Home Gujaratiચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .

ચોમાસુ પૂરું થાય ત્યારે સાધકે આત્માનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ : ત્રણ સિંહાવલોકન બહુ જરૂરી છે .

by Devardhi
0 comments

ચોમાસું શાસન પ્રભાવનાની ભૂમિકાએ કેવું થયું ? એની વાતો થતી જ રહેવાની છે . કંઈ તપસ્યા કેટલા લોકોએ કરી એની સંખ્યા . ચઢાવા કેટલા મોટા થયા એની અવિરત વાતો . કેટલાં અનુષ્ઠાનો થયાં અને કોણ કોણ ગાયક આવ્યા એના જાહેર સમાચાર . ફંડફાળાના રેકોર્ડ કેટલા બન્યા અને કેટલા રેકોર્ડ તૂટ્યા એનો ભરપૂર પ્રચાર . બીજાબધાને એક એક વાતની જાણકારી મળવી જોઈએ એવી તૈયારીપૂર્વક જ ચોમાસું શરૂ થયું હતું . બીજાબધાને બધી જાણકારી મળી જ ગઈ હશે એવી ધારણા સાથે ચોમાસુ પૂરું થાય છે . બીજા બધાને શું સાંભળીને આશ્ચર્ય થશે એની ગોઠવણપૂર્વક જ વાતો ફેલાવવામાં આવી છે .

આડંબર થયો હોય તો આડંબરનો પ્રચાર થાય , સાદગી રાખવામાં આવી હોય તો સાદગીનો પ્રચાર થાય . જેનો પ્રચાર થાય છે એ ચોમાસું . જે પ્રચાર કરવા માટે જ રચાય છે તે ચોમાસું . આજનું આ સમીકરણ છે . જે જે થયું એની અને જેણે જેણે કર્યું એની અનુમોદના તો થવી જ જોઈએ . જે કરશો એની અનુમોદના થશે એની ખબર છે એટલે અનુમોદના સારામાં સારી રીતે થાય એ રીતે જ બધું કરવાનું છે . બીજાને બતાડવા માટે ઉપયોગી થાય એવી પ્રવૃત્તિઓથી ભરપૂર રહે છે ચોમાસું . બીજાને દરેક પ્રવૃત્તિની જાણ કરવી જોઈએ એવો નિયમ ખોટ્ટી રીતે ઘડાઈ ગયો છે . દાન શીલ તપ અને ભાવની ભૂમિકાએ , જે સંઘમાં અને જે તીર્થમાં જે જે આરાધનાઓ થઈ એની અનુમોદના કરવી જ જોઈએ . જે દૂર બેઠા છે , જે બહાર બેઠા છે તેઓ સામે ચાલીને અનુમોદના કરે એ સારું લાગે છે . આપણે સમાચારો બનાવી બનાવીને બધાયને અનુમોદના કરવા માટે પ્રેરિત કરતા રહીએ , જાગૃત કરતા રહીએ એવી પ્રોસેસ મીડિયાને કારણે સેટલ થઈ છે એ અજીબોગરીબ છે . ફોટા પાડી લો , સમાચારનું ટાઈપ સેટિંગ કરી લો અને સર્ક્યુલેટ કરી દો ચોતરફ . ચોમાસું ગાજવા લાગે છે . 

ધર્મ કરવો જ જોઈએ . ધર્મ થયો . ધર્મની અનુમોદના થવી જ જોઈએ . અનુમોદના થઈ . પરંતુ જેણે ધર્મ કર્યો એને એવો વિચાર આવે કે મેં કરેલા ધર્મની કે મેં કરાવેલા ધર્મની અનુમોદના સૌનાં મોઢેથી થવી જોઈએ . આ વિચારમાં સ્વપ્રચારની વૃત્તિ છે . ધર્મ સ્વપ્રચારની વૃત્તિથી થાય ત્યારે ધર્મમાંથી ધર્મતત્ત્વ ઓસરી જતું હોય છે . ધર્મ આડંબરપૂર્વક જ કરવાનો છે . પરંતુ પ્રચાર તો ધર્મનો જ કરવાનો હોય . ધર્મ કરતાં વધારે પ્રચાર આડંબરનો થાય એવી પદ્ધતિ રાખવી નહીં જોઈએ . 

ધર્મ થયો , પરંતુ ધર્મ સાથે સ્વપ્રચારની વૃત્તિ જોડાઈ નહીં એવું ચોમાસું ભગવાન્ કરતા હતા . દીક્ષા પછી‌નું પહેલું ચોમાસું ભગવાને વર્ધમાનપુરમાં ( અસ્થિક ગ્રામમાં ) કર્યું હતું . ચોમાસું પૂરું થયું ત્યારે ભગવાને વિહાર કર્યો . ચોમાસાના છેલ્લા દિવસે સાધક પોતાના આત્માનો ઈન્ટરવ્યૂ લેતો હોય છે . એ ત્રણ જ પ્રશ્ન પૂછે છે પોતાના આત્માને .

પ્રશ્ન એક : આ ચોમાસામાં કેટલા દિવસ ઉપવાસમાં વીત્યા અને કેટલા દિવસ ખાવાપીવામાં વીત્યા ? આ ચોમાસામાં કેટલા દિવસ વિગઈનો ઉપયોગ થયો અને કેટલા દિવસ વિગઈનો ત્યાગ થયો ? 
પ્રશ્ન બે : સાધકની આ માનસિકતા હોય છે કે જેણે સેવા કરી એ એની ધન્યતા છે , જે સહન કરવા મળ્યું એ મારી ધન્યતા છે . આ ચોમાસામાં સેવા કોની અને કેટલી લીધી ? અને આ ચોમાસામાં સહન કરવાનો આનંદ મેં કેટલો લીધો ? 
પ્રશ્ન ત્રણ : આ ચોમાસામાં મેં મારામાં નવો ઉમેરો શું કર્યો ? મારી નવી આરાધના શું શરૂ થઈ ? મારું નવું ગુણ ઉપાર્જન કે જ્ઞાન ઉપાર્જન શું થયું ? 

સાધક તરીકે ભગવાન્ પાસે ત્રણેત્રણ પ્રશ્નના જવાબ બહુ સ્પષ્ટ હતા . ૩૧ વર્ષની ઉંમરે મહાવીર સ્વામી ભગવાને દીક્ષાજીવનનું પહેલું ચોમાસું દુઈજ્જંતગ તાપસના આશ્રમમાં શરૂ કર્યું હતું , ૧૫ દિવસ પછી ભગવાન્ ચાલુ ચોમાસે વિહાર કરી ગયા અને વર્ધમાનપુર ગામમાં શૂલપાણિ યક્ષનાં ચૈત્યમાં બિરાજમાન થયા . આશરે સાડા ત્રણ મહિના ભગવાન્ આ ચૈત્યમાં જ રહ્યા . ચોમાસુ પૂરું થયું એટલે ભગવાને વિહાર કર્યો . વિહારના સમયે ભગવાન એક એક પ્રશ્નનો જવાબ આપે એ શું હોય ? વિચારીએ . 

પહેલા પ્રશ્નનો જવાબ : ચોમાસું પૂરું થયું . ચોમાસાના ૧૨૦ દિવસમાં ભગવાને ૧૫ ઉપવાસનાં પારણે ૧૫ ઉપવાસ કર્યા હતા . એટલે કે ચોમાસાના ૧૨૦ દિવસમાંથી ભગવાને ફક્ત સાત દિવસ આહારગ્રહણ કર્યું હતું અને બાકીના ૧૧૩ દિવસ ભગવાને ઉપવાસ કર્યા હતા . આપણે લોકો ૧૨૦ દિવસમાંથી સાત દિવસ ઉપવાસ કર્યા હોય અને ૧૧૩ દિવસ વાપર્યું હોય એવું પણ નથી કરી શક્યા . ભગવાને ચાર મહિનામાં ફક્ત સાત વખત વાપર્યું . આપણે એક દિવસમાં સાત વાર ખાઈએ એવું રોજેરોજ બન્યું છે . આપણે કોઈ વિગઈ છોડી નથી . ભગવાને પારણામાં જે મળ્યું તે એક દ્રવ્ય લીધું છે . દ્રવ્ય જ એક લેવાનું હોય તો વિગઈના પ્રશ્ન ક્યાંથી ઊભા થાય ? આપણે રોજે રોજ એક દિવસમાં કેટલાં દ્રવ્ય ખાધાં એની તો ગણતરી જ રાખી નથી . ભગવાનનાં પહેલાં ચોમાસાનું રિપોર્ટ કાર્ડ ખતરનાક છે . ૧૨૦ દિવસ હતા એમાંથી ૧૧૩ દિવસ ઉપવાસ કર્યા . દરેક ઉપવાસ ચોવિહારા હતા . સાત દિવસ વાપર્યું . જે વાપર્યું તે એકવારમાં વાપર્યું . પ્રાયઃ જે વાપર્યુ તે એક જ દ્રવ્ય વાપર્યુ . ચાર મહિનાના ચોમાસામાં સાત એકાસણાં થયાં . દરેક એકાસણું એક દ્રવ્યનું થયું . આવું ચોમાસું આજે કોણ કરી શકે ?  જે ઉલ્લાસ ઉમંગથી વર્તમાનકાલીન ચોમાસાઓની શાસન પ્રભાવનાઓના સમાચાર ફેલાવાય છે એ જ ઉલ્લાસઉમંગથી ભગવાનના પહેલા ચોમાસામાં ભગવાને શું તપ કર્યું હતું એના સમાચાર પણ ફેલાવવા જોઈએ . 

બીજા પ્રશ્નનો જવાબ  : બીજા ચોમાસામાં ભગવાને શું સહન કર્યું એ જોઈએ . ભગવાને ચાર મહિનાના ચોમાસામાં રહેવાની જગ્યા તરીકે ઝૂંપડીનો સ્વીકાર કર્યો હતો , એક . એ ઝૂંપડી ગાયને કારણે તૂટી ગઈ હતી , બે . ઝૂંપડી તૂટી એના દોષનો ટોપલો ભગવાનનાં માથે ઢોળવામાં આવ્યો હતો , ત્રણ . ભાવિ તીર્થંકરને એક તુચ્છ માણસે સૌમ્ય ભાષામાં ઠપકો આપ્યો હતો , ચાર . ચાલુ ચોમાસામાં ભગવાન્ વિહાર કરીને નીકળી ગયા હતા , પાંચ . ભગવાન્ નવી જગ્યાએ જ્યાં રહેવા ગયા ત્યાં પહેલી જ રાત્રે પ્રાણઘાતક ઉપસર્ગો થયા હતા , છ . હું કેટલું સહન કરું છું , મેં કેટલું સહન કર્યું છે , અમારે કેટલું સહન કરવું પડે છે એવો કોઈ જ પ્રચાર ભગવાન્ તરફથી થયો નહોતો . ભગવાને ચૂપચાપ સહન કરી લીધું હતું . ભગવાનનાં કારણે કોઈને કાંઈ સહન કરવું પડ્યું હોય એવું બન્યું નહીં . ભગવાનનાં પ્રથમ ચાતુર્માસનું આ બીજું રિપોર્ટ કાર્ડ છે . અમારે ત્યાં ચોમાસામાં આમ થયું અને એમ થયું એનું વર્ણન કરતા સમાચારો આજે જે રીતે ફેલાય છે એ રીતે ભગવાનનાં ચોમાસામાં ભગવાન્ સાથે શું થયું ? એની વિગતો પણ શ્રદ્ધાપૂર્વક ફેલાવવી જોઈએ . ભગવાનને ચોમાસાની વિનંતી કરનાર તાપસ , ભગવાનને સાડા ત્રણ મહિના પોતાનાં ચૈત્યમાં નિહાળનાર યક્ષ અને ભગવાનને સાડા ત્રણ મહિના દરમિયાન દરેક ૧૫ ઉપવાસનું પારણું કરાવનાર ગ્રામીણ પ્રજા . એમને પણ સમાચારમાં સ્થાન મળવું જોઈએ . આપણાં લાભાર્થીઓનાં નામો હંમેશાં યાદ આવે છે . ક્યારેક એમના નામ યાદ આવવા જોઈએ જે સીધા ભગવાનની સાથે જોડાયા હતા .

ત્રીજા પ્રશ્નના જવાબમાં પણ ખૂબ સરસ વિગતો મળે છે : ભગવાને દીક્ષા લીધી ત્યારે ભગવાનનો વૈરાગ્ય પ્રબળ જ હતો . પરંતુ કુલપતિની ઘટના બની તે વખતે ભગવાનનો વૈરાગ્ય , જે પ્રબળ હતો તે વધારે પ્રબળ બન્યો હતો એવું ત્રિષષ્ટિશલાકા પુરુષચરિતમાં વાંચવા મળે છે . આનો અર્થ એ થયો કે ચોમાસામાં ભગવાને પોતાની ભાવનાઓને એક નવી ઊંચાઈ પર પહોંચાડી હતી . ચોમાસું શરૂ થયું ત્યારે જે ઊંચાઈ હતી એ અલૌકિક જ હતી પરંતુ ચોમાસામાં સમય વીત્યો એ દરમિયાન ભાવનાઓએ આગળની નવી જ ઊંચાઈ સાધી હતી . નવો અભ્યંતર વિકાસ ચોમાસા દરમિયાન ભગવાને મેળવ્યો હતો . પહેલાં ચોમાસાની  પૂર્વે ભગવાન્ પાસે પાંચ અભિગ્રહ હતા નહીં . પહેલું ચોમાસુ પૂરું થયું એ વખતે ભગવાન્ પાસે પાંચ પરિગ્રહ હતા . અર્થાત્ ચોમાસામાં ભગવાને પોતાની ભૂમિકાએ નવા નિયમોનું પાલન શરૂ કર્યું હતું . ચોમાસું શરૂ થયું એ વખતે ભગવાન્ જેવા હતા એ પણ અદ્ ભુત જ હતા . પરંતુ ચોમાસુ પૂરું થયું ત્યારે ભગવાન્ જેવા હતા એવા ને એવા જ ન રહ્યા . બલ્કે એક નવી સાધકતા સાથે જોડાયેલા જોવા મળ્યા . ચોમાસા પહેલાના ભગવાન્ કરતાં ચોમાસા પછીના ભગવાન્  વધારે સમૃદ્ધ બન્યા એવું જો ભગવાનનાં જીવનમાં બનતું હોય તો આ કોઈ નાના સમાચાર નથી . આજકાલના ચોમાસામાં કયા રેકોર્ડ બન્યા અને કયા રેકોર્ડ તૂટ્યા એના સમાચાર જે રસપૂર્વક ફેલાવવામાં આવે છે એવા જ રસપૂર્વક ભગવાને ચોમાસામાં જે પાંચ નિયમો લીધા હતા એના સમાચારો ફેલાવવા જોઈએ . પહેલું ચોમાસું ભગવાને પૂરું કર્યું પરંતુ પહેલાં ચોમાસામાં લીધેલા નિયમો ચોમાસા પછી પણ ચાલુ જ રહ્યા હતા . આપણાં આજકાલનાં ચોમાસા પર્યુષણ પછી ઠંડા પડી જાય છે અને કારતક સુદ પૂનમ સુધીમાં તો ચોમાસાની શું દશા થાય છે એ ન લખવાની જરૂર છે , ન બોલવાની જરૂર છે . પ્રવર્ધમાન વૈરાગ્ય , પ્રવર્ધમાન નિયમ પાલન અને પ્રવર્ધમાન કર્મનિર્જરા સાથે ભગવાન્ ચોમાસાના છેલ્લા દિવસ પાસે પહોંચ્યા હતા અને બીજા દિવસે વિહાર કરી લીધો હતો . આપણાં ચોમાસામાં છેલ્લા દિવસ સુધી ભાવધારા ઉપરની તરફ જ જતી હતી એવું કહી શકાય છે કે કેમ એની તપાસ થવી જોઈએ .

ભગવાન્ ચોમાસું કરવા પધાર્યા ત્યારે શૂલપાણિ યક્ષ ક્રૂર હતો . ભગવાને ચોમાસું પૂરું કરીને વિહાર કર્યો ત્યારે શૂલપાણિ યક્ષની ક્રૂરતા ખતમ થઈ ગઈ હતી . ભગવાન્ ચોમાસું કરવા પધાર્યા ત્યારે આખું ગામ તકલીફમાં હતું . ભગવાન્ ચોમાસું કરીને નીકળ્યા ત્યારે આખું ગામ તકલીફથી મુક્ત હતું . સાધક જ્યાં રોકાય છે ત્યાં માનસન્માન માંગતો નથી પણ માનસન્માન મેળવે છે જરૂર . માનસન્માન મળે એ ખુશીની વાત છે . માન સન્માન મેળવવાની કોશિશ કરવામાં આવે એ વિચિત્ર વાત છે  .

ત્રણ સિંહાવલોકન ચોમાસાના છેલ્લા દિવસે કરજો . એક : મેં ચોમાસામાં તપ કેટલું કર્યું , ખાવાપીવાના શોખને કેટલો ઓછો કર્યો ? બે : મેં ચોમાસામાં બીજાઓની સેવા કેટલી લીધી અને પોતાની મરજીથી સહન કેટલું કર્યું ? જેણે મારી સેવા કરી એને મેં ધન્યવાદ આપ્યા કે નહીં અને મેં જે સહન કર્યું એની ફરિયાદ કરવાનું ટાળ્યું કે નહીં ? ત્રણ : ચોમાસા પહેલાં હું જેટલો ધર્મ કરતો હતો એ ધર્મ ચોમાસા દરમિયાન વધ્યો ? અને વધેલો ધર્મ ચોમાસા પછી એ રીતે જ ટકી રહ્યો ખરો ? ચોમાસું સરસ ગયું છે એમ બોલતાં પહેલાં આ ત્રણ પ્રશ્નના જવાબ શક્તિશાળી જ છે એની ખાતરી કરી લેજો .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.