સિદ્ધગિરિરાજ ઉપરથી સાડા આઠ કરોડ મહાત્માઓ મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો આપણને ગમે છે . આંકડો મોટો છે એટલે વાત મોટી થઈ ગઈ . આપણી આ માનસિકતા છે . સિદ્ધગિરિરાજ ઉપરથી એક મહાત્મા મોક્ષમાં ગયા એમ સાંભળીએ ત્યારે સાડા આઠ કરોડનો આંકડો નથી . આંકડો એકનો છે . આંકડો નાનો છે એટલે શું વાત નાની થઈ ગઈ ? ના . વાત નાની નથી થઈ . આપણે એમ જ કહીશું કે આત્મા મોક્ષમાં જાય એ વધુ અગત્યનું છે . એક આત્મા મોક્ષમાં ગયો તો શું થયું ? મોક્ષમાં ગયો ને , એ જ મહત્ત્વપૂર્ણ છે .
મોક્ષમાં , સાડા આઠ કરોડ આત્મા જાય કે એક આત્મા જાય . મોક્ષ મોટી ઘટના છે . મોક્ષ મળ્યો એ વાત પહેલા નંબરે આવે . મોક્ષ કેટલા લોકોને મળ્યો એની આંકડાકીય માહિતી બીજા નંબરે આવે . સાડા આઠ કરોડ આત્માઓનાં મોક્ષગમન વખતે આપણે એમ બોલીએ કે અહોહોહોહોહો , આટલા બધા આત્માઓ મોક્ષમાં ગયા . એક આત્માનાં મોક્ષ ગમન વખતે આપણે એમ બોલીએ કે આ તો ફક્ત એકને જ મોક્ષ મળ્યો . પહેલા આંકડાને અહોહોહોહોનું સંબોધન મળે અને બીજા આંકડાને ફક્તનું સંબોધન મળે . આવો ભેદભાવ બને એ ભૂલ છે .
આપણા ધર્મ સાથે ઘણા બધા લોકો જોડાય એ ખુશીની વાત છે . વધુમાં વધુ લોકો જોડાયા એને કારણે એ સૌનું ભલું થયું એ પણ ખુશીની વાત છે . જે જોડાયા છે એમને ફરીથી જોડાવાનું મન થાય એવી સુવિધા મળી એ પણ આનંદની વાત છે . પ્રશ્ન એ છે કે હું જે જે આરાધના કરું છું એ શું લોકોને રાજી રાખવા માટે કરું છું કે લોકોને પ્રભાવિત કરવા માટે કરું છું કે લોકોની વચ્ચે ડંકો વગાડવા માટે કરું છું ? આનો જવાબ શોધી કાઢો . તમને ભૂખ લાગે છે . તમે જમવા બેસો છો . એ વખતે તમે જમી રહ્યા છો એની લોકોને ખબર પડવી જોઈએ , એવો વિચાર આવતો નથી . તમને ભૂખ લાગી એ વ્યક્તિગત વાત છે . તમે જમી લીધું એ વ્યક્તિગત વાત છે . તમે જમી રહ્યા છો તો આખું ગામ જુએ એ રીતે જમવા બેસો , એમાં કોઈ શોભા નથી . ધર્મ બિલકુલ વ્યક્તિગત બાબત છે . તમે કરો છો એ વાળો ધર્મ લોકોની નજરે મહાન્ છે એવું પુરવાર કરવાનું હોય નહીં . તમને ધર્મ કરવા મળ્યો એ વ્યક્તિગત વાત છે . તમે ધર્મ કર્યો એ વ્યક્તિગત વાત છે . તમને ધર્મ કરવામાં આનંદ આવ્યો એ વ્યક્તિગત વાત છે . આમાં લોકો ક્યાંથી વચ્ચે આવી ગયા ? તમે ચાર રોટલી ખાધી અને તમારું પેટ ભરાયું એની જાણ લોકોને કરવાની નથી . તમે જાણ નહીં કરો એનાથી તમે ભૂખ્યા રહી જવાના નથી . તમારું પેટ તો ભરેલું જ રહેવાનું છે . તમે ધર્મ કરો છો . તમે કરેલો ધર્મ લોકોને જાણવા મળતો નથી . તો પણ તમારો ધર્મ તમારો જ રહે છે . તમે ધર્મ કરો એટલે તમારા ધર્મની ખબર , આખી દુનિયાને થવી જ જોઈએ એવી માન્યતા લોકસંજ્ઞામાંથી આવે છે .
આ પ્રશ્નો વાંચો : ઘણાબધા લોકો ભેગા થયા અને ઘણાબધા લોકો ભેગા થયા એને કારણે જ ધર્મનો પ્રસંગ સરસ સંપન્ન થયો છે એવું હોય છે ખરું ? જ્યાં ઘણાબધા લોકો હોય ત્યાં જ બધું બહુ સરસ હોય , જ્યાં ઘણાબધા લોકો હોય નહીં ત્યાં કશું સારું સરસ હોય નહીં , આવું કોઈ ધારાધોરણ છે ખરું ? જવાબ તમને ખબર છે . સમસ્યા ત્યારે જ આવે છે જ્યારે આપણને એમ લાગવા માંડે છે કે ઘણાબધા લોકો ભેગા થાય તો જ અનુષ્ઠાન સારું ગણાય . ભૂલ ત્યારે પ્રવેશ પામે છે જ્યારે એવો વિચાર બનવા લાગે છે કે ઘણાબધા લોકો ભેગા ન થયા તો અનુષ્ઠાન સારું ના થયું .
લોકોને જોડવા દ્વારા ધર્મની પ્રભાવના થાય છે . લોકોને જોડવા દ્વારા અરસપરસ ધર્મનું આદાનપ્રદાન થાય છે . લોકોને જોડવા દ્વારા સ્નેહનો સંબંધ ધાર્મિક સંબંધમાં પરિણમતો જાય છે . લોકોને જોડવા દ્વારા પ્રભુભક્તિ , ગુરુ ભક્તિ કે પ્રવચનભક્તિને નવી ઊંચાઈ મળે છે . કોઈ તીર્થની ઉન્નતિ કરવી હશે તો લોકોને જોડવા જ પડશે . કોઈ એક વિચારમાર્ગનો પ્રચાર પ્રસાર કરવો હશે તો લોકોને જોડવા જ પડશે . લોકો વગર આપણને ચાલવાનું નથી . વાત સો ટકાની છે .
આપણને લોકો વગર ચાલે નહીં એ વાત સાચી છે . પરંતુ , લોકોની પ્રશંસા વગર આપણને ચાલી શકે છે . લોકોને જોડવા એ અલગ વાત છે . લોકોને રાજી રાખવા એ અલગ વાત છે . લોકો માટે જે જરૂરી છે એ કરવું અને એમાં લોકોને જોડવા આ આપણું કર્તવ્ય છે . લોકોને મજા આવે એવું કંઈક કરવું અને એવું કર્યા પછી લોકો આપણી પ્રશંસા કરે છે એનાથી રાજી થવું , આવું વલણ ખોટું છે . તમે માનકષાયનો ભય જીવતો રાખીને લોકોને આમંત્રિત કરો , જોડો . એમાં કોઈ ખોટું નથી . તમે લોકોને જોડવા દ્વારા પોતાના માનકષાયને પુષ્ટ કર્યા કરો તે ખોટું છે . લોકો જોડાશે , લોકો ધર્મ કરશે એનો થોડોક હિસ્સો મને મળશે માટે લોકોને જોડીએ એ આપણી સંસ્કૃતિ છે . છ’રી પાલક સંઘ હોય કે સંઘજમણ હોય , ધર્મની અનુમોદનાનું લક્ષ્ય સ્પષ્ટ હોય છે . પરંતુ , જે લોકોને આમંત્રણ આપ્યું છે એ લોકો આવશે અને પાછા જશે એ પછી મારી ઘણી ઘણી પ્રશંસા કરશે , એવો ભાવ મનમાં હોય તો એ લોકસંજ્ઞા છે .
ઘણા બધા લોકોને ભેગા કરો . એવું કંઈક કરો કે લોકો આવર્જિત થઈ જાય , અચંભિત થઈ જાય , પાગલ થઈ જાય . શું આ ધર્મનો દૃષ્ટિકોણ છે ? આપણે મરી જઈશું ત્યારે ટોળામાંનો એક પણ માણસ સાથે નથી આવવાનો . જે સાથે આવવાના નથી એની ચિંતા શું કામ કરો છો . સાથે આવવાના છે ધર્મના સંસ્કાર . સાથે આવવાના છે પ્રભુ અને ગુરુની ભક્તિના સંસ્કાર . સાથે આવવાના છે ધર્મની ક્રિયાઓના સંસ્કાર . લોકો સાથે નથી આવવાના તો ફોકસ લોકો ઉપર શું કામ ?
લોકો સુધી ધર્મ પહોંચાડવો હોય આપણું કામ છે પરંતુ લોકોની વચ્ચે પોતાને મહાન્ સાબિત કરવાનું કામ આપણું નથી . લોકો ધર્મ સાથે જોડાય એ માટે પુરુષાર્થ કરવો એ આપણું કામ છે પરંતુ જ્યાં સંખ્યા મોટી છે ત્યાં સફળતા છે અને જ્યાં સંખ્યા મોટી નથી ત્યાં નિષ્ફળતા છે એવાં સમીકરણ સેટ કરવાનું કામ આપણું નથી . દર વખતે સાડાઆઠ કરોડ આત્માઓ જ મોક્ષમાં જશે એવું બનવાનું નથી . તે કાળે અને તે સમયે , એકલો એક આત્મા પણ મોક્ષમાં જવાનો છે . એ ઘટના પણ મહાન્ જ ગણાશે .
