ભગવાન્ મહાવીરે અભિગ્રહ લીધો હતો કે આહાર અને વિહાર સિવાયનો જેટલો સમય બચે એમાં કાઉસગ્ગ કરવો . કાઉસગ્ગ એટલે કાયાને કષ્ટ આપવા માટે શરીરને સ્થિર બનાવી એક જગ્યાએ લાંબા સમય માટે ઊભા રહેવું . આમાં ત્રણ વાત છે : કાયાને કષ્ટનો અનુભવ થવો જોઈએ . શરીર એકદમ સ્થિર રહેવું જોઈએ . કાઉસગ્ગ લાંબો ચાલવો જોઈએ .
આગમસૂત્રોમાં એવા શ્રાવકોના વર્ણન વાંચવા મળે છે જેઓ પોતાની પૌષધશાળામાં , આખી રાત એકાગ્રતાપૂર્વક કરતા હતા . રાજા કુમારપાળ લાંબો કાઉસગ્ગ કરતા હતા એ આપણે જાણીએ છીએ . આપણે લોકોએ આપણા કાઉસગ્ગને પ્રતિક્રમણ પૂરતો સીમિત કરી રાખ્યો છે . એક સંવત્સરીના દિવસે લાંબો કાઉસગ્ગ આવે છે એ પણ ભારે પડતો હોય છે . આપણે લોકો કરીએ છીએ તે કાઉસગ્ગમાં હલનચલન અટકતું નથી હોતું , કષ્ટ સહન કરવું છે એવી સભાનતા હોતી નથી , ત્રણ ચાર મિનિટથી વધારે લાંબા કાઉસગ્ગ આપણે કરતા નથી . ઉપરથી આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ કે કંઈ સમજ પડતી નથી .
આપણે કોઈ દિવસ કાઉસગ્ગ શું કામ કરવાનો છે એની સમજણ મેળવવાનો પ્રયત્ન કર્યો નથી . જે સમજણ મેળવવાનો પ્રયત્ન કરે છે એને સમજણ મળે છે અને જે સમજણ મેળવે છે એને સમજ પડે છે . જે સમજણ મેળવવાનો પ્રયત્ન કરતો નથી એને સમજણ મળતી નથી અને જે સમજણ મેળવતો નથી એને સમજ પડતી નથી . આપણને કાઉસગ્ગમાં સમજ ન પડતી હોય તો સદ્ ગુરુ પાસે બેસીને કાઉસગ્ગની સમજણ મેળવી લેવી જોઈએ . કાઉસગ્ગ દ્વારા ઉત્કૃષ્ટ કર્મનિર્જરા થતી હોય છે . સાધના કરતાં કરતાં જેમને કેવળજ્ઞાન મળ્યું છે એવા અનંત આત્માઓમાં , મોટાભાગના આત્માઓએ કાઉસગ્ગમાં જ કેવળજ્ઞાન મેળવ્યું છે . અર્થાત્ કાઉસગ્ગમાં કેવળજ્ઞાન આપવાની મહાન્ તાકાત છે . જે કાઉસગ્ગ કેવળજ્ઞાન આપી શકે એ કાઉસગ્ગ કેટલી મોટી કર્મનિર્જરા કરાવી શકે ?
તમે ઉપવાસ કરો છો એ તપ છે . આ તપ માટે ૩૬ કલાક ભૂખ્યા રહેવાનું છે અને એમાં પણ ૨૪ થી વધારે કલાક પાણી સુદ્ધાં વાપરવાનું નથી . ઉપવાસની તુલનામાં કાઉસગ્ગ સરળ છે . તમે અડધો કલાક , એક કલાક , બે કલાકનો કાઉસગ્ગ કર્યો એ પણ તપમાં ગણાય છે . આશ્ચર્યની વાત એ છે કે લાંબા લાંબા ઉપવાસ કરનારાઓ પણ કાઉસગ્ગ તો નાના જ પસંદ કરે છે . તમે તમારી લાઇફમાં સૌથી લાંબો કાઉસગ્ગ ક્યારે કર્યો , યાદ કરી જુઓ . ઉપધાન કરનારા આરાધક સો લોગસ્સનો કાઉસગ્ગ કરે છે . ઉપધાન પૂરા થઈ ગયા પછી એ કાઉસગ્ગ બંધ થઈ જાય છે . લાંબા કાઉસગ્ગ યાદ રહેતા નથી , યાદ આવતા નથી . લાંબા કાઉસગ્ગ કરવા જોઈએ . ઉભા ઉભા ત્યાર સુધી કાઉસગ્ગ ચાલુ રાખવાનો જ્યાર સુધી પગ દુઃખવા ન લાગે .
એવો કાઉસગ્ગ કરો કે શરીરને કષ્ટનો અનુભવ થાય . શરીરને કષ્ટનો અનુભવ થાય તેના દ્વારા જ કર્મનિર્જરા થતી હોય છે . મને કષ્ટ થઈ રહ્યું છે એ પણ સમજાય અને હું આ કષ્ટ સહન કરવા માંગુ છું એવી સ્પષ્ટતા પણ હોય , એ રીતનો કાઉસગ્ગ લાંબો ચાલે ત્યારે સમજવું કે આપણે સાચો કાઉસગ્ગ કર્યો . પ્રતિક્રમણના સમયે ચાર લોગસ્સના કે બાર લોગસ્સના કાઉસગ્ગ બહુ વધારે પગ દુઃખતા હોતા નથી . એનો અર્થ એ થાય કે કાયાને કષ્ટનો અનુભવ થતો નથી . કષ્ટનો અનુભવ થાય અને એ કષ્ટનો સ્વીકાર કરીએ એ માટે પ્રતિક્રમણ સિવાયના સમયમાં લાંબા કાઉસગ્ગ કરવાનું મન બનાવો . કરો લાંબા કાઉસગ્ગ . જેટલા પગ વધારે દુખશે , એટલી કમર વધારે દુઃખશે એટલા વધારે કર્મોના ભુક્કા બોલાશે .
એવો કાઉસગ્ગ કરો કે શરીર જડ પથ્થરની જેમ એકદમ સ્થિર રહે . આપણું શરીર જ્યારે જ્યારે હલે છે ત્યારે ત્યારે વિરાધનાની સંભાવના બને છે . આપણું શરીર ધાર્મિક સંકલ્પ પૂર્વક સ્થિર થાય છે ત્યારે શરીર દ્વારા વિરાધના નહીં થાય એવી ભૂમિકા બને છે . જ્યાર સુધી કાઉસગ્ગ ચાલુ છે ત્યાર સુધી વિરાધના બંધ છે . સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધ ભગવાન્ એકદમ સ્થિર છે . સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધ ભગવાન્ એકદમ વિરાધનામુક્ત છે . શરીરનું હલનચલન વિરાધનાનું કારણ બનતું હોય છે . વિરાધનાનો ત્યાગ આવશ્યક છે . એ ત્યાગની ભૂમિકા સ્વરૂપે હલનચલનનો ત્યાગ પણ આવશ્યક છે . જેમને વિરાધનાનો ત્યાગ યાદ છે એ પૃથ્વીકાય , અપ્ કાય , તેઉકાય , વાયુકાય , વનસ્પતિકાય આદિની વિરાધના છોડવાનો સંકલ્પ કરે છે . આપણને એ કેમ યાદ નથી રહેતું કે વિરાધના મુક્ત અવસ્થા તરીકે હલનચલનના ત્યાગનો સંકલ્પ કરવાનો હોય અને આ સંકલ્પ લાંબા સમય સુધી પાળવાનો હોય . જે હલનચલન ઓછું કરી શકે એ વિરાધનાઓને સીમિત કરી શકે . આંગળી ન હલે , હાથ ન હલે , પગ ન હલે , આંખો ન હલે , ડોક ન હલે , હોઠ કે જીભ ન હલે એ રીતે કાઉસગ્ગ કરવાનો .
એવો કાઉસગ્ગ કરો કે કાય ગુપ્તિને ઘણો બધો સમય મળે . કોઈપણ ઉત્તમ પ્રવૃત્તિ અલ્પકાલીન હોય એનું ફળ અલ્પ રહે છે . જે પાંચ મિનિટમાં પ્રભુપૂજા કરી લે એની પ્રભુપૂજા અલ્પકાલીન ગણાય આવી પ્રભુપૂજાનું ફળ અલ્પ જ રહેવાનું . જે પાંચ મિનિટ જ વ્યાખ્યાન સાંભળે એનું વ્યાખ્યાન શ્રવણ અલ્પકાલીન ગણાય , આવા વ્યાખ્યાનશ્રવણનું ફળ અલ્પ જ રહેવાનું . આ રીતે જે બે મિનિટ કે ત્રણ મિનિટનો અલ્પકાલીન કાઉસગ્ગ કરે એની કર્મનિર્જરા અલ્પ જ રહેવાની છે . જેનો કાઉસગ્ગ પ્રલંબ હોય એની કર્મનિર્જરા પ્રચંડ હોય .
આપણે કાઉસગ્ગને વધુ મહત્ત્વ આપ્યું નથી . ભગવાન્ મહાવીરે કાઉસગ્ગને સૌથી વધારે મહત્ત્વ આપ્યું હતું . સરેરાશ ગણતરી કરીએ તો ભગવાન્ રોજેરોજ ઓછામાં ઓછો ૨૦ કલાકનો કાઉસગ્ગ કરતા હતા . ભગવાને ૧૫૦ મહિના સુધી રોજ આટલો લાંબો કાઉસગ્ગ કર્યો . તમે રોજ કેટલો લાંબો કાઉસગ્ગ કરી શકો છો , એ સમજી લો . રોજેરોજ લાંબો કાઉસગ્ગ કરવો એ રાજર્ષિઓની પરંપરા છે . તમે પરંપરાના વારસદાર બનો . લાંબા લાંબા કાઉસગ્ગ ઉપર ફક્ત રાજર્ષિઓની મોનોપોલી છે એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી .
