Home Gujaratiપશુપંખીઓની દયા વિના સાધના અધૂરી છે

પશુપંખીઓની દયા વિના સાધના અધૂરી છે

by Devardhi
0 comments

આપણે જ્યાં રહીએ છીએ ત્યાંના વાતાવરણમાં પશુ પંખી સમુદાય પણ રહે છે . તિર્યંચ્ જીવોની અનુકંપા એટલે જીવદયા . સાધનાની યાત્રા જીવદયા વિના અધૂરી છે . સાધનાના દરેક તબક્કે જીવદયા થતી હોય છે . તીર્થંકર ભગવંતોની કથા એક પ્રેરણા અવશ્ય આપે છે : જે જે સ્તરે થઈ શકે તે સ્તરે જીવદયા કરવી જોઈએ . 

+ શ્રી આદિનાથ ભગવાનને ૪૦૦ ઉપવાસ થયા કારણ કે પૂર્વભવમાં એમના આત્માએ પશુને પીડા આપી હતી . તીર્થંકરની કથા કહે છે કે પશુઓને પીડા ના આપવી જોઈએ .
+ શ્રી શાંતિનાથ ભગવાને મેઘરથ રાજાના ભવમાં પારેવડાને દુઃખથી બચાવી લીધું હતું . તીર્થંકરની કથા કહે છે કે પશુઓને પીડાથી બચાવવા જોઈએ . 
+ શ્રી નેમિનાથ ભગવાને હરણની હત્યા અટકી જાય એની માટે રાજીમતીનો ત્યાગ કર્યો અને વિવાહનો પ્રસંગ ઠુકરાવી દીધો .  તીર્થંકરની કથા કહે છે કે આપણા દ્વારા પશુને પીડા પહોંચે એવું કંઈ ના કરવું જોઈએ .
+ શ્રી પાર્શ્વનાથ ભગવાને આગમાં બળી રહેલા નાગને બચાવ્યો અને એને નવકાર સંભળાવ્યો . તીર્થંકરની કથા કહે છે કે પશુને થઈ રહેલી તકલીફ શોધી કાઢવી જોઈએ અને એમને તકલીફમાંથી બચાવવા જોઈએ . 
+ શ્રી મહાવીર સ્વામી ભગવાને દીક્ષાના પહેલા ચોમાસામાં પોતાની ઝૂંપડી તોડી રહેલી ગાયને રોકી નહોતી કેમ કે ગાયને બીજે ક્યાંય ઘાસ ખાવા મળતું નહોતું . તેથી એ ગાય ઝૂંપડી તોડીને ઝૂંપડીનું ઘાસ ખાવા માંગતી હતી . તીર્થંકરની કથા કહે છે કે પશુઓ ભૂખ્યા ના રહે તેનું ધ્યાન આપણે રાખવાનું છે .  એક જનાવરનો જીવ શૂલપાણિ યક્ષ બન્યો હતો એનાં મનમાં રહેલા કષાયને શાંત કરવા માટે ઘોર ઉપસર્ગો સહીને પણ શ્રી મહાવીર સ્વામી ભગવાને શૂલપાણિને પ્રતિબોધ આપ્યો હતો અને એને કષાયથી બચાવ્યો હતો . તીર્થંકરની કથા એમ કહે છે કે પશુઓને પણ માનસિક શાંતિની અપેક્ષા હોય છે .  શ્રી મહાવીર સ્વામી ભગવાને જ ઝેરીલા સાપના ડંખ સહીને પણ સર્પને પ્રતિબોધ આપ્યો હતો . તીર્થંકરની કથા કહે છે કે ક્રૂર પશુઓના સ્વભાવનું પણ પરિવર્તન થઈ શકે છે . 
+ શ્રી મહાવીર સ્વામી ભગવાનની સેવામાં આવેલા કંબલ અને શંબલ પૂર્વ ભવમાં પશુ હતા . એમને શ્રાવકનો સત્સંગ મળ્યો હતો એને લીધે એ એ જનાવરો ધર્મપ્રેમી બન્યા અને દેવગતિ પામ્યા . તીર્થંકરની કથા કહે છે કે પશુઓ પણ ધર્માત્માના સંપર્કમાં આવીને ધર્મને અનુકૂળ ભાવનાઓ પામી શકે છે . 

તમે સાધના સાથે જોડાયા છો . તમારી સાધનાની અસર વાતાવરણ ઉપર પડે છે . તમારી સાધનાથી માનવોને પણ શાંતિ મળવી જોઈએ અને જનાવરોને પણ શાંતિ મળવી જોઈએ . તમે આજ સુધી કેટલા સ્નેહીસ્વજનોને ખાવાનું ખવડાવ્યું એ વિચારો અને તમે આજ સુધી કેટલા જનાવરોને ખાવાનું પહોંચાડ્યું એ વિચારો . ઘણાબધા પશુઓને અને ઘણાબધા પંખીઓને જે ખાવાનું પહોંચાડે છે તે જીવદયાનો પ્રેમી છે . પશુપાલનનો શોખ એ અલગ મુદ્દો છે . તમને એકાદ કૂતરું પાળવાનું મન થાય એ શોખની વાત થઈ જાય . આવો શોખ ચતુષ્પદ પરિગ્રહમાં ગણના પામે છે . જીવદયાનો અર્થ એ નથી કે ચતુષ્પદનો પરિગ્રહ કરીએ . જીવદયાનો અર્થ એ છે કે પશુઓ જ્યાં રહે છે , જે રીતે રહે છે ત્યાં સહાય પહોંચાડીએ . 

તમારા વિસ્તારમાં રહેનાર ગાય-બકરી-કૂતરાઓને , તમારા હાથે ખાવાનું મળે છે કે નહીં , તપાસો . તમારા વિસ્તારમાં ઉડનારા પંખીઓને તમારા થકી દાણોપાણી મળે છે કે નહીં , તપાસો . તમારાં રસોડાનાં બજેટમાં પશુપંખીઓનું ખાવાનું લિસ્ટેડ હોય છે કે નહીં , તપાસો . તમને જોઈને , તમને ઓળખી લે અને હોંશે હોંશે કાન હલાવવા લાગે એવી ગાયો કેટલી છે , તપાસો . તમને જોઈને રાજી રાજી થઈ જાય અને પૂંછડી પટપટાવવા લાગે એવા શ્વાન કેટલા છે ? તપાસો . તમે તમારા હાથે જેમને ઘાસ ખવડાવ્યું હોય એવા જનાવરોની સંખ્યા કેટલી , તપાસો . તમે તમારા હાથે જેમને ચણ નાંખી હોય એવા પંખીડાઓની સંખ્યા કેટલી , તપાસો . 

પ્રાણીસંગ્રહાલયમાં બેસેલા જનાવરોને જોઈએ એ જીવદયા નથી . પાંજરાપોળ , ગૌશાળા અને પશુચિકિત્સાલયમાં જે પશુ પંખીઓ છે એમની કાળજી લઈએ તે જીવદયા છે . કતલખાને જઈ રહેલા જીવોને બચાવીએ એ જીવદયા છે . પ્રચંડ હિંસામાંથી બનેલી સાધનસામગ્રીઓનો ઉપયોગ બિલકુલ ના કરીએ એ જીવદયા છે . સાધનાનો પ્રેમી જીવદયા કરતો જ હોય . જીવદયાનો પ્રેમી સાધનાની ભૂમિકા માટે સુયોગ્ય હોય છે . 

તપસ્વિ સમ્રાટ્ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ વર્ધમાન તપની મોટી મોટી ઓળીઓ કરી . ભક્તો મોટી ઓળીઓનાં પારણા પ્રસંગે મોટાં મોટાં અનુષ્ઠાનો રાખતાં . સૂરિભગવંત એમાં નિર્લેપ રહેતા . પરંતુ તેઓ દરેક અનુષ્ઠાનમાં જીવદયાની પ્રવૃત્તિ ઉત્તમ રીતે થાય એની પ્રેરણા કરતા . પરિણામે એમની નિશ્રામાં થનારા દરેક મહોત્સવમાં જીવદયા માટે ઉત્કૃષ્ટ આયોજન થતું . જેની સાધના મોટી હશે એ જીવદયા પણ મોટી જ કરાવશે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.