં થઈ રહી છે . ચાલુ વ્યાખ્યાનમાં ઉટપટાંગ સવાલો પૂછે . જડબાતોડ જવાબ મળે તેનાથી રાજી થાય . અમુક વિચારો જે સૅટ થઈ ચૂક્યા હતા તેમાં સુધારો પણ થવા લાગ્યો અને વધારો પણ થવા લાગ્યો . જૈન દૃષ્ટિએ ભગવાનનું સ્વરૂપ શું છે એ અંગે લાંબો વિચારવિમર્શ થયો . કોઈ પણ આત્મા , સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકે છે આ વાત ધીમે ધીમે સમજમાં આવી . આ વાત એકદમ જ ગમી ગઈ . હું પણ સિદ્ધ અવસ્થાએ ભગવાન્ બની શકું છું આ વિચારણાએ આત્મામાં નવું જોશ ભરી દીધું . જૈન આચાર્ય ભગવંત સાથેના પ્રારંભિક પરિચયમાં જ હૈયે એક સંકલ્પ જાગ્યો . વૈષ્ણવ ધર્મના ત્યાગનો સંકલ્પ . જૈન ધર્મના સ્વીકારનો સંકલ્પ . જોકે , આ સંકલ્પની જાણકારી , ભાયાણી પરિવારને કેવી રીતે આપવી આ પ્રશ્ન ઘણો જ મોટો હતો . 

૪ : જંજાળો વધારવી નથી

અત્યાર સુધી જૈન મંદિરને પરાયું માનતા હતા , જૈન મૂર્તિને નજરે નિહાળવાનો કોઈ રસ નહોતો . હવે જૈન મંદિર અને જૈન મૂર્તિ માટે આકર્ષણ જાગ્યું . જૈન મૂર્તિની શાંત મુખમુદ્રા , પદ્માસન આકૃતિ , વિશાળ આંખો જોઈને મોક્ષ અવસ્થાની કલ્પના આવી અને એ કલ્પનાથી રોમ રોમ વિકસિત થઈ ગયા . મૂર્તિને જોઈને ખુદનો મોક્ષ યાદ આવ્યો અને મોક્ષની સભાન કલ્પનાથી એવો આહ્લાદ અનુભવ્યો કે આંખો અર્ધી મિંચાઈ ગઈ , શરીરમાં અહોભાવજનિત કંપ પેદા થયો . આ છેલ્લા બે વાક્યોમાં કોઈ અતિશયોક્તિ નથી બલ્કે આ બે વાક્યોમાં નગદ સ્વભાવોક્તિ છે . શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શબ્દો અનુસાર વિચાર નિર્માણ કર્યું હતું : ભગવાનની મૂર્તિને જોઈને જેને પોતાનો મોક્ષ યાદ આવે તે સાચો જૈન , આ વાક્યને અનુસરીને કલ્પના કરવાની કોશિશ કરતા . જેટલો વિચાર સ્પષ્ટ હોય એટલું પરિણામ ઊંચું આવે . સુરેશભાઈનું જૈનત્વ અહીંથી શરૂ થયું . ભગવાન સંબંધી માન્યતામાં જે પરિવર્તન આવ્યું તેને દાર્શનિક પરિવર્તન પણ કહી શકાય . 

ભગવાનને જોઈને ભગવાન્ બનવાનું મન થાય છે . એવું નથી કે ભગવાનનો વૈભવ આકર્ષે છે . ભગવાનનાં સુખનું સ્તર આકર્ષે છે . ભગવાનનો વિશુદ્ધ સ્વભાવ આકર્ષે છે . આવું સુખ અને આવો સ્વભાવ મારામાં પ્રકટી શકે છે આ વાત તો સાત જન્મે પણ વિચારી નહોતી ……., સુરેશભાઈનું આ આત્મસંવેદન હતું .
એક તરફ વીતરાગ પ્રભુની મૂર્તિ , આલંબન બનીને પરમ પદની પ્રેરણા આપી રહી હતી . બીજી તરફ પ્રશ્ન જાગતો હતો કે પરમ પદની મંઝિલ સુધી પહોંચવા માટે કેવો અને કેટલો પુરુષાર્થ કરવાનો રહેશે ? મારે ક્યાંથી અને કેવી રીતે જૈનત્વનું આચારપાલન શરૂ કરવાનું છે ?

દેરાસર ઉપાશ્રય સંબંધી વિધિની કોઈ જ જાણકારી નહોતી . ભીખુભાઈ , તેજપાલભાઈ જેવા જૈન મિત્રોની સંગતે સૂત્રો અને ક્રિયાઓ શીખવા લાગ્યા . રાત્રે નહીં ખાવાનું , અમુક શાકભાજી નહીં ખાવાની , જૈન મુનિ ભગવંતોનાં વ્યાખ્યાનોમાં જવાનું … આ સિલસિલો શરૂ થયો . ભાયાણી પરિવારનું વાતાવરણ એકદમ સૅટ હતું તેમાં ખલેલ પહોંચવા માંડી .

ક્રાઉન ટીવીની ઓફિસ પૂનામાં ચાલુ થઈ તેના મેનેજર બનવાની ઓફર સુરેશભાઈને મળી . આ ઓફરથી સ્ટેટસ અને મની , બંનેમાં ઘણોમોટો ફાયદો થશે એ નક્કી હતું . લક્ષ્મી ઘરઆંગણે ચાંદલો કરવા આવી હતી , જાણે . ભાયાણી પરિવારમાં અને લોહાણા સમાજમાં કોઈને આટલી મોટી ઓફર , આજસુધીમાં મળી નહોતી . સૌને એમ હતું કે હમણાં સુરેશભાઈ ઓફર સ્વીકારી લેશે . બન્યું કાંઈક જુદું જ . સુરેશભાઈએ એ ઓફર ઠુકરાવી દીધી . કંપનીને સખ્ખત આશ્ચર્ય થયું . સ્વજનોને અને આત્મીયજનોને આંચકો લાગ્યો .

શું કામ ના પાડી દીધી ? – સુરેશભાઈને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ઠંડે કલેજે જવાબ આપ્યો : મારે હવે , આ બધી જંજાળો વધારવી નથી . 

૫ : કામ કપરું હતું

સારા વિચારને શીખવાનો હોય . સારા વિચારને ચકાસવો પડે છે સૌપ્રથમ , એ વિચારના વિરોધમાં જનારી દલીલો હારી જાય ત્યારસુધી ચકાસવો પડે છે એ વિચારને . એ વિચાર સમુચિત છે તે એકવાર પૂરવાર થઈ જાય તે પછી એ વિચારને ભાવના સાથે જોડવો પડે છે . જે વિચાર ગોખણપટ્ટીની જેમ દિમાગમાં જમા રહે છે તે ઝાઝો ઉપયોગી નથી બનતો . જે વિચાર ભાવનાની સાથે જોડાય છે તે જીવનને બદલે છે . લર્ન ધ થૉટ્સ . એડૉપ્ટ ધ થૉટ્સ . આ પ્રક્રિયા જીવનભર માટે અપનાવી રાખવાની છે .

સુરેશભાઈએ સ્વ – ઘડતર માટે આ નીતિનો અમલ કર્યો હતો . મારે જે જે શીખવાનું બાકી છે તે ઘણું ઘણું ઘણું છે . મારે જે જે જીવનમાં ઉતારવાનું બાકી છે તે પણ ઘણું ઘણું ઘણું છે . એક માર્ગદર્શક માથે હોવો જોઈએ , જે વિચાર શીખવે અને વિચારતાં શીખવે . કાર્પેટવાળા મહેન્દ્રભાઈ મહેતાને માર્ગદર્શક બનાવ્યા . મહેન્દ્રભાઈ જૈનશાસનના પ્રખર જાણકાર . સુંદર વાચનાઓ આપે . મિથ્યાત્વ , સમ્યક્ત્વ , મોક્ષ આદિ વિષયો પર ગહન વિશ્લેષણ કરી શકે . પૂનામાં એક વાચના ગ્રૂપ બની ગયું હતું મહેન્દ્રભાઈનું . એમાં હવે સુરેશભાઈ જોડાયા . સાંજે અથવા બપોરે વાચના રાખવામાં આવે . આઠ દશ શ્રોતાઓ હોય . મહેન્દ્રભાઈ – અરિહંત , સાચું સુખ , મોહનીય કર્મ , ભક્તિ , આજ્ઞા , અધ્યાત્મ જેવા ઉચ્ચ સ્તરીય વિષયોને ઊંડાણપૂર્વક અને લંબાણથી સમજાવે . સુરેશભાઈ સમક્ષ આ વાચનાઓએ અણમોલ ખજાનો ખોલી દીધો .
શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા લાંબો સમય રોકાયા નહીં . નવી દિશા ચીંધીને તેઓ વિહાર કરી ગયા . એ દિશાને પકડી રાખવાની જવાબદારી સુરેશભાઈની હતી , એ દિશામાં આગળ વધવાની જવાબદારી પણ સુરેશભાઈએ જ નિભાવવાની હતી . ગુરુએ જે દિશા આપી હતી તે જ દિશામાં તેઓ પા પા પગલી ભરતા રહ્યા .
એક તરફ – તેઓ મહેન્દ્રભાઈની વાચનાઓ સાંભળતા અને મહેન્દ્રભાઈ સાથે વ્યક્તિગત વાર્તાલાપ પણ કરતા .
બીજી તરફ – બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘરદેરાસર હતું , તેમાં ગુલાબી રંગના પાર્શ્વનાથ ભગવાન્ હતા , ત્યાં પૂજા કરવા જવા માંડ્યા . પૂજાનાં કપડાં , વાસક્ષેપ પૂજા , પ્રક્ષાળ , અંગલૂંછણાં , નવાંગી તિલક , પુષ્પો , ચામર – દર્પણ , ધૂપ-દીપ , અક્ષત – નૈવેદ્ય – ફળ , ચૈત્યવંદન , આરતી મંગલદીપ .. આ મંગલ ક્રિયાઓ સાથે જોડાતા ગયા . એમ સમજો કે મહેન્દ્રભાઈ પાસેથી આજ્ઞા અને આશયશુદ્ધિનો બોધ મેળવતા રહ્યા અને ભીખુભાઈ પાસેથી સૂત્રો અને ક્રિયાઓનું જ્ઞાન ઉપાર્જિત કરતા રહ્યા .

ભાયાણી પરિવારમાંથી અન્ય કોઈ વ્યક્તિ , જૈન ધર્મ સાથે જોડાવા તૈયાર નહોતી . અગિયાર સભ્યોનું કુટુંબ હતું એમાં દશ સભ્યોને જૈન ધર્મમાં કોઈ જ રસ નહોતો . એ સૌ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિપાટીને ચુસ્ત રીતે વફાદાર હતા . એકમાત્ર સુરેશભાઈ જૈનધર્મના રસ્તે આગળ વધી રહ્યા હતા . પિતા હરિદાસભાઈ , લઘુબંધુ અનિલભાઈ અને ધર્મપત્ની જયાબેન – જૈનધર્મ તરફ વળશે એવી કોઈ ઉમ્મીદ હતી નહીં. સુરેશભાઈ માટે કામ કપરું હતું : પરિવારની સાથે જ રહેવાનું હતું અને જૈનધર્મનો રસ્તો બિલકુલ છોડવાનો નહોતો .

૬ . કશ્મકશ

૪૮૮ , રવિવાર પેઠ , પૂના – ૨ .

સુરેશભાઈનાં ઘરનું આ સરનામું . આ ઘરમાં  સુરેશભાઈએ જૈન નિયમોનું પાલન ચાલુ કર્યું . તેમાંથી આવી કશ્મકશ સર્જાતી ગઈ .

૧ . ઘરમાં રાતે ખાવાનું ચલણ વરસોથી હતું . સુરેશભાઈ સાંજે ચોવિહાર કરવા લાગ્યા . રાતે ન ખાવું આ વાત સમજ બહારની હતી ભાયાણી પરિવાર માટે . રાત્રે ખાવામાં શું પ્રોબ્લેમ છે ? આની બહસ થતી .
૨ . ઘરમાં બનતા શાકમાં , અમુક સબ્જીઓ લેવાનું સુરેશભાઈએ બંધ કર્યું . ઘર માટે આ અજબની વાત હતી . આ શાક ચાલે અને પેલા શાક ન ચાલે આવો ભેદભાવ શું કામ ? ચણભણ થતી રહેતી .
૩ . સુરેશભાઈ ઉકાળેલું પાણી પીવાનું શરૂ  કર્યું . ઘરને આમાં કાંઈ સમજાય નહીં . ઉકાળેલાં પાણીની સામે રીતસરની દલીલો ખડકાતી .
૪ . સુરેશભાઈ જમ્યા બાદ થાળી ધોઈને પીવા લાગ્યા . થાળીનું ધોવાણ ગટરમાં જાય જ નહીં એની તકેદારી લેતા . આ પ્રવૃત્તિમાં ગંદવાડનો અહેસાસ થતો સૌને .
૫ . પાટલો મૂકીને , તેની પર  થાળી મૂકીને જમવાનું . એકાસણું અથવા બિયાસણું . આવા તે કાંઈ નિયમ હોય ? બગાવતનો ભાવ જાગતો ઘરમાં .
૬ . સુરેશભાઈનું જૈન મંદિરમાં જવાનું વધી ગયું . સવારે દેરાસરે જવાનું . પાછા આવે ત્યારે કપાળે ચંદનનું તિલક હોય . આની સામે ઘરના બાળકો હવેલીએ જઈને વૈષ્ણવ ધર્મની કંઠી બંધાવી આવ્યા . स्वधर्मे निधनं श्रेयः આ ગીતાવચન કામનું  લાગવા માંડ્યુું , અચાનક .

૭ . ઘરમાં પંચપ્રતિક્રમણ અને સ્નાત્ર પૂજાનાં પુસ્તક આવ્યાં . ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः આ મંત્રાક્ષરો વાંચીને , બાળકો – હા હી હૂ હૈ હૌ હઃ – આવો ઉચ્ચાર કરે અને મજાક ઉડાવે . અલબત્ – સુરેશભાઈની ગેરહાજરીમાં .
૮ . ઘરના કબાટ પર મોટી ટેલિફોન ડિરેક્ટરી રહેતી તેના પાછલા કવર ઉપર શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનો ફોટો મૂક્યો સુરેશભાઈએ . આનું રિએક્શન એ આવ્યું કે એ જ ટેલિફોન ડિરેક્ટરીના આગલા કવર ઉપર , નાની હવેલીના વૈષ્ણવ ધર્મગુરુનો ફોટો ફીટ થઈ ગયો . દીવાલના ટેકે એ ડિરેક્ટરી ઊભી રહે તેમાં ક્યારેક જૈનાચાર્ય ફ્રન્ટમાં દેખાય , ક્યારેક વૈષ્ણવાચાર્ય ફ્રન્ટમાં દેખાય .
૯ . જૈનો અને જૈન સાધુઓ કેવા મહાન હોય છે તેની રજૂઆત સુરેશભાઈ કરતા . જૈનો કેવા વિચિત્ર હોય અને જૈન સાધુ કેવા અસ્નાત , અશુચિ હોય એની ચર્ચા સુરેશભાઈની ગેરહાજરીમાં થતી .
૧૦ . પાણીમાં જીવ હોય , વાયુમાં જીવ હોય આ વાત સુરેશભાઈ કહેતા . એના વિરોધમાં બાળકો અંદર અંદર તે તે જીવત્વના પુરાવા શોધતા અને પુરાવાના અભાવે આ વાત ખોટી છે એવું માની લેતા . અલબત્ત , સુરેશભાઈને મોઢામોઢ કહી શકાતું નહીં .
૧૧ . વાણિયા અને મારવાડી આ બે શબ્દ સાથે , જે બિઝનેસ માઇન્ડેડ એટીટ્યૂડની અફવા જોડાયેલી છે તેનો સુરેશભાઈમાં છાંટોય નહોતો . હરિદાસભાઈ નારાજગીથી બોલતા : વાણિયા ભેગો રહીને આ પણ વાણિયો થઈ જશે .
૧૨ . દુકાને તોરણ બંધાય એમાં ગલગોટાના ફૂલ વપરાય . એ ફૂલની પીળી પાંદડીઓ બાળકોના માથા પર દેખાય એટલે હરિદાસભાઈ ભડકી ઊઠે . એમને લાગે કે આ બાળકો જૈન સાધુનો વાસક્ષેપ માથે લઈ આવ્યા છે . એ બાળકોના વાળ ઝાપટીને કન્ફર્મ કરે કે આ વાસક્ષેપ નથી . જૈન સાધુ આપણને અડે તો આપણે નાહી લેવાનું એમ હરિદાસભાઈ બાળકોને સમજાવે .

આવી ઝીણી ઝીણી કશ્મકશ રોજેરોજ ચાલતી રહે . સુરેશભાઈને ફેસ ટુ ફેસ કહેવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે કેમ કે દલીલબાજી અને કડકાઈમાં સુરેશભાઈને કોઈ ટક્કર ન આપી શકે . ધર્મ કરવો હજી સરળ છે પરંતુ પરિવારની નારાજગી વહોરીને ધર્મ કરવો એ ઘણું કઠિન છે . સુરેશભાઈ  કઠિન કામ કરી રહ્યા હતા . ( ક્રમશઃ )

૭ . સુરેશભાઈ ટીવીવાળા

રવિવાર પેઠનું ઘર એટલે ત્રણ માળની ઊંચી ઈમારત . સત્તર કુટુંબો એક સંપે રહે . ગુજરાતી , મારવાડી , મરાઠી , સિંધી સૌનો એકબીજા સાથે ઘર જેવો સંબંધ . આજના મોંઘા ફ્લેટ્સમાં રહેનારાઓ એ એકતાની કલ્પના જ ન કરી શકે . સત્તર ઘરના દરવાજા રાતે સૂવાના સમયે બંધ હોય બાકી દિવસભર એકબીજાની માટે એ દરવાજા ખુલ્લા હોય . બધાયના ઘરે ટીવીનો ડબ્બો આવ્યો નહોતો . જોવું હોય બધાને . એટલે એક ઘરમાં ચાર પાંચ કુટુંબો ભેગા બેસીને કલાકભર ટીવી જુએ અને વાતોના તડાકા મારે . આજે એક ઘરે મેળો જામ્યો હોય તો કાલે બીજા ઘરે . સુરેશભાઈના ઘેર પણ દૂરદર્શન સમક્ષ ટીવીસભાઓ ભરાતી . સુરેશભાઈનું ઘર સત્તાવાર રીતે ટીવીવિહોણું હતું કેમકે ટીવી ખરીદ્યું નહોતું પરંતુ સુરેશભાઈનાં ઘરે દરમહિને નવા જ મોડેલના ટીવી આવે , રિપેર થાય અને એ ટીવી દિવસો સુધી ચેકિંગ માટે ઘરમાં જ રહે . એક ટીવી સાજું થઈને જાય ત્યાં બીજું ટીવી પેશંટ બનીને આવી પહોંચે . એની તબિયત સુધરે ત્યાં વળી ત્રીજું ટીવી ટ્રીટમેન્ટ લેવા આવી જાય . સુરેશભાઈનાં ઘરમાં ટીવીઓની અવરજવર ચાલતી જ હોય . એને લીધે એમનું નામ બની ગયું સુરેશભાઈ ટીવીવાળા . સુરેશભાઈને ટીવી રિપેરિંગ માટે હોમ વિઝિટના ફોન આવતા . એક બેગ લઈને તેઓ રિપેરિંગ કરવા જાય . ટીવી રિપેરિંગ માટેની હોમ વિઝિટ્સ ઘણી થતી તેને કારણે , સુરેશભાઈ ટીવીવાળા આ નામ ફેલાતું ગયું . એમને મોટી ઓફિસ ખોલવાનો શોખ નહોતો , મોટી કંપનીમાં કામ કરવાની લાલચ નહોતી વરના એ પોતાની ઓફિસ બનાવી શકત અથવા મોટી કંપનીની ઊંચી પૉસ્ટ પર હોત . પોતાની જમીન ખરીદીને એની પર બંગલો ઊભો કરી શક્યા હોત , પણ સાદગીના જીવને ટીવીરિપેરિંગથી સંતોષ હતો . દુનિયાની સૉકૉલ્ડ શ્રીમંતાઈનો દબદબો ગમતો નહોતો . પહેરવા માટે સ્વખરીદીનાં કપડાં હોય , પેટપૂરતું જમવાનું હોય અને પોતીકા ઘરની છત હોય એટલે ભયો ભયો : આવો આદર્શ હતો એટલે સાદગીનું ધોરણ રાખતા . મોટી મોટી ઓફર અને તકને સલુકાઈથી ટાળી દેતા . મેનેજમેન્ટની ભાષામાં કહીએ તો ઓપોર્ચ્યુનિટીઝને એવોઈડ કરી દેતા . ઘરમાં પત્ની અને ત્રણ બાળકોને સાદગીના પાઠ પઢાવતા .
અને છતાં સૌની સાથે એન્ટરટેઈનમેન્ટનો રિશ્તો બનેલો રહેતો . મળે , વાતો કરે , ઘુમવાફરવાના પોગરામ બનાવે . લોજિક વિનાની વાતો કરે નહીં અને સાંભળે નહીં . પટે એની સાથે પટે . બાકી બીજાને બહુ ગાંઠે નહીં . લગનમાં રસોડું હોય તો સેંકડો , હજારો થાળીઓનો કારભાર એમનાં માર્ગદર્શન હેઠળ સલામત . કોર્ટકચેરીના મામલામાં વકીલોને ભેખડે ભેરવી દે . અંતિમસંસ્કારની વિધિમાં અથ થી ઈતિ સુધી વ્યવસ્થા સંભાળે . ડૉક્ટરો સાથે ખૂબ જામે . રહેતા’તા નાના ઘરમાં પણ પહોંચ ઘણી લાંબી હતી . સોશ્યલી સતત એક્ટિવ રહેતા . મલ્ટીટાસ્કિન્ગ પર્સનાલિટી હતી . સૌની ચિંતા રાખે અને સૌને કામ આવે . બોલવામાં કડક પણ મનમાં કાંટો ન રાખે . પોપ્યુલર નામ હતું . આ સુરેશભાઈ , કોઈ જૈન સાધુની વાતમાં આવી જાય એ માનવું મુશ્કેલ હતું . પણ સુરેશભાઈ બદલાઈ રહ્યા છે તે દેખાઈ રહ્યું હતું . પીવાનું પાણી હવે ઉકાળેલું રહેતું . થાળીમાં ઠારીને ઠંડુ કરતા અને પ્લાસ્ટીકની મોટી બોટલમાં ભરી લેતા . જ્યાં જાય ત્યાં આ બોટલ સાથે હોય . ત્રણ ટાઈમ ખાવાને બદલે બિયાસણા કરવા લાગ્યા . રસોડામાં પાટલો પાથરીને થાળી મૂકતા . પત્ની અને ત્રણ બાળકોને જૈન બનાવી દેવાની ઉતાવળ નહોતી . ઘરમાં જૈન કલ્ચર અને વૈષ્ણવ કલ્ચર એકસાથે રહેતા હોય એવું વાતાવરણ બની ગયું . બોલીને બતાવવું એના કરતાં કરીને બતાવવું , એવો સુરેશભાઈનો નિયમ . આ લોકોને કહીશ કે સમજાવીશ તો માનવાના નથી . હું જે કરીશ તે એમને જોવા મળશે . ગમે કે ન ગમે પણ જે જોયું એની પર આમને વિચારવું તો પડશે જ . ઘરના ચારેય સભ્યો પર આ પોલિસીએ કામ કર્યું . સુરેશભાઈનું ડ્રેસ કલેક્શન સારું હતું . પ્રભાવશાળી વ્યક્તિત્વને વધુ રૂઆબદાર બનાવે એવા કપડાં , ચશ્મા , ઘડિયાળ અને બૂટ વાપરવાનું છોડી દીધું . સાદો લેંઘો ઝભ્ભો જિંદગીભર માટે અપનાવી લીધો . દીવાળી જેવા દિવસોમાં મહારાષ્ટ્રીયન ટોપી પહેરે . બાકી બધે સાદગી . પૈસા માટે જીવન કે જીવન માટે પૈસા , આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો હતો . પૈસા માટે જીવન ન હોય . જીવનપૂરતો પૈસો હોય .
ઘર પરિવારે અને પડોશીઓએ પહેલાં એમને જૈન બનતા જોયા . એ જૈન સાધુ બનવાના ઉદ્દેશ્યપૂર્વક , ઘર છોડીને ક્યાંક જતા રહેશે એવું કોઈની કલ્પનામાં પણ નહોતું . પરંતુ બન્યું તો એવું જ .  ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.