Home Gujarati૨૯ . મેં વાણિયાઓને રાજી રાખવા દીક્ષા નથી લીધી

૨૯ . મેં વાણિયાઓને રાજી રાખવા દીક્ષા નથી લીધી

by Devardhi
0 comments

સંવેગકથા

શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ . એનું ત્રીજું પગથિયું . ગેલેરી તરફ ખૂલતાં પહેલાં ચાર બારણાની આગળનો નાનકડો ભૂમિખંડ . નિર્લેપ સાધકની ખુલ્લી ગુફા જેવી એ જગ્યા . બારણાં ઉઘાડા હોય તો હવા ઉજાસ ભરપૂર . બારણાં બંધ હોય તો આછેરો અંધકાર . આ જગ્યા સાથે એમનું ત્રીસ વરસ સુધી જોડાણ રહ્યું .

દેહને ટેકો આપવા માટે આહાર ગ્રહણ કર્યું તે સ્વાદવૃત્તિથી પર રહીને . દૂધ પચતું નહીં , ચા અનુકૂળ . ઘઉં ન પચે , બાજરી – જુવારના રોટલા અનુકૂળ . તુવેરની દાળ જરાય ન સદે. વેજિટેબલ સૂપ અને છેનો ( ફાટેલા દૂધનો માવો ) અને મમરા જેવી સુપચ વાનગી અનુકૂળ . ઘીવાળી મીઠાઈઓ અને તેલનીતરતાં શાક – ફરસાણ જેવી વાનગીઓ પ્રતિકૂળ . છતાં આધાકર્મી અને ઔદ્દેશિકનો સ્વીકાર ઓછો કરે . બને ત્યાં સુધી નિર્દોષ ગોચરીનો જ આગ્રહ રાખે . કડક આચારપાલન હતું પરંતુ મારો આચાર અન્યો કરતાં વધારે શુદ્ધ છે એવો દેખાડો ન કરે . અમદાવાદ – કાળુપુરનો ઈલાકો એટલે જૈનોની વિશાળ વસતિ ધરાવતો વિસ્તાર . અલગ અલગ ઘરોમાં વહોરવા જાય પરંતુ ઘરે ગૃહસ્થો સાથે વાતો કરવા ઊભા ન રહે , વહોરીને નીકળી જ જાય . જે ઘરે વહોરવા પહોંચ્યા હોય તે ઘરના કોઈ પણ સભ્યને એમ ન કહે કે મને મળવા ઉપાસરે આવજો , આપણે વાતો કરશું વગેરે . કામ પૂરતું કામ . હા , કોઈ સામે ચાલીને મળવા આવે તો વાત કરે ખરાં . પણ થોડી મિનિટોમાં વાત ખતમ કરે . ગૃહસ્થ સાથે વધારે વાતો ફાવે નહીં .

પૂ.આ.શ્રી સુદર્શનસૂરીશ્વરજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી પ્રમોદવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી જયવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી હિતવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી વિશ્વકીર્તિવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી પ્રકાશવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી કીર્તિપ્રભવિજયજી મ. , પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રપ્રભવિજયજી મ. આદિ મહાત્માઓ સાથે આત્મીય સંબંધ બનાવ્યો હતો . આ બધાય મહાત્માઓને વંદન કરવા જે આવે તે એમને વંદન કરવા આવે એ ચાલે . અલગથી કોઈને બોલાવે નહીં .

વારંવાર વ્યાખ્યાનની પાટે બેસવાના મોકા આવતા પરંતુ પોતાનું તેજ પ્રકાશિત કરીને સંઘ – સમાજમાં ચમકવાની વૃત્તિ ન રાખે . મારે કોઈ ગૃહસ્થને મારો અંગત ભગત બનાવવો છે એવો વિચાર બની શકતો નહીં . જે ગૃહસ્થ આવે છે તે સૌ શાસનના છે એવું જ વલણ રહેતું . ગૃહસ્થને વ્યાખ્યાન ન આપે , વાચના ન આપે . તેઓ કહેતા : ‘ મેં વાણિયાઓને રાજી રાખવા દીક્ષા નથી લીધી , મેં મારા આતમાને રાજી રાખવા દીક્ષા લીધી છે , હું મારા સ્વાધ્યાયથી ખુશ છું , મારે કોઈ દવા વગેરેનું કામ હોય તો શ્રાવકોમાંથી કોઈને કહી દઉં છું . ભાવિકો લઈ આવે છે . હું મારી રીતે ખુશ છું . મને નામ કમાવું નથી . મને મારા ચેલા કે ભગત બનાવવા નથી . હું શું કામ ગૃહસ્થ સાથે સંબંધ રાખું ? મને આ દુનિયાદારીની લપ્પનછપ્પનમાં નથી પડવું . ‘
જેનો ક્ષયોપશમ સાધારણ હોય તે આવું બોલે તે સમજી શકાય . જે અંગ્રેજી , હિંદી , મરાઠી અને ગુજરાતીમાં ફાડફાડ બોલી શકતા હોય , જેને સાયન્સની અને ટેક્નોલોજીની ઊંડી જાણકારી હોય ,  જેની દલીલો હાઈકોર્ટના વકીલોને પણ મહાત આપી શકતી હોય એ વ્યક્તિ જ્યારે એમ કહે કે મારે લોકોનું શું કામ છે ત્યારે માનવું જ પડે કે આમની સામે લોકસંજ્ઞા હાર પામી ગઈ છે .
તમારાં જીવનની ખુશી શેમાં છે એ તમારે તમારા સ્વભાવ અને તમારાં સામર્થ્ય અનુસાર સમજી લેવાનું હોય . બીજાબધા જે કરે છે એ જ તમારે કરવાનું ન હોય . તમારે તમારા સ્વભાવને અનુકૂળ / પ્રતિકૂળ શું છે એ બાબતે સ્પષ્ટ થઈ જવું પડે . તમારો સ્વભાવ કાંઈ જુદો હોય અને તમારું લક્ષ્ય એની સાથે બંધબેસતું ન હોય તો ખુશી અથવા સમાધિમાં વિક્ષેપ ઊભો થાય . આવું જ તમારાં સામર્થ્યનું છે . તમે જે રસ્તો પસંદ કરો છો એની પર ટકી રહેવાનું સામર્થ્ય તમારામાં છે કે નહીં તે તમારે બરોબર  સમજી લેવું જોઈએ . તમે મોટીમોટી વાતોથી અને કલ્પનાથી અંજાઈને કોઈ અઘરો રસ્તો પસંદ કરી લો છો એ પછી તમને ધીમેધીમે અહેસાસ થવા લાગે છે કે આ રસ્તે ચાલવાનું ઘણું અઘરું છે . એ અહેસાસ શું કરશે ? તમે જે રાહ સ્વીકાર્યો છે એની માટે જ પસ્તાવો જગાડશે એ અહેસાસ . સ્વભાવને સુધારવાથી અને સામર્થ્યને વધારવાથી અઘરામાં અઘરું કામ સરળ બની જાય છે એ વાત સાચી . સચ્ચાઈ એ પણ છે કે સ્વભાવ આસાનીથી સુધરતો નથી અને સામર્થ્ય આસાનીથી વધતું નથી . માટે નિર્ણય એ જ લેવો જે સ્વભાવને અને સામર્થ્યને અનુરૂપ હોય .
શ્રી સંવેગરતિવિજયજી મ. નો આ નિર્ણય હતો : મારે લોકોને મારી આગળપાછળ ભેગા કરવા નથી . મારે લોકોની વચ્ચે સમય વીતાવીને મારો સ્વાધ્યાય ઘટાડવો નથી . મારે લોકોમાં મારાં નામનો ડંકો વગાડવો નથી .
આ બહુ અઘરો નિર્ણય હતો . (૧ ) આ નિર્ણય એમના સ્વભાવને અનુરૂપ હતો કેમ કે એ કલ્લાકો સુધી કોઈની સાથે વાત કર્યા વગર પ્રસન્ન રહી શકતા . સામાન્ય રીતે લોકો મળવા ન આવે ત્યારે ખાલીખાલી લાગે કે કંટાળો આવે . એમને ન તો ખાલીખાલી લાગતું , ન તો કંટાળો આવતો . એ તો બમણાં ઝનૂનથી સ્વાધ્યાય કરતા . (૨ ) આ નિર્ણય એમના સામર્થ્યને અનુરૂપ હતો કેમકે પોતાને શું વિચારવાનું છે એની પર એમનો સ્વઅંકુશ રહેતો . એકલવાયાપણું કે આડાઅવળા વિચારોને એ અવકાશ આપતા નહીં . મારી પાસે કોઈ નથી આવતું એ જોઈને આપણે હચમચી જઈએ છીએ . એમનું એવું નહોતું . આજે કોઈ ન આવ્યું તો બે કલાક વધારે સ્વાધ્યાય થયો એમ વિચારીને એ રાજી થતા . એન્ટિસોશ્યલ મેન્ટાલિટી એક સમસ્યા છે જેમાં દર્દી કોઈને મળવા તૈયાર નથી હોતો . મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. એન્ટિસોશ્યલ નહોતા . એ ખુલ્લા દરવાજે બેસતા અને જે આવે એની સાથે તડાકાબંધ વાતો કરતા જ .
બીજાબધા સાથે વાતો કર્યા કરીશ તો સ્વાધ્યાય રહી જશે – એવી એમની માનસિકતા હતી . તેઓ કહેતા રહેતા કે હું  જે ગ્રંથ વાંચું છું તેના ગ્રંથકાર સાથે મારી વાતચીત ચાલતી હોય છે . સ્વાધ્યાયના સમયે હું શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા , શ્રી શય્યંભવ સૂરીશ્વરજી મ. , શ્રી ભદ્રબાહુ સૂરીશ્વરજી મ. , શ્રી ઉમાસ્વાતિજી મહારાજા , શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. , શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા , શ્રી વિનય વિજયજી મહારાજા શ્રી યશોવિજયજી મહારાજા આદિ અનેક મહાપુરુષો સાથે વાર્તાલાપ કરતો હોઉં છું . વાણિયાઓને રાજી રાખવાના ચક્કરમાં હું આવી જઈશ તો આ મહાપુરુષો સાથેનો વાર્તાલાપ ઓછો થઈ જશે . મારે એવા નુકસાનીના ધંધા નથી કરવા . ‘
લગભગ દરેક સાધુ દીક્ષા પછીના થોડા સમયમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કરે છે . મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. એ એ રસ્તો લીધો જ નહીં . જે વ્યાખ્યાન આપવાનો રસ્તો અપનાવે છે તે ખોટું કરે છે એવું એ માનતા નહોતા અને એવું માની પણ ન શકાય . નવાનવા વ્યાખ્યાનકારોને જોઈને એ અતિશય રાજી થતા . વ્યક્તિગત રીતે પોતાની માટે એમણે વ્યાખ્યાન આપવાનો માર્ગ અસ્વીકાર્ય ગણ્યો . ક્યારેક ઘણો આગ્રહ થાય અને થોડુંક બોલી દે એ વાત અલગ હતી . મુખ્યત્વે એ વ્યાખ્યાન દેવાથી દૂર રહ્યા . દાદાગુરુદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.નો આ વારસો હશે , કદાચ .  એમણે વ્યાખ્યાન આપવાનું ચાલુ રાખ્યું હોત તો એમનું નામ હજારો લોકોમાં ફેલાયું જ હોત . એમણે એવું ન થવા દીધું .
‘ નામ તો ચક્રવર્તીનાય ટક્યા નથી , આપણાં નામ શું ટકવાના હતા ? ‘ એ કાયમ બોલતા . આટલો ઉગ્ર નિર્લપભાવ આજના જમાનામાં હોઈ શકે ખરો ? મુનિશ્રીસંવેગરતિવિજયજીને નજીકથી જોનારાઓ આ પ્રશ્નનો જવાબ હા – માં જ આપશે .   ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.