Home Gujaratiસંવેગ કથા : ૬ . કશ્મકશ

સંવેગ કથા : ૬ . કશ્મકશ

by Devardhi
0 comments

૪૮૮ , રવિવાર પેઠ , પૂના – ૨ .
સુરેશભાઈનાં ઘરનું આ સરનામું . આ ઘરમાં  સુરેશભાઈએ જૈન નિયમોનું પાલન ચાલુ કર્યું . તેમાંથી આવી કશ્મકશ સર્જાતી ગઈ .

૧ . ઘરમાં રાતે ખાવાનું ચલણ વરસોથી હતું . સુરેશભાઈ સાંજે ચોવિહાર કરવા લાગ્યા . રાતે ન ખાવું આ વાત સમજ બહારની હતી ભાયાણી પરિવાર માટે . રાત્રે ખાવામાં શું પ્રોબ્લેમ છે ? આની બહસ થતી .
૨ . ઘરમાં બનતા શાકમાં , અમુક સબ્જીઓ લેવાનું સુરેશભાઈએ બંધ કર્યું . ઘર માટે આ અજબની વાત હતી . આ શાક ચાલે અને પેલા શાક ન ચાલે આવો ભેદભાવ શું કામ ? ચણભણ થતી રહેતી .
૩ . સુરેશભાઈ ઉકાળેલું પાણી પીવાનું શરૂ  કર્યું . ઘરને આમાં કાંઈ સમજાય નહીં . ઉકાળેલાં પાણીની સામે રીતસરની દલીલો ખડકાતી .
૪ . સુરેશભાઈ જમ્યા બાદ થાળી ધોઈને પીવા લાગ્યા . થાળીનું ધોવાણ ગટરમાં જાય જ નહીં એની તકેદારી લેતા . આ પ્રવૃત્તિમાં ગંદવાડનો અહેસાસ થતો સૌને .
૫ . પાટલો મૂકીને , તેની પર  થાળી મૂકીને જમવાનું . એકાસણું અથવા બિયાસણું . આવા તે કાંઈ નિયમ હોય ? બગાવતનો ભાવ જાગતો ઘરમાં .
૬ . સુરેશભાઈનું જૈન મંદિરમાં જવાનું વધી ગયું . સવારે દેરાસરે જવાનું . પાછા આવે ત્યારે કપાળે ચંદનનું તિલક હોય . આની સામે ઘરના બાળકો હવેલીએ જઈને વૈષ્ણવ ધર્મની કંઠી બંધાવી આવ્યા . स्वधर्मे निधनं श्रेयः આ ગીતાવચન કામનું  લાગવા માંડ્યુું , અચાનક .

૭ . ઘરમાં પંચપ્રતિક્રમણ અને સ્નાત્ર પૂજાનાં પુસ્તક આવ્યાં . ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः આ મંત્રાક્ષરો વાંચીને , બાળકો – હા હી હૂ હૈ હૌ હઃ – આવો ઉચ્ચાર કરે અને મજાક ઉડાવે . અલબત્ – સુરેશભાઈની ગેરહાજરીમાં .
૮ . ઘરના કબાટ પર મોટી ટેલિફોન ડિરેક્ટરી રહેતી તેના પાછલા કવર ઉપર શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનો ફોટો મૂક્યો સુરેશભાઈએ . આનું રિએક્શન એ આવ્યું કે એ જ ટેલિફોન ડિરેક્ટરીના આગલા કવર ઉપર , નાની હવેલીના વૈષ્ણવ ધર્મગુરુનો ફોટો ફીટ થઈ ગયો . દીવાલના ટેકે એ ડિરેક્ટરી ઊભી રહે તેમાં ક્યારેક જૈનાચાર્ય ફ્રન્ટમાં દેખાય , ક્યારેક વૈષ્ણવાચાર્ય ફ્રન્ટમાં દેખાય .
૯ . જૈનો અને જૈન સાધુઓ કેવા મહાન હોય છે તેની રજૂઆત સુરેશભાઈ કરતા . જૈનો કેવા વિચિત્ર હોય અને જૈન સાધુ કેવા અસ્નાત , અશુચિ હોય એની ચર્ચા સુરેશભાઈની ગેરહાજરીમાં થતી .
૧૦ . પાણીમાં જીવ હોય , વાયુમાં જીવ હોય આ વાત સુરેશભાઈ કહેતા . એના વિરોધમાં બાળકો અંદર અંદર તે તે જીવત્વના પુરાવા શોધતા અને પુરાવાના અભાવે આ વાત ખોટી છે એવું માની લેતા . અલબત્ત , સુરેશભાઈને મોઢામોઢ કહી શકાતું નહીં .
૧૧ . વાણિયા અને મારવાડી આ બે શબ્દ સાથે , જે બિઝનેસ માઇન્ડેડ એટીટ્યૂડની અફવા જોડાયેલી છે તેનો સુરેશભાઈમાં છાંટોય નહોતો . હરિદાસભાઈ નારાજગીથી બોલતા : વાણિયા ભેગો રહીને આ પણ વાણિયો થઈ જશે .
૧૨ . દુકાને તોરણ બંધાય એમાં ગલગોટાના ફૂલ વપરાય . એ ફૂલની પીળી પાંદડીઓ બાળકોના માથા પર દેખાય એટલે હરિદાસભાઈ ભડકી ઊઠે . એમને લાગે કે આ બાળકો જૈન સાધુનો વાસક્ષેપ માથે લઈ આવ્યા છે . એ બાળકોના વાળ ઝાપટીને કન્ફર્મ કરે કે આ વાસક્ષેપ નથી . જૈન સાધુ આપણને અડે તો આપણે નાહી લેવાનું એમ હરિદાસભાઈ બાળકોને સમજાવે .

આવી ઝીણી ઝીણી કશ્મકશ રોજેરોજ ચાલતી રહે . સુરેશભાઈને ફેસ ટુ ફેસ કહેવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે કેમ કે દલીલબાજી અને કડકાઈમાં સુરેશભાઈને કોઈ ટક્કર ન આપી શકે . ધર્મ કરવો હજી સરળ છે પરંતુ પરિવારની નારાજગી વહોરીને ધર્મ કરવો એ ઘણું કઠિન છે . સુરેશભાઈ  કઠિન કામ કરી રહ્યા હતા . ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.