તમે પરિણામની કલ્પના સાથે કામ શરૂ કર્યું છે . તમે કામ માંડીને બેઠા છો . કામ પૂરું થાય તે સાથે જ એક પરિણામ આવવાનું છે . તમે પરિણામ શું આવશે તે મનોમન નક્કી કરી રાખ્યું છે અને મહેનત દ્વારા તમે એ જ પરિણામ સુધી પહોંચવા માંગો છો . તમે મહેનત પૂરી કરી લીધી . પરિણામ આવ્યું નથી . તમે અવઢવમાં છો . મહેનત તો કરી લીધી . પરિણામ જોવા મળતું નથી . પરિણામ તમે ધારેલું તે નથી આવ્યું , તમે ન ધાર્યું હોય તેવું જ આવ્યું છે . અણધાર્યું પરિણામ સારું હોય તો વાંધો ન આવે . અણધાર્યું પરિણામ અણગમતું હોય તો બે આંચકા લાગે .
એક , ધાર્યા મુજબ ન થયું તેનું દુઃખ . બે , મહેનતનું ફળ મળ્યું નહીં તેનું દુઃખ . આ બે દુઃખ જુદા પાડવા જ જોઈએ . મહેનત કરતી વખતે નજર સમક્ષ કલ્પનાનું ચિત્ર દોર્યું હતું એ પ્રમાણે કશું મળ્યું નથી તે સહન નથી થતું , આ દુઃખ . જે પરિણામ મળ્યું છે તે સ્વીકારવા મન તૈયાર નથી , આ દુઃખ . બંનેનો અર્થ એક છે . બંનેનો અર્થ અલગ પણ છે . મહેનત માટેની દિશા જુદી હતી . પરિણામની દિશા જુદી છે . જૂની દિશા ભૂલાતી નથી . નવી દિશા માન્ય થતી નથી . આ સમસ્યા તો લગભગ દરેક વખતે સર્જાય છે . તમારી ધારણા મુજબ જ પરિણામ આવે તેવું તમે માનો છો . પરિણામ તમારી ધારણા મુજબ જ આવે તેવું તમને લાગે છે . હવે ધારણા અને વાસ્તવિકતા વચ્ચે જોજનોનું અંતર છે . આ ખાડો ભરાવાનો નથી . આ ખાડામાં કૂદીને મરવું છે કે મગજ ઠેકાણે રાખવું છે કે તમે નક્કી કરો . તમારી ધારણા મુજબ જ બન્યા કરતું હોય તો તમારામાં અને ભગવાનમાં ફરક નથી . તમારી ધારણા ખોટી પડે છે તે વખતે તમને તમારું પુણ્ય નબળું છે તેની સમજ પડે છે . આ જરૂરી બાબત છે . તમે તમારાં પુણ્યને વધારે પડતું ઉચ્ચ માનો છો . સાધન નબળું હોય તો સિદ્ધિ નબળી જ રહેવાની .
બીજી વાત . તમારી ધારણા મુજબનું પરિણામ તમને ના મળ્યું તેનો અર્થ એ પણ થાય કે તમારો પુરુષાર્થ અધૂરો છે . તમે મહેનત કરવામાં કચાશ રાખી તેથી જ કામ બરોબર પાર ના પડ્યું . તમે સો ટકા પસીનો નથી પાડ્યો . તમે મોણ ઓછું નાંખો તો રોટલી બરોબર ના જ બને . તમારે કેવળ તમારી મહેનત પર ધ્યાન આપવાનું છે . તમે મહેનતના છેવાડે સાવ શૂન્ય પરિણામ મેળવતા હશો તો પણ તમારી મહેનત તમારું જમાપાસું . તમે મહેનતમાં ઢીલા પડો તે તમારી અવનતિ છે . એક પથ્થર પર સો વખત લોખંડી ઘણ મારનારો મજૂર હારી ગયો . પથ્થર ના તૂટ્યો તેની હતાશા . તેને માર્ગદર્શન મળ્યું . થોડો પરિશ્રમ વધુ કર્યો ને પથ્થર તૂટી ગયો . મહેનત હતી . થોડી કચાસ હતી તે નીકળી ગઈ . પરિણામ હાજર થયું .
તમે મહેનત કરતી વખતે કચાશ ન રાખો . પરિણામની બાબતમાં પઝેસિવ ના બનો . નવા પરિણામને સ્વીકારવાની તૈયારી રાખો . તમે મહેનત કરવા સક્ષમ છો તે બદલ ગૌરવ અનુભવો . તમારી જવાબદારી આટલી છે . પરિણામ ન આવે , પરિણામ ઊંધું આવે , ફળ મળે જ નહીં એમાં તમારો વાંક નથી . મહેનત મુજબ પરિણામ ન મળ્યું તેવું વિચારવાનું નહીં . મહેનત કરવાની જિમ્મેદારી મારી હતી . મેં મહેનત કરી લીધી . હવે પરિણામ જે આવે તે મુજબ નવી મહેનત કરીશું , એમ વિચારો . ધાર્યું ધણીનું થાય છે , તમારું નહીં .
