Home Prakrut૨૭ . વીરનો મારગ છે શૂરાનો

૨૭ . વીરનો મારગ છે શૂરાનો

by Devardhi
0 comments

સંવેગકથા

ગુરુ સાન્નિધ્યે બીજું ચોમાસું . અમદાવાદ , લક્ષ્મીવર્ધક સોસાયટીમાં . ચાલીસેક મહાત્માઓ . વ્યાખ્યાન માટેનો મંડપ ઉપાશ્રયથી થોડે દૂર . ગુરુદેવનું વ્યાખ્યાન જૈન રામાયણ પર . અમદાવાદના ખૂણેખૂણેથી શ્રોતાઓ આવે . આ ચોમાસામાં એક ઘટના બની હતી . કોઈ વિદેશી ટીમ ઈંટરવ્યૂ લેવા આવી હતી . એમણે , અમે ફોટોગ્રાફ લઈએ છીએ એવું કહ્યું અને લેવા માંડ્યા વિડિયો . આ વાત શ્રી સંવેગરતિવિજયજી મ.ને સમજાઈ . એમણે તારણહાર ગુરુદેવને તરત જ કહ્યું કે આ લોકોએ વિડિયો ઉતાર્યો છે . તારણહાર ગુરુદેવે જયંતીલાલભાઈને સૂચના આપીને એ વિડિયો મિટાવી દેવાની સૂચના આપી દીધી .
આ ચોમાસામાં પર્યુષણ વખતે અઠ્ઠાઈ કરી . શ્રી મણિરત્ન વિજયજી મ. , શ્રી ધ્રુવસેન વિજયજીમ. , શ્રી યશોવર્ધન વિજયજી મ. , શ્રી પુણ્યદર્શન વિજયજી મ. , શ્રી જગદ્દર્શન વિજયજી મ. , શ્રી દિવ્યકીર્તિ વિજયજી મ . સાથે ખૂબ જામે . શ્રી ગુણયશવિજયજી મ. શિક્ષાપ્રદાયક હતા તેથી જે પૂછવું , સમજવું હોય એની વાત તેમની સાથે થતી , એમનું માર્ગદર્શન પળપળને ઉજાગર કરતું . નિર્દોષ ગોચરીનો કન્સેપ્ટ સમજાયા બાદ , આધાકર્મી ન હોય એવા આહારપાણી માટે વહોરવા નીકળતા . તુવેરની દાળ પેટને અનુકૂળ આવતી નહોતી તેથી દાળની ઉપરનું પાતળું પ્રવાહી વહોરતા . એકાસણું જ કરવાનો સંકલ્પ હતો , સવારસાંજની ગોચરી લે નહીં . એક ટાઈમની ગોચરી વાપરવામાં કલાક , દોઢ કલાક લાગી જાય એવું એમને ન ગમે . વાપરવામાં થોડો જ સમય લાગવો જોઈએ : આ નિયમ . ખાવાની વસ્તુઓ સંબંધી વાતો કરવાથી ખાવાનો શોખ પોષાય છે માટે ભક્તકથા ન કરે  .

ગૃહસ્થો સાથે પરિચય કેળવવાનું વલણ બનવા ન દીધું . વિરતિધર સાથેનો વાર્તાલાપ વિરતિનું જ પોષણ કરે છે . અવિરતિધર સાથે વાર્તાલાપ એણે કરવો જોઈએ જેને જવાબદારી સોંપાયેલી છે . અવિરતિધર સાથે વાર્તાલાપ કરતી વખતે વાર્તાલાપનો વિષય ધાર્મિક હોઈ શકે છે પરંતુ એ વાર્તાલાપ ગૃહસ્થની ભૂમિકાને અનુરૂપ હોય છે . મારા ચોવીસ કલાકમાં જે કાંઈ વાર્તાલાપ થશે એમાંથી જે વાર્તાલાપ વિરતિધરની સાથે થશે તે છઠ્ઠા સાતમા ગુણઠાણાની ભૂમિકાનો હશે અને અવિરતિધર સાથે જે વાર્તાલાપ થશે તે ગૃહસ્થને સમજાય એવી ભૂમિકાનો હશે . આ ભેદરેખા સમજવી સરળ નથી . જોકે , એકવાર આ ભેદરેખા સ્પષ્ટ થઈ ગઈ તો પછી ગૃહસ્થથી દૂર રહેવું સરળ થઈ જાય છે .
ગૃહસ્થનો નિયમિત પરિચય જે માનસિકતા બનાવે છે તેમાં આ મુજબના વિચાર બનતા હોય છે : અમુક શ્રાવક મારી પાસે બેસવા રોજ આવે . અમુક શ્રાવક મારો ભક્ત બને . અમુક શ્રાવક , હું કહું એ પ્રમાણે જ ધર્મ કરે . અમુક શ્રાવક અન્ય પાસે ન જાય અને ફક્ત મારી જ પાસે આવે . અમુક શ્રાવક મારી પ્રશંસા અને મારો પ્રચાર કરે . અમુક શ્રાવક મારી પાસે બેસીને અન્યોની નિંદા કરે અથવા સાંભળે . અમુક શ્રાવક મારા દ્વારા સૂચવાયેલાં કામ કરે , કરતા રહે . આ વિચારોમાં ઔચિત્ય છે કે નથી તે સ્વયં સ્પષ્ટ  છે  . સાધુએ અવિરતિધરને ધર્મ સાથે જોડવાનું , જોડી રાખવાનું કામ કરવાનું જ હોય . બસ , વાત એટલી યાદ રહેવી જોઈએ કે ગૃહસ્થની પ્રીતિ સંપાદિત કરવી એ સાધુનું મુખ્ય લક્ષ્ય નથી . શ્રી સંવેગરતિ વિજયજી મ. એ પોતાની માટે આવું ધોરણ બનાવી લીધું હતું . એમનો એવો આગ્રહ નહોતો કે બધા જ આવું ધોરણ રાખવા માંડે . એ સમજતા હતા કે ઓછેવત્તે અંશે આ ધોરણ સૌએ સ્વીકારેલું છે . પણ પોતાની બાબતમાં તેઓ આ ધોરણનું વધારે કડકાઈથી પાલન કરતા હતા . આ બિલકુલ વ્યક્તિગત માન્યતા હતી . આ માન્યતા પ્રેક્ટિકલ ઓછી હતી અને અઘરી વધારે હતી . છતાં શ્રી સંવેગરતિવિજયજી મ. એ આ જ માન્યતાને પોતાનાં જીવનમાં પ્રાથમિકતા આપી . વીરનો મારગ છે શૂરાનો – તે આનું નામ . ગૃહસ્થ સાથે વાત ન કરીએ તો ટાઈમ પાસ કેવી રીતે થાય આ પણ પ્રશ્ન છે . તેમનો જવાબ હતો કે : આટલા બધા ગ્રંથો છે , આટલાં બધાં વ્યાખ્યાનો છે અને  વ્યાખ્યાનોનાં પુસ્તકો છે , એ વાંચું અને એનો સ્વાધ્યાય કરું એમાં જ દિવસ ઓછો પડે છે . વાણિયાઓ સાથેની ગપ્પાબાજીમાં મારો સમય મારે બરબાદ કરવો નથી . મારો સ્વાધ્યાય મનેં અંતિમ સમયની સમાધિમાં બળ પૂરું પાડશે . મારી પાસે ભગત નહીં હોય , ચેલા નહીં હોય તો મારી સમાધિ અટકવાની નથી , પણ મારી પાસે સ્વાધ્યાય નહીં હોય તો મારી સમાધિ અટકી જશે . 

ચોમાસામાં તારણહાર ગુરુદેવના આગામી ચાતુર્માસની જય બોલાઈ , મુંબઈની . ચોમાસા બાદ તરત વિહાર થશે તે પાક્કું થયું . પોતાનો અને પોતાના બેય પુત્રમુનિઓનો સ્વાધ્યાય ગૌણ થાય એવી પરિસ્થિતિ બની રહી હતી . તારણહાર ગુરુદેવને ભાવના જણાવી . સાહેબે કહ્યું : તમે ત્રણેય અમદાવાદમાં રોકાઈ જાઓ . હું બે ત્રણ ચોમાસા પછી અમદાવાદ આવીશ ત્યારે તમે સાથે જોડાઈ જજો . આ નિર્ણય ગમે એવો નહોતો પરંતુ સ્વાધ્યાય અર્થે જરૂરી હતો . ચોમાસા બાદ તારણહાર ગુરુદેવે વિહાર કર્યો . પ્રથમ મુકામ મણિનગર ઉપાશ્રયમાં . વળાવવા માટે પહેલા દિવસના વિહારમાં સાથે ગયા . બીજા દિવસે ત્રણેય મહાત્માઓ તારણહાર ગુરુદેવને ભીની આંખે વળાવીને લક્ષ્મીવર્ધક પાછા આવ્યા . મુનિશ્રી સંવેગરતિવિજયજી મ.ને એમ હતું કે બેત્રણ વરસમાં ગુરુસાંનિધ્ય પાછું સાંપડશે , ફરીથી ચોમાસાનાં વ્યાખ્યાનો સાંભળવાનો અને લખવાનો સિલસિલો આગળ ચાલશે . હકીકત એ હતી કે સુરેશભાઈ ભાયાણીમાંથી મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. બનેલા આ ગુરુવચનપ્રેમી સાધકને  આગળનો સમયગાળો જેટલો પણ લાંબો હતો તેમાં ફરીથી ગુરુનિશ્રાએ ચોમાસું કરવા મળવાનું  નહોતું  . ( ક્રમશ: )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.