ભગવાન્ જે કરે એ આપણે કરી શકતા નથી . પરંતુ , ભગવાને જે કર્યું એમાંથી આપણે શીખી શકીએ છીએ , શીખવું જોઈએ . ભગવાને અભિગ્રહ લીધા હતા એ વાત આપણે જાણીએ છીએ . ભગવાનની ભૂમિકા એકદમ અલગ હતી . આપણી ભૂમિકા અલગ હોય છે . અભિગ્રહનાં અભિપ્રેતને સમજવું જોઈએ છે . એમાંથી પ્રેરણા લેવી જોઈએ . ભગવાનનો પ્રથમ અભિગ્રહ હતો કે જ્યાં અપ્રીતિ હોય ત્યાં રહેવું નહીં . ભગવાન્ પહેલાં ચોમાસાના ૧૫ દિવસ પછી વિહાર કરીને બીજે પધારી ગયા . આજના સમયમાં કોઈ પણ ગુરુ ભગવંત ચાલુ ચોમાસામાં નીકળી જાય એવું જોવા મળતું નથી . ચાલુ ચોમાસામાં ગુરુ ભગવંત નીકળી જાય એનો અર્થ એ નીકળે કે મોટો મતભેદ ઊભો થયો છે . ભૂલ સંઘની પણ હોય , ભૂલ ગુરુ ભગવંતની પણ હોય . ચોમાસામાં નીકળી જવું એ અનુકરણીય વ્યવહાર નથી . એ ભગવાન્ જ કરી શકે . આપણે એવું કરીએ તો ગાંડા ઠરીએ . જૈન , જે સંઘમાં વર્ષોથી આરાધના કરતો આવ્યો છે એ સંઘને અપ્રીતિનો મુદ્દો બનાવીને છોડી દે એ વહેવારુ નથી .
ભગવાન્ મનમાં અપ્રીતિ લઈને નીકળ્યા હતા એવું નથી , ભગવાન્ નીકળ્યા અપ્રીતિથી મુક્ત મન લઈને . બે વાત શીખવા મળે છે : એક , આપણે એટલા કમજોર નહીં રહેવાનું કે કોઈનાં વર્તનથી તરત આપણાં મનમાં અપ્રીતિ ઊભી થાય . બે , આપણું વર્તન એવું ના હોવું જોઈએ કે જ્યાં રહીએ ત્યાં અન્યનાં મનમાં અપ્રીતિ થાય . અપ્રીતિના ત્રણ અર્થ છે : મનમાં પીડાનો અનુભવ થાય . મનમાં વિરોધની ભાવના જાગે . મનનો ઉત્સાહ નાશ પામે . ત્રણેય પરિસ્થિતિ અલગ છે . અમુક વખતે અપ્રીતિના જવાબદાર આપણે હોતા નથી .
પીડા : કોઈ પોતાની રીતે પોતાનાં કામ કરતું હોય , પોતાની માનસિકતા પ્રમાણે જીવતું હોય એનાં જીવનમાં આપણાં કારણે ખલેલ પહોંચે . એ દુવિધા અનુભવે . એણે જેની તૈયારી રાખી ન હોય એવું કંઈક એની સામે આવીને ઊભું રહે . જેની માટે એનું મન તૈયાર ન હોય એવું કંઈક એણે ઝીલવું પડે . જે ઝૂંપડીમાં ભગવાન્ ચોમાસું રોકાયા હતા એમાં પહેલાં બીજું કોઈ રહેતું હતું . ભગવાનનો વિહાર થાય એ પછી તે માણસ ઝૂંપડીમાં પાછો રહેવા આવવાનો હતો . ગાયને લીધે ઝૂંપડી તૂટી એનાથી એને પીડા થઈ હતી . ભગવાનનો ઉદ્દેશ હતો નહીં , એને પીડા આપવાનો . ભગવાન્ ઝૂંપડીમાં રોકાયા એને કારણે એ માણસને દુઃખ થયું હતું એવું નહોતું . દુઃખ , ઝૂંપડી તૂટી એને કારણે થયું હતું . ઝૂંપડી તૂટવાનું કારણ દુકાળ હતો એ રીતે પેલા માણસે વિચારવું જોઈતું હતું . દુકાળ હતો એટલે ગાય આવી હતી . સુકાળ હતો ત્યારે ગાય આવી જ નહોતી . જેને દુઃખ થયું એને સુકાળ અને દુકાળના વિચારો સૂઝ્યા નહીં . આથી એણે દેવાર્યને લઈને પીડા અનુભવી . એણે પોતાની પીડા કુલપતિને પહોંચાડી .
વિરોધ : તમે જ્યાં રહીને જે કામ કરો છો એને સમજવાની ક્ષમતા ત્યાંના લોકોમાં હોવી જોઈએ . જેમનામાં સમજવાની ક્ષમતા ઓછી હોય છે એ લોકો તરત વિરોધ કરવા લાગે છે . દેવાર્ય ઊંડી સાધના કરે છે એવું કુલપતિને સમજાયું નહીં હોય . કુલપતિ પોતે ઊંડી સાધના શું એ સમજતો જ નહીં હોય . પોતાનાં શરીરની ઉપેક્ષા કરવી , આસપાસના લોકો સાથે કોઈ જ વાર્તાલાપ ન કરવો , ખાવાપીવાનું સાવ ભૂલી જવું , સાથીસંગાથી ન રાખવા – આવી કઠિન સાધના દેવાર્ય કરી રહ્યા હતા તે કુલપતિને સમજાયું નહીં હોય . એટલે એ દેવાર્યને ઠપકો આવવા આપવા માટે આવી ગયો હતો . જે તમારું સ્તર સમજી ના શકે એ તમારો વિરોધ કરે છે . વિરોધમાં મતભેદ જ હોય એવું નથી . વિરોધમાં સમજણનો અભાવ પણ ભૂમિકા ભજવે છે અને સમજવાની તૈયારીનો અભાવ પણ ભૂમિકા ભજવે છે . આ બે અભાવ જ્યાં હોય ત્યાં અપ્રીતિ બનવાની જ છે . અલબત્ત , આ અપ્રીતિ એકતરફી છે . જેનું સ્તર ખરેખર ઊંચું છે તે , આવા લોકોના વિરોધભાવને ગાંઠતો જ નથી . ઊંચાં સ્તરના લોકો , નબળાં સ્તરના લોકોને પડતા મૂકી દે છે . આમાં નુકસાન નબળાં સ્તરના લોકોને થાય છે . એમની સમક્ષ ઊંચાં સ્તરનું વ્યક્તિત્વ હોય છે , પરંતુ પોતાનું સ્તર નીચું હોવાને કારણે એ ઊંચાં સ્તરનાં વ્યક્તિત્વનો આદર કરી શકતા નથી . તમારાં મનમાં જેની માટે વિરોધના ભાવ બન્યા હોય એનું સ્તર તમારા કરતાં ઊંચું હશે એવી સંભાવના છે . એમનાં સ્તર સુધી તમે પહોંચી શકો એવી તમારામાં હેસિયત નહીં હોય . તમે તમારું નબળું સ્તર જાળવી રાખીને વિરોધ કરશો . પરિણામ એ આવશે કે જેનું સ્તર ઊંચું છે એ વ્યક્તિત્વ , તમારું નબળું સ્તર જોયા બાદ તમારાથી દૂર થઈ જશે . તમને એમ લાગશે કે તમે જીતી ગયા , તમારો વિરોધ જીતી ગયો . હકીકત એ હશે કે તમારાં કમજોર સ્તરવાળી હરકતને કારણે એક ઊંચાં સ્તરનું વ્યક્તિત્વ તમને છોડીને જતું રહ્યું . જેમનું સ્તર નીચું છે એમને એ સમજાતું પણ નથી કે અમારી પાસે ઊંચા સ્તરનો વ્યક્તિત્વ હતું અને એને અમે ગુમાવી દીધું છે . નબળાં સ્તરના લોકો ઊંચા સ્તરના લોકોને સમજી શકતા નથી . નબળાં સ્તરના લોકો ખોટા મુદ્દાઓ પકડીને કોઈ ને કોઈ વિરોધ કરતા જ રહે છે . ઊંચા ગજાના લોકો , નબળાં સ્તરના લોકોને રાજી રાખવા માટે આ દુનિયામાં આવ્યા નથી . હીરા ખાણને છોડી દે છે એમાં હીરાનો કોઈ વાંક નથી . હીરા ખાણમાંથી બહાર નીકળી જવા માટે જ સર્જાયા છે .
ઉત્સાહનો ભંગ : અમુક લોકોને ખોટી રીતે ખુશ રહેવાની આદત પડી ગઈ હોય છે . દારૂ પીને ખુશ રહે . જુગાર રમીને ખુશ રહે . હીણા કામો કરીને ખુશ રહે . પોતાના ઘમંડ પંપાળીને ખુશ રહે . એમને વ્યસન એવું થઈ ગયું હોય છે કે પોતાનાં વ્યસન સાથે જોડાય નહીં તો એ દુઃખી જ રહે . કોઈ એમને દારૂ છોડવાનું કહેશે તો એ ડરી જશે . કોઈ એમને જુગાર રમવાની ના પાડશે તો એ લાચારી અનુભવશે . કોઈ એમને હીણા કામ કરતા અટકાવશે તો એમને અસહજ લાગશે . કોઈ એમને ઘમંડ છોડવાનું કહે છે તો એમને ખરાબ લાગશે . તદ્દન જડ બની ગયા હોય છે આ લોકો . એમને આપણે સારી વાત કરીએ એનાથી ખોટું લાગે છે . એમને સુધરવાનો પ્રયત્નમાં અંતે મોટી નિષ્ફળતા જોવા મળે છે . આવા વખતે ઉપેક્ષા ભાવના રાખવાની હોય છે . જે સુધરવાના છે નહીં , જે સુધરવા માંગતા નથી એમનાથી દૂર રહો . એમને સુધારવા જઈશું તો એ ઝઘડા જ કરવાના છે . એમને સારી વાત કરશું તો એમને ખોટું જ લાગવાનું છે . આપણા હાજર હોવાને લીધે જે અપ્રીતિ એમનાં મનમાં બને છે તે અપ્રીતિ આપણે હાજર ન રહીએ ત્યારે જ દૂર થતી હોય છે . પરાણે પ્રીત હોય પણ નહીં . નીકળી જવાનું ત્યાંથી .
અપ્રીતિનું એનાલિસિસ હજી પણ થઈ શકે . આવતીકાલે વાત .
