તમને ફૂલોનો હાર પહેરાવ્યો . માઈક પર ખૂબબધી પ્રશંસા થઈ . બહુમાન પત્ર મળ્યું . છાપામાં હેડલાઈન્સ ચમકી . તમારા નામનો ડંકો વાગી ગયો . તમને ગૌરવનો નશો ચડી જાય તેવો મદમસ્ત માહોલ હતો . તમે આ ક્ષણે શું અનુભવો ? તમને તમારી મહેનતનું ફળ મળ્યું છે તેનો સંતોષ તો થાય જ .
તમને વિચારો શેના આવે ? તમે કરેલી મહેનત લેખે લાગી તે સાચું છે તેથી વધુ સાચું એ છે કે તમારી જેમ જ મહેનત કરનારા બીજા કેટલાય લોકોને હજી સફળતા કે સિદ્ધિ મળ્યા નથી . એમના અરમાન અધૂરા છે . એમને તમારા કરતા વધુ પસીનો પાડ્યો હતો . એમની કશી કદર થઈ નહીં . તમે ફાવી ગયા . એ રહી ગયા . તમારે એ લોકો માટે સહાનુભૂતિ જીવતી રાખવાની છે . તમને આજે સન્માન મળ્યું તે પૂર્વે તમે ઝઝૂમતા હતા . તે વખતે તમે કેવા ટેન્શનમાં હતા ? પરિણામની ધારણા નહોતી અને સફળતાની ખાતરી નહોતી . બધું હવામાં અદ્ધર હતું . ઊંઘ હરામ થઈ જાય તેવી તંગદિલી તમે બાંધી બેઠા હતા . એ દિવસો અને એ મનોદશામાંથી પસાર થઈને પછી છેક આજે તમે સફળ જાહેર થયા છો .
જે તમારો ભૂતકાળ છે તે અમુક લોકોનો વર્તમાન છે , જે આજે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છે . એમને મળ્યું જ નથી કશું . એમને ઘણું બધું ચૂકવ્યું છે . એમને આશા છે . એ મનોમન હારી ગયા નથી . તેમને આશંકા સતાવી રહી છે . ધાર્યા મુજબનું કામ ના થયું તો શું થશે તેની ફિકર તેમને નડી રહી છે . તમે તો આજે દમામથી બેઠા છો . તમારી પાસે અનુભવ છે . હવે નવું કામ તમે હાથમાં લેશો ત્યારે તમે જીતવાના આત્મવિશ્વાસમાં હશો . એ લોકોને હજી સો ટકાનો આત્મવિશ્વાસ મળ્યો નથી . તમારી સરખામણીમાં એ ઘણા જ પાછળ રહ્યા છે . તમને એ લોકો યાદ આવવા જોઈએ . તમે કેવળ તમારો જ વિચાર કરશો તો તમને મજા આવવાની છે તેમાં કોઈ શક નથી . તમે બીજાનો પણ વિચાર કરજો .
તમે સફળતા મેળવી છે , તે જ વખતે અમુક બીજાઓ નિષ્ફળ બનીને બેઠા રહ્યા છે . તમે મહેનત કરી . એ બીજા લોકોએ આળસ કરીને વરસો ધૂળમાં બગાડ્યા . એમણે પોતાની શક્તિને વ્યર્થ બનાવી . એ લોકોએ સપનાં જોયા જ નહીં અને એટલે જ સાકાર કર્યા નહીં . એ લોકો સામાન્ય ભિખારીની જેમ ફૂટપાથ જેવી સાધારણ સ્થિતિમાં પડ્યા રહ્યા . એમની માટે પણ અનુકંપા રાખજો . જાણી જોઈને હારી જનારા પામર ખેલાડી પર ગુસ્સો કરીશું તો એ જીતશે નહીં . એની દયા કરવાની . આ લોકો ઊંચા લક્ષ્ય વિના જિંદગીને બગાડી રહ્યા છે . તમે તેમનાથી હજારો અને લાખો જોજન આગળ અને ઉપર છો . તમને જે મળ્યું છે તે માટે તમે હકદાર છે . તમે રાખેલું સાતત્ય અને સમર્પણ તમને અહીં સુધી લાવ્યું છે . તમે આજના મુકામે પહોંચી શક્યા છો તે ભગવાનનો પ્રભાવ છે . તમે નામી હસ્તિ બન્યા છો .
એક વાત યાદ રાખજો . પ્રશંસા અને પ્રસિદ્ધિની અસરતળે આત્મસંતોષી જીવડો બનશો મા . આ વાતાવરણ તમારી માટે પ્રોત્સાહક છે તેમ જોખમી પણ બની શકે છે . તમે જે કર્યું તેથી વિશેષ કરવાનું બાકી હોય ત્યારે આ સ્યુગરકોટેડ વિઘન તમારા પગને બાંધી શકે છે . તમને ખોટી નિરાંત થઈ જશે . તમે આજે માની લેશો કે જો પાના થા વો મિલ ગયા . તમે તમારી દિશાઓને ધૂંધળી બનાવી દેશો . તમે આ માનસન્માન માટે ક્યારેય કામ કર્યું નથી . તમે સફળતા માટે કામ કર્યું છે . તમે તમારી તાકાતનાં સન્માન માટે જ કામ કર્યું છે . હરતોરાથી તમારી વરસોની સાધનાનું મૂલ્યાંકન થઈ શકે નહીં . તમારી પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા , તમે ખૂબ ખૂબ આગળ વધતા રહો તે માટે તમારું સન્માન કરી રહ્યાં છે .
તમે આ માનસન્માનને જમવાની થાળી જેટલું જ મહત્ત્વ આપજો . આખો દિવસ જમવાનું ના હોય . જમી લીધા પછી એને ભૂલીને કામે લાગી જવાનું હોય . નસીબદાર હોય તેને જ માનસન્માન મળે . હવે નસીબને જોઈને રાજી થયા કરવાનું નથી . નસીબ કરતાં વધુ મહિમા પુરુષાર્થનો છે . નસીબનું કોડિયું છે . તેમાં પુરુષાર્થનું તેલ પૂરો . સફળતાની જ્યોતિ ઝળહળતી રહેશે . માનસન્માન તો આસપાસ ઉડતા રહેવાના છે . દીવો એની માટે નથી . દીવો તો દૂર દૂર સુધીના અજવાસ માટે છે . તમારી સફળતા તમારા ભવિષ્યની નક્કર નવરચના માટે છે . માનસન્માન તો ઠીક , મારા ભાઈ .
