આજે હું કારતક સુદ એકમની ભૂમિ ઉપર છું , બેસતાં વર્ષની ભૂમિ ઉપર . જ્યારથી ધર્મ સમજાયો છે ત્યારથી દર બેસતાં વર્ષે નવસ્મરણ સાંભળ્યા પછી શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાનો રાસ સાંભળ્યો છે . બેસતાં વર્ષે રાસ શું કામ સાંભળવાનો આ પ્રશ્ન ગુરુ ભગવંતને પૂછ્યો હતો . જવાબ મળ્યો હતો કે કારતક સુદ એકમના દિવસે શ્રી ગૌતમ સ્વામીજી મહારાજાને કેવળજ્ઞાન થયું હતું એની યાદમાં રાસ વાંચવામાં આવે છે . બેસતાં વરસના દિવસે ગૌતમ રાસને લાખો લોકો સાંભળે છે . એમાંથી આખા વર્ષ દરમિયાન ફક્ત એક લાખ લોકો જ ગૌતમ સ્વામીજી મહારાજાની કેવળજ્ઞાનની ભૂમિ ઉપર આવે છે . સરેરાશ દર મહિને ૯૦૦૦ યાત્રાળુઓ . ગૌતમ રાસની આ પંક્તિઓ મનમાં રમતી હતી :
તિણ સમે એ ગોયમ ચિત્ત , રાગ વૈરાગે રાગ વાલિયો એ
આવતો એ જો ઉલ્લટ્ટ , રહિતો રાગે સાહિયો એ
કેવલ એ નાણ ઉપ્પન્ન , ગોયમ સહિજ ઉમાહિઓ એ
તિહુઅણ એ જયજયકાર , કેવલ મહિમા સુર કરે એ
ગણધરુ એ કરય વખાણ , ભવિયણ ભવ એમ નિસ્તરે એ
