Home Gujaratiસંવેગ કથા . ૪ : જંજાળો વધારવી નથી

સંવેગ કથા . ૪ : જંજાળો વધારવી નથી

by Devardhi
0 comments

અત્યાર સુધી જૈન મંદિરને પરાયું માનતા હતા , જૈન મૂર્તિને નજરે નિહાળવાનો કોઈ રસ નહોતો . હવે જૈન મંદિર અને જૈન મૂર્તિ માટે આકર્ષણ જાગ્યું . જૈન મૂર્તિની શાંત મુખમુદ્રા , પદ્માસન આકૃતિ , વિશાળ આંખો જોઈને મોક્ષ અવસ્થાની કલ્પના આવી અને એ કલ્પનાથી રોમ રોમ વિકસિત થઈ ગયા . મૂર્તિને જોઈને ખુદનો મોક્ષ યાદ આવ્યો અને મોક્ષની સભાન કલ્પનાથી એવો આહ્લાદ અનુભવ્યો કે આંખો અર્ધી મિંચાઈ ગઈ , શરીરમાં અહોભાવજનિત કંપ પેદા થયો . આ છેલ્લા બે વાક્યોમાં કોઈ અતિશયોક્તિ નથી બલ્કે આ બે વાક્યોમાં નગદ સ્વભાવોક્તિ છે . શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શબ્દો અનુસાર વિચાર નિર્માણ કર્યું હતું : ભગવાનની મૂર્તિને જોઈને જેને પોતાનો મોક્ષ યાદ આવે તે સાચો જૈન , આ વાક્યને અનુસરીને કલ્પના કરવાની કોશિશ કરતા . જેટલો વિચાર સ્પષ્ટ હોય એટલું પરિણામ ઊંચું આવે . સુરેશભાઈનું જૈનત્વ અહીંથી શરૂ થયું . ભગવાન સંબંધી માન્યતામાં જે પરિવર્તન આવ્યું તેને દાર્શનિક પરિવર્તન પણ કહી શકાય . 

ભગવાનને જોઈને ભગવાન્ બનવાનું મન થાય છે . એવું નથી કે ભગવાનનો વૈભવ આકર્ષે છે . ભગવાનનાં સુખનું સ્તર આકર્ષે છે . ભગવાનનો વિશુદ્ધ સ્વભાવ આકર્ષે છે . આવું સુખ અને આવો સ્વભાવ મારામાં પ્રકટી શકે છે આ વાત તો સાત જન્મે પણ વિચારી નહોતી ……., સુરેશભાઈનું આ આત્મસંવેદન હતું .
એક તરફ વીતરાગ પ્રભુની મૂર્તિ , આલંબન બનીને પરમ પદની પ્રેરણા આપી રહી હતી . બીજી તરફ પ્રશ્ન જાગતો હતો કે પરમ પદની મંઝિલ સુધી પહોંચવા માટે કેવો અને કેટલો પુરુષાર્થ કરવાનો રહેશે ? મારે ક્યાંથી અને કેવી રીતે જૈનત્વનું આચારપાલન શરૂ કરવાનું છે ?

દેરાસર ઉપાશ્રય સંબંધી વિધિની કોઈ જ જાણકારી નહોતી . ભીખુભાઈ , તેજપાલભાઈ જેવા જૈન મિત્રોની સંગતે સૂત્રો અને ક્રિયાઓ શીખવા લાગ્યા . રાત્રે નહીં ખાવાનું , અમુક શાકભાજી નહીં ખાવાની , જૈન મુનિ ભગવંતોનાં વ્યાખ્યાનોમાં જવાનું … આ સિલસિલો શરૂ થયો . ભાયાણી પરિવારનું વાતાવરણ એકદમ સૅટ હતું તેમાં ખલેલ પહોંચવા માંડી .

ક્રાઉન ટીવીની ઓફિસ પૂનામાં ચાલુ થઈ તેના મેનેજર બનવાની ઓફર સુરેશભાઈને મળી . આ ઓફરથી સ્ટેટસ અને મની , બંનેમાં ઘણોમોટો ફાયદો થશે એ નક્કી હતું . લક્ષ્મી ઘરઆંગણે ચાંદલો કરવા આવી હતી , જાણે . ભાયાણી પરિવારમાં અને લોહાણા સમાજમાં કોઈને આટલી મોટી ઓફર , આજસુધીમાં મળી નહોતી . સૌને એમ હતું કે હમણાં સુરેશભાઈ ઓફર સ્વીકારી લેશે . બન્યું કાંઈક જુદું જ . સુરેશભાઈએ એ ઓફર ઠુકરાવી દીધી . કંપનીને સખ્ખત આશ્ચર્ય થયું . સ્વજનોને અને આત્મીયજનોને આંચકો લાગ્યો .

શું કામ ના પાડી દીધી ? – સુરેશભાઈને પૂછવામાં આવ્યું ત્યારે એમણે ઠંડે કલેજે જવાબ આપ્યો : મારે હવે , આ બધી જંજાળો વધારવી નથી . (ક્રમશઃ)

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.