Home Gujaratiસંવેગ કથા .૫ : કામ કપરું હતું

સંવેગ કથા .૫ : કામ કપરું હતું

by Devardhi
0 comments

સારા વિચારને શીખવાનો હોય . સારા વિચારને ચકાસવો પડે છે સૌપ્રથમ , એ વિચારના વિરોધમાં જનારી દલીલો હારી જાય ત્યારસુધી ચકાસવો પડે છે એ વિચારને . એ વિચાર સમુચિત છે તે એકવાર પૂરવાર થઈ જાય તે પછી એ વિચારને ભાવના સાથે જોડવો પડે છે . જે વિચાર ગોખણપટ્ટીની જેમ દિમાગમાં જમા રહે છે તે ઝાઝો ઉપયોગી નથી બનતો . જે વિચાર ભાવનાની સાથે જોડાય છે તે જીવનને બદલે છે . લર્ન ધ થૉટ્સ . એડૉપ્ટ ધ થૉટ્સ . આ પ્રક્રિયા જીવનભર માટે અપનાવી રાખવાની છે .

સુરેશભાઈએ સ્વ – ઘડતર માટે આ નીતિનો અમલ કર્યો હતો . મારે જે જે શીખવાનું બાકી છે તે ઘણું ઘણું ઘણું છે . મારે જે જે જીવનમાં ઉતારવાનું બાકી છે તે પણ ઘણું ઘણું ઘણું છે . એક માર્ગદર્શક માથે હોવો જોઈએ , જે વિચાર શીખવે અને વિચારતાં શીખવે . કાર્પેટવાળા મહેન્દ્રભાઈ મહેતાને માર્ગદર્શક બનાવ્યા . મહેન્દ્રભાઈ જૈનશાસનના પ્રખર જાણકાર . સુંદર વાચનાઓ આપે . મિથ્યાત્વ , સમ્યક્ત્વ , મોક્ષ આદિ વિષયો પર ગહન વિશ્લેષણ કરી શકે . પૂનામાં એક વાચના ગ્રૂપ બની ગયું હતું મહેન્દ્રભાઈનું . એમાં હવે સુરેશભાઈ જોડાયા . સાંજે અથવા બપોરે વાચના રાખવામાં આવે . આઠ દશ શ્રોતાઓ હોય . મહેન્દ્રભાઈ – અરિહંત , સાચું સુખ , મોહનીય કર્મ , ભક્તિ , આજ્ઞા , અધ્યાત્મ જેવા ઉચ્ચ સ્તરીય વિષયોને ઊંડાણપૂર્વક અને લંબાણથી સમજાવે . સુરેશભાઈ સમક્ષ આ વાચનાઓએ અણમોલ ખજાનો ખોલી દીધો .
શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા લાંબો સમય રોકાયા નહીં . નવી દિશા ચીંધીને તેઓ વિહાર કરી ગયા . એ દિશાને પકડી રાખવાની જવાબદારી સુરેશભાઈની હતી , એ દિશામાં આગળ વધવાની જવાબદારી પણ સુરેશભાઈએ જ નિભાવવાની હતી . ગુરુએ જે દિશા આપી હતી તે જ દિશામાં તેઓ પા પા પગલી ભરતા રહ્યા .
એક તરફ – તેઓ મહેન્દ્રભાઈની વાચનાઓ સાંભળતા અને મહેન્દ્રભાઈ સાથે વ્યક્તિગત વાર્તાલાપ પણ કરતા .
બીજી તરફ – બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘરદેરાસર હતું , તેમાં ગુલાબી રંગના પાર્શ્વનાથ ભગવાન્ હતા , ત્યાં પૂજા કરવા જવા માંડ્યા . પૂજાનાં કપડાં , વાસક્ષેપ પૂજા , પ્રક્ષાળ , અંગલૂંછણાં , નવાંગી તિલક , પુષ્પો , ચામર – દર્પણ , ધૂપ-દીપ , અક્ષત – નૈવેદ્ય – ફળ , ચૈત્યવંદન , આરતી મંગલદીપ .. આ મંગલ ક્રિયાઓ સાથે જોડાતા ગયા . એમ સમજો કે મહેન્દ્રભાઈ પાસેથી આજ્ઞા અને આશયશુદ્ધિનો બોધ મેળવતા રહ્યા અને ભીખુભાઈ પાસેથી સૂત્રો અને ક્રિયાઓનું જ્ઞાન ઉપાર્જિત કરતા રહ્યા .

ભાયાણી પરિવારમાંથી અન્ય કોઈ વ્યક્તિ , જૈન ધર્મ સાથે જોડાવા તૈયાર નહોતી . અગિયાર સભ્યોનું કુટુંબ હતું એમાં દશ સભ્યોને જૈન ધર્મમાં કોઈ જ રસ નહોતો . એ સૌ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિપાટીને ચુસ્ત રીતે વફાદાર હતા . એકમાત્ર સુરેશભાઈ જૈનધર્મના રસ્તે આગળ વધી રહ્યા હતા . પિતા હરિદાસભાઈ , લઘુબંધુ અનિલભાઈ અને ધર્મપત્ની જયાબેન – જૈનધર્મ તરફ વળશે એવી કોઈ ઉમ્મીદ હતી નહીં. સુરેશભાઈ માટે કામ કપરું હતું : પરિવારની સાથે જ રહેવાનું હતું અને જૈનધર્મનો રસ્તો બિલકુલ છોડવાનો નહોતો . ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.