Home Gujaratiસમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .

સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ .

by Devardhi
0 comments

સિદ્ધગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીનો મહિમા એ છે કે તેઓ ગિરિરાજ પરથી સર્વ પ્રથમ મોક્ષગામી બન્યા . આજે ગિરિરાજ પર પુંડરીક સ્વામીજીનું સુંદર જિનાલય છે . સમેતશિખરજી તીર્થ પરથી સૌ પ્રથમ મોક્ષગામી બન્યા શ્રી અજિતનાથ ભગવાન્ . પરંતુ પ્રભુનું જિનાલય જુઓ તો સાવ નાની દેરી. અજિતનાથજીનું જિનાલય તારંગામાં છે . શું એનો દબદબો અને ઠાઠમાઠ ? શિખરજીમાં પારસનાથજીનો મુખ્ય જયજયકાર છે , દેખાઈ આવે છે . સિદ્ધગિરિરાજ ઉપર આદીશ્વર દાદાનો દબદબો છે પરંતુ પુંડરીક સ્વામીજીનો પણ એક અલગ ઠાઠમાઠ છે . ચૈત્રી પૂનમે તમે પુંડરીક સ્વામીજીનાં દર્શન કરવા જાઓ . જગ્યા નહીં મળે . ફળ નૈવેદ્યનો અંબાર રચાયેલો હશે . આદીશ્વર ભગવાનની મુખ્યતા જળવાયેલી રહે એ રીતે પુંડરીક સ્વામીજીનો ઠાઠમાઠ જે રીતે પાલીતાણામાં છે તે રીતે અજિતનાથ ભગવાનનો ઠાઠમાઠ શિખરજી પર નથી . દેરી નાની છે . પ્રતિમા નથી . ચરણ પાદુકા છે . વીસ લોકો માંડ બેસી શકે એટલો ચોતરો છે દેરીની આગળ . યાત્રાળુઓનું ધ્યાન પણ પારસનાથજી પાસે પહોંચવા પર લાગેલું હોય છે . દર્શન વંદન ફ્ટાફ્ટ કરીને નીકળી જાય છે લોકો . અમુક લોકો તો દર્શન પણ કરતાં નથી , બાયપાસ .

આ અવસર્પિણીમાં આદીશ્વર દાદા પહેલી વાર સિદ્ધગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ ગિરિરાજ પર મુખ્ય સ્થાને દાદા બિરાજીત છે . આ અવસર્પિણીમાં અજિતનાથ દાદા પહેલી વાર સમ્મેતગિરિ પર પધાર્યા . એની યાદમાં આજે પણ સમ્મેતગિરિરાજ પર મુખ્ય સ્થાને અજિતનાથ દાદા બિરાજીત છે એવું દૃશ્ય નથી . આ અજીબ લાગે છે .

ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં જણાવ્યું છે કે શ્રી અજિતનાથ ભગવાન્ મોક્ષ ગતિ સાધવા શિખરજી ઉપર પધાર્યા ત્યારે દરેક ઈન્દ્રનાં સિંહાસન કમ્પાયમાન થયાં હતાં . પ્રભુ એક માસનું અનશન કરવાના છે અને અંતે મોક્ષમાં પધારવાના છે એની જાણ ઈન્દ્રોને થઈ . ઇન્દ્રો અગણિત દેવો સાથે પ્રભુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા . પ્રભુએ અને એક હજાર મહાત્માઓએ અનશનનો પ્રારંભ કર્યો . એક માસ સુધી અનશન ચાલ્યું . ઇન્દ્રો અને દેવો એક માસ સુધી પ્રભુની સેવામાં જ રહ્યા . અનશન પૂર્ણ થયું . આયુષ્ય પૂર્ણ થયું . એની સાથે જ સંસારનું પરિભ્રમણ પર પૂર્ણ થયું. ચૈત્ર સુદ પાંચમે પ્રભુ મોક્ષમાં બિરાજમાન થયા. દેવતાઓએ ઈન્દ્રના આદેશ અનુસાર પ્રભુની અંતિમ વિધિઓ કરી . પ્રભુનો અગ્નિસંસ્કાર થયો . પ્રભુની કાયા ભસ્માવશેષ થઈ . પ્રભુના દાંત અને અસ્થિ દેવલોકમાં પહોંચ્યા . ( પર્વ ૨ : સર્ગ ૬ : શ્લોક ૬૭૧ થી ૬૮૨ ) આ થોડાક વાક્યમાં જેનું વર્ણન લખ્યું છે એ ઘટના અત્યંત વિરાટ્ છે .

અજિતનાથ પ્રભુની દેરી તે પ્રભુના માસક્ષમણની ભૂમિ છે , મોક્ષ કલ્યાણકની ભૂમિ છે . એક આત્મા પણ મોક્ષમાં જાય તો મોટી વાત ગણાય . અહીં તો પ્રભુની સાથે એક હજાર મહાત્માઓ મોક્ષમાં ગયા હતા. કેટલી મોટી ઘટના ? આજે વ્યાખ્યાનમાં પણ ૧૦૦૦ માણસો મુશ્કેલીથી ભેગા થતા હોય છે . પ્રભુનો પ્રભાવ કેવો કે પ્રભુની સાથે મોક્ષમાં જનારા આત્માઓની સંખ્યા ૧૦૦૦ હતી . પ્રભુનાં મોક્ષકલ્યાણકની ઘટના ત્રિલોકમાં સુખની લહર ફેલાવે છે . જે સ્થાનથી ત્રિલોકી સુખનાં નિર્માણ થયા એ સ્થાનનું ગૌરવ કેટલું મોટું ? સૌથી અગત્યની વાત : પ્રભુ જે જગ્યાએ આવવાનો નિર્ધાર કરે છે , અનશન માટે બિરાજમાન થવાનો નિર્ધાર કરે છે એ ભૂમિ કેવી મહાન્ ?

શ્રી આદિનાથ ભગવાનની મોક્ષકલ્યાણકની ભૂમિ અષ્ટાપદ છે . પ્રભુના અગ્નિસંસ્કારના સ્થળે બનેલો સિંહનિષદ્યા પ્રાસાદ આપણી માટે અગોચર છે . આપણી માટે ત્રેવીસ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય ઉપલબ્ધ છે . એમાંનું સર્વપ્રથમ ચૈત્ય છે શ્રી અજિતનાથ પ્રભુનું મોક્ષ કલ્યાણક ચૈત્ય . અષ્ટાપદ જિનાલયનું આકર્ષણ બધાને છે . જેટલું આકર્ષણ અને જેટલો અહોભાવ અષ્ટાપદ માટે છે એમાંનો થોડો અંશ અજિતનાથ પ્રભુનાં મોક્ષ કલ્યાણક ચૈત્ય માટે બનવો જોઈએ . જો અષ્ટાપદની યાત્રા કરવા મળે તો જે રોમાંચ સાથે અષ્ટાપદની યાત્રા કરીએ એ જ રોમાંચ સાથે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા થવી જોઈએ . આજે સૌ લોકો ઉતાવળે ઉતાવળે અજિતનાથ ભગવાનનાં મોક્ષ કલ્યાણક ચૈત્યની યાત્રા કરે છે .

એ સમય હતો જ્યારે આ સ્થાને અજિતનાથ પ્રભુની કાયાને દેવોએ અંતિમસ્નાન કરાવ્યું હતું , ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું‌ હતું , હંસલક્ષણ વસ્ત્ર પહેરાવ્યું હતું , દિવ્ય આભૂષણોની સજ્જા રચી હતી , શિબિકામાં બિરાજમાન કરી હતી . એ શિબિકા ગોશીર્ષચંદનનિર્મિત ચિતામાં બિરાજમાન થઈ . અગ્નિકુમાર દેવોએ વહ્નિ પ્રજ્વલિત કર્યો હતો , વાયુકુમાર દેવોએ હવા વહેતી મૂકી હતી . ઇન્દ્રના આદેશથી અનેક અનેક દેવોએ અગ્નિમાં ઘી , કપૂર અને કસ્તૂરીની આહુતિ કરી હતી . પ્રભુની કાયા ભસ્મસાત્ થઈ તે પછી મેઘકુમાર દેવોએ જલ વરસાવીને વહ્નિ જ્વાલા શાંત કરી હતી . પ્રભુની ચાર દાઢાને સૌધર્મ , ઈશાન , ચમર અને બલી ઈન્દ્ર દ્વારા લેવામાં આવી . પ્રભુના દાંતને ઇન્દ્ર લઈ ગયા , અસ્થિને દેવતાઓ લઈ ગયા . દેવલોકમાં દાઢા – દાંત – અસ્થિની પૂજા , શાશ્વત મૂર્તિની જેમ થવા લાગી . સમ્મેતની આ ભૂમિ પર સ્તૂપની રચના થઈ .

શિખરજી પર શ્રી અજિતનાથ પ્રભુની નાનકડી દેરીમાં સમગ્ર બ્રહ્માંડ થંભી જાય એવી ઘટનાઓના ધબકારા વસે છે . બીજા તીર્થંકર ભગવાનની દેરી પાસેથી ત્રેવીસમા ભગવાનનું ચૈત્ય દેખાતું હતું . ત્યાંની ભીડ અને અહીંની અવરજવરમાં ફરક હતો તે વર્તાતો હતો . જે સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા શ્રી અજિતનાથ દાદાને મળી છે એ ની એ જ સિદ્ધશિલા અને સિદ્ધ અવસ્થા પારસનાથ દાદાને મળી છે . ત્યાં કશો ફરક નથી . ફરક માણસોએ રચેલો છે . જેટલું વિશાળ ચૈત્ય પારસનાથ દાદાનું છે એવું જ વિશાળ ચૈત્ય શ્રી અજિતનાથ ભગવાનનું હોવું જોઈએ. એ ન બને તો કમસેકમ એટલું તો બનવું જ જોઈએ કે જેટલો આદરસત્કાર અને જેટલો સમય પારસનાથ દાદાને મળે છે એટલો આદરસત્કાર અને એટલો સમય અજિતનાથ દાદાને મળવો જોઈએ . મેં શાંતિથી ચૈત્યવંદન કર્યું , સ્તવન ગાયું , જા૫ કર્યો . અયોધ્યા અને અન્ય તીર્થોને ખૂબ યાદ કર્યા . મનમાં એક વિચાર બન્યો કે જે રીતે સિદ્ધગિરિરાજ ઉપર અજિત શાંતિ સ્તોત્રની રચના થઈ છે એ રીતે સમયથી શિખરજી ઉપર અજિત પાર્શ્વ સ્તોત્રની રચના થઈ શકે કારણ કે બંને ભગવાનનાં ચૈત્ય એક સાથે જોઈ શકાય છે . કંઈક કરશું જરૂર .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.