દેશ આઝાદ થયો એમાં પત્રકારિતાનું યોગદાન કેટલું અને કેવું , આ વિષય પર એક લેખ વાંચ્યો હતો – ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબ-માં . એમાં નાના નાના માસિકો વિષે એક સરસ વાત લખેલી હતી . અમુક માસિકો અને દૈનિકોની નકલ લાખોના અને કરોડોના હિસાબે છપાય છે . શું આ જ માસિકો અને દૈનિકોએ લોકોને જાગૃત કર્યા હશે ? જવાબ એ છે કે એ સમયે નાના નાના મુખપત્રોએ પણ એવું કામ કરી બતાવ્યું હતું જે મોટા હાથીઓ નહોતા કરી શક્યા . કલ્યાણ માસિકની કુલ કેટલી નકલ છપાય છે એના આધારે કલ્યાણને મૂલવી ન શકાય . આવું કોઈ પણ માસિક અને દૈનિક માટે ન કરી શકાય . ફેલાવો જેનો વધુ હોય એણે પ્રચારતંત્રનો વધુ ઉપયોગ કર્યો હોય અને ફેલાવો જેનો વધુ ન હોય એણે પ્રચારતંત્રનો વધુ ઉપયોગ ન કર્યો હોય . બની શકે . એક મુખપત્રનું કામ હોય છે ચોક્કસ વર્ગ અને વર્તુળને સંતોષ આપવાનું . કલ્યાણે પોતાનો એક આગવો વર્ગ બનાવ્યો છે . આ વર્ગ દૂરદૂર સુધી વિસ્તરેલો છે . મારો અનુભવ કહું . સમુદ્ર વહાણ સંવાદ , સાધુ તો ચલતા ભલા ( શ્રેણિ એક અને બે ) , પ્રેમાયણમ્ – આ લેખમાળાઓ મેં કલ્યાણમાં લખી . કેટલીય જગ્યાએ હું ગયો છું ત્યાં લોકો પૂછતા હોય કે આપ , કલ્યાણમાં લખો છો ને ? કલ્યાણમાં છપાયેલ લેખમાળાને લીધે ચોમાસાની વિનંતી સુધી વાત પહોંચી છે આ મારો જાત અનુભવ છે .
એક પુસ્તક છપાવવું એ મોંઘું કામ છે અને પછી એ પુસ્તક ફેલાય એ અઘરું કામ છે . મેં કલ્યાણમાં લખ્યું એ બધું પુસ્તક બને તે પૂર્વે જ ફેલાઈ ગયું એ અનુભવ થયો અને સમજમાં આવ્યું કે કલ્યાણની પહોંચ ઘણી લાંબી છે .
જૈન રામાયણના પ્રિયદર્શનથી માંડીને આર્હદ્ બાલમહાભારતના પ્રેમકેતુ સુધીના કેટલાય લેખકોએ સાહિત્યની દુનિયામાં પગ જમાવ્યા અને નામના મેળવી તેમાં કલ્યાણની ભૂમિકા મોટી રહી છે . કલ્યાણે કંઈકેટલાય લેખકોને લોકપ્રિયતાના તખ્તો બનાવી આપ્યો છે .
ગઈકાલે કનકનો ચંદ્ર કલ્યાણનો પ્રારંભ કરાવે છે અને આજે પૂર્ણ કક્ષાનો ચંદ્ર કલ્યાણને સંભાળે છે . આ બેય ચંદ્ર સ્વયં લેખક છે . એને લીધે કલ્યાણને લેખોની અને લેખકોની અછત વર્તાતી નથી . કલ્યાણમાં પ્રશ્નોત્તરી વિભાગને કેટકેટલા દિગ્ગજ મહાપુરુષોનો સ્પર્શ મળ્યો છે , કલ્યાણમાં કેટલીબધી ધારાવાહિક કથાઓ પ્રકાશિત થઈ ચૂકી છે , કલ્યાણમાં કેટલી તાત્ત્વિક લેખમાળાઓ પ્રકાશિત થઈ ચૂકી છે , કલ્યાણ થકી કેટલા સ્મૃતિગ્રંથો પ્રગટ થયા છે , કલ્યાણનો બાળવિભાગ કેટલા વરસોથી ધમધોકાર ચાલે છે એનો હિસાબ કિતાબ થવો જોઈએ . ૭૫ વરસની યાત્રા પાસેથી ઘણુંબધું મળી શકે . કલ્યાણ અત્યારે ત્રણ પચીશી પૂર્ણ કરીને ચોથી પચીશીમાં પ્રવેશ કરી રહ્યું છે . હવે પછી આવશે શતાબ્દી , ચોથી પચીશીના અંતે .
કલ્યાણનાં આગામી સમય સાથે જોડાઈ શકે છે , આ વાનાં .
૧ . લેખકોની સંભવિત જોડણીભૂલ કલ્યાણ સુધારી લે છે . પ્રૂફ ચેકિંગ વધુ સારી રીતે થઈ શકે છે .
૨ . વર્તમાન સમયના સમાંતર પ્રવાહોને સ્પર્શતા લેખો વધુ હોય અને નિયમિત હોય .
૩ . ઈતિહાસ , વિજ્ઞાન આધારિત વાંચન સામગ્રી નિયમિત રીતે પીરસાય .
૪ . યુવાપેઢીને ગમે અને ઉપયોગી બને એવો એક સ્વતંત્ર વિભાગ હોવો જોઈએ .
૫ . સાંપ્રત જીવનકથાઓ અને સત્ય ઘટનાઓ દરેક અંકમાં વાંચવા મળે એનો આનંદ અલગ જ હોય .
કલ્યાણ સો વરસ પૂરા કરશે એ વખતે છેલ્લાં પચીસ વરસની નવી છાયા , નવી રોનક જોવા લાયક હશે . એની શરૂઆત થઈ ચૂકી છે .
શ્રીસંઘને સદાકાળ સાત્ત્વિક વાંચન આપતા રહેવું એ કલ્યાણનો આદર્શ મંત્ર રહ્યો છે . ઘણાબધા સુંદરમજાના મુખપત્રોની વચ્ચે કલ્યાણે પોતાની અલાયદી ઓળખ ઊભી રાખી છે . આનાથી વિશ્વાસ બેસે છે કે કલ્યાણ આગામી સમયમાં ખૂબ ઊંચી અને લાંબી સફર કરવાનું જ છે .
( કલ્યાણ – અમૃત પર્વ વિશેષાંક , 8 – 5 – 2019 )
