Home Gujaratiતમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે , તમે તૈયાર રહેજો .

તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે , તમે તૈયાર રહેજો .

by Devardhi
0 comments

તમારી માટે ગેરસમજ ઊભી કરવામાં આવશે . તમે તૈયાર રહેજો . તમે તમારાં જીવનને જે રીતે બનાવ્યું છે એ તમારો પોતાનો દૃષ્ટિકોણ છે . તમે જે રાખ્યું છે એ તમારી મરજીથી રાખ્યું છે . તમે જે નથી રાખ્યું એ ન રાખવા પાછળ પણ તમારી પોતાની એક મરજી છે . 

તમે એકાસણું કરો છો અને એમાં મીઠાઈ વાપરો છો એ તમારી મરજી છે . તમે આંબેલ કરો છો અને મીઠાઈ નથી વાપરતા એ તમારી મરજી છે . તમે મોંઘાં કપડાં પહેરો છો , તમારી મરજી છે . તમે સાદા કપડાં પહેરો છો , તમારી મરજી છે . તમે ટોળાં ભેગા કરીને ટોળાની વચ્ચે જીવો છો , તમારી મરજી છે . તમે ટોળાથી દૂર રહેવાનું પસંદ કરો છો , તમે એકાંત જીવન બનાવો છો , તમારી મરજી છે . તમે તમારી પ્રશંસા થાય એવું વાતાવરણ રચો છો , તમારી મરજી છે .  તમે તમારી પ્રશંસા થાય એવું વાતાવરણ બનવા દેતા નથી ,  તમે તમારી પ્રશંસાને ટાળો છો , તમારી મરજી છે . તમે જાહેર જીવન જીવો છો , તમારી મરજી છે . તમે જાહેર જીવનથી દૂર રહો છો , તમારી મરજી છે . તમે ચોક્કસ વ્યવસ્થાઓ સ્વીકારો છો , એ વ્યવસ્થાઓ તમારું સ્ટેટસ બનાવે છે , તમારી મરજી છે . તમે ચોક્કસ વ્યવસ્થાઓ સ્વીકારતા નથી , એ વ્યવસ્થાઓનો અભાવમાં તમારું સ્ટેટસ બનતું નથી , તમારી મરજી છે . તમે મહેલમાં રહો છો , તમારી મરજી છે . તમે ઝૂંપડીમાં રહો છો , તમારી મરજી છે . તમે દાગીના પહેરો છો ,  તમારી મરજી છે . તમે દાગીના નથી પહેરતા , તમારી મરજી છે . આવું ઘણું બધું છે જે તમે સ્વીકાર્યું છે , એમાં પણ તમારી મરજી છે . એવું ઘણું બધું છે જે તમે સ્વીકાર્યું નથી , એમાં પણ તમારી મરજી છે . 

તમારી પાસે જે છે એનાથી તમે ખુશ છો , તમારી પાસે જે નથી એમાં પણ તમે ખુશ છો . જે છે અને જે નથી એ બંને દ્વારા તમારી મરજી મુજબનું જીવન તમને મળ્યું છે . તમે એ રીતે જ જીવન જીવતાં રહેશો એવું લોકો બનવા નહીં દે . લોકોને તમારાં જીવનમાં દરેક જગ્યાએથી કારણો શોધવા છે . તમારી પાસે જે છે એ શું કામ છે એની લોકોને ચિંતા છે અને એની લોકો ચર્ચા કરે છે . તમારી પાસે જે નથી એ શું કામ નથી એની લોકોને ચિંતા છે અને લોકો એની ચર્ચા કરે છે . તમે જે કરો છો એ તમારે કરવું જોઈએ કે નહીં એની લોકોને ચિંતા છે અને લોકો એની ચર્ચા પણ કરે છે . તમે જે નથી કરતા એ તમે શું કામ નથી કરતા એની સમીક્ષા લોકો કરે છે કારણ કે લોકો એ બાબતમાં પણ ચિંતા કરતા જ હોય છે . 

લોકો તમારી આસપાસ રહે છે . લોકો તમને જુએ છે . લોકો તમારા વિશે વિચારે છે . લોકો તમારા વિશે વાત કરે છે . લોકો તમારા વિશે સમાચાર બનાવે છે . લોકો તમારા વિશે અભિપ્રાય બનાવે છે . લોકો સારું બોલે છે ત્યારે સારું બોલવાનાં કારણો શોધી કાઢે છે . લોકો ખરાબ બોલે છે ત્યારે ખરાબ બોલવાનાં કારણો શોધી કાઢે છે . લોકો તમને છોડવાના નથી . લોકોને તમારી માટે ઘણી ફુરસદ છે . લોકો પોતાનાં જીવનમાં શું થઈ રહ્યું છે એ ભલે છુપાડે , પણ તમારાં જીવનમાં શું થઈ રહ્યું છે એ ખુલ્લું પાડ્યાં કરશે . લોકો તમારી શક્તિને ઓળખી નહીં શકે , લોકોને લાગશે કે તમે અભિમાની છો . લોકો તમારા ત્યાગને સમજી નહીં શકે , લોકોને લાગશે કે તમે દયાપાત્ર છો . લોકો શું બોલશે તમારા હાથમાં નથી , લોકો શું વિચારશે એ પણ તમારા હાથમાં નથી . લોકો તમારી સાથે કેવો વ્યવહાર કરશે એ પણ ખરેખર જ તમારા હાથમાં નથી . લોકો તમારી માટે ઊંચો આદરભાવ બનાવે એવું પણ બને . લોકો તમારી માટે વાહિયાત વાતો ફેલાવે એવું પણ બને . લોકો છે , લોકો કાંઈ પણ કરી શકે છે .

તમે જે સાંભળીને ખુશ રહેશો એ રીતે જ લોકો બોલશે એવું ક્યારેય બનવાનું નથી . તમે જે સાંભળીને પ્રોત્સાહન પામશો એ રીતે જ લોકો બોલશે એવું ક્યારે બનવાનું નથી . લોકો એવું પણ બોલશે જેનાથી તમને દુઃખ થશે , જેનાથી તમારો ઉત્સાહ તૂટી જશે . લોકોનું કામ તો ફક્ત બોલવાનું છે . પોતે બોલે છે એ શું છે એ લોકો વિચારતા નથી . લોકો બસ , બોલ્યા કરે છે . તમારે લોકોને ગંભીરતાથી લેવા છે કે નહીં એ તમારા હાથમાં છે . લોકો જે ક્ષણે જે સૂઝે છે એ બોલીને એ છૂટા થઈ જાય છે . એ પછીની ક્ષણોમાં લોકો સાવ જુદી વાતો કરવા લાગે છે . લોકો પહેલાં શું બોલે છે અને પછી શું બોલે છે એની વચ્ચે કોઈ મેળ હોતો નથી . લોકો પોતાનાં મોઢામાંથી જે શબ્દ આવ્યા એ વહેતા મૂકી દે છે , બસ . 

તમે મીઠાઈનો ત્યાગ કર્યો છે એવું લોકો સમજશે નહીં . લોકોને એમ જ લાગશે કે તમને મીઠાઈ મળતી નથી , તમે બીચારા છો . તમે પૈસાથી દૂર રહો છો તો લોકોને એ સમજાશે નહીં . લોકોને એમ જ લાગશે કે તમે ગરીબ છો , તમે દયાપાત્ર છો . તમે બોલવાનું ઓછું કરી દેશો તો લોકોને એમ લાગશે કે તમને બોલવાનું આવડતું જ નથી . લોકો એવી સ્ટોરી પણ ફેલાવશે . તમે બીજા લોકોને મળવાનું બંધ કરી દેશો તો લોકોને એમ લાગશે કે તમારી પાસે કોઈ આવતું નથી . લોકો એવા સમાચાર પણ બનાવશે . તમે સ્વાધીન રહીને પોતાનું કામ પોતાના હાથે કરતા હશો તો લોકોને એવું લાગશે તમે એકલા પડી ગયા છો . લોકો એવી વાર્તાઓ એકબીજાને કહેવા માંડશે . તમે કોઈનો સાથ લેતા હશો તો લોકોને એ દેખાશે . તમને જેનો સાથ મળ્યો છે એના વિષયમાં લોકોને શંકાકુશંકા થશે . લોકો એની ચર્ચાઓ જરૂરથી કરશે . તમે કોઈ મોટું કામ કરી બતાવશો ત્યારે , આ કામ થયું કેવી રીતે એની લોકોને ચિંતા થશે . તમારામાં આ કામ કરવાની શક્તિ ક્યાંથી આવી ગઈ એનું ગંભીર વિશ્લેષણ લોકો વિસ્તારપૂર્વક કરશે . આમ કરીને લોકો ગર્વ અનુભવશે . પોતાનું વિશ્લેષણ લોકો દૂર દૂર સુધી ફેલાવશે પણ ખરા . તમે કોઈ જ કામ કરશો નહીં તો લોકોને લાગશે કે તમે નવરા બેઠા છો . હવે લોકો તમારી જવાબદારી શું છે એની ઉપર ચર્ચાસત્રનું આયોજન કરશે . એમાંથી જે મુદ્દા મળ્યા એ મુદ્દા દરેક બજારમાં પહોંચે એ માટે લોકો પુરુષાર્થ આદરશે .

લોકોને મૂકો તડકે . તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું એનો આધાર તમારો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય જ છે . તમે શું રાખ્યું છે અને તમે શું છોડ્યું છે એનો આખરી નિર્ણય એકમાત્ર તમારા હાથમાં જ છે . તમારાં સુખની વ્યાખ્યા તમે બનાવેલી હશે એ જ તમને કામ આવશે . લોકોએ બનાવેલી સુખની વ્યાખ્યા , તમારી સુખની વ્યાખ્યા કરતાં જુદી જ હોવાની . તમે લોકોએ બનાવેલી સુખની વ્યાખ્યાને સમજવા મહેનત કરશો એમાં દિવસો નીકળી જશે છતાં તમારા હાથમાં કાંઈ આવશે નહીં . લોકો પોતે બનાવેલી વ્યાખ્યાને વફાદાર હોતા નથી , લોકો પોતાની વ્યાખ્યા બદલતા રહે છે . તમે તમારાં સુખની વ્યાખ્યા બનાવો , એ વ્યાખ્યામાં સ્પષ્ટ રહો અને એ મુજબ જીવન જીવો એમાં તમને શાંતિ મળશે . 

દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામી ભગવાને લોકોથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું . એ ભગવાને નક્કી કરેલી પોતાની વ્યવસ્થા હતી . સિદ્ધાર્થ નામના દેવને ભગવાને નક્કી કરેલી વ્યવસ્થા સમજાઈ નહીં . સિદ્ધાર્થ નામનો દેવ ભગવાનને પ્રેમ કરતો હતો પણ એનાં મનમાં ભગવાન્ માટે ગલતફહેમી ઊભી થઈ હતી . દેવને એમ લાગ્યું કે ભગવાન એકલા પડી ગયા છે . હકીકત એ હતી કે ભગવાન્ એકલા રહેવા માંગતા હતા . દેવને એમ લાગતું હતું કે ભગવાન્ પાસે કોઈ આવતું નથી . હકીકત એ હતી કે પોતાની પાસે કોઈ આવે એ ભગવાનને મંજૂર જ નહોતું . દેવને એમ લાગતું હતું કે ભગવાનની પાસે અનુયાયીઓ છે જ નહીં . હકીકત એ હતી કે ભગવાન્ અનુયાયીઓ વિનાનું જીવન જીવવા માંગતા હતા . દેવને એમ લાગતું હતું કે ભગવાનનો જય જયકાર નથી થઈ રહ્યો . હકીકત એ હતી કે ભગવાનને પોતાનો જયજયકાર થાય એ પરિસ્થિતિ સ્વીકાર્ય નહોતી . દેવને એમ લાગતું હતું કે ભગવાનનો પ્રચાર નથી થઈ રહ્યો . હકીકત એ હતી કે પોતાનો પ્રચાર થાય એમાં ભગવાનને કોઈ રસ નહોતો . દેવને એમ લાગતું હતું કે ભગવાન પાસે મોટા મોટા લોકો આવતા નથી . હકીકત એ હતી કે ભગવાન્ નાના કે મોટા કોઈ પણ માણસો માટે સમય ફાળવવા તૈયાર નહોતા . દેવને એમ લાગતું હતું કે ભગવાન બોલતા નથી . હકીકત એ હતી કે ભગવાને બોલવાથી દૂર રહેવાનો સંકલ્પ બનાવ્યો હતો .

ભગવાન્ જેવા ભગવાન્ માટે ગેરસમજ ઊભી થઈ હતી . એ ગેરસમજ એ દેવનાં મનમાં ઊભી થઈ હતી જે ભગવાનને પ્રેમ કરતો હતો . ગેરસમજ દુશ્મનોનાં મનમાં જ બને છે એવું નથી . ગેરસમજ આપણાં પોતાનાં લોકોનાં મનમાં પણ બને છે . સિદ્ધાર્થ નામના દેવે , ગેરસમજ બનાવી તે પછી બીજી એક ભૂલ કરી હતી . જે જે ભગવાનને કરવું નહોતું એ બધું ભગવાન્ દ્વારા થઈ રહ્યું છે એવું વાતાવરણ એણે બનાવ્યું . જે જે ભગવાનને બોલવું નહોતું એ બધું ભગવાન્ દ્વારા બોલાઈ રહ્યું છે એવું વાતાવરણ એણે બનાવ્યું . જે જે ભગવાનને નહોતું જોઈતું એ બધું ભગવાનની સામે ઉપસ્થિત કરવામાં આવ્યું . લોકો . જય જયકાર . પ્રશંસા . ભક્તોની ભીડ . ભગવાનનું પ્રિય એકાંત થોડા સમય માટે ગાયબ થઈ ગયું હતું .

તમારી માટે ગેરસમજ થશે , તમારી સાથે એવો વ્યવહાર થશે જેની માટે તમે તૈયાર નથી . આવું બનશે . જેણે તમારી માટે ગેરસમજ બનાવી અને ફેલાવી એની માટે દ્વેષ નહીં કરવાનો . જેણે તમારી સાથે અનિષ્ટ વ્યવહાર કર્યો એની માટે સંક્લિષ્ટ વિચારો નહીં રચવાના . સાધનાનો આ નિયમ છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.