Home Gujaratiકોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .

કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું .

by Devardhi
0 comments

સાધનામાં જે રીતે વીતરાગ અવસ્થા અનુસરણીય છે એ રીતે વીતદ્વેષ અવસ્થા પણ અનુસરણીય છે . વીતરાગ અવસ્થામાં રાગ નથી હોતો . રાગનાં આલંબનની છાયામાં ન આવીએ , રાગનાં સ્પંદનો ના બને , વીતરાગ અવસ્થાનું સ્મરણ આ રીતે કરાય . વીતદ્વેષ અવસ્થામાં દ્વેષ નથી હોતો . દ્વેષનાં આલંબનની છાયામાં ન આવીએ , દ્વેષનાં સ્પંદનો ના બને , વીતદ્વેષ અવસ્થાનું સ્મરણ આ રીતે કરાય . દ્વેષનું કારણ રાગ છે , જો રાગ મટી ગયો તો દ્વેષ મટવાનો જ છે . આપણે આ વાત હંમેશા સાંભળતા આવ્યા છીએ . આપણે એમ જ વિચારતા રહીએ છીએ કે રાગ ઓછો કરો , રાગ ઓછો કરો . રાગનાં આલંબનની હાજરીમાં જે રાગથી બચેલા રહ્યા એમને આપણે યાદ કરીએ છીએ . આપણે આ જ રીતે વિચારતા રહેવાનું છે કે દ્વેષ ઓછો કરો , દ્વેષ ઓછો કરો . દ્વેષનાં આલંબનની હાજરીમાં જે દ્વેષથી બચેલા રહ્યા એમને પણ આપણે યાદ કરીએ એ જરૂરી બને છે . આપણને કેવા કેવા વહેવારને કારણે દ્વેષ થતો હોય છે તે શોધી કાઢવું જોઈએ . આપણાં મનમાં દ્વેષ જાગે છે તે આપણને જ અશાંતિનાં વમળમાં ફસાવી દે છે . ખુદને બચાવી રાખીએ તે સાધના .

૧. કોઈ આપણી પર આક્ષેપ કરશે ત્યારે આપણને દ્વેષ થશે . 

શ્રી મહાવીર સ્વામી ભગવાનને દીક્ષા બાદ દ્વેષનું કારણ બની શકે એવા લોકો વારંવાર મળ્યા છે . દરેક વ્યક્તિની એકાદ વર્તણૂક એવી હતી કે એને કારણે મનમાં દ્વેષ જાગે . પ્રભુએ સ્વયંને દ્વેષથી બચાવી રાખવા માટે સભાનતા જાળવી હતી .  
દીક્ષાની પહેલી રાતે ગોવાળિયો મળ્યો હતો . ગોવાળિયો પોતાના બળદ ભગવાનને સોંપીને ગયો હતો. ભગવાને ન તો સ્વીકાર કર્યો હતો , ન તો વચન આપ્યું હતું . ગોવાળિયો બિલકુલ ગળે વળગ્યો હતો . છતાં છેવટે એણે ભગવાન પર જ આક્ષેપ કર્યો . આક્ષેપ પણ કેવો ? ભગવાન બળદની ચોરી કરવા ચાહે છે એવો આક્ષેપ
.

આપણી ઉપર આક્ષેપ થયો તે પછી આપણાં મનમાં દ્વેષ બને છે આ પહેલો તબક્કો છે . તે પછી બીજા તબક્કામાં આપણે આ બધું કરીએ છીએ : આપણી પર આક્ષેપ આવશે ત્યારે ખુલાસો કરીશું , ઝઘડો કરીશું , આક્ષેપની સામે પ્રતિઆક્ષેપ કરીશું . આપણને ખોટું લાગશે / ખરાબ લાગશે  . આપણે ડરવા લાગશું / રડવા લાગશું . જેણે આપણી પર આક્ષેપ કર્યો હોય એની માટે ખરાબ બોલવાનું આપણને સ્વાભાવિક લાગશે . આક્ષેપ કરનાર કેવો વાહિયાત માણસ છે એનો પ્રચાર કરવાનું આપણને ઉચિત લાગશે . આક્ષેપ કરનારનો પૂરેપૂરો ભૂતકાળ ખુલ્લો પાડવાનો પુરુષાર્થ આપણે અવશ્ય કરવાના . આક્ષેપ કરનાર ઉપર આપણે અપશબ્દોનો વરસાદ વરસાવશું . આક્ષેપ કરનાર ઉપર આપણે ભયંકર ગુસ્સો કરીશું . આક્ષેપ વસ્તુ જ એવી છે કે જેની પર આક્ષેપ થાય છે એનાં મનમાં ભરપૂર દ્વેષ જાગે છે .

જે આક્ષેપ કરે છે એની માનસિકતા જબરી હોય છે . આક્ષેપ કરનારા લોકો જે અઠ્ઠાણું ટકા સારું થયું છે એની વાત નહીં કરે . એ લોકો બે ટકા જે બાકી રહ્યું છે એમાંથી કાંઈક પકડશે અને એ બે ટકાની વાતને જ ડહોળ્યા કરશે . જે અઠ્ઠાણું ટકા સારું હતું એની વાત વિગતવાર કરી હોય તો સારું લાગે . પણ આક્ષેપવીરો સારું નહીં બોલે . આક્ષેપવીરો જે બે ટકા બાકી રહેલું છે એની ઉપર ફોકસ બનાવેલું રાખશે . આક્ષેપવીરોને મફતમાં બોલવાનું જ હોય છે . આક્ષેપવીરનાં માથે કોઈ જવાબદારી હોતી નથી . આક્ષેપવીરની વાતો એવી હોય છે કે એમની વાતોને ગંભીરતાથી લેવામાં આવે તો આપણો આત્મવિશ્વાસ તૂટી જાય અને આપણી હિંમત ઓસરી જાય . 

ગોવાળિયો તો ભગવાનને મારવા માટે તૈયાર થઈ ગયો હતો . જેણે આપણને ચાબૂક મારવાનું નક્કી કર્યું હોય ,  જે આપણી સામે ઉભો રહીને આપણી વિરુદ્ધમાં રાડારાડ કરતો હોય એની માટે આપણને દ્વેષ નહીં થાય તો શું રાગ થશે ?  ભગવાને ગોવાળિયા માટે પોતાના મનમાં દ્વેષ ન બનવા દીધો એ જ હતી ભગવાનની સાધક દશા . જે વર્તણૂક દ્વેષનું કારણ બની શકે છે તેને એ રીતે જીરવી જઈએ કે મનમાં દ્વેષ બને જ નહીં આ સાધના છે . ગોવાળિયો ચાબૂક મારવાનો હતો પણ મારી ન શક્યો કારણ કે ઇન્દ્ર મહારાજા વચ્ચે આવ્યા . ઇન્દ્ર મહારાજા આવ્યા ન હોત અને ગોવાળિયાની વર્તણૂક આગળ વધી હોત તો પણ ભગવાનનાં મનમાં દ્વેષ જાગવાનો નહોતો . 

શીખવાની વાત એ છે કે તમારી પર આક્ષેપ થશે , એવો આક્ષેપ હશે કે મનમાં પીડા બનશે , આક્રોશ જાગશે . સાધારણ માણસને ગુસ્સો આવે એવી એ પરિસ્થિતિ હશે પરંતુ તમે સાધક છો , તમને યાદ હશે કે તમે સાધક છો . આથી તમે ગુસ્સો કરવાનું ટાળશો . તમે મનમાં દ્વેષ બનવા ના દીધો , તમે વ્યવહારમાં ગુસ્સો આવવા ના દીધો , તમારી સાધકદશાને તમે સાર્થક કરી દીધી . 

૨ . કોઈ આપણને બિનજરૂરી સલાહ આપશે ત્યારે આપણને દ્વેષ થશે . 

દીક્ષાનાં પ્રથમ ચોમાસામાં પ્રભુને કુલપતિ મળ્યો હતો . પ્રભુ ઘાસની એક કુટિરમાં ચોમાસું રોકાયા હતા . વરસાદના અભાવે ગાય આશ્રમમાં આવે છે અને પ્રભુની કુટિરને તોડી નાંખે છે . તે વખતે આશ્રમનો સંચાલક કુલપતિ પ્રભુ પાસે આવીને પ્રભુને સૂફિયાણી સલાહ આપે છે કે તમે રાજકુમાર છો , તમારે ઝૂંપડીની રક્ષા કરવી જોઈએ . નાનકડા પંખી પણ પોતાના માળની રક્ષા કરે છે વગેરે વગેરે .

કુલપતિની વાતનો સારાંશ એ હતો કે તમારે જે સમજવું જોઈએ , એ તમે સમજતા કેમ નથી ? કોઈપણ સલાહ આપવાવાળો માણસ બીજાને સલાહ આપતી વખતે પોતાને મહાન્ જ્ઞાની સમજે છે અને સામા માણસને તુચ્છ અને મંદબુદ્ધિ સમજે છે . સલાહવાચસ્પતિ લોકો સામા માણસને સમજાવતી વખતે લાંબુલચક ભાષણ આપે છે . ફક્ત બોલવાથી જ બધાં કામો થતા હોત ને , તો આ દુનિયામાં પસીનો પાડવાની જરૂર જ ના પડત .  પસીનો પુરુષાર્થનો હોય છે . પસીનો મહેનતનો હોય છે . સલાહ આપવામાં કોઈ પસીનો પડતો નથી . જેણે ખરેખર પસીનો પાડીને ઘણાંબધાં મોટાં કામ કરી લીધાં છે એની પાસે જઈને એને જે સલાહ આપવા માંડે છે એને એમ મહેસૂસ થતું હોય છે કે હું મહાન્ માણસ થઈ ગયો . સલાહ આપનારનું અભિપ્રેત એ હોય છે કે હું તમારા કરતાં વધારે સમજદાર છું . સલાહ આપનારનું માનવું એ હોય છે કે આ દુનિયામાં સૌથી વધારે સમજદાર હું છું . મારા જેટલો સમજદાર કોઈ છે જ નહીં . સલાહ આપનાર તમને તુચ્છ સમજે છે , પોતાને વિરાટ સમજે છે . સલાહ આપનાર તમને અજ્ઞાની માને છે , પોતાને વિદ્વાન્ સમજે છે . સલાહ આપનારનો જે રવૈયો હોય છે એ જે ક્ષણે સમજાય છે એ ક્ષણે આપણને ખરેખર ઘણોબધો ગુસ્સો આવવા લાગે છે . આપણે કોની પાસેથી માર્ગદર્શન લેશું એ આપણે નક્કી કરેલું છે . આપણે એમનું માર્ગદર્શન લઈએ પણ છીએ . આપણા માર્ગદર્શક સિવાયનો કોઈ આવે અને એ આપણો માર્ગદર્શક બનવાની કોશિશ કરે ત્યારે મનમાં દ્વેષ બનવા માંડે છે . તમને જે વગરમાંગે સલાહ આપે એ તમારાં મનમાં દ્વેષની લાગણી જગાડી શકે છે . તમે તમારાં મનમાં દ્વેષ જાગવા ન દો . તમે તમારાં મનને સંક્લેશથી બચાવી રાખો .

સાધકનું કામ છે : દ્વેષજનક વ્યવહારમાં પણ દ્વેષથી મુક્ત રહેવું . તમે પહેલેથી પોતાને સૂચના આપી રાખો : કોઈ મારી પર આક્ષેપ કરશે ત્યારે હું મનમાં દ્વેષ બનાવીશ નહીં , કોઈ મને તુચ્છ સમજીને સલાહ આપવા માંડશે ત્યારે હું દ્વેષ કરીશ નહીં . જોકે આક્ષેપ કરનાર કે સૂફિયાણી સલાહ આપનારને ઉચિત જવાબ આપી શકાય છે . પરંતુ એ જવાબ આપતી વખતે આપણે દ્વેષથી અલિપ્ત હોઈએ એ અતિશય જરૂરી છે . કોઈ ખોટા આક્ષેપ કરે , કોઈ વણમાંગી સલાહ આપે ત્યારે ખોટું નહીં લગાડવાનું . ખોટું લાગે છે એ દ્વેષની નિશાની છે . જે આક્ષેપ કરે છે તે સ્વયં દ્વેષમાં ડૂબેલો હોય છે અને જે સલાહ આપે છે તે ખુદ અહંકારમાં ફસાયેલો હોય છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.