રાજી રહેેેજો . હસતાં રહેજો . હસવા માટે મનને સમજાવતા રહેજો . દરેક વાતને સીધા અર્થમાં લેજો . તમે ધાર્યું હોય તે મુજબ થાય ત્યારે તો હસી શકાય જ . તમે ધાર્યું તે મુજબ ના થયું તો નિરાશ ના થશો . અત્યાર સુધી ધાર્યા મુજબ ઘણું થયું છે . પાછળ , આખી જિંદગી પડી છે જોવા માટે . સારા પ્રસંગો યાદ કરજો . ધાર્યા કરતાં વધુ સફળતા મળી છે . ગઈકાલે અને તેની પહેલાં ઘણી સફળતા પામી લીધી છે . આ વખતે જરા મુશ્કેલી પડી છે . હોય એ તો . દર વખતે આપણા ધાર્યા મુજબ ન પણ થાય . અદલાબદલી થઈ જાય . હા સાંભળવાને બદલે ના સાંભળવા મળે તો ખોટું શું લગાડવાનું ?
વિદેશમાં એક સામાયિક બહાર પડે છે . તેમાં સમાચારો પોઝિટિવ અપ્રોચથી છપાય છે . અકસ્માતના સમાચાર છાપવાના હોય તો આપણાં છાપાં શું છાપે ? પચાસ માણસોથી ઠસોઠસ ભરેલી બસને નડેલો ગંજાવર અકસ્માત . ચાલીસના મોત . દસની હાલત ગંભીર . એ વિદેશી છાપું જરા જુદી રીતે સમાચાર છાપે છે . પચાસ માણસોથી ભરેલી બસનો અકસ્માત થયો . દસ જીવતાં બચી ગયા . તબિયત સુધારા પર છે .
દરેક વાતને આશ્વાસનનો મુદ્દો બનાવો . દરેક ઘટનામાંથી રાહતની લાગણી શોધો . જે કાંઈ બને તેને સુખી થવાનું નિમિત્ત બનાવો . કોઈ ગાળ આપે તો એમ વિચારો કે એણે મને તમાચો નથી માર્યો . કોઈ તમાચો મારે તો એમ વિચારો કે મને બંદૂક નથી બતાવી . કોઈ બંદૂક બતાવે તો એમ વિચારો કે મને ગોળી નથી મારી . કોઈ ગોળી મારે તો ? સબૂર . આવું સોચવાનું નથી . ગોળી મારવા સુધીની કલ્પના કરવી તે પણ નિરાશાવાદ છે . તમે રાહત શોધો . તમે ખુશી શોધો . તમે રાજી થવાનું બહાનું ખોળી કાઢો .
આખરે આ જગત પાસે સુખ કે દુઃખ નથી . તમારાં મનમાં સુખ છે . તમારા મનમાં દુઃખ છે . તમે સુખ શોધવા જશો તો સુખ મળશે . તમે સુખ નહીં શોધો તો દુઃખ મળવાનું જ છે . તમારે સુખની ખોજ માટે જીવવાનું છે . તમે જરા દુઃખલક્ષી બની ગયા છો . તમને આનો ખ્યાલ નથી રહ્યો . સુખ માનસિક અવસ્થા છે . તમે એ બહાર શોધો છો . શોધો નહીં . મેળવો .
આ પ્રસંગ દુઃખનો નથી એટલું નક્કી કરીને તેમાં સુખ શોધો . આ પ્રસંગ તનાવનો નથી તેમ વિચારી તેમાંથી રાહત મેળવો . તમારું મન દરવખતે નિતનવા બહાના શોધી શકે છે . તમે નક્કી કરશો કે સુખી હોવાના મુદ્દા શોધવા છે તો તમે તે પણ શોધી શકશો . અલબત્ત , આ રીતે વિચારવા માટે થોડી માનસિકતા ઘડવી પડે છે . મારે દુઃખી થવું છે તેવું વિચારતું નથી કોઈ . પરંતુ દુઃખી હોવાના મુદ્દા શોધીને લેવાનું ફાવે છે બધાને . વાતે વાતે રડનારા દુઃખના બહાના શોધે છે . પગલે અને પગલે હેરાન થનારો હકીકતમાં દુઃખને શોધી કાઢનારો બળદ હોય છે . દુઃખી થવાનો વિચાર ન હોવા છતાં દુઃખ પર કેન્દ્રિત થઈને વિચારતા રહે છે સૌ .
વિચારોનો ઢાંચો બદલો . તમને જે દુઃખ નથી મળ્યું તે શોધીને સમજીને રાજી થાઓ . તમારી પાસે જે સુખ સહીસલામત છે તેને નિહાળીને રાહત મેળવો . આસમાન તૂટી પડ્યું નથી અને આસમાન તૂટવાનું પણ નથી . તમે આનંદના માલિક છો . તમે દરેક જગ્યાએ , દરેક સમયે આનંદને શોધો . શોધે તેને મળે , ના શોધે તેને ના મળે .
