Home Gujaratiપ્રભુએ અંતિમ દેશનામાં ૩૬ પ્રેરણાઓ આપી હતી : તમને એ યાદ છે ?

પ્રભુએ અંતિમ દેશનામાં ૩૬ પ્રેરણાઓ આપી હતી : તમને એ યાદ છે ?

by Devardhi
0 comments

પ્રભુની યાદમાં દિવાળીના દિવસોમાં શું કરી શકાય ? શિષ્યએ પ્રશ્ન કર્યો . ગુરુએ જવાબ આપ્યો : પ્રભુની યાદમાં બે કામ કરી શકાય . એક , દીવાળીમાં પ્રભુએ જે કર્યું તે યાદ કરો . બે , દીવાળીમાં પ્રભુએ જે કહ્યું તે યાદ કરો . દીવાળીમાં પ્રભુએ છઠ કર્યો હતો એની યાદમાં આપણે સૌ છઠ કરીએ છીએ . દીવાળીમાં પ્રભુએ દેશના ફરમાવી હતી . આપણે એ દેશનાની યાદમાં ઉત્તરાધ્યયન સૂત્ર સાંભળીએ છીએ . પ્રભુએ પિતાની જેમ આ સૂત્રનું કથન સામે ચાલીને કર્યું હતું . પિતા એટલે પુત્રનું પૂર્ણ પ્રશિક્ષણ . પિતા પોતાના પુત્રના દરેક પ્રશ્નના જવાબ આપતા હોય છે . ઘણી વખત પુત્ર પ્રશ્ન પૂછે એ જરૂરી હોય છે પરંતુ પુત્ર પ્રશ્ન પૂછવાનું ભૂલી જાય છે . આવા સમયે પિતા એ પ્રશ્નના પણ જવાબ આપતા હોય છે જે પ્રશ્ન પૂછવામાં આવ્યા નથી . પુત્રે જેના વિષયમાં કાંઈ પૂછ્યું નથી પરંતુ પુત્રે જે વિષયમાં જાણવું જોઈએ એ વિષયની વાતો પિતા સામે ચાલીને પુત્રને જણાવે છે . દેવાધિદેવ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર પરમાત્માએ અંતિમ દેશનામાં ૩૬ પ્રશ્નોના જવાબ આપ્યા છે પરંતુ આ પ્રશ્નો એવા છે જે કોઈએ પૂછ્યા જ નથી . પરમાત્માએ પિતા બનીને પોતાના આશ્રિતો માટે ૩૬ ઉત્તર ફરમાવ્યા અને આ ઉત્તર એવા હતા જેની માટે પ્રશ્નો તો કોઈએ પૂછ્યા જ નહોતા . કરુણાનિધાન ભગવંતે જે ૩૬ ઉત્તર ફરમાવ્યા તેનું સંકલન એક જ ગ્રંથમાં થયું . તે ગ્રંથનું નામ ઉત્તર અધ્યયન એટલે કે ઉત્તરાધ્યયન સૂત્ર રાખવામાં આવ્યું . પરમાત્માએ ઉત્તરરૂપે જે ફરમાવ્યું તે હકીકતમાં પ્રેરણા હતી , ઉપદેશ હતો , માર્ગદર્શન હતું . પરમાત્માએ ૩૬ પ્રેરણા આપી તે સેંકડો શ્લોકોમાં શબ્દબદ્ધ થઈ છે . ઉત્તરાધ્યયન સૂત્રના એક એક શબ્દમાં અપરિસીમ પ્રેરણાઓ ભરી છે . એમાંથી બિલકુલ પ્રારંભિક કક્ષાની થોડીક પ્રેરણાઓને આપણે દિવાળીના દિવસે યાદ કરીએ .


. विनयश्रुत अध्ययन
: તમે જે બોલો છો એનાથી કોઈપણ વ્યક્તિને અનાદરનો અનુભવ ના થવો જોઈએ . તમારા પોતાના સ્વજનો જે ધાર્મિક ઈચ્છા રાખે છે તેને તમારે આદર આપવો જોઈએ . વડીલોની ભાવનાઓ અધૂરી ના રહેવી જોઈએ . કોઈ દુષ્ટ વચન બોલે ત્યારે તમારે તમારાં મનનો અંકુશ ખોવો જોઈએ નહીં .

. परिषह प्रविभक्ति अध्ययन : જ્યારે પણ દુઃખ આવે ત્યારે વિચારજો કે મારાં જૂનાં પાપોનો નાશ થઈ રહ્યો છે . તમને કોઈ સુખ કે આનંદ પ્રમોદનો અવસર મળે ત્યારે એ સુખ કે આનંદ પ્રમોદ માટે કોઈ ધર્મપ્રવૃત્તિને ઠેસ મારી દેતા નહીં . જે વ્યક્તિનાં કારણે તમને કોઈ દુઃખ થયું છે એની માટે મનમાં દ્વેષ બનાવશો નહીં .

. चतुरंगीय अध्ययन : રોજેરોજ નવું ધાર્મિક જ્ઞાન મેળવતા રહો .જે દિવસે તમે નવો અભ્યાસ કર્યો નહીં એ દિવસ અધૂરો રહ્યો છે એમ માનજો . તમારી શ્રદ્ધા ગઈકાલે જેટલી મજબૂત હતી એના કરતાં આજે વધારે મજબૂત હોવી જોઈએ અને આજે જેટલી મજબૂત છે એના કરતાં આવતીકાલે વધારે મજબૂત હશે એવી તમારી ભૂમિકા હોવી જોઈએ . જે ધર્મ તમે કરી લીધો છે એનો રાજીપો રાખો . પરંતુ જે ધર્મ કરવાનો બાકી છે એ તુરંત કરવો છે એનું લક્ષ બનાવો .

. असंस्कृत अध्ययन : તમને ધર્મક્રિયા કરવાનો કંટાળો આવશે એવું બની શકે છે . પણ એ કંટાળાની છાયામાં આવીને તમે ધર્મક્રિયાની ઉપેક્ષા નહીં કરતા . ધર્મક્રિયામાં ખાડા ન પડે , ધર્મક્રિયામાં ઉતાવળ ન થાય , ધર્મક્રિયામાં અવિધિ કે આશાતના ન થાય એનું ધ્યાન તમારે અવશ્ય રાખવાનું છે . તમારાં મનને સમજાવીને ક્રોધ માન માયા લોભ ઘટાડવા માંડો . ધર્મ કરતાં રહીએ અને કષાયો નબળા પડે નહીં – એવું ન ચાલે .

. अकाम मरणीय अध्ययन : ભૌતિક સુખ માટેની સાધનસામગ્રી વિના તમે જેટલો સમય વિતાવી શકો છો એટલો વિતાવો કારણ કે આવતા ભવમાં તમે કેવી ગતિમાં જવાના છો એની તમને કલ્પના નથી . જે સુખ વિના તમે ચલાવી શકો છો એ સુખથી દૂર રહેવાનું રાખો . રોજ એક બે દુઃખને સ્વેચ્છાપૂર્વક સહન કરો . રાત્રે ઊંઘતા પહેલા બધું જ વોસિરાવી દેવાની આદત રાખો .

६ . क्षुल्लक निर्ग्रन्थीय अध्ययन : તમને તમારા પરિવાર માટે મમતા છે . એ મમતા પરલોકને નુકસાન કરી શકે છે માટે એ મમતાને ઓછી કરવાનું લક્ષ્ય રાખજો . તમને તમારાં ઘરની તમામ સાધનસામગ્રી માટે મમતા છે . એ મમતા પણ પરલોકને નુકસાન કરી શકે છે . એ મમતાને પણ ઓછી કરવાનું લક્ષ્ય રાખજો . તમને તમારાં શરીર માટે ઘણી મમતા છે . આ મમતા પણ પરલોકને નુકસાન કરી શકે છે . તમે આ મમતાને પણ ઓછી કરવાનું લક્ષ્ય રાખજો .

७ . उरभ्रीय अध्ययन : તમારાં જીવનમાં ઘણાં પાપો ચાલે છે . એમાંથી અમુક પાપો તમે છોડી શકો એમ છો . એ પાપોને છોડવાનું શરૂ કરો . તમારાં જીવનમાં ઘણાં સુખ ચાલે છે , આનંદપ્રમોદ ચાલે છે . અમુક સુખ અને આનંદપ્રમોદ તમે છોડી શકો છો . તમે એ છોડવાનું શરૂ કરો . તમારાં જીવનમાં જે ધર્મ ચાલે છે એ ધર્મમાં તમને અઢળક આનંદનો અનુભવ થાય એવી ભાવધારા બનાવતાં રહો .

. कापिलीय  अध्ययन : મારે મરીને દુર્ગતિમાં જવું નથી એવી સૂચના પોતાને આપતાં રહો . તમને કાયમ કોઈ ને કોઈ ઈચ્છા થતી રહે છે . તમે તમારી દરેક ઈચ્છા પૂરી થાય એવી જીદ રાખો છો . આ જીદ સારી નથી . તમારી ઈચ્છા પૂરી ના થાય એવી પરિસ્થિતિમાં પણ તમે તમારાં મનને પ્રસન્ન રહેવાનું શીખવો . કોઈપણ ભૌતિક સામગ્રી વિનાય તમે ખુશ રહી શકો છો એવી ક્ષણો બનાવો અને એવી ક્ષણોને વધારતાં જાઓ .

९ . नमि प्रव्रज्या अध्ययन : મારે કોઈ સંઘર્ષ કરવો નથી , કોઈ સંક્લેશ કરવા નથી એવો સંકલ્પ બનાવી રાખો . તમે વ્યક્તિઓ અને વસ્તુઓ બાબતે જે અપેક્ષાઓ રાખો છો તે અપેક્ષાઓ ઓછી કરી દો . જેમ જેમ અપેક્ષા ઓછી થતી જશે એમ એમ સંક્લેશ ઓછા થતાં જશે . ઓછામાં ઓછી વસ્તુઓથી કામ ચલાવવાની આદત પાડો . ઓછામાં ઓછા લોકો સાથે વ્યવહાર રાખવો પડે એવી જીવનશૈલી બનાવો . સાધનામાં આગળ વધવું હશે તો આ કરવું જ પડશે .

१० . द्रुम पत्रक अध्ययन : તમારાં મનમાં જે રાગ બને છે તેનાં આલંબન પ્રશસ્ત હોતા નથી . આથી તમારો રાગ અપ્રશસ્ત બની જાય છે . તમારો રાગ પ્રશસ્ત આલંબન સાથે જોડાય અને રાગ પોતે પ્રશસ્ત બનતો રહે એવી માનસિકતા બનાવો . અપ્રશસ્ત રાગ ઘટે અને પ્રશસ્ત રાગ વધે આ પહેલું પગથિયું છે . મનનો રાગ ઓછો થતો જાય આ બીજું પગથિયું છે . મનને વૈરાગ્યનો સ્પર્શ મળે આ ત્રીજું પગથિયું છે . જે આ ત્રણ પગથિયાં પસાર કરે છે તેને આખરે વીતરાગ ભાવ પ્રાપ્ત થતો હોય છે .

११ . बहुश्रुत पूजा अध्ययन : ધર્મનું જ્ઞાન વધતું રહેવું જોઈએ પરંતુ એ જ્ઞાનનો અહંકાર ન બનવો જોઈએ . ધર્મનું જ્ઞાન એવું હાંસિલ કરો કે મનમાં મોક્ષ અવસ્થાના વિચારો ચાલતા જ રહે . જે ધર્મના જ્ઞાની છે એમની નિંદા કરો નહીં . જે ધર્મના જ્ઞાની છે એમની નિંદા સાંભળો નહીં . જ્ઞાનને સન્માન આપો અને જેમનું જ્ઞાન ઉપાર્જન ઉત્કૃષ્ટ છે એમને પણ ભરપૂર સન્માન આપો . જ્ઞાનીનું સન્માન એટલે જ્ઞાનનું સન્માન . જ્ઞાનીનું અપમાન એટલે જ્ઞાનનું અપમાન .

१२ . हरिकेशीय अध्ययन : તમારાં જીવનમાં નિયમ પાલન હોવું જોઈએ , વ્રત આચરણ હોવું જોઈએ . જીવનમાં નિયમ ન હોય , વ્રત આચરણ ન હોય તો તમે જે જ્ઞાન મેળવ્યું એ વ્યર્થ છે . દરેક ભૂમિકાના જીવો માટે ચોક્કસ ગુણોનું વર્ણન શાસ્ત્રોએ કર્યું છે . તમે જે ભૂમિકામાં હો એ ભૂમિકાએ તમારામાં કેટલા ગુણો હોવા જોઈએ તે શોધો અને તે ગુણો તમારી અંદર જાગે એવો પુરુષાર્થ કરો . ગુણ ઉપાર્જનનો પુરુષાર્થ આત્માને પવિત્ર બનાવે છે . વ્રતનું પાલન કરનારા શ્રમણ શ્રમણી ભગવંતોને પુષ્કળ આદર આપો . વ્રતધારીને આપેલો આદર તમારામાં વ્રતપાલનની શક્તિ પ્રગટાવે છે .

१३ . चित्र संभूतीय अध्ययन : તમે જે પણ વ્રતનિયમનો સ્વીકાર કર્યો હોય એને પૂર્ણ રીતે વફાદાર રહેજો . એકવાર જે વ્રત લીધા તેનો ભંગ ક્યારે પણ કરવો જોઈએ નહીં . એકવાર જે નિયમ લીધો એ ક્યારે પણ તૂટવો ના જોઈએ . વ્રત લેવાથી અને વ્રતનું અખંડ પાલન કરવાથી પ્રચંડ કર્મનિર્જરા થતી હોય છે . કામભોગની પ્રવૃત્તિઓ પ્રિય લાગે છે પરંતુ એ વ્રતમાં બાધાકારી હોય છે . કામભોગની પ્રવૃત્તિથી દૂર રહીને પણ પ્રસન્ન રહી શકાય એવી માનસિકતા બધા નથી બનાવી શકતા . તમે એવી માનસિકતા બનાવી લો . આત્માની અંદર જે આનંદ વસે છે એને શોધવો છે અને પામવો છે એવું લક્ષ્ય બનાવો . એ દિશામાં આગળ વધવા અંતરંગ પુરુષાર્થ કરો .

१४ . इषुकारीय अध्ययन : આત્મા પરલોકમાંથી અહીં આવ્યો છે અને અહીંથી મરીને આત્મા ફરીથી પરલોકમાં જવાનો છે . આ વિષય પર પૂર્ણ શ્રદ્ધા રાખો . આત્માને લાભ થાય તે માટે ધર્મક્રિયા કરો . સાથોસાથ યાદ રાખો‌ કે જે ધર્મક્રિયા કરો છો એના દ્વારા હૃદયમાં શુભ ભાવોનું જાગરણ થવું જ જોઈએ . હંમેશ માટે યાદ રાખજો કે તમારાં પરિવારજનોને રાજી રાખવા માટે તમારે તમારા નિયમિત ધર્મ સાથે બાંધછોડ કરવાની હોય નહીં .

१५ . सभिक्षु अध्ययन : તમને જે પણ જ્ઞાન મળ્યું છે એની ઉપર વૈરાગ્યની છાયા હોવી જોઈએ . જ્ઞાનને જો વૈરાગ્યનો સથવારો નથી મળતો તો જ્ઞાન શુભ વિચારો જગાડી શકતું નથી . તમને જે જે વિષયમાં શ્રદ્ધા છે તે વિષયમાં તમારે આચરણ લાવવાનું છે . એકલી શ્રદ્ધા હોય અને આચારપાલન સહેજ પણ ન હોય એવું કેવી રીતે થવા દેવાય ? સાચી શ્રદ્ધા આચારને લાવ્યા વગર રહેતી નથી . તમારી પાસે શ્રદ્ધા હોય અને તમારી પાસે આચાર ન હોય તો જે આચાર તમે નથી પામ્યા એનો પસ્તાવો મનમાં રહેવો જોઈએ . તમે તમારા ધર્મ સાથે બાંધછોડ ન કરો , તમે ધર્મમાં ઢીલા ન પડો એ તમારી જવાબદારી છે અને આ જવાબદારી ફક્ત તમારે જ સંભાળવાની છે .

१६ . ब्रह्मचर्य समाधि स्थान अध्ययन : વિજાતીય તત્ત્વનું આકર્ષણ મૈથુનસંજ્ઞામાંથી આવે છે . મૈથુનસંજ્ઞાને કમજોર પાડવાનો પુરુષાર્થ મનથી , વચનથી અને કાયાથી સતત કરવાનો છે . મૈથુનની પ્રવૃત્તિ આકર્ષક લાગે છે પરંતુ આ પ્રવૃત્તિ આત્માને પારાવાર નુકસાન પહોંચાડતી હોય છે . મનમાં ચોક્કસ પ્રકારની વાસનાઓ સતત રમતી રહે છે મૈથુનસંજ્ઞાને કારણે . શરીર દ્વારા ચોક્કસ પ્રકારની કામપ્રવૃત્તિઓ થતી રહે છે મૈથુનસંજ્ઞાને કારણે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓ થકી આત્મા એવાં ચીકણા કર્મો બાંધે છે જે આત્માને નરકમાં ધકેલી દે છે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓ પુનરાવર્તનની આદત પાડે છે અને પુનરાવર્તનની આદત આગામી ભવોમાં પણ વાસનાઓ અને કામપ્રવૃત્તિઓને સાથે લઈ આવે છે . વાસનાઓ અને કામપ્રવૃત્તિઓનું પુનરાવર્તન ઓછું થાય કે અટકી જાય તો એ આગામી ભવમાં સાથે આવતી નથી અને દુર્ગતિમાં જવાની સંભાવના બનતી નથી .

१७ . पाप श्रमणीय अध्ययन : સાધનાના દરેક નિયમ આત્મા માટે લાભકારી હોય છે . કોઈ પણ નિયમ તૂટે એનાથી આત્માને નુકસાન થાય છે . જેણે સાધનાનો સ્વીકાર કર્યો તેણે સાધનાના નિયમો તોડવા ના જોઈએ . સાધનાના નિયમો સાથે જે બાંધછોડ કરે છે તે સાચો સાધક ગણાતો નથી . શરીરના રોગને કારણે નિયમમાં બાંધછોડ થાય એ જુદી વાત છે . પરંતુ મનના રાગને કારણે અને આવેશને કારણે સાધનામાં બાંધછોડ થાય એ ચલાવી શકાય નહીં . અલબત્ , દોષવાન્ સાધકને જોઈએ ત્યારે દ્વેષ થવો ન જોઈએ કે નિંદા કરવી ન જોઈએ . બલ્કે જે દોષમાં ફસાયા છે એમની માટે અનુકંપાના ભાવ બનાવવા જોઈએ .

१८. संयतीय अध्ययन : વ્રતનું પાલન ઘણાંબધાં વર્ષો સુધી કરવામાં આવે એનાં કારણે આત્મામાં વૈરાગ્યના ઊંડા સંસ્કારો બનતા હોય છે . આથી વ્રતનું પાલન ઘણાં ઘણાં વર્ષો સુધી થાય એવી પરિસ્થિતિ હંમેશા અનુમોદનીય છે . મનમાં જે પણ અશુભ વિચારો જાગે તેને રોકવા માટે આપણે ઉત્તમ સાધક પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ . તમે ચોક્કસ વસ્તુ કે ચોક્કસ વ્યક્તિ માટેના રાગને ઘણાંબધાં વર્ષો સુધી જીવંત રાખશો તો રાગનો એ સંસ્કાર પરલોકમાં સાથે આવશે અને પરલોકમાં પણ તમને શુભ ભાવોથી વંચિત રાખશે . આપણાં મનમાં જે જે રાગ બને છે તે અલ્પકાલીન હોય , તીવ્રતામુક્ત હોય એનું ધ્યાન આપણે રાખીએ તો સાધનામાં વિઘ્નો ઓછા આવે છે .

१९ . मृगापुत्रीय अध्ययन : તમે કોઈને દુઃખમાં ફસાયેલા જુઓ ત્યારે વિચારો કે એણે પૂર્વના ભવોમાં ઘણાંબધાં પાપો કર્યાં હશે . જે જે દુઃખ દેખાય તે તે દુઃખ કયાં કર્મને કારણે આવે છે એ કર્મનું ચિંતન કરવું જોઈએ . જે દુઃખથી ડરે એ કમજોર છે . જે દુઃખનાં કારણ સ્વરૂપ કર્મોથી ડરે એ ભાગ્યશાળી છે . તમારા હાથે જ્યારે પણ કોઈ પાપ થવાનું હોય કે થઈ રહ્યું હોય ત્યારે વિચારજો કે આ પાપનું ફળ કેટલું ભયાનક હશે . જે જે પાપ થયાં તે પાપનો પશ્ચાત્તાપ મનમાં બનાવતા રહેજો . પાપનો પસ્તાવો પાપની તીવ્રતાને ખતમ કરી નાખે છે .

२०. महानिर्ग्रंथीय अध्ययन  : જે સુખ આવ્યાં પછી પાછું ન જાય એને સુખ સાચું સુખ કહેવાય . જે સુખ આવ્યાં પછી થોડા સમયમાં પાછું જતું રહે એને સાચું સુખ કહી શકાય નહીં . ભૌતિક સુખ થોડા સમયની રાહત આપે છે પરંતુ પછીથી એ ક્ષીણ થઈ જાય છે . દોષનું વિસર્જન કરવા દ્વારા અને ગુણનું ઉપાર્જન કરવા દ્વારા આત્માની ભીતરમાં જે સુખ પ્રગટે છે તે થોડા સમયપૂરતું સીમિત હોતું નથી . આ સુખ ભૌતિકસામગ્રીની અપેક્ષા રાખતું નથી આથી સાધનામાં આ સુખને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે . ભૌતિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરી સ્થિર બનવું એ સાધનાનો સ્વભાવ છે . આનો અનુભવ લેવા રોજ એકાગ્રતાપૂર્વક કાઉસગ્ગ કરવો જોઈએ .

२१‌ . समुद्र पालीय अध्ययन : સાધકે ઉપસર્ગ સહન કરવા જોઈએ , કષ્ટો વેઠવા જોઈએ . સહન કરવાથી કર્મોની નિર્જરા થાય છે . દુઃખ સહન કરવા માટે વિશેષ પુરુષાર્થની આવશ્યકતા હોય છે . અશુભ વિચારને રોકવા માટે પણ વિશેષ પુરુષાર્થની જ આવશ્યકતા હોય છે . તમારો જેટલો સમય ધર્મ સાથે જોડાયેલો રહ્યો એટલો સમય સાર્થક છે . જે સમય ધર્મ સાથે જોડાયેલો નથી તે સમયની નિરર્થક છે .

२२ . रथनेमीय अध्ययन : જે વ્યક્તિ ધર્મ સાથે જોડાયેલી છે એ તમારાં કારણે ધર્મથી દૂર થાય એવું ક્યારેય થવા દેશો નહીં . જે વ્યક્તિ કોઈ પણ કારણસર ધર્મથી દૂર થઈ ગઈ હોય કે ધર્મથી દૂર થઈ રહી હોય એ તમારાં કારણે ધર્મની સાથે ફરીથી જોડાઈ એવું અવશ્ય થવું જોઈએ . તમારી પોતાની ભૂલો તમારે જાતે શોધવી જોઈએ અને ભૂલોને સુધારવાનો પુરુષાર્થ પણ તમારે જાતે જ કરવો જોઈએ . મોટામાં મોટા ધર્માત્માના હાથે પણ ભૂલ થઈ શકે છે અને મોટામાં મોટી ભૂલ હોય તો પણ એ ભૂલ જરૂર સુધરી શકે છે .

२३ . केशी गौतमीय अध्ययन : ધર્મના વિષયમાં બે વ્યક્તિ વચ્ચે મતભેદ થાય એવું બને . પરંતુ બે વ્યક્તિ વચ્ચે દ્વેષ થાય એવું બનવું ના જોઈએ . કોઈપણ ધર્માત્મા માટે આપણાં હૃદયમાં દ્વેષની ભાવના જાગે એમાં કોઈ ઔચિત્ય નથી . ધર્માત્માને સન્માન આપવું જોઈએ . ધર્માત્માને સન્માન આપવાથી ધર્મની શક્તિ વધે છે . ધર્માત્માનું અપમાન કરવાથી ધર્મની શક્તિ તૂટે છે . બે ધર્માત્મા પરસ્પર મળે ત્યારે એકબીજાના ધર્મનું ખૂબ સન્માન કરે છે , એકબીજા પાસેથી જ્ઞાન મેળવે છે અને પવિત્ર અનુભવનું આદાનપ્રદાન કરે છે .

२४ . प्रवचन माता अध्ययन  : કોઈપણ જીવની વિરાધનાથી ડરવું એ સાધકનું કર્તવ્ય છે . વિરાધનાનો ભય એ જ સાધનાની સૌથી મોટી શક્તિ છે . આપણા હાથે કોઈ પણ જીવની વિરાધના ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ . આપણી વાણીથી કોઈને પીડા ના પહોંચે એની કાળજી રાખવી જોઈએ અને આપણા વિચારો પ્રભુની આજ્ઞાથી વિપરીત દિશામાં ન જાય તેની સતત જાગૃતિ રાખવી જોઈએ . આપણું જીવન પ્રભુવચનનાં અનુસરણ માટે સમર્પિત છે એવો આદર્શ રાખવો જોઈએ .

२५ . यज्ञीय अध्ययन : પાંચ પાપ આત્માના સૌથી મોટા શત્રુ છે : હિંસા , મૃષાવાદ , ચોરી , મૈથુન અને પરિગ્રહ . આ પાંચ પાપ જીવનમાં હોવા જ ન જોઈએ . જો હોય તો આ પાંચ પાપમાં તીવ્રતા ના હોવી જોઈએ . જો પાંચ પાપ છૂટતાં ન હોય તો પાંચ પાપનો પસ્તાવો હૈયામાં જીવતો રાખવો જોઈએ . કોઈપણ વ્યક્તિ માટે આપણાં મનમાં દ્વેષ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ . જીવનમાં સંયમસાધના હોય અને તપસ્યા હોય તો પૂર્વભવનાં તીવ્ર કર્મોનો નાશ ઝડપથી થાય છે .

२६ . सामाचारी अध्य
यन  : પ્રત્યેક ધર્મક્રિયા અને સ્વાધ્યાય ગુરુનાં માર્ગદર્શન મુજબ જ કરવા જોઈએ , પોતાની મરજીથી નહીં . સંઘમાં અને સમુદાયમાં જે વ્યવસ્થા અને જે પરંપરા નિર્ધારિત છે તેની સાથે બાંધછોડ થાય એવી કોઈ હરકત કરવી ના જોઈએ . દરેક મુનિએ મુનિસમુદાયનું અને સમુદાયના નેતાનું સન્માન જાળવવું જોઈએ . દરેક શ્રાવકે સંઘનું અને સંઘના વડીલોનું સન્માન જાળવવું જોઈએ . આપણે કોઈ વ્યવસ્થા કે કોઈ નિયમનો ભંગ કરી ના શકીએ . દરેક ધર્માત્માએ અરસપરસની આત્મીયતા અને આમન્યાને જાળવી રાખવી જોઈએ .

२७ . खलुंकीय अध्ययन : તમને જેમણે જ્ઞાન આપ્યું છે એમની સામે વધારે પડતી દલીલો કે વધારે પડતા સવાલો ના કરશો . સંઘના કે સમુદાયના કોઈપણ સાધક માટે મનમાં ઈર્ષાનો ભાવ બનવો જોઈએ નહીં . સારું સારું ખાવાની અને સારું સારું પીવાની આદત સાધનાની ભૂમિકાને વિક્ષિપ્ત કરી દે છે .

२८ . मोक्षमार्ग गति अध्ययन : આત્મા શું છે , આત્મા શું કામ સંસારમાં પરિભ્રમણ કરે છે , આત્મા કર્મો શું કામ બાંધે છે અને આત્મા કર્મોથી કેવી રીતે મુક્ત થશે આ વિષયનું ચિંતન અવિરત ચાલતું રહેવું જોઈએ . મારા આત્માને મોક્ષ મળશે એવો વિશ્વાસ હંમેશા બનેલો રહેવો જોઈએ . ચારિત્રનું પાલન એ રીતે કરવું જોઈએ કે અતિચાર લાગે નહીં અને આરાધના ઉત્કૃષ્ટ રીતે થયા કરે .

२९ . सम्यक्त्व पराक्रम अध्ययन : તમારાં હૈયામાં દેવ ગુરુ અને ધર્મ માટે અપરંપાર શ્રદ્ધાભાવ હોવો જોઈએ . તદુપરાંત દેવ ગુરુ ધર્મના પ્રેમી એવા દરેક ધર્માત્મા માટે પણ તમને અપરંપાર પ્રેમ હોવો જોઈએ . સમકિતનાં પાંચ લક્ષણ શું છે અને એ લક્ષણો મારામાં પ્રગટ્યાં છે કે નહીં એનું આત્મનિરીક્ષણ ચાલુ રાખવું જોઈએ . પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિતની મૂળ વિભાવના મનમાં સદૈવ જીવંત રહેવી જોઈએ .

३० . तपोमार्ग गति अध्ययन : આહાર સંબંધી ચાર તપ છે : અનશન , ઉનોદરી , વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ . કષ્ટ સહન કરવા સંબંધી બે તપ છે : કાયક્લેશ અને સંલીનતા . ભાવ વિશુદ્ધિ સંબંધી છ તપ છે : પ્રાયશ્ચિત , વિનય , વેયાવચ્ચ , સ્વાધ્યાય , ધ્યાન અને ઉત્સર્ગ . આ તપસ્યાઓ ઉત્કૃષ્ટ ભાવે થવી જોઈએ .

३१ . चरण विधि अध्ययन : તમે સાધક છો . મનને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવીને રાખો . અર્થકથા , કામકથા , ભક્તકથા અને રાજકથાથી દૂર રહો . આહાર , ભય , મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓનું વર્ચસ્વ ઢીલું પાડતાં રહો .

३२ . प्रमाद स्थान अध्ययन : મન , વચન અને કાયા તેમ જ દૃષ્ટિને સંયમથી બાંધીને રાખો . અકલ્પ્ય આહાર પાણીને અડ શો પણ નહીં અને લેશો પણ નહીં . પાંચ ઇન્દ્રિયના દરેક આનંદ આત્મા માટે બહુ જ નુકસાનકારી છે તે ભૂલશો નહીં .

३३. कर्म प्रकृति अध्ययन : આઠ કર્મનાં નામ જાણી લો . આ કર્મોનો બંધ કેટકેટલાં કારણોથી થાય છે તે સમજી લો . સૌથી ખતરનાક છે મોહનીય કર્મ . ચાર કષાયનો સ્વભાવ અને નવ નોકષાયનો પ્રભાવ શું છે તે તમારે યાદ રાખવાનું છે . કર્મોની નિર્જરા માટે આપણે શું શું કરી શકીએ એનો બોધ મેળવતા રહો અને વધારતા રહો . કર્મક્ષય નિમિત્તે વિશેષ તપ અને વિશેષ કાઉસગ્ગ કરતાં જ રહો .

३४ . लेश्या अध्ययन : જે વિચાર અને જે ભાવના લાંબા સમય સુધી પુનરાવર્તન પામે છે તે લેશ્યા બની જાય છે . આત્મા અને ધર્મ સંબંધી , વિચાર અને ભાવના લાંબા સમય સુધી પુનરાવર્તન પામતા રહે એ રીતે જીવન વ્યવહાર ગોઠવી લો . શુભ શ્રવણ , શુભ દર્શન , શુભ વાંચન અને શુભ સમાગમમાં ભરપૂર સમય વીતવો જોઈએ . મનને અશુભ વિચાર બનાવવાનો સમય જ ના મળે એવી જીવનચર્યા બનાવી લો .

३५ . अणगार मार्गगति अध्ययन : અહિંસા , સત્ય , અચૌર્ય , બ્રહ્મચર્ય , અપરિગ્રહ . આ પાંચ મહાવ્રત જીવનમાં આવવા જોઈએ અને આવ્યા હોય તો એમનું પાલન સર્વોત્તમ રીતે કરવું જોઈએ . ક્ષમા , મૃદુતા , ઋજુતા , મુક્તિ , તપ , સંયમ , સત્ય , શૌચ , અકિંચનતા અને બ્રહ્મ . આ દસ પ્રકારના મુનિધર્મનું પાલન સાંગોપાંગ કરવું જોઈએ . સહન કરે તે સાધુ એ કહેવત છે , તદનુસાર સાધકે શારીરિક સહનશક્તિ પણ ધારણ જોઈએ
અને માનસિક સહનશક્તિ ધારણ પણ જોઈએ .

३६ . जीवाजीव विभाग अध्ययन : આ વિશ્વમાં એક તરફ જીવ શક્તિ છે , બીજી તરફ અજીવ શક્તિ છે . અજીવ પદાર્થોની આસક્તિમાં ફસાયેલો જીવ , અગણિત જીવોની વિરાધના કરતો હોય છે . આ વિરાધના ઓછી થાય અને અટકી જાય એ સાધનાનું મુખ્ય લક્ષ્ય છે . જેનાથી વિરાધનાને પોષણ મળે અને વિરાધનાને સમર્થન મળે એવું કશું સાધક કરે નહીં . સાધક જે કરે એનાથી વિરાધના ઓછામાં ઓછી થાય છે અને આરાધના વધુમાં વધુ થાય છે . વિરાધના બે છે : એક , અન્ય જીવનાં દ્રવ્યપ્રાણની વિરાધના . બે , પોતાના ભાવપ્રાણની એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર તપ અને વીર્ય આચારની વિરાધના . આપણે વિરાધના માત્રથી મુક્ત બનવાનું છે .




You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.