રેડિયો અને ગ્રામોફોનની ટક્કર લેવા કેસેટ આવી હતી . પૂના એર હોમે ગ્રામોફોન ડીશના ઓડિયોઝ , કેસેટમાં ટ્રાન્સફર કરી આપવાનું નવું કામ શરૂ કર્યું . માર્કેટમાં રેેેડિયોની જગા ટેપરેકોર્ડર લેશે તે સમજાઈ રહ્યુું હતું . પૂના એર હોમની ટીમમાં હરિદાસભાઈના બે પુત્રો હતા : સુરેશભાઈ અને અનિલભાઈ . સુરેશભાઈના પત્ની જયાબેને ત્રણ સંતાનને જન્મ આપ્યો હતો : પપ્પુ , રાજુ , ટીનુ . પપ્પુનું મુખ્ય નામ ભૂપેશ . રાજુનું મુખ્ય નામ અમિત . ટીનુનું મુખ્ય નામ પ્રકાશ . અનિલભાઈના પત્ની કોકિલાબેને બે સંતાનને જન્મ આપ્યો હતો : નયન અને આશા . સુરેશભાઈ અને અનિલભાઈ દુકાનને પૂરપાટ વેગે આગળ લઈ જઈ રહ્યા હતા . માર્કેટમાં ટીવીનું ચલણ પણ જામવા લાગ્યું . ટીવી રિપેરિંગનું વર્ક સુરેશભાઈના હાથમાં રહે તેવો તખ્તો ઘડાયો . સુરેશભાઈએ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીના જમાનામાં કલર ટીવીનું રિપેરિંગ શીખી લીધું હતું . આજના સમયમાં જેમ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની માસ્ટરી એ મોટી વાત ગણાય છે તેમ એ સમયમાં ટીવી રિપેરિંગ ઘણી જ મોટી બાબત હતી . સુરેશભાઈએ , પત્ની અને બાળકો સાથે અલગ ઘરમાં રહેવાપૂર્વક ટીવી રિપેરિંગ પર ફોકસ જમાવ્યું .
તે દરમ્યાન બે જૈન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ માટે પૂના એર હોમની સાઉન્ડ સિસ્ટમ મંગાવવામાં આવી . હરિદાસભાઈ ચુસ્ત વૈષ્ણવ . જૈન સાધુઓ નહાતા નથી આ બાબતની તેમને ભારે સૂગ . મંદિરનાં કામમાં વાંધો હતો નહીં . સુરેશભાઈ , સાઉન્ડ ફીટિંગ કરાવવા અને સાઉન્ડ ચેકિંગ કરવા માટે ગયા . ત્યાં એમને ખબર પડી કે અહીં આવેલા જૈન સાધુને સાંભળવા સેંકડો લોકો આવે છે પરંતુ આ જૈન સાધુ માઈક વાપરતા નથી . નામ પૂછ્યું . જવાબમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ સાંભળવા મળ્યું . આશ્ચર્ય થયું : વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ જેમને મળેલું હોય તે માઈક ન વાપરે ? જોવા ગયા કે આખી સભાને અવાજ કેવી રીતે પહોંચે છે ? દેખાયું કે ખરેખર માઈક વગર વ્યાખ્યાન ચાલી રહ્યું હતું અને સૌને અવાજ પહોંચી રહ્યો હતો . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્યારે એક પ્રતિષ્ઠાના વિરોધમાં હતા અને બીજી પ્રતિષ્ઠાનાં સમર્થનમાં હતા . આ પણ જાણવા મળ્યું . એક જ આચાર્ય , બે મંદિરની પ્રતિષ્ઠા અંગે બે અલગ મંતવ્યો ધરાવે છે તે અજીબ લાગ્યું . પછી ખબર પડી કે આ જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાનાં સમર્થનમાં છે તેનો વિરોધ શરૂ થયેલો છે . એ પણ ખબર પડી કે જૈન આચાર્ય જે પ્રતિષ્ઠાના વિરોધમાં છે તે પ્રતિષ્ઠા માટે એક મોટો વર્ગ તરફેણ કરી રહ્યો છે . આવી ગૂંચવાડા જેવી પરિસ્થિતિ જોઈને સુરેશભાઈને આ આચાર્ય ભગવંત માટે એક કુતૂહલ પેદા થયું . વ્યક્તિગત રીતે મળાય તેવી પોતાની ભૂમિકા હતી નહીં તે યાદ હતું . વ્યાખ્યાન સાંભળવાનો રસ જાગ્યો . એ સાઉન્ડ સિસ્ટમનો ઓર્ડર , પૂના એર હોમને ન મળ્યો હોત તો કદાચ , ભાયાણી પરિવારમાં કોઈ જ વાવંટોળ જાગત નહીં . ( ક્ર્મશઃ )
સંવેગ કથા : ૨ . જૈન આચાર્યનો પ્રથમ સંપર્ક
131
previous post
