ખાવાના વિચારો મનમાં બહુ ન ચાલવા જોઈએ . આપણે જ્યારે ખાવા બેસીએ છીએ ત્યારે જે ભાવ્યું એ કેટલું સ્વાદિષ્ટ છે એમ વિચારીને રાજી થઈએ છીએ . જે ભાવ્યું નહીં તે કેટલું બેસ્વાદ છે એમ વિચારીને દુઃખી થઈએ છીએ . દરેક માણસના બે લિસ્ટ ક્લિયર હોય છે એક , શું ભાવે છે એનું લિસ્ટ . બે , શું નથી ભાવતું એનું લિસ્ટ . શું ખાવું છે એનું સિલેક્શન મનમાં થતું હોય છે , શું નથી ખાવું એનું સિલેક્શન પણ થઈ ચૂક્યું હોય છે . હવે વાત શરૂ થાય છે .
આપણે ઉપવાસ કર્યો અથવા આપણે લાંબા ઉપવાસ કર્યા . પરિસ્થિતિ એ છે કે આવતીકાલે પારણું છે અને રાતનો સમય છે . ગઈકાલની રાતે એ વિચાર હતો કે આવતીકાલે ઉપવાસ છે . વિચાર ઉપવાસનો હતો એટલે ખાવાના વિચાર બનવાની જગ્યા હતી નહીં . આજની રાતે આવતીકાલ માટે એક વિચાર બહુ સ્પષ્ટ છે કે આવતી કાલે ઉપવાસ નથી . ઉપવાસ નથી એનો અર્થ કે આવતીકાલે આહાર લેવાનો છે . આવતીકાલે મારે ઉપવાસ નથી , આ વિચારની પાછળ પાછળ – આવતીકાલે મારે શું ખાવું છે , કેટલું ખાવું છે , કેવી રીતે ખાવું છે એના વિચારો આવી જ જતા હોય છે .
આવતીકાલે સવારે હું જીવતો હોઈશ કે નહીં એની કોઈ ખાતરી નથી . આવતીકાલે સવારે હું ઊઠું જ નહીં એવું પણ બની શકે છે . લાંબા ઉપવાસ કર્યા પછી હું સૂતો હોઉં , મારાં મનમાં આવતીકાલે શું ખાવું છે એના વિચારો ચાલુ હોય અને મારું આયુષ્ય પૂરું થઈ જાય તો મને કંઈ ગતિમાં જન્મ મળે ? લાંબા ઉપવાસ કર્યા એ મુજબની ગતિ મળે કે ખાવાના વિચાર કરતા કરતા મર્યા એ મુજબની ગતિ મળે ? જવાબ જાતે શોધી લેજો .
ઉપવાસ કરવાનું સહેલું નથી , અઘરું છે . અઘરા અઘરા ઉપવાસ કર્યા પછી છેલ્લે છેલ્લે ખાવાના વિચારો આવી જાય એવું શું કામ થવા દઈએ ? પારણાના દિવસે શું ખાવું છે , શું લેવું છે , શું વાપરવું છે એના વિચાર , ઉપવાસના દિવસે બિલકુલ આવવા ના જોઈએ . આવતીકાલે મારે પારણું છે એ નક્કી જ ના હોય એવી પરિસ્થિતિમાં આવતીકાલે મારે શું ખાવું છે એનો વિચાર બની શકતો નથી . ઉપવાસના દિવસોમાં આહાર સંબંધી વિચાર મનમાં આવે નહીં એની માટે એક પ્રયોગ કરવામાં આવે છે : અભિગ્રહ ધારણનો પ્રયોગ .
ચોક્કસ પરિસ્થિતિ હશે તો જ પારણું થશે , અન્યથા પારણું નહીં થાય . આવો સંકલ્પ કરનારો જાણે છે કે હું આવતીકાલે પારણું કરીશ જ , એ પાક્કું નથી . પારણું કરવાનું જ પાક્કું નથી તો પછી પારણામાં શું લેવાનું છે એ પાક્કું કેવી રીતે થાય ? પારણામાં શું લેવાનું ગમશે અને શું લેવાનું નહીં ગમે એના વિચારો ઉપવાસના સમયે ચાલે ત્યારે સમજવાનું કે તપ હારી ગયો . પારણાની મમતાથી મુક્ત રહેવા માટે ભગવાને ઘોર અભિગ્રહ લીધો હતો . ચંદનબાળાના હાથે અભિગ્રહ પૂર્ણ થયો અને ભગવાને પારણું કર્યું , આપણે જાણીએ છીએ . આપણી તુચ્છ માનસિકતા અનુસાર વિચારીએ કે અભિગ્રહમાંથી તારણ શું નીકળ્યું .
પારણું કોણ કરાવવાનું છે એ નક્કી નહોતું .
પારણું કોનાં ઘરે થવાનું છે એ નક્કી ન હતું .
પારણામાં ફક્ત એક જ દ્રવ્ય લેવાનું છે એ નક્કી હતું પણ એ દ્રવ્ય મળશે કે નહીં એ નક્કી નહોતું .
પારણું સરળતાથી થશે એવી સંભાવના નહોતી .
પારણું નક્કી કરેલા સમયે થશે એવી ધારણા નહોતી .
પારણું કરાવનાર જે આપશે એ સ્વબુદ્ધિથી આપશે . પારણું કરનાર કહેશે જ નહી કે મારે આ જોઈએ છે .
પારણામાં જે નથી લેવું એવી આહારવસ્તુઓનું લિસ્ટ લાંબું હશે અને એ લિસ્ટ સાથે કોઈ બાંધછોડ નહીં થાય .
પારણાનો સમય થયો એટલે તરત પારણું કરી દીધું એવી પરિસ્થિતિ નહીં બને .
જે દિવસે પારણું કર્યું એ દિવસે પણ એકવાર એવો વિચાર મનમાં બન્યો જ છે કે મારે પારણું કરવું નથી .
આજે પારણું છે એવી સંભાવના દેખાયા પછી પણ એવી ભૂમિકા થોડા સમય માટે આવી કે આજે પારણું કરવાનું સંભવિત નથી .
પારણું પલાંઠી વાળીને નથી કર્યું .
પારણું થાળી વાટકા બિછાવીને નથી કર્યું .
પારણું કરવા માટે વાજતેગાજતે પ્રસ્થાન નથી કર્યું .
પારણામાં પધારવા માટે મહેમાનોને નોતરા મોકલાયા નથી .
પારણું થાય તે પૂર્વે પારણાનાં ઉપલક્ષ્યમાં કોઈ ડેકોરેશન કરવામાં આવ્યું નથી .
પારણું થયું એમાં પરિવારજનો ઉપસ્થિત નથી .
પાંચ મહિના અને પચીસ દિવસના ઉપવાસ પછી જે પારણું આવે એ પારણું , મકાનની અંદર નથી થતું પરંતુ મકાનના ઉંબરાની બહાર થાય છે .
જે પારણું ચંદનબાળાએ કરાવ્યું એ પારણાની સાથે આટલી બધી વાતો જોડાયેલી છે એ આપણે યાદ રાખવાનું છે . અને સૌથી અગત્યની વાત એ યાદ રાખવાની છે કે ઉપવાસ કરનાર એક ઉપવાસ કરે કે અનેક ઉપવાસ કરે , ઉપવાસના તપસ્વીએ પારણા સંબંધી કોઈ જ વિચાર મનમાં આવવા દેવાનો નથી . તમે પૂછશો કે આજે ઉપવાસ છે અને આવતીકાલે પારણું છે તો આવતીકાલે ઉપવાસ નથી એનો વિચાર તો બનવાનો જ છે . આમાં વાંધાજનક શું છે ?
આનો જવાબ એ છે કે આપણે ખાવાના વિચારો મનમાં આવે જ નહીં એની માટે ઉપવાસ કરીએ છીએ . મન ખાવાના વિચારોમાં ખોવાયેલું રહે છે ત્યારે આત્મા ભૂલાઈ જતો હોય છે . ઉપવાસ કરીને પણ છેલ્લે આત્માનું વિસ્મરણ થઈ જાય એ કેવું કહેવાય ? આવતીકાલે મારે ઉપવાસ નથી એ વિચારને ફાઇનલ માની લેવાની જરૂર નથી . સવારે ઉઠ્યા પછી તબિયત સારી લાગશે તો એક ઉપવાસ હજી વધુ કરી લેશું . હિંમત રાખવાની . જાહેર થઈ ગયેલા કાર્યક્રમો કરતા વધારે અગત્યનું છે કે એક ઉપવાસ વધુ થઈ જાય . કાર્યક્રમને કારણે ઉપવાસ ગૌણ થાય એવું ન કરાય . ઉપવાસને કારણે કાર્યક્રમ ગૌણ થાય એવું ક્યારેક કરી શકાય .
ઉપવાસના પારણામાં આ મુજબ નિયમ લઈ શકાય છે.
૧. પારણાના દિવસે મારી સૌથી વધુ ભાવતી વસ્તુ હું નહીં લઈશ .
૨. પારણાના દિવસે પાંચથી વધારે દ્રવ્ય હું નહીં લઈશ .
૩.પારણાના દિવસે ચોક્કસ વિગઈનો ત્યાગ રહેશે.
૪. ઉપવાસ ચોવીસ કલાક લાંબા ચાલતા હતા . પારણું ચોવીશ મિનિટમાં પૂરું કરી નાંખીશ . પચીસમી મિનિટે ઉભો થઈ જઈશ .
૫. પારણું ચાલતું હશે ત્યારે આગામી સમયમાં કયો તપ કરવો છે એનો સંકલ્પ કરી દઈશ , ચોક્કસ .
ઉપવાસ પૂરા થાય ત્યારે ઉપવાસથી છૂટકારો થયો એવું નહીં વિચારવાનું . ઉપવાસ શરૂ થાય ત્યારે આહારથી છૂટકારો થયો એવું વિચારવાનું . ઉપવાસ કરીએ એમાં રાજી થવાનું . પારણું કરીએ એમાં રાજી નહીં થવાનું . પારણામાં શું ખાવું છે એના વિચારોથી મનને મુક્ત રાખવાનું . અભિગ્રહ ધારણ કરવાથી પારણાની શોભા વધે છે . ત્યાગની ભાવના ઊંચી રાખવાથી પારણાની શોભા વધે છે .
