Home Gujaratiશ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજા : ચૈત્ર વદ બીજ

શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજા : ચૈત્ર વદ બીજ

by Devardhi
0 comments

20200409_100249

વ્યાખ્યાન આપ્યા વિના નેતૃત્વ સંભાળી શકાય ? આ પ્રશ્નના જવાબમાં ના કહેતાપૂર્વે શ્રીપ્રેમસૂરિદાદાને યાદ કરજો . તેઓ વ્યાખ્યાન આપતા નહોતા અને છતાં તેમનું નેતૃત્વ અદ્ ભુત હતું . એમનો એ વારસો એમના પ્રશિષ્યમાં અવતરિત થયેલો . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજામાં . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજા વ્યાખ્યાનમાં વડીલ તરીકે વચ્ચે બેસતા પરંતુ શ્રોતાભાવ ઊભો રાખતા . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ પોતપોતાના ગુરુદેવોની જબરદસ્ત ભક્તિ કરી હતી . શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને સમુદાયે જબરદસ્ત માન આપ્યું .  શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ સમુદાયની એકતા માટે કડવા ઘૂંટડા પીવા પડ્યા તો પીધા .   શ્રીપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ સમુદાયની એક એક શક્તિને ઓળખી અને આગળ વધારી .

એવું ઘણુંય છે જે શ્રીપ્રેમસૂરિદાદાને સ્વતંત્રરૂપે મહાન્ સાબિત કરે છે અને આવી તુલનાને બિનજરૂરી સાબિત કરે છે . વાત સાચી છે .
એવું પણ ઘણુંય છે જે સ્વતંત્રરૂપે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને મહાન્ સાબિત કરે છે . શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અપ્રતિમ દેશના અને પુણ્યશક્તિ દ્વારા પ્રભાવિત થઈને દરવરસે કેટલાય મુમુક્ષુઓ દીક્ષા માટે તૈયાર થઈ જતા . તે સૌને શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાના સૅન્સર બોર્ડમાંથી પસાર થવું જ પડતું . મીઠી વાતો બોલીને એકાદ એકાદ મુમુક્ષુને મારો શિષ્ય બનાવતો જાઉં એવો સ્વાર્થી વિચાર એમને આવ્યો જ નહીં . એમણે સૌને શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જ શિષ્ય બનાવવાનો શુભ શિરસ્તો બનાવેલો . એક મોટી કલાકૃતિની સાથે જેમ બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ જોડાયેલા હોય છે તેમ શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ઘડતર અને વિસ્તરણ સાથે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજા બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ બનીને જોડાયેલા હતા . બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટનું યોગદાન ઘણું મોટું હોય છે છતાં એને પ્રસિદ્ધિ વધુ મળતી નથી . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાને તો પ્રસિદ્ધિ ખપતી જ નહોતી . અને હું બૅક ગ્રાઉન્ડ આર્ટિસ્ટ છું એવો વિચાર પણ એમનાં મનમાં બનેલો નહોતો . એ ગુરુભક્તિના અઠંગ સાધક હતા . સ્વપ્રચાર , સ્વપ્રશંસા અને સ્વમતની કોઈકશી ઝંઝટ એમણે સ્વીકારી નહોતી . તેઓ ગુરુચરણોમાં ચારોખાને ચિત બનીને રહ્યા હતા .
એમની ગુરુપ્રીતિ જોઈને એક પંક્તિ યાદ આવે : આટલું બધું વહાલ તે કદી હોતું હશે ? એમનો દરેક દિવસ , દિવસનો દરેક કલાક , કલાકનો સંપૂર્ણ સમય , ગુરુચરણે સમર્પિત હતો . ગુરુને મારા વિના ચાલી જશે , મનેંં ગુુરુ વિના નહીં ચાલે , આ બાબતે  પોતે મનોમન સ્પષ્ટ રહ્યા . પણ ગુરુનેય એમના  વગર ચાલ્યું  નહીં .
એમની ગુરુભક્તિ જ્ઞાનગર્ભિત હતી . તેઓ પ્રજ્ઞાપુરુષ હતા . શાસ્ત્રીય પદાર્થોનો ખજાનો હતો એમની પાસે . જ્યોતિષ શાસ્ત્રની પક્કડ અવ્વલ દરજ્જાની . દરેક પ્રશ્નના શાસ્ત્રીય જવાબ એ આપી શકે . નાના બાળક , બુદ્ધિમાન્ વકીલ / સીએ , જડસુ કટ્ટરવાદી , ભાવનાપ્રધાન મહિલા , ધર્મવિરોધી માણસ , ગીતાર્થ જ્ઞાનીજનો – આવી બધી જ કક્ષાની વ્યક્તિઓને સમજાવી શકે , મનાવી શકે , ચૂપ કરી શકે . અલગ અલગ સ્વભાવના સાધુ સાધ્વીજીઓને પ્રૉપરલી ગાઈડ કરી શકે . બાળમુનિઓની દુનિયા પર તેઓ સુપર હીરો બનીને રાજ કરતા . તેઓ જે કહે છે તે શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો આદેશ છે એવું એમનું વજન હતું સમુદાયમાં .

————–

દૂર રહીને ગુરુને પ્રેમ કરવાનું શરૂ કર્યું હતું . પછી ગુરુને દૂરથી જોયા અને સાંભળ્યા , એમાં પ્રેમ વધી ગયો. ગુરુસંગે રહેવાની હોંશ જાગી . મનને વૈરાગ્યવાસિત બનાવ્યું . સદ્યઃપરિણીતા પત્ની કેવળીબેનને સમજાવીને ગુરુચરણે રહેવા ઘરથી નીકળી પડ્યા . ગુરુમાટે બીજું બધું જ છોડી શકાય છે આ આદર્શમંત્રનું આજીવન પાલન કર્યું .
વિ.સં.૨૦૪૭ની અષાઢ વદ ચૌદશે ગુરુવિરહ આવી પડ્યો. ગુરુગૌતમની પવિત્ર પરંપરા અનુસાર ગુરુની યાદમાં ખૂબ રડ્યા , રડતા રહ્યા . એ આંસુઓનાં બળે સમુદાયને અને ગચ્છને વધાર્યો , સંભાળ્યો , શણગાર્યો . અને ચૈત્ર વદ બીજે , ગુરુ જ્યાં હશે ત્યાં પહોંચવું છે – એવી સમર્પણભાવનાપૂર્વક વિદાય લીધી . આજે અઢાર વરસ વીતી ગયા એમની વિદાય પછીના .
એમણે ભૂલ કરનારને ઠપકો આપ્યો છે પરંતુ ક્યારેય કોઈની નિંદાઓ નથી કરી .
એમણે શક્તિશાળી મહાત્માઓને ઉચિત સૂચનાઓ આપી છે પરંતુ શક્તિશાળી મહાત્માઓનાં ગૌરવને હાનિ પહોંચે એવી ખટપટો ક્યારેય નથી કરી .
એમણે આચાર ઊંચા પાળ્યા પરંતુ પોતાના આચારને આગળ ધરીને , બીજાઓને નીચા દેખાડવાનું વલણ ક્યારેય નહોતું અપનાવ્યું .
એમણે પુણ્યના યોગે જે શાસનપ્રભાવના થતી હોય તે થવા દીધી પરંતુ સાધુજીવન પુણ્યોદયજનિત પ્રસંગો પર જ આશ્રિત છે એવી ધારણા બનવા ન દીધી .
એમણે કડક અનુશાસન રાખ્યું પરંતુ પક્ષપાત કે પક્ષવાદથી એ પર રહ્યા .
એમણે શક્તિશાળી મહાત્માઓને હંમેશા સમર્થન આપ્યું પરંતુ નાનાનાના મહાત્માઓની ઉપેક્ષા ક્યારેય ન થવા દીધી.
કેટલું બધું યાદ આવે છે ?
જેમણે એમને જોયા એ ધન્ય થઈ ગયા . બાકીના લોકો રહી ગયા , ખરેખર રહી ગયા .

————-

મેં એક ગીત લખ્યું હતું .  ગુરુભક્તિનું ગીત .  આ ગીત  લખતી વખતે શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાની અનંત ગુરુપ્રીતિને નજર સમક્ષ રાખી હતી . આજે એ ગીત સાથે થોડીક ક્ષણો વીતાવવી છે .

PicsArt_06-18-06.00.50

PicsArt_06-18-06.07.58 PicsArt_06-18-06.12.05

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.