મીઠાઈ તમને રોજેરોજ મળે છે . મીઠાઈ તમે રોજરોજ ખાઓ છો . તમને મીઠાઈ ના મળે તો પણ પેટ ભરીને ખાવાનું મળે જ છે . પરંતુ રોજેરોજ મીઠાઈ ખાધી એને કારણે તમારું માનસ એવું બની ગયું કે મીઠાઈ વગર તમને ચાલશે નહીં . એક દિવસ એવો આવે છે કે તમને જમવાનું મળે છે પરંતુ મીઠાઈ નથી મળતી . જમવાનું મળ્યું એ વધારે અગત્યનું હતું . મીઠાઈ ના મળી અને એના વિના ભૂખ્યા રહી જવાય એવું પણ નહોતું . છતાં તમને મીઠાઈ ન મળી એનું જ દુઃખ થયું . તમારી દુઃખની પરિભાષા કેટલી વિચિત્ર કહેવાય ? તમને જમવાનું મળ્યું તો પણ તમે દુઃખી થયા . ખોટી પરિભાષાનું દુઃખ આ રીતે જ આવતું હોય છે . લોકોને જમવાનું મળતું નથી એને કારણે તેઓ દુઃખી હોય છે . તમને જમવાનું મળે છે તેમ છતાં તમે દુઃખી રહી જાઓ છો . દુઃખની પરિભાષા બદલી શકાય છે . એને બદલવાનો સમય બારેય માસ ઉપલબ્ધ હોય છે .
તમને જેના વગર ચાલે નહીં તે આવશ્યકતા ગણાય . તમને જેના વગર ચાલી શકે એને અનુકૂળતા કહેવાય . તમને જમવાનું ના મળે , તો તમે ભૂખ્યા રહી જશો . જમવું એ તમારી આવશ્યકતા છે . તમને મીઠાઈ નહીં મળે તો તમે ભૂખ્યા મરવાના નથી . આનો અર્થ એ છે કે તમને મીઠાઈ ન મળે તો ઝાઝો ફરક પડતો નથી . મીઠાઈ એ તમારી અનુકૂળતા છે . તમારી આવશ્યકતાઓ ઓછી થઈ શકે કે ના થઈ શકે એ ચર્ચાનો વિષય છે . પરંતુ તમારી અનુકૂળતાઓ તમે જેટલી ધારો એટલી ઓછી થઈ શકે છે . તમારી પાસે જે અનુકૂળતા છે એ અનુકૂળતાને તમે છોડી શકો છો એ તમારી માનસિક તાકાત છે .
ચોમાસુ પૂરું થાય એટલે મહાવીર સ્વામી ભગવાન્ પણ વિહાર કરી જાય છે . સાધના કાળમાં દરવરસે આમ જ બને છે . જે જગ્યાએ લાંબો સમય રોકાયા હોઈએ એ જગ્યા સાથે અનુકૂળતા ગોઠવાઈ જતી હોય છે . જે જગ્યા સાથે અનુકૂળતા ગોઠવાઈ જાય છે એ જગ્યા સાથે મમતા બંધાઈ જતી હોય છે . તમે અનુકૂળતાને લાત મારી શકો છો એનો અર્થ એ છે કે તમે કોઈપણ અઘરું કામ આસાનીથી કરી શકો છો . તમે નક્કી કરેલાં કામને બે વિભાગમાં વહેંચી લો : એક છે માનસિક કામ , એક છે શારીરિક કામ . તમને જેમાં આનંદ મળે છે એ તમારી માનસિક અનુકૂળતા છે . તમને જેમાં મજા આવે છે એ તમારી શારીરિક અનુકૂળતા છે . જેનાથી આનંદ મળે છે એ બધી જ પ્રવૃત્તિઓ આવશ્યક હોતી નથી . જેમાં મજા આવે છે એ બધી જ પ્રવૃત્તિઓ આવશ્યક હોતી નથી . જે ખરેખર આવશ્યક હોય છે એમાંથી આનંદ મળે કે ના મળે , આરામ જરૂર મળે છે . જે સાચેસાચ આવશ્યક હોય છે , એમાં મજા જ આવે એવું હોતું નથી , કોઈ રાહત મળે છે , બસ . જે આવશ્યક હોય છે એ તો સીધું ને સપાટ હોય છે . આપણે આવશ્યકતા સાથે અનુકૂળતાઓને જોડી દઈએ છીએ . સાધુ આવશ્યકતા અને અનુકૂળતાની ભેદરેખા બરોબર સમજતા હોય છે .
સાધના કરવા માટે એક જ જગ્યાએ રહેવું આવશ્યક નથી . ચોમાસામાં વરસાદની વિરાધનાથી બચવું આવશ્યક છે . વરસાદમાં બધે ફરાય નહીં એટલે ચોમાસામાં એક જગ્યાએ રોકાઈ ગયા . વરસાદ અટકી ગયો . રસ્તા ઉપરથી નિગોદ સૂકાઈ ગઈ , ઘાસ સૂકાઈ ગયા , પાણીના રેલાઓ બંધ થઈ ગયા . શરત ઋતુ આવી ગઈ . હવે જમીન વરસાદની અસરથી મુક્ત છે . હવે નીકળો . સાધુ તો ચલતા ભલા . એક જગ્યાએ રહેવા દ્વારા જે આવશ્યકતા સંતૃપ્ત થવાની હતી એ પતી ગઈ . હવે એક જગ્યાએ રહેવાનો મતલબ નથી . રહેવું એ આવશ્યકતા છે , આવશ્યકતા ખતમ , રહેવાનું ખતમ . આવશ્યકતાની પાછળ પાછળ જે અનુકૂળતાઓનો મેળો ઉભો થાય છે એને જાતે જ સમેટવાનો છે . મેળો સમેટાય છે ત્યારે શું થાય છે , જુઓ .
એક , જે જગ્યાએ લાંબો સમય રોકાયા હોઈએ એ જગ્યાના લોકો સાથે આત્મીયતા બને છે . આવ્યા એની પહેલાં તો ઓળખાણ પણ નહોતી . રોકાયા તો ઘરોબો બની ગયો . સાથે બેસીને વાતો કરી , આરાધનાઓ કરી . એ લોકો તરફથી આદર મળવા લાગ્યો . કોઈ આપણને આદર આપે એ સારી વાત છે . આપણને આદર લેવાની આદત પડી જાય એ ન ચાલે . સતત આદર જ લેતાં રહીશું તો આદર વિના જીવવાનું ગમશે નહીં . આદર લેવાની આદત પડી જશે તો અનાદરની ક્ષણોમાં દુઃખી દુઃખી થઈ જશું . જે આદર આપે છે એ લોકો સારા લાગશે તે પછી મન:સ્થિતિ એવી બનશે કે જેઓ આદર આપતા નથી એ ભૂંડા લાગશે . અનાદરમાં દુઃખી ન થવાય , આદર ના આપનાર પર દ્વેષ ન કરાય : સાધનાના બે નિયમ છે . જ્યાં આદર મળે છે ત્યાં જ બેઠા રહીએ છીએ તો આ નિયમ કડક લાગે છે . તમે જ્યાં વધારે રોકાશો ત્યાં તમારા પ્રેમીઓ બનવાના જ છે . એ લોકો તમારી વિશેષ સવિશેષ ભક્તિઓ કરવાના જ છે . સતત ભક્તિઓ લેવાની આદત પડી જાય છે એ પછી સાદગી ફાવતી નથી , કષ્ટો ગમતાં નથી . ભક્તિઓ લેતાં રહેવાની આદતથી પોતાની જાતને બચાવવાની છે , વાસ્તે કરો વિહાર .
બે , આપણે એક જગ્યાએ લાંબો વખત બેઠા રહીશું તો એ જગ્યા માટે અધિકારભાવ બનશે . એ જગ્યા મારી માટે જ છે એવો ભ્રમ બનશે . એ જગ્યામાં બીજા કોઈ આવશે એ વખતે મનમાં દુવિધા થશે . હું છું તો પછી આ શું કામ આવ્યા ? હું અહીં છું તો આમને શું કામ બોલાવ્યા ? આ આવ્યા એટલે મારે તો જવું જ પડશે ને ? આ અધિકાર ભાવનાની રમત છે . આધિપત્યની ભાવના સાધનામાં અડચણ પેદા કરે છે . તમને જેની પર પોતાનો કબજો જમાવો છો એની પર બીજો કોઈ કબજો ન જમાવી જાય એનો તમને ડર લાગે જ છે . આ ડર પણ સાધનાનો દુશ્મન છે . તમે વિહાર કરી લીધો એટલે અધિપત્ય ખતમ . ડર ખતમ . જેને આવવું હોય એ આવે . આપણે તો પહેલેથી છુટ્ટા છીએ . ટાઇટલ ક્લિયર .
ત્રણ , જન્મ લીધો ત્યારે આ શરીર મળ્યું . એક દિવસ આ શરીરને છોડીને જવાનું છે . શરીર સાથેનો સંબંધ થોડા સમયનો છે . શરીર માટે ઝાઝી મમતા બનાવવાની નહીં . વૈરાગ્ય ભાવનાનું આ મોટું રૂપ છે . વૈરાગ્ય ભાવનાનું નાનું રૂપ એટલે વિહાર . ઘર છોડીને નીકળ્યા ત્યારે જ નક્કી હતું કે જે જે મકાન મળશે એ છોડીને જ જવાનું છે . તો પછી કોઈ એક મકાનનું મમત્વ મનમાં શાને બનવા દેવાય ? જે મકાન રહેવા માટે મળ્યું છે તે મારું હતું નહીં , મારું હોય જ નહીં . આપણે તો રસ્તામાં પાણી પીવા માટે એક પરબ પાસે રોકાયા હતા . પરબ ગમે તેટલી સુંદર હોય , આપણે તો પાણી પીને નીકળી જવાનું હોય . પાણી પીવામાં જેટલો સમય લાગે એટલો પરબનો ઉપયોગ . પરબને લાંબો સમય ન અપાય . સાધુ નિવાસસ્થાનને પરબ ગણે છે . થોડો સમય રોકાઈને નીકળી જવું છે , સ્થાન માટેની મમતા મનમાં બનવી જ ના જોઈએ . જે જગ્યાએ રોકાયા એ જગ્યા મને ઘણી જ ગમે છે એવો ભાવ બનતો નથી . જે જગ્યાએ રોકાયા એ જગ્યા છોડીને જવાનું બિલકુલ ગમતું નથી એવું માનસ હોતું નથી . ના રહેવાનો રાગ છે . ન જવાનો અફસોસ છે . છે કેવળ નિર્લેપતા . આવ્યા એ પહેલા જગ્યા આપણા માટે અજાણી હતી , નીકળ્યા તે ક્ષણથી એ જગ્યા આપણા માટે અજાણી બની ગઈ . એ જગ્યામાં રોકાયા ત્યારે રોકાયા . એ જગ્યા છોડી એટલે એ જગ્યાને યાદ કરવાનું પણ છોડી દીધું . બહેતા પાની નિર્મલા .
ચાર , અનુકૂળતાઓ છૂટવી જોઈએ , પ્રતિકૂળતાઓ મળવી જોઈએ . કર્મનિર્જરા માટે બંને જરૂરી છે . ચાર મહિના માટે જ્યાં રોકાયા ત્યાં આપણા માટે બધી જ વ્યવસ્થાઓ અનુકૂળ હતી . એક બારી હતી જ્યાંથી હવા સરસ આવતી હતી . એક ઓરડો હતો જ્યાં બેસવાની અનુકૂળતા હતી . એક પાટ હતી એની પર બેસીને કામ આરામથી થતાં . મકાન ચોખ્ખું હતું . પડદાઓ ઉજળા હતા . જમીન સાફસૂથરી હતી . રહેવા માટે જે પણ સુવિધા જોઈએ એ ઉપલબ્ધ હતી . છતાં આપણે એ મકાન છોડીને નીકળી ગયા કારણ કે અનુકૂળતાને છોડવી છે એવો સંકલ્પ હતો . વિહારમાં બારી હશે કે નહીં , હવા હશે કે નહીં – ખબર ના પડે . ઓરડા કેવા મળશે કોઈ અંદાજ નથી . સાફસફાઈ હશે નહીં અને ગંદકી ઘણી હશે , પહેલેથી જ ખબર છે . ઘણું બધું ચાલવું પડશે , પસીના ટપકશે , થાક લાગશે , ગોચરીપાણીમાં અવ્યવસ્થાઓ થશે , પગમાં કાંટા અને કાંકરા વાગશે , સાપ , વીંછી ને ઉંદરડા હેરાન કરશે , શિયાળે ઠંડી ઘણી લાગશે , ઉનાળે ગરમી ઘણી લાગશે , અગણિત તકલીફો થશે . પ્રતિકૂળતાઓ આવવાની છે , ખબર છે . તેમ છતાં વિહાર કરવાનો સંકલ્પ બદલાયો નથી . વિહાર થયો જ છે .
ચાતુર્માસપરિવર્તનના દિવસે ચાર રીતે મેળો સમેટાય છે . જે મેળો સમેટીને નીકળી જાય છે એમને વંદન કરજો . અનુકૂળતાઓનો મેળો સમેટાઈ ગયો છે . હવે પ્રતિકૂળતાઓનો મેળો ભરાશે . આ મેળામાં જે મહાલવાના છે એમની અહોભાવપૂર્વક અનુમોદના કરજો .
