પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે
(૩)
ગોવાળે કમરપર વીંટળાયેલી રસ્સીની ગાંઠ ખોલી . લાંબી રસ્સીને એણે એક છેડેથી પકડી . એણે નક્કી કર્યું કે તે દેવાર્યને આ રસ્સીથી ચાબુકની જેમ મારશે . એની આંખોમાં ગુસ્સો હતો , હોઠો પર અપશબ્દો હતા . હૈયામાં દ્વેષ હતો .
દેવાર્યના સંસારી પક્ષે મોટાભાઈ શ્રી નંદીવર્ધન મહારાજાનાં રાજ્યમાં જનાવરોને પણ ચાબુક મારવાનો નિષેધ હતો અને અહીં મહારાજાના જ નાના ભાઈની સામે ચાબુક ઉગામવાની હરકત થઈ રહી હતી . અવાચક વૃષભોને સમજાયું નહોતું કે શું થઈ રહ્યું છે . દેવાર્યને રસ્સી કે ચાબુકનો ડર નહોતો . ગોવાળિયો ઝનૂને ભરાયો હતો . એણે હાથ ઉગામ્યો . હવે પછી રસ્સી વાગવાનો , ચાબુક વાગવાનો અવાજ દેવાર્યની કોમળ કાયા પરથી ઊઠવાનો હતો . જંગલની જમીન આની માટે તૈયાર નહોતી . ચારેકોર ઝળૂંભી રહેલા ઝાડ પણ આવું કોઈ દૃશ્ય જોવાની હિંમત ધરાવતા નહોતા . આછીપાતળી હવાને પણ આ ઘટના મંજૂર નહોતી .
પણ ગોવાળિયાને રોકશે કોણ ? ગોવાળિયો કદકાઠીએ મજબૂત હતો . કુદરતે આંખો મીંચી દીધી હતી . ગોવાળિયો જેમને રસ્સી ફટકારવાનો હતો તેમને દુનિયા નમસ્કાર કરતી હતી . કોઈ તો રોકો આ દુષ્ટ ગોવાળિયાને ? આસમાન ચિલ્લાયું હતું .
અને આસમાનથી જ એક ઓળો ગોવાળિયો પર ત્રાટકી પડ્યો હતો . પળવારમાં દૃશ્ય બદલાઈ ગયું હતું . ગોવાળિયાને હડસેલો વાગ્યો હતો . એ દૂર ફંગોળાઈ ગયો હતો . જાણે ગોવાળિયાને જ કોઈએ ચાબખો ફટકારી દીધો હતો . એ અધમૂઓ થઈને ઊંધાં માથે પટકાયો હતો . એવો એનો ધબડકો વળ્યો હતો કે ઊઠવાનાય સૂધબૂધ રહ્યા નહીં એનામાં . જંગલની જમીન હરખાઈ હતી , દેવાર્યને રસ્સી વાગી ન હતી . ઝાડ રાજી થઈને ઝૂલ્યા હતા , દેવાર્યને કોઈ જ તકલીફ પડી નહોતી . આછીપાતળી હવામાં હરખના હિલ્લોળ ઉઠ્યા હતા , દેવાર્યને હેરાન કરવાનું જે વિચારી રહ્યો તેની જ ધોલાઈ થઈ ગઈ હતી .
અલબત્ત , દેવાર્ય એ જ રીતે પ્રસન્નભાવે ઉભા હતા . બચી ગયા હોવાનો ભાવ એમના ચહેરા પર હતો જ નહીં . એ ડર્યા નહોતા , ડરવાનાય નહોતા . એમને ગોવાળિયાની કે વૃષભોની બાબતમાં વિચારવાની આવશ્યકતા જ નહોતી . દેવાર્ય પોતાની કાયાનોય વિચાર કરતા નહોતા . એમની આસપાસ જે કાંઈ બની રહ્યું હતું તેનાથી તેઓ પૂર્ણતઃ નિર્લેપ હતા .
આ ક્ષણે જંગલમાં એક નવો અવાજ પ્રકટ્યો હતો . એ માનવીય સ્વર નહોતો . કોઈ મંત્રગાન જેવો ધીર ગંભીર ઉદ્ઘોષ હતો એ . સમંદરી લહરીઓ જેવો ભરપૂર હતો એ ધ્વનિ .
‘ પ્રભુ ‘ એ અવાજમાં દેવાર્યને સંબોધન થયું . દેવાર્ય માટે એ અવાજ અજાણ્યો નહોતો . છેક બાળપણથી દેવાર્ય એ અવાજ સાંભળતા આવ્યા હતા . એ દેવરાજનો અવાજ હતો . પ્રભુની દીક્ષાની પહેલી રાતે દેવરાજે સુધર્મ દેવલોકમાં બેઠા બેઠા જ પ્રભુ વિશે વિચાર્યું હતું . તેમણે ગોવાળિયાને રસ્સી ઉગામતાં જોયો હતો . તેમણે જ પળવારમાં , વૈક્રિયબળથી એને રોકી પાડ્યો હતો . એ ગોવાળિયો હવે પછી ક્યારેય દેવાર્યની સામે આવે નહીં એવો ઈંતઝામ તેમણે કરી જ લીધો હતો .
પરંતુ દેવરાજ અવધિજ્ઞાની હતા . ભવિષ્યને તેઓ ભાળી શકતા હતા . તેમને ભવિષ્ય ડરાવી રહ્યું હતું . તેમણે પ્રભુને વિનંતી કરવાની ભાવના બનાવી . તે પ્રભુ સમક્ષ ઊભા રહ્યા . અંધારિયા જંગલમાં દેવરાજનાં આગમનથી સોનેરી તેજ રેલાયું હતું . દેવાર્યની ઓજસ્વી કાયા એ તેજમાં વધુ દેદીપ્યમાન લાગી રહી હતી . પેલા વૃષભ સ્તબ્ધ ભાવે આ દૃશ્ય જોઈ રહ્યા હતા . એક તરફ પ્રથમ દેવલોકના અધિપતિ ઊભા હતા , હાથ જોડીને , વિનયાવનત મુદ્રામાં . બીજી તરફ , ત્રણ લોકના અધિપતિ ઊભા હતા , હાથ લંબાવીને , કાયોત્સર્ગ મુદ્રામાં .
દેવાર્ય પોતાનો અવાજ ઓળખી રહ્યા છે અને સાંભળી રહ્યા છે એની દેવરાજને શત પ્રતિશત ખાતરી હતી . એ બોલતા રહ્યા : ‘ પ્રભુ , આપને વંદન . મારી આપને એક વિનંતી છે . હું ચાહું છું કે આપ મારી વિનંતીનો સ્વીકાર કરશો જ . પ્રભુ , મને દેખાય છે કે આવી રહેલો સમય બહુ કઠિન વીતવાનો છે . સાડા બાર વરસમાં આપને ઘણી ઘણી તકલીફો આવવાની છે . એ તકલીફોની કલ્પનાય મને ડરાવી દે છે . પ્રભુ , મારી ભાવના છે કે હું સાડા બાર વરસ સુધી આપની સેવામાં જ રહું . આપને કોઈ તકલીફ અડે એ મારાથી સહન નહીં થાય . પ્રભુ , મારી વિનંતીનો સ્વીકાર કરો … ‘
દેવરાજે બોલવામાં વિરામ લીધો હતો . દેવાર્યે તત્કાળ જ આંખ ખોલી હતી . વાદળાઓ હટે અને સૂરજનું તેજકિરણ એક રેખામાં રેલાય તેમ દેવાર્યની અપાર્થિવ આંખોમાંથી નીકળી રહેલી રોશની સમગ્ર વનમાં વિસ્તરી ગઈ . દેવરાજનું દૈવી રૂપ એ રોશની સામે ઝાંખું બની ગયું .
‘ મહાનુભાવ , તારી ભાવના ઉત્તમ છે . ‘ દેવાર્ય બોલ્યા હતા . દેવાર્યના સ્વરોમાં મંદ્રસપ્તકનો ઝંકાર હતો . દેવરાજના અવાજને દેવાર્યના અવાજે મહાત આપી હતી એ પ્રત્યક્ષ હતું . ( ક્રમશઃ)
