Home Gujaratiકષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા

કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ એટલે શિખરજીની યાત્રા

by Devardhi
0 comments

શિખરજીની યાત્રા . કષ્ટમય મનુષ્યલોકથી આનંદમય સ્વર્ગલોકની યાત્રાનો અનુભવ છે . મનુષ્ય લોકમાં ઘણી બધી તપસ્યા કરવાની , ઘણાં ઘણાં કષ્ટ સહન કરવાના . તપસ્યા અને કષ્ટ દ્વારા કર્મનિર્જરા થાય . એનાં ફળ સ્વરૂપે સ્વર્ગ મળે . એ સ્વર્ગનું નામ શિખરજીનું શિખર . 

નવ કિલોમીટરનું આરોહણ સહેલું નથી . પગલે પગલે થાક વધે . ભીડ ઘણી રહે છે . કાનને કોલાહલ  સતત ટકરાયા કરે . મોટાભાગના લોકો આધ્યાત્મિક ન હોય એવી જ વાતો કરતા હોય . આપણને પ્રભુના વિચાર કરવા હોય પણ એમની વાતો કાનોકાન અફળાતી હોય એટલે પ્રભુ સાથે મગન થવામાં અડચણ અનુભવાય . પહાડ જેટલો મોટો છે , માર્ગ જેટલો લાંબો છે એને મુકાબલે એ મારગનો પનો ટૂંકો છે . વારંવાર યુ-કટ વળાંક પણ આવે . એકસાથે ચાર લોકો ચાલે એટલામાં રસ્તો બ્લોક થઈ જાય . એમાં પાછા ડોલીવાળા . ચાર જણા ઊંચકે એવી ડોલી વધારે આવે . બે જણા ઊંચકે એવી ડોલી પણ આવે .  આપણે ચડતા હોઈએ ત્યાં ખભાની વચ્ચે ડોળીના લાંબા વાંસડા ઘૂસી આવે . આપણે ચાલતા હોઈએ તો પગનાં ઘૂંટણની વચ્ચે એમની લાઠી ફસાય . પડતાં પડતાં માંડ બચીએ . એમનાં મોઢેથી બીડી અને દારૂની વાસ ગંધાતી હોય . સહન કરવી જ પડે . આગળ નીકળવાવાળા આપણને ધક્કો મારીને આગળ જાય . જેમનાથી આપણે આગળ નીકળીએ એ લોકોના ખભે આપણો ખભો ઘસાય . વિજાતીયના સંઘટ્ટાથી બચવું પડે . આપણને થાક ચડ્યો હોય એનાથી વધારે થાક અમુક બીજાઓને લાગ્યો છે એ પણ દેખાય . આપણે જેટલા થાક્યા છીએ એટલો થાક અમુક બીજાઓને નથી લાગ્યો એ પણ દેખાય . રસ્તો કાચો છે , પથરાળ છે , ઊંચો છે , અઘરો છે , લાંબો છે . ફિટનેસ ટેસ્ટ માંગી લે છે . કઠિન પહાડ પર જે ચડી ગયા તેને હાર્ટ પ્રોબ્લેમ નથી એ પાક્કું ‌. હું હાંફતો રહ્યો પણ છેવટે આરોહણ સંપન્ન થયું . જાણે કાર્ડિયાક સ્ટ્રેસ ટેસ્ટ પૂરો થયો . 

હવે નજર સામે કેવળ સ્વર્ગ હતું . ડાબા હાથે દૂર દેખાતી હતી પારસનાથજીની ટૂંક . જમણા હાથે દૂર હતી ચંદ્રપ્રભજીની ટૂંક , જે દેખાતી નહોતી . ત્રીસ ટૂંક છે એ જાણે ત્રીસ દેવવિમાન . ચોતરફ દિગંતમાં અનંત આકાશ . એમ જ લાગે કે માનવ લોક નીચે રહી ગયો છે અને આપણે ઉપર છીએ , ઉપરવાળાની એકદમ નજીકમાં . ઊર્ધ્વ દિશાએ અનંત અવકાશ છે , એના છેવાડે છે સિદ્ધશિલા . એમાં બેસેલા અનંત આત્માઓમાંથી કેટકેટલા આત્માઓ એવા છે જે શિખરજી પરથી જ સીધા ત્યાં પહોંચ્યા છે . એ પ્રત્યેક આત્માને , પરમ આત્માને વંદન કરવા માટે શિખરજીની યાત્રા કરવાની હોય છે . જે ભૂમિએ એ આત્માઓને સિદ્ધશિલાનો માર્ગ બનાવી આપ્યો એ ભૂમિની સ્પર્શના કરવી હતી .

પહાડ પર પહોંચ્યા બાદ આરામ કરવો હતો . સામે જ નવનિર્મિત ઉપાશ્રય હતો . એમાં વિશ્રામ કર્યો . તે દિવસે એકથી વધુ સંઘો આવ્યા હતા . પર્વતરાજ પર બે હજારથી વધુ ભક્તોની ભીડ ભેગી થઈ હતી . શ્રી ગૌતમ સ્વામીજીની ટૂંકમાં ભારે ધસારો હતો . આખું ચોગાન લોકોથી ઢંકાયેલું હતું . ઘણાઘણા ડોલીવાળા લાઈન લગાવીને બેસી ગયા હતા . ચાલવાની પણ જગ્યા નહોતી . દરેક દેરીએ ભક્તોનાં ટોળાં જામી પડ્યાં હતાં . મારે દરેક દેરીએ મૂળ જિનાલય જેવી શાંતિથી ચૈત્યવંદન કરવું હતું , સ્તવન ગાવું હતું અને જાપ કરવો હતો . આટલા ઊંચે આવ્યા પછી કોઈપણ દેરીએ ઉતાવળ કરીએ તે કેમ ચાલે ? વીસ પ્રભુનાં કલ્યાણકની દેરીઓમાંથી અઢાર દેરીઓ સાવ નાની છે . દેરી નાની છે એટલે સ્થાન નાનું છે , સ્થાન નાનું છે એટલે ઓછા સમયમાં પતાવી દેવાય એવી માનસિકતા બનતી હોય છે , જે ભૂલ ભરેલી હોય છે . દરેક નાની દેરીના નાનકડા ગુંબજની ઉપર છેક સિદ્ધશિલામાં એ જ ભગવાનનો સિદ્ધ આત્મા બિરાજમાન છે જેમના ચરણપાદુકા દેરીની ભીતરમાં જોવા મળે છે . તે તે પ્રભુ પોતાના સમયકાળના એકમાત્ર મૂળનાયક હતા . એમનાં કલ્યાણકોએ ત્રણ લોકના જીવોને સુખનું સ્પંદન આપ્યું હતું . એમના અભિષેક મેરુપર્વત પર થયા હતા . એમના સમવસરણમાં અગણિત જીવોના ઉદ્ધાર થયા હતા . એમનો શ્રમણ પરિવાર , શ્રમણી પરિવાર , શ્રાવક પરિવાર , શ્રાવિકા પરિવાર અને ભક્ત પરિવાર ઘણો જ વિશાળ હતો . તે તે પ્રભુ થકી ચિરસ્થાયી યુગપ્રવર્તન થયા હતા . તીર્થંકર એ તીર્થંકર હોય છે . કલ્યાણક એ કલ્યાણક હોય છે . તીર્થંકરની સાથે ઉતાવળ ન હોય , કલ્યાણક ભૂમિની સાથે હડબડી ન કરાય . મારે કોઈ તીર્થંકરની સ્પર્શના ઉતાવળમાં પતાવવી નહોતી . એક મોટા સંઘનાં મુખ્ય દેરાસરમાં બિરાજમાન મૂળનાયક ભગવાનને જેટલો સમય અપાય , જેટલો આદર અપાય એટલો સમેતશિખરજીની વીસેવીસ કલ્યાણક દેરીઓને આપવો જોઈએ . કોઈપણ દેરી બે મિનિટમાં પતાવી દેવાય નહીં . સૂત્ર ઉતાવળ કર્યા વગર જ બોલવાના . સ્તવન લંબાણપૂર્વક જ ગાવાના . જાપ નિરાંતે જ થવા જોઈએ . ભીડ ઘણી જ વધારે હતી એટલે કોઈ પણ દેરી પર આરામથી બેસી શકાય એવું લાગતું નહોતું . ઉપાશ્રયમાં વિસામો લીધો અને રાહ જોઈ . બપોરે બે વાગ્યા પછી ભીડ ઓછી થઈ અને યાત્રા શરૂ કરી .

સૌપ્રથમ શ્રી કુંથુનાથ ભગવાનની દેરી . ચરણપાદુકાની આસપાસ દિગંબરોએ ચડાવેલા ચોખાઓનો મોટો ઢગલો બનેલો હતો . ચોખા ચરણપાદુકા ઉપર પણ પથરાયા હતા . આશ્ચર્યની વાત એ હતી કે ચરણપાદુકાની ઉપર એક ખુલ્લી ચિઠ્ઠી પડી હતી . સંકોચપૂર્વક ચિઠ્ઠી ઉઠાવી અને વાંચી . કોઈએ ખરેખર ભગવાનને જ પત્ર લખ્યો હતો . શું લખ્યું હતું ? કાલે વાત ….

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.