Home Gujarati૮ . ગમન અને પુનરાગમન

૮ . ગમન અને પુનરાગમન

by Devardhi
0 comments

સંવેગકથા

બુધવાર પેઠનું ઘર મોટું ઘર ગણાતું કેમ કે આગળ દુકાન હતી અને પાછળ ઘર હતું . રવિવાર પેઠનું ઘર નાનું ઘર ગણાતું . બેય ઘરમાં એકીસાથે અજંપો ત્યારે પેદા થયો જ્યારે સુરેશભાઈની ગાયબ થવાની ખબર આવી અને પાકી થઈ . તે સમયે વોટ્સપ , ફેસબુક કે ટ્વિટર પર સંદેશો વહેતો મૂકવાની સુવિધા નહોતી . એસએમએસ પણ નહોતા .  ફોનના કાળા ડબલાથી કામ ચાલતું . સુરેશભાઈની જાણકારી મેળવવા કોને ફોન કરવો એની પણ સમજ ન પડી .તાર થતા પણ તાર મોકલવાનો કોને ?

જાતજાતના અને ભાતભાતના ટેંશન આવ્યા પણ એ કોઈ જૈન ગુરુભગવંત સાથે વિહારમાં છે એનો અંદેશો નહોતો . હરિદાસભાઈ ચિંતાતુર . સુશીલામા રડે એટલે હદ રડે . ઘરનું સૌથી બુદ્ધિશાળી વ્યક્તિત્વ એટલે સુરેશભાઈ . એ જ ગાયબ થાય એ વધારે પડતું હતું . જયાબેનની હાલત સંભાળી શકાય નહીં એવી થઈ ગઈ . થોડા સમયમાં સુરેશભાઈનો ફોન આવ્યો , ઘરના નંબર પર . એમણે સમાચાર આપ્યા કે ‘ હું પાટણમાં છું , જૈન મહારાજ સાહેબોની સાથે રહેવાનો છું . થોડા દિવસમાં ઘરે આવીશ . ‘

ટૂંકો ટચ ટેલિફોનિક સંવાદ પૂરો થયો અને બેય ઘરમાં ભૂકંપ સર્જાયો . આવી રીતે ઘર છોડીને જવાતું હશે ? આ કાંઈ જવાબદાર માણસનાં લક્ષણ છે ? એવું તો શું થઈ ગયું કે ઘર છોડીને ભાગી જવું પડે ? નારાજગીનું ઉષ્ણતામાન અસહ્ય બની ગયું . વાત આવીને અટકી જૈનધર્મ પર અને જૈન ગુરુ પર . સૌએ ભેગા મળીને જૈન ધર્મને ખૂબ ગાળો આપી , જૈન ગુરુઓની ખૂબ નિંદા કરી . જૈન શબ્દ માટે મનમાં આક્રોશ બની ગયો .
નાના ઘરની ઈમારતમાં જે સત્તર પરિવારો રહેતા હતા તેમાં બે પરિવાર જૈન હતા . એમને પણ પૂછવામાં આવ્યું કે આ શું છે ? એમનો જવાબ એવો હતો કે અમારા પરિવારમાંથી આવી રીતે મહારાજ સાહેબ પાસે રહેવા માટે હજી સુધી કોઈ ગયું નથી . પણ એટલી ખબર છે કે જેને દીક્ષા લેવાનું મન હોય તે આ રીતે મહારાજ સાહેબ પાસે રહેવા જાય .
આ વાત સાંભળીને આખોય ભાયાણી પરિવાર હતપ્રભ થઈ ગયો . એવું જ માની લીધું કે હવે એમની દીક્ષા જ થઈ જશે . હવે એ પાછા આવશે જ નહીં .
જૈન ધર્મ માટે દ્વેષ બની ગયો મનમાં . શું ધર્મ આવો હોય ? ઘર અને કુટુંબના ટેંશન વધારે એવો ધર્મ શું કામનો ? આટલા જૈનો છે શહેરમાં ? શું બધાયે લીધી દીક્ષા ? તમે તમારા જૈનોને દીક્ષા આપોને ? અમારા વૈષ્ણવ કુટુંબને શું કામ બરબાદ કરી રહયા છો ? ધર્મને ગાળો પડી અને સુરેશભાઈનેય ગાળો પડી . ઘરમાં જૈન ધર્મ એક જણને ગમ્યો હતો . બીજા કોઈને આ ધર્મમાં ઈન્ટ્રેસ્ટ નહોતો . સુરેશભાઈ ગાયબ થયા એટલે ઘરમાં જૈન ધર્મનો તરફદાર કોઈ રહ્યો નહીં .
પૂરી પરિસ્થિતિની જાણકારી કોઈને હતી નહીં , દીક્ષા આપવાની પદ્ધતિ વિશે પણ બોધ નહોતો . મોટી ગેરસમજ ઊભી થઈ હતી . એકમાત્ર સુરેશભાઈ જ આનું સાચું સમાધાન આપી શકતા હતા . પણ એ પાટણ બેઠા હતા .
ભાયાણી પરિવારના દિવસો ચિંતામાં વીત્યા હતા . હરિદાસભાઈ હાર્ટપેશન્ટ હતા . એમનું ધ્યાન રાખવું કે દુકાન સંભાળવી કે નાનું ઘર જોવું ? પ્રશ્નો જ પ્રશ્નો થઈ પડ્યા . એ નાનકડો સમયખંડ ભાયાણી કુટુંબ માટે ભારે રહ્યો .

અલબત્ત , એક દિવસ સુરેશભાઈ પાછા આવી પહોંચ્યા . ઘરે બધા જ ભડકેલા હતા , ઉભરો ઠાલવ્યો બધાએ . પણ મનથી નિરાંત અનુભવી .
સુરેશભાઈએ જણાવ્યું કે ‘ મનેં આ જૈન સાધુઓની લાઈફ સ્ટાઈલ જોવી હતી . એ લોકો કેવી રીતે ખુશ રહે તે મારે નજીકથી જોવું હતું . ‘
‘ રહી ગયો હતો બહુ , જોયા વગરનો . ‘ હરિદાસભાઈ રોષથી બોલ્યા હતા .
સુરેશભાઈને આ ગુસ્સાથી કાંઈ ફેર પડ્યો નહીં . એમણે તરત જવાબ આપ્યો કે
‘ મારી પર કોઈ જંતરમંતર થયું નથી . મને કોઈ મહાત્માએ સાથે આવવાનું કહ્યું નહોતું . હું જ જિજ્ઞાસાભાવે ગયો હતો . હું કોઈની વાતમાં આવી ગયો હોત તો આમ પાછો શા માટે આવત ? તમે બધા ટેંશન કાઢી નાંખો મનમાંથી . મને જેની માટે આદર થયો એને નજીકથી સમજવા માટે હું ગયો હતો . હું મારો આદર ગુમાવીને પાછો આવ્યો હોત , એવી પણ સંભાવના હતી . પરંતુ હું મારો આદર વધારીને પાછો આવ્યો છું . ‘
પરિવારને વધારે કોઈ દલીલબાજી કરવા મળી નહીં . સૌને એક તસલ્લી હતી કે આ પાછા આવી ગયા છે .
સુરેશભાઈનું એક જૈન ફ્રેંડસર્કલ હતું : વિનોદભાઈ ( કે ખેમચંદ ) , મહેન્દ્રભાઈ કાર્પેટવાળા , સુરેશભાઈ પૅનવાળા , તેજપાલભાઈ , રજનીકાંતભાઈ , ભીખુભાઈ , શાંતિભાઈ અને બીજા . આ સૌને , સુરેશભાઈનું જવું અને પરત આવવું , આ બંનેને લીધે ઘણું આશ્ચર્ય થયું હતું . એક કલ્યાણમિત્ર દ્વારા સુરેશભાઈ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો . એ પ્રસ્તાવ સાંભળીને સુરેશભાઈ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા . ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.