ટીપે ટીપે સરોવર ભરાય આ કહેવત બહુ જાણીતી છે . હમણાં એક ટીપું પડશે , થોડી વાર પછી બીજું ટીપુ પડશે એમ સતત એક એક ટીપું પડતું રહેશે , રોજ ટીપું પડતું રહેશે તો એક દિવસ આખું સરોવર ભરાઈ જશે એવો આ કહેવતનો સારાંશ છે . આ કહેવતમાં ટીપું એટલે શું એ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી . એ સ્પષ્ટતા આપણે પોતે જ કરવાની રહે છે . ટીપે ટીપે સરોવર ભરાય એમાં ટીપું જો ગટરનાં પાણીનું હશે તો સરોવર ગટરનાં પાણીનું જ બનશે . ટીપે ટીપે સરોવર ભરાય એમાં ટીપું જો ગુલાબજળનું હશે તો સરોવર ગુલાબજળનું જ હશે . તમારું ટીપુ ગટરનાં પાણીનું છે કે ગુલાબજળનું છે એ તમારે શોધી કાઢવાનું છે .
તમારાં મનમાં જેની જેની માટે દ્વેષના ભાવો બનેલા છે તેવાં નામોનું લિસ્ટ બનીને તૈયાર પડેલું છે . આપણા પોતાના હાથે બનેલું લિસ્ટ આપણે પોતે જ વાંચવું જોઈએ . વાંચ્યું નથી . તમને કોની માટે ગુસ્સો છે , કોની સાથે સ્પર્ધા છે , કોની માટે ઈર્ષા છે , કોની માટે ફરિયાદ છે , કોની માટે વિરોધ છે , કોની સાથે ઝઘડો છે , કોની સાથે મનભેદ છે એની તમને જવાબદારીપૂર્વક જાણ હોવી જોઈએ . આ બધા દ્વેષનાં જ અલગ અલગ રૂપો છે . અને દ્વેષનો સ્વભાવ શું છે , તમને ખબર નથી . જે દ્વેષ તીવ્ર હોય છે તે એક જીવનનાં પ૦ / ૫૫ વર્ષ પૂરતો સીમિત રહેતો નથી . એ દ્વેષ આગામી ભવમાં પોતાની મેળે જ સાથે આવતો હોય છે .
તીવ્ર દ્વેષની ત્રણ નિશાની હોય છે . ૧ . જે દ્વેષ લાંબા સમય સુધી ચાલે છે તે પરલોકમાં સાથે આવે છે . ૨ . જે દ્વેષ એક જ વ્યક્તિ ઉપર વારંવાર વ્યક્ત થાય છે તે પરલોકમાં સાથે આવે છે . ૩ . જે દ્વેષને ઓછો કરવાનો પ્રયત્ન થતો નથી , જે દ્વેષને વધારવામાં આપણને કોઈ સંકોચ હોતો નથી એ દ્વેષ પરલોકમાં સાથે આવે છે .
આપણને એવું લાગે છે કે દ્વેષ તો દુશ્મન સાથે હોય , વૈરી સાથે હોય , મારે કોઈ પાકિસ્તાન જેવું દુશ્મન નથી . મારે બસ , થોડીઘણી બોલાચાલી કોઈની સાથે થાય છે . એને કાંઈ દ્વેષ કહેવાય ? આ આપણી ગલતફહેમી છે . કોઈ બોલાચાલી થોડી કે ઘણી હોતી નથી . બોલાચાલી , બોલાચાલી જ હોય છે . એમાં ગુસ્સો હોય છે , આક્રોશ હોય છે , પ્રતિશોધ હોય છે . એક પિતા પોતાના પુત્ર કે પુત્રી સાથે ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . એક માતા પોતાના સંતાન સાથે ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . ભાઈ કે બહેન પોતાના ભાઈ કે બહેન સાથે , સાસુ કે વહુ પોતાના વહુ કે સાસુ સાથે , પુત્ર કે પુત્રી પોતાના મા બાપ સાથે , મિત્ર મિત્રની સાથે , વ્યક્તિ પોતાના પાડોશી સાથે – નોકર સાથે – ભાગીદાર સાથે કે બીજા કોઈ સાથે – ક્રોધ સ્વરૂપે જે વ્યવહાર કરે છે એમાં દ્વેષ હોવાની સંભાવના છે . ક્રોધ એકવાર કર્યો હોય તો પણ એ ભયાનક જ ગણાય છે . યાદ કરો ચંડકૌશિકનો પૂર્વભવ . એમણે એક જ વખત ક્રોધ કર્યો હતો પણ એ ક્રોધ એમને દુર્ગતિમાં લઈ ગયો . એમની પાસે તપસ્યા હતી , વૈરાગ્ય હતો છતાં એક વખતનો ક્રોધ એમને દુર્ગતિમાં લઈ ગયો તો વિચારો : આપણી પાસે તપસ્યા નથી , વૈરાગ્ય નથી અને ક્રોધ વારંવાર કરતા હોઈએ છીએ . આ ક્રોધ આપણને ક્યાં લઈ લઈ જશે ? કોઈ કલ્પના આપણે કરી ના શકીએ .
રાત્રે સૂતાં પહેલાં તમારે પોતાની જાતને પૂછવાનું છે : જો હું ઊંઘમાં ને ઊંઘમાં મરી ગયો તો , મારાં મનમાં જે પણ વે૨વિરોધ ઉભા છે એ મને કંઈ ગતિમાં લઈ જશે ? વેરવિરોધનાં કારણો જે પણ હોય , સામા માણસનો સ્વભાવ , સામા માણસની વર્તણૂક , એ કારણોને આગળ ધરી દેવાથી આપણને વેરવિરોધ કરવાની છૂટ મળી જતી નથી . દુર્ગતિથી બચવું હોય તો એક જ વાત કામ આવે છે : મનમાં વેરવિરોધ હોય નહીં એવી દશા . સૂતાં પહેલાં સાધકે પોતાની જાતને પૂછવાનું છે : મારે જેની જેની સાથે મતભેદ છે , જેની જેની સાથે વાંધોવચકો છે , જેની જેની સાથે ઝઘડો છે , જેની જેની સાથે પણ અણબનાવ છે , જેની જેની સાથે મનમુટાવ છે – એ બધા લોકો અહીં જીવતાં રહી જશે અને હું જો ઊંઘમાં પરલોકની સફરે ઉપડી ગયો તો મારું શું થશે ? આ લોકો મારી સાથે નહીં આવે પણ એમનાં કારણે કરેલો ક્રોધ , એમનાં કારણે મનમાં બનેલી અશાંતિ જરૂર મારી સાથે આવશે . શું આવું થવા દેવું છે ?
મારે કોઈ પણ સંક્લેશ કે અશાંતિને સાથે લઈ જવાં નથી . વર્ષો વર્ષોથી જે માનસિક ક્લેશ અને કષાયો બનેલા છે એને હું ઢીલા પાડીશ નહીં તો એ બધું આવતા જનમમાં સાથે જ આવશે . આવતા જન્મમાં આ કષાયોને કારણે મને સદ્ગતિ નહીં મળે પણ દુર્ગતિ મળશે , મને શાંતિ નહીં મળે પણ અશાંતિ મળશે , મને સારો વ્યવહાર કરવાની સૂઝ સમજ નહીં મળે અને ખરાબ વ્યવહાર કરવાની અંતઃસ્ફુરણા જ મળ્યા કરશે . આ ભવનો કષાય , થોડોક કષાય આવતા ભવમાં ઘણા કષાય કરાવશે . આ ઘણા કષાય એના પછીના ભવમાં ઘણાબધા કષાય કરાવશે . એ ઘણાબધા કષાય એના પછીના ભવમાં ઘણા ઘણા ઘણા કષાય કરાવશે . આમ આ એક ભવના કષાય આવતા ભવોમાં નવા નવા કષાયો કરાવ્યા કરશે અને નવી નવી દુર્ગતિઓ લાવ્યા જ કરશે . મારે નવા નવા કષાયો પણ જોઈતા નથી , નવી નવી દુર્ગતિઓ પણ જોઈતી નથી . મારે આ જનમના કષાયો આ જ ભવમાં ખતમ કરવા છે .
તકલીફ એ છે કે પાંચમો આરો ચાલે છે એટલે આ ભવમાં બધા જ કષાયો ખતમ થઈ જાય એ સંભવિત નથી . ચોથો આરો હોય તો ચોક્કસ પ્રકારની સાધના દ્વારા અને ચોક્કસ પ્રકારની ભાવશુદ્ધિ દ્વારા બધા જ કષાયોનો ક્ષય થઈ શકે . એ રીતે કષાયોથી મુક્તિ મળી શકે . પરંતુ કર્મક્ષય સ્વરૂપે કષાયોથી મુક્તિ મળે એ અત્યારે સંભવિત નથી . તો હવે કરવું શું ?
આટલું કરી શકાય . પહેલા તબક્કે આપણાં મનમાં જે જે વ્યક્તિ માટે કષાયગ્રસ્ત વિચારો ચાલે છે એ વ્યક્તિ પ્રત્યેના કષાયની તીવ્રતા ઘટે એવો પુરુષાર્થ કરી શકાય . ચોક્કસ વ્યક્તિ માટે દ્વેષ ઉગ્ર હતો એની ઉગ્રતા ઘટે એવું કરી શકાય . બીજા તબક્કે જે કષાય ઉગ્ર નથી રહ્યા એને ભૂંસવાનો પ્રયત્ન કરી શકાય . ચોક્કસ વ્યક્તિ માટે મારાં મનમાં મારે કોઈ નારાજગી રાખવી નથી એવો સંકલ્પ કરી શકાય . નારાજગી મટે કે મટે પણ – મારે નારાજગી રાખવી નથી એવો જે સંકલ્પ થાય છે તે સંકલ્પ કષાયવિરોધી માનસ જરૂર બનાવી આપે છે . ત્રીજા તબક્કે જે જે વ્યક્તિ માટે મારાં મનમાં નારાજગી છે એ વ્યક્તિને યાદ કરીને દૂર બેઠાં બેઠાં એમની ક્ષમાયાચના કરી શકાય . એમની પાસે જઈશું એ કદાચ સંભવિત નથી . એમની પાસે જઈએ તો પણ એમને આપણો પસ્તાવો સમજાય એ કદાચ સંભવિત નથી . એટલું જરૂર થાય કે આપણે દૂરથી મનોમન એમની માટેના ક્રોધ આદિ દુષ્ટ ભાવોની ક્ષમાયાચના કરીએ . खामेमि सव्व जीवे આ રીતે થતું હોય છે . તમારાં મનમાં રહેલા કષાયો નબળા પડ્યા એ બહુ અગત્યનું કામ છે . તે પછી ચોથા તબક્કે આપણાં નિમિત્તે જેમનાં જેમનાં મનમાં કષાયો બન્યાં હોય , જાગ્યાં હોય એમની સાથે સારો વાર્તાલાપ કરીને એ કષાયો ઓછા કરી દેવાની પ્રામાણિક કોશિશ કરીએ . અને પાંચમા તબક્કે જીવનભરમાં જે જે કષાયો થયા એની પ્રભુ સમક્ષ માફી માંગીએ , ગુરુ સમક્ષ માફી પણ માંગીએ અને આલોચના પણ લઈએ . જીવનભરના કષાયોની માટે મિચ્છામિ દુક્કડં બોલતા રહીએ .
આપણો અંતરાત્મા આ પાંચ તબક્કામાંથી પસાર થાય એ જરૂરી છે . મૃત્યુની ક્ષણે જીવને સંક્લેશ મુક્ત રાખવામાં પાંચ તબક્કાની પ્રક્રિયા બહુ ઉપયોગી બને છે . ટીપે ટીપે ભરાયેલું સરોવર જો ગટરનાં પાણીથી ભરેલું હોય તો ગટરનું પાણી ખાલી થઈ જાય એ બહુ જરૂરી છે . ગટરનું પાણી ખાલી થઈ જશે એ પછી જ એ સરોવરમાં ટીપે ટીપે ગુલાબનું જળ ભરી શકાય છે .
