તમે બીજાને તેની ભૂલ બતાવો . સારી વાત છે . ગુજરાતી ભાષા મુજબ ભૂલ બતાવીએ તેનો અર્થ ભૂલ કાઢી એવો થાય છે . શબ્દ સરસ છે . ભૂલ ફક્ત બતાવવાની નથી . ભૂલને કાઢી મૂકવાની છે . ભૂલને સાચવી રાખવાની નથી . ભૂલને રવાના કરવી જોઈએ . ભૂલ કરનારો જો ભૂલને સમજી શકતો નથી તો તમે એની પાસે જઈને તેને એ ભૂલ બતાવશો . સવાલ એ છે કે તમે ભૂલ બતાવો છો તે વખતે શું કરો છો ? તમે એને ઉગ્ર ભાષામાં ઝાટકશો કે એને અપમાનિત કરી દેશો તો વાત બગડશે . તમે ભૂલ બતાવો તે પહેલાં મનમાં પ્લાનિંગ કરો . ભૂલ બતાવવા માટે કેટલાં વાક્ય વાપરશો તે નક્કી કરી લો . તમે વાતો કરતાં કરતાં જ ભૂલ બતાવવાના છો . ભૂલની વાત કેટલી મિનિટ સુધી ચલાવવી છે તેની રૂપરેખા ઘડી કાઢો . હમણાં એક નવો શબ્દ આવ્યો છે : વન મિનિટ મેનેજમેન્ટ .
આ થિયરીમાં ઘણી વાતો છે . તમારાં કામની વાત એક છે . તમારે કોઈને ઠપકો આપવાનો હોય તો એક મિનિટમાં એ વાત પૂરી કરી દેજો . તમારી ફરિયાદ એક જ મિનિટની હોવી જોઈએ . વધારે સમય માટે તમે ઠપકો આપો તો એ ઝગડો છે . આ મુદ્દો સરસ છે . તમે ભૂલ બતાવો ત્યારે લાંબી લાંબી પિંજણ કરવા બેસતા નહીં . ટૂંકી અને ટચ વાત કરજો . જે ભૂલ થઈ તે બતાવજો અને તેને લીધે થઈ શકે છે તે નુકસાનની યાદ આપજો , બસ . ભૂલ બતાવતી વખતે ખ્યાલ રાખજો કે તમારે ગુસ્સો કરવાનો નથી . તમારે તો ફક્ત ભૂલ જ બતાવવાની છે . ગુસ્સો કરવાથી કે કડવા શબ્દો વાપરવાથી તમે સાચા પૂરવાર થવાના નથી . તમારો મુદ્દો વ્યાજબી હોય તે જ એકમાત્ર મહત્ત્વની વાત છે . બની શકે તેટલી મીઠાશ વાપરજો . તમે ભૂલ કાઢવા બેઠા છો માટે કડવાશ તો લાગશે જ . પણ એ કડવાશ બને તેટલી ઓછી હોવી જોઈએ . તમે ભૂલ કાઢો છો ત્યારે એ માણસને આખેઆખો ખરાબ ચીતરો છો તેવું ના બનવું જોઈએ . તમારી રજૂઆત શાલીન હોવી જોઈએ . તમે સામા માણસને સારો માનો છો તે એને જણાવજો . એણે કરેલી આ એક ભૂલ જ ખોટી છે એમ તમે કહેજો . એ જે કરે છે તે બધું ખોટું છે તેમ કહેશો નહીં . તમારે એને ભૂલમાંથી બહાર લાવવો હશે તો એને રાજી રાખવો પડશે . એનાં વખાણ કરવાપૂર્વક ભૂલ બતાવજો .
ભૂલ બતાવ્યા પછી ફરી વખાણ કરજો . તમારા શબ્દો એનાં દિલમાં જખમ પાડે એવું થવા દેશો નહીં . તમારે સારી રીતે એને સમજાવવાનો છે . કેવળ ભૂલ કહીને છૂટા થઈ જવાનું નથી . તમારે એને એ ભૂલમાંથી બહાર આવી શકે તેવું માર્ગદર્શન આપવાનું છે . આદર્શ શિક્ષક વિદ્યાર્થીને તૈયાર કરે તે રીતે તમારે એને ભૂલમાંથી મુક્ત કરવાનો છે . તમે બોલવામાં વિવેકી ન રહ્યા તો સાચી વાત મારી જશે . એક ભૂલ બતાવતી વખતે જૂની દસ ભૂલો ઉખેડશો નહીં . જૂની ભૂલ સુધરવાની નથી . આ નવી ભૂલ બદલાઈ શકે છે . ફક્ત એ જ એક ભૂલનો ઉલ્લેખ કરજો .
એના પગમાં કાંટો છે . તમારે એને કાંટો કાઢી આપવાનો છે . તમે એને ઉતારી પાડશો તો કાંટો નહીં નીકળે . તમારે એની પાસે બેસવું પડશે . નરમાશથી કામ લેવું પડશે . કાંટાને ખેંચતી વખતે એને દુ:ખશે , તે સાચું . તમારે કાંટો કાઢવાનો છે , શરમ રાખવાની નથી . કાંટો નીકળી ગયો , કામ પતી ગયું . ભૂલ બતાવ્યા પછી એ ભૂલ ન થાય તેવી સમજાવટ કરી ના શકો તો તમને ભૂલ કાઢતા નથી આવડતી .
ભૂલ જણાવી દેવી એ વાચાળતા છે .
ભૂલ સમજાવી શકીએ એ જવાબદારી છે .
ભૂલમાં સુધારો લાવી શકીએ તે સફળતા છે .
તમે શું કરો છો ?
