દીક્ષા થયા બાદ વિહાર તો થાય જ . પહેલો વિહાર પાલીતાણાથી હસ્તગિરિ તરફ થયો . પહેલો મુકામ રોહિશાળા , બીજો મુકામ હસ્તગિરિ . સૂર્યોદય પછી નીકળ્યા હતા . ગરમી ઘણી લાગી હતી . જૂની સ્કૂલના મકાનમાં ઉતારો મળ્યો હતો . સવારની , બપોરની અને સાંજની ગોચરી હસ્તગિરિતીર્થની ભોજનશાળાએથી આવી હતી . બપોરે જીપમાં ગોચરીના ડબ્બાઓની સાથે મોટું માટલું ભરીને ઠંડું અચિત્ત જળ આવી રહ્યું હતું પણ અડધે રસ્તે જીપમાં માટલું કશેક ટકરાઈને ફૂટી ગયું હતું , વહોરવા માટેનું પાણી જ બચ્યું નહીં. તેથી થોડાસમય માટે મકાનમાં પાણીની કટોકટી રહી હતી . એ સમયે મોબાઈલ હતા નહીં . રોહિશાળામાં ટેલિફોન પણ નહોતા . એટલે તીર્થની જીપ તરત જ પાણી લેવા ભાગી હતી . બનતી ઝડપે પાણી ફરીથી લવાયું હતું પણ આ પાણી આવ્યું તે ઠંડુ થયું નહોતું . ‘ વિહારમાં આવું બધું થયા જ કરે . આપણને તો આટલુંય પાણી મળી ગયું . નિર્દોષ ગોચરી લેવા નીકળે એમને કેટલી તકલીફ પડતી હશે ? ‘ શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજા સૌ મહાત્માઓને સંબોધીને બોલ્યા હતા . આ હતો દીક્ષાપછીનો સૌપ્રથમ યાદગાર કિસ્સો .
હસ્તગિરિમાં આશરે એંસી સાધુઓનો સમુદાય એકઠો હતો . એ સમયે જે જે મહાત્માઓ ત્યાં હતા તે સૌને એ દિવસો જીંદગીભર યાદ રહી ગયા હશે . દિવસે શેત્રુંજી નદીનો પવન ધીમા તાલે વહેતો હોય તે રાતે દ્રુત લયે ફૂંકાતો આવે અને કલાકો સુધી કાનમાં હવાનો અવાજ ગુંજ્યા કરે . દિવસના સમયે સર્વે મહાત્માઓ પોતપોતાના સ્વાધ્યાયમાં મસ્ત હોય . ગોચરીના સમયે મહાત્માઓ એકસાથે માંડલી બનાવીને બેઠા હોય એ દૃશ્ય અવર્ણનીય . સંસારીઓનું નસીબ જ નહીં કે આ દૃશ્ય એમને જોવા મળે . વહેલી સવારે લગભગ દરેક યુવા મહાત્માઓ ગાથા ગોખતા હોય . કોઈ રોજ વીશ નવી ગાથા ગોખે , કોઈ દશ ગોખે . રોજની પાંચ નવી ગાથાઓ ઘણાખરા ગોખે . એકવાર શ્રીનયવર્ધનવિજયજી મ.એ એક જ દિવસમાં ૨૦૦ ગાથાઓ કંઠસ્થ કરી લીધી હતી . તો પછીના એક દિવસે શ્રીમોક્ષરતિવિજયજી મ.એ એક જ દિવસમાં ૨૫૦ ગાથાઓ કંઠસ્થ કરી લીધી હતી . એ પછી એક દિવસમાં સો ગાથા કે પચાસ ગાથા નવી ગોખવાનું વાતાવરણ બની ગયું હતું . બપોરે એકથી ત્રણ વાગ્યા દરમ્યાન સૌનાં પડિલેહણ ચાલે . આશરે ત્રણથી ચાર સાડાચાર સુધી તારણહાર ગુરુદેવ વાચના ફરમાવે . આધારગ્રંથ – ધર્મબિંદુ . આખોય મુનિસમુદાય અઢળક આદર સાથે વાચના સાંભળવા એકઠો થાય . સાંજે પાંચ વાગ્યાબાદ વડીલ મહાત્માઓને વંદન કરવા નાના મહાત્માઓ નીકળે . એ વખતે અરસપરસ વાતો ચાલે . એકબીજાનાં આસને આત્મીયભાવે વાર્તાલાપ થતો જાય એમાં અંધારું ઢળે .
મહાત્માઓ પોતપોતાનાં દંડાસન સંભાળી લે . અંધારામાં દંડાસન વગર , દંડાસનથી આગળની જમીન પ્રમાર્જ્યા વગર ચલાય જ નહીં . પ્રતિક્રમણ માંડલીમાં જ કરવાનું . ગૃહસ્થ હોય નહીં એટલે પગામસિજ્જાએ સૂત્ર પણ મોટેથી બોલાય . સાત લાખ બોલવાની જરૂરત નહીં . તારણહાર ગુરુદેવની નાની પ્રતિક્રમણ માંડલી અલગથી બેસે . દૂરથી શ્રદ્ધામુગ્ધ ભાવથી એ માંડલીમાં સામેલ થનારા મહાત્માઓનો સૂત્રોચ્ચાર સાંભળવાનો . રાતે મકાનમાં લાઈટ ન હોય . અંધારામાં મહાત્માઓ પોતપોતાના આસને ઝીણા અવાજે સ્વાધ્યાય કરે . સૂતાંપહેલાં ગુરુમાતાનો ચરણસ્પર્શ લેવા જવાનું . એમના કમલકોમલ ચરણનાં તળિયે કપાળ સ્પર્શે એ રીતે વંદના કરવાની . અંધારું હોય એટલે સાહેબજી પૂછે : કોણ ?
જવાબમાં નામ કહીએ ને તરત સાહેબજી પણ એ નામ લે અને ટૂંકું વાત્સલ્યવચન કહી રજા આપે . દશ સાડા દશે સંથારા પથરાય . અગિયાર વાગે તો લગભગ બધા જ યોગનિદ્રાધીન . હસ્તગિરિની સાત્ત્વિક પવનધારામાં ક્યાં રાત વીતી સમજાય નહીં . પરોઢિયે જાગતાવેંત સૌપ્રથમ ગુરુચરણની સ્પર્શના લેવાની . સાહેબજી જાપમાં બેઠા હોય , પટ પાથર્યો હોય એને અડ્યા વિના સાહેબજીને વંદના કરવાની . પછી પ્રતિક્રમણ , પડિલેહણ . સૂરજ ઉગે તે વખતે સજ્ઝાય કરવાની . સાહેબજી સાથે દેરાસરે જવું હોય તો જઈ શકાય . અન્યથા સીધા સ્વાધ્યાયમાં બેસી જવાનું . દિવસભરમાં સૌથી વધુ નજરે ચડે બે પર્વત . આગળ દૂર , ભાંડવાના ડુંગરથી છેક નવટૂંકના બેય શિખરો સુધી વિસ્તરેલો ભવ્ય સિદ્ધગિરિરાજ . પાછળ એકદમ નજીક હસ્તગિરિનો પહાડ . આંખોને જાણે ગિરિવર અને ગુરુવર સિવાય બીજું કશું જોવું જ ન હોય .
આવા અદ્ભુત માહોલમાં નૂતનમુનિના પ્રાથમિક શ્રામણ્યદિવસો વીત્યા હતા . ગૃહસ્થોના સંપર્કમાં નથી રહેવું એની સભાનતા રાખતા . આખા દિવસમાં વાતચીત થાય તે કેવળ વિરતિધર સાથે . વાતચીત પણ ત્યારે જ થાય જ્યારે નિયત સ્વાધ્યાય અને આવશ્યક ક્રિયાઓ સંપન્ન થઈ ચૂકેલ હોય . બીજી કોઈ લપ્પનછપ્પન નહીં જોઈએ , આ વાક્ય પોતાની જાતને વારંવાર કહેતા રહેતા . ગોચરીમાં સ્વાદ ન આવે એ માટે દરેક દ્રવ્યોને મિક્સ કરીને એકીસાથે વાપરી જાય . માંડલીના દાંડામાં રહેવાપૂર્વક જોગ કર્યા . હસ્તગિરિથી વિહાર થયો . ભાંડવાના ડુંગરિયાની સીમાને સ્પર્શીને ઘેટીની પાગ આવ્યા . અહીં નૂતનમુનિની તબિયત થોડીક બગડી હતી . ફીટ જેવી આંચકીઓ આવી હતી . અહીંથી પાલીતાણા પહોંચ્યા . પન્નારૂપા ધર્મશાળામાં ચાતુર્માસપ્રવેશ થયો . સામૈયામાં કેટલા લોકો હતા , કેટલા બેન્ડસાંબેલા હતા એની પર ધ્યાન નહોતું . ગુરુદેવ આ માનસન્માન પ્રત્યે કેવા બેપરવા હતા તેની પર ધ્યાન હતું . અલબત્ , આખેઆખું વ્યાખ્યાન એકતાનભાવે એકકાન થઈ સાંભળ્યું હતું . દીક્ષાનું પ્રથમ ચાતુર્માસ પાલીતાણામાં થયું . તળેટીની યાત્રાઓ , તપસ્વીઓની અનુમોદના , સમુદાયની ભક્તિ , દૈનિક આઠદશ કલાકનો સ્વાધ્યાય . ગુરુમુખે ધર્મરત્ન શાસ્ત્રનાં વ્યાખ્યાનો અને દશવૈકાલિકની વાચનાઓ . ( ક્રમશઃ )
૨૫ . ગુરુકુલવાસ
98
previous post
