સામૂહિક ધર્મ પ્રવૃત્તિનો અવસર વારંવાર આવે છે . આપણે બીજાને જોડીએ , બીજાની સાથે આપણે જોડાઈએ , ઝાઝા હાથ રળિયામણા . આપણે માર્ગદર્શક હોઈએ , આપણે નિર્ણય લેતા હોઈએ , ફાઇનલ ઓથોરિટી આપણે હોઈએ ત્યારે કોઈનું મનદુઃખ ન થાય એની જવાબદારી આપણાં માથે આવે છે . મીઠું મીઠું બોલવાથી કે ગોળ ગોળ બોલવાથી કોઈનું મન સચવાતું નથી .
સાધુ કે સાધ્વી કે શ્રાવક કે શ્રાવિકાએ માર્ગદર્શકની ભૂમિકા સ્વીકારી હોય એ વખતે ઘણી સાવધાની રાખવાની છે . સામૂહિક પ્રસંગોમાં કોઈ એક નિર્ણય થાય છે એ વખતે બીજો એક નિર્ણય કેન્સલ થતો હોય છે . જે નિર્ણય કેન્સલ થયો એ નિર્ણય પણ કોઈકને ગમતો હતો . એ નિર્ણય કેમ ના થયો એવો પ્રશ્ન ઊભો થાય છે . જે નિર્ણય થયો એ જ નિર્ણય શું કામ લેવામાં આવ્યો એવો પણ ઉહાપોહ થાય છે . સામૂહિક પ્રવૃત્તિ થતી હોય છે ત્યારે ઘણાબધા લોકો જોડાતા હોય છે . બધા જ લોકોનાં મન ઉદાર હોય છે એવું નથી હોતું . ક્યારેક કોઈકને મનદુઃખ થઈ શકે છે . આપણા તરફથી એમને મનદુઃખનું કારણ ન મળવું જોઈએ . સાધના સાવધાની રાખવામાં માને છે .
આપણામાં કોઈ મહત્ત્વાકાંક્ષા છે એવું લોકોને દેખાય ત્યારે મનદુઃખ થઈ શકે છે . હું સૌથી મોટો શ્રીમંત છું , હું વધારે અનુભવી છું , હું વધારે ક્રિએટિવ છું , હું વિશેષ બોધસંપન્ન છું , હું ઊંચો આરાધક છું , હું સર્વોચ્ચ ધર્માત્મા છું આવું કંઈક પ્રસ્થાપિત કરવાની વૃત્તિથી કોઈ નિર્ણય થયો હોય કે કોઈ પ્રવૃત્તિ થઈ હોય છે ત્યારે જે સૌથી ઊંચો દેખાયો એ રાજી થાય છે . પણ બીજાબધા લોકોને સમજાય છે કે જે પોતાને ઊંચો દેખાડવા માંગે છે એ પોતાના સિવાય બીજા બધા ઊંચા નથી એવું સાબિત કરવા માંગે છે . આને જ મહત્ત્વની આકાંક્ષા કહેવાય છે . લોકોને ધર્મપ્રવૃત્તિ માટે નારાજગી થતી નથી પરંતુ ધર્મપ્રવૃત્તિની સાથે ખોટી આકાંક્ષા જોડાઈ છે એ જોયા બાદ ધર્મનાં ક્ષેત્રમાં પણ નારાજગીનું વાતાવરણ ઊભું થાય છે . ધર્મ સારામાં સારો કરવો જોઈએ , ધર્મ ઊંચામાં ઊંચો કરવો જોઈએ . પરંતુ ધર્મને માધ્યમ બનાવીને પોતાની મહત્ત્વાકાંક્ષાને સંતૃપ્ત કરવાનું વલણ ના રાખવું જોઈએ . લોકોને ધર્મ પણ સમજાય છે અને લોકોને મહત્ત્વની આકાંક્ષા પણ સમજાય છે. લોકો ધર્મથી રાજી થશે પણ લોકો મહત્ત્વ – આકાંક્ષા જોશે એનાથી મનદુઃખ અનુભવશે . આપણી મહત્ત્વ – આકાંક્ષા સંઘના કોઈપણ સભ્યનાં મનમાં દુઃખ જગાડે એવું ના થવું જોઈએ .
સામૂહિક આરાધનામાં જે પણ નિર્ણય થાય , જે પણ પ્રવૃત્તિ થાય એમાં માયા એટલે કે જૂઠનો સહારો લેવાનો નથી . જૂઠ તરત દેખાતું નથી પણ થોડા વખતમાં અવશ્ય પકડાઈ જાય છે . સંઘ હોય કે મંડળ હોય , નિર્ણય પ્રક્રિયામાં ક્યાંય પણ જૂઠ્ઠું બોલવાનું નથી . ધર્મ પવિત્ર પ્રવૃત્તિ છે . જૂઠ અપવિત્ર માધ્યમ છે . એકવાર જૂઠું બોલીએ એના પછી આપણે આપણા જ જૂઠમાં કાયમ માટે ફસાઈ જઈએ છીએ . એક જૂઠની પાછળ દસ જૂઠ આવી જતા હોય છે . સમૂહ કે મંડળમાં કોઈને ખબર પડે કે તમે જૂઠું બોલ્યા છો , એ વખતે તમારી ઇજ્જતનો ફાલુદો થઈ જાય છે . તમે જૂઠું બોલ્યા એને કારણે લોકોને ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય એવું પણ બની શકે છે . આપણે જૂઠું બોલ્યા એનાથી સંઘના આદરણીય સભ્યોને મનદુઃખ થાય એવી સંભાવના બને જ છે . એવો ભ્રમ ક્યારેય પણ નહીં પાળતા કે તમારું બોલેલું જૂઠ નહીં પકડાય . હંમેશા પોતાની જાતને પૂછતા રહેજો કે મારું જૂઠ પકડાશે એ દિવસે મારી શું હાલત થશે ?
સામૂહિક આરાધના કે સામૂહિક નિર્ણયમાં વ્યક્તિગત મમતા વધારે અગત્યની હોતી નથી . તમને અમુક જ માણસો ગમે છે , તમને અમુક જ વ્યવસ્થાઓ ગમે છે , તમને અમુક જ સુવિધાઓ જોઈએ છે એ તમારી વ્યક્તિગત મમતા છે . જે તમને ગમે એ બધાને ગમે એવું હોતું નથી . જેનાથી તમને પ્રસન્નતા મળે એનાથી બધાને જ પ્રસન્નતા મળે એવું પોસિબલ નથી . જે સારું છે એ કરવાનું . જે ઉત્તમ છે એનો આધાર લેવાનો . તમારું મનગમતું તમે કરો , તમારું મનગમતું તમે કરાવો , તમારું મનગમતું થાય એવો તમે આગ્રહ રાખો – એ વલણ મનદુઃખનું કારણ બનતું હોય છે . તમને ગુલાબી રંગ ગમતો હોય એટલે બધાને ગુલાબી રંગ જ ગમે એવું નથી હોતું . તમને ખૂબબધા દાગીના ગમે એટલે બધાને ખૂબબધા દાગીના ગમે એવું નથી હોતું . તમને ઘોંઘાટવાળું સંગીત ગમે એટલે બધાને એ સંગીત ગમે એવું નથી હોતું . તમને હંસીમજાક ગમે એટલે બધાને હંસીમજાક ગમે એવું નથી હોતું . તમને અઘરું અઘરું ગમે એટલે બધાને અઘરું ગમે એવું નથી હોતું . તમને સહેલું સહેલું ગમે એટલે બધાને સહેલું જ ગમે એવું પણ નથી હોતું . સામૂહિક ભૂમિકાએ કંઈ નક્કી થતું હોય ત્યારે તમારી વ્યક્તિગત અભિરુચિને વચ્ચે લાવ્યા વગર નિર્ણય થાય એ બહુ અગત્યનું છે . જે નિર્ણય થયો એ તમારી વ્યક્તિગત અભિરુચિને ધ્યાનમાં રાખીને થયો છે એવું જેને જેને સમજાશે એને એને મનદુઃખ થવાનું છે . કારણકે વ્યક્તિગત અભિરુચિ બીજાબધાની પણ હોય છે . તમે પોતાની અભિરુચિ સાચવી લીધી એનો અર્થ એ થયો કે તમે સ્વાર્થી વલણ ધરાવો છો . જેનું વલણ સ્વાર્થી હોય એને લીધે અન્યને મનદુઃખ થવાનું જ છે .
આપણા વ્યવહારને કારણે બીજા લોકોનાં મનમાં દુઃખ થાય એવું નથી કરવાનું . જે સાચો છે , જે આજ્ઞા અનુસારી છે , જે ધર્મને અનુકૂળ છે એ નિર્ણય સાચો નિર્ણય ગણાય . સાચો નિર્ણય કોઈને ન ગમે એ તમારી ભૂલ નથી . પરંતુ જે નિર્ણય થયો એમાં તમારી મહત્ત્વ-આકાંક્ષા કામ કરી ગઈ કે તમારી માયામૃષા કામ કરી ગઈ કે તમારી વ્યક્તિગત મમતા કામ કરી ગઈ એવું લોકોને સમજાય ત્યારે મનદુઃખ થશે . નબળો માણસ ચૂપ રહેશે અને ગ્લાનિ અનુભવશે . મજબૂત માણસ સવાલ ઉઠાવશે . સહજ રીતે સાવધાન રહેવાનું . આપણો ધર્મ મહત્ત્વ – આકાંક્ષા , માયામૃષા અને વ્યક્તિગત મમતાઓથી મુક્ત હોવો જોઈએ . આ નિયમ સાધુ , સાધ્વી , શ્રાવક અને શ્રાવિકા , સૌને લાગુ પડે છે .
