Home Gujaratiફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી

ફૂલ સ્વપ્રશંસા કરતું નથી : ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી

by Devardhi
0 comments

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી 
ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
એક ખૂણે આ આયખું નાનું
કેવું વીતી જાય મજાનું 
કોઈનું નહીં ફરિયાદીને કોઈનું નહીં કાજી 
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
એનું નિજના રંગમાં રાતું 
ખુશ્બૂભર્યું એકલું ખાતું
મસળી નાંખે કોઈ તો સામે
મહેક દે તાજી તાજી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી

તમને જે માણસ દેખાય એની માટે તમે વિચારો છો કે આ કોણ છે ? એ પછી તમે વિચારો છો કે આ શું કરે છે ? શું કરે છે , આ પ્રશ્નનો જવાબ તમારા સ્વભાવ અનુસાર આવે છે . તમારો સ્વભાવ નેગેટિવ હોય તો તમને એ માણસમાં કંઈક નેગેટિવ દેખાય . તમારો સ્વભાવ પોઝિટિવ હોય તો તમને એ માણસમાં કંઈક પોઝિટિવ દેખાય . મકરંદ દવે ફૂલને જુએ છે અને જે અનુભવે છે તે કોઈ કવિ જ અનુભવી શકે . એમના શબ્દો છે : ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી . 

ફૂલ ખુશ છે , દેખાય છે . ફૂલ શું કામ ખુશ છે એનું કારણ દેખાય છે . ફૂલની સુગંધ ચારે તરફ રેલાઈ રહી છે . સુગંધનું હોવું એ ખુશીનું કારણ છે . સુગંધ કોઈની સાથે જોડાય એ પણ ખુશીનું કારણ છે . જેની પાસે સુગંધ હશે એ સુગંધ રેલાવી શકશે . એની પાસે સુગંધ હશે નહીં એ સુગંધ રેલાવી શકશે નહીં . જેની પાસે સુગંધ છે એની પાસે દુર્ગંધ નથી , એ વાત પાક્કી છે . જેની પાસે દુર્ગંધ નથી , એ દુર્ગંધ ફેલાવતો નથી , એ વાત પણ પાક્કી છે . તમારી પાસે સુગંધ છે એનો અર્થ એ છે કે તમે દુર્ગંધથી મુક્ત છો . તમે દુર્ગંધથી મુક્ત છો એની ખુશી તો થાય જ ને . જે રોગથી મુક્ત હોય એને રોગ ન હોવાની ખુશી હોય  . જે દુર્ગંધથી મુક્ત હોય એને દુર્ગંધ ન હોવાની ખુશી હોય . દુર્ગંધ ન હોવાની ખુશી શું કરે છે ?  દુર્ગંધને દૂર રાખવાની સભાનતા આપે છે . સુગંધથી ખુશ હોવું એનો અર્થ એ છે કે સુગંધ સતત સાથે રહેશે એવી સભાનતા રાખવી . બે સભાનતા આનંદ આપે છે :  સુગંધ સાથે રહેશે એની સભાનતા અને દુર્ગંધ દૂર રહેશે એની સભાનતા . 

ફૂલ પાસે પોતાનું નાક નથી એટલે  ફૂલ પોતે સુગંધનો આનંદ લઈ શકતું નથી . પરંતુ ફૂલ સૌ કોઈને સુગંધનો આનંદ આપે છે . ફૂલ સુગંધ આપે છે એની પાછળ ફૂલનો પોતાનો કોઈ સ્વાર્થ નથી . ફૂલ પાસે પોતાની આંખ પણ નથી . પોતાના સુંદર રંગ ફૂલ જોઈ શકતું નથી . ફૂલ પાસે સુંદરતા જોવા માટે આંખ નથી . પણ એ પોતાને એટલું બધું સુંદર બનાવી રાખે દે કે દુનિયાની બધી આંખો એની સુંદરતાને જોયા કરે છે . સારો માણસ સારો છે એની પાછળ કોઈ સ્વાર્થ ભાવ હોતો નથી . સારો માણસ સારો છે કારણ કે એ સારો રહેવા માટે સર્જાયો છે . ફૂલ સુગંધી છે કારણ કે ફૂલ સુગંધિત રહેવા માટે સર્જાયું છે . ફૂલ સુંદર છે કારણ કે ફૂલ સુંદર રહેવા માટે સર્જાયું છે .  ફૂલમાં આટલી બધી સુગંધ શું કામ આવી , આટલી બધી સુંદરતા શું કામ આવી એવો વિચાર કરવાની જરૂર નથી . ફૂલમાં સુગંધ છે એ વધારે અગત્યનું છે , ફૂલમાં સુગંધ શું કામ છે એ અગત્યનું નથી . ફૂલમાં સુંદરતા છે એ વધારે અગત્યનું છે . ફૂલમાં સુંદરતા શું કામ છે એ વધારે અગત્યનું નથી . સારા માણસનાં મનમાં કોઈ પણ સ્વાર્થનો ભાવ હોતો નથી . સારો માણસ કોઈ પણ કારણ વગર સારો હોય છે . સારો માણસ એકદમ સ્વાભાવિક રીતે સારો હોય છે . તમે નકલી રીતે સારા માણસ હોવાનો દેખાવ કરો એ ના ચાલે . તમે કોઈપણ દેખાવની વૃત્તિ રાખ્યા વગર સહજ રીતે સારા હો એ અગત્યનું છે . તમે કોઈ સારું કામ કરો ત્યારે એ સારાં કામના બદલામાં કોઈ આકાંક્ષા રાખો , કોઈ ગણતરી રાખો એવું હોવું ના જોઈએ . તમને સારું કામ ગમે છે એટલે તમે તારું કામ કર્યું , બસ એટલું જ દૃશ્ય હોવું જોઈએ . સારાં કામના બદલામાં તમારે આ જોઈતું હતું અને એ જોઈતું હતું . સારું કામ કરવાને લીધે તમને આ મળ્યું અને એ મળ્યું એવો સ્વાર્થભાવ સારાં કામ સાથે જોડવાનો હોય નહીં . 

ફૂલમાંથી વહેતી સુગંધ , પવનની પાંખ પર બેસીને દૂર દૂર સુધી જતી હોય છે . ફૂલનો યશ ચારે તરફ ફેલાતો હોય છે . પરંતુ  ફૂલને પોતાનો યશ ફેલાય એવો વિચાર પણ આવતો નથી . ફૂલ યશની કામના રાખતું નથી . કોઈ આદમી ગુણવાન્ બને છે અથવા સારાં કામ કરે છે ત્યારે એ આદમીએ પોતાનાં મનમાં યશની કામના રાખવી જોઈએ નહીં . યશની કામના એ લાલચ છે . લાલચ મનમાં રાખીને જે પણ કરીએ એ દૂષિત કહેવાય . લાલચ મનમાં રાખ્યા વિના જે કંઈ પણ કરીએ એ સહજ કહેવાય . ફૂલ કોઈપણ લાલચ વગર સુગંધ ફેલાવે છે . ફૂલ સહજ સુગંધી છે . કવિના શબ્દો જુઓ : વાયરો ક્યાં જઈ ગંધ વખાણે , ફૂલ તો એનું કાંઈ ન જાણે . વાયરો સુગંધને ક્યાં ક્યાં લઈ જાય છે એની ફૂલને કોઈ પરવા નથી . 

ફૂલની પાસે ભમરો આવે છે . ફૂલ ઉપર બેસે છે . ફૂલની આસપાસ ગુંજારવ કરે છે . કવિ કલ્પના કરે છે : ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી . ફૂલ બોલતું નથી . ફૂલ ચૂપ રહે છે . ભમરો પ્રશ્ન પૂછે છે : તારી પાસે સુગંધ ક્યાંથી આવી ? ફૂલ મલકાય છે . ભમરો પૂછે છે : તું આટલું સુંદર કેવી રીતે છે . ફૂલ ચૂપ રહે છે . ભમરો અવાજ કરે છે . ફૂલ અવાજ કરતું નથી . ફૂલ એટલે સજ્જન માણસ . સજ્જન માણસની નિશાની છે : એ ક્યારે પણ આત્મપ્રશંસા કરતો નથી . આપણાં વખાણ બીજા લોકો કરે એવી ઈચ્છા પણ ન રખાય . પરંતુ , બીજા લોકો આપણાં વખાણ કરતાં હોય એમાં કશું અજુગતું નથી . આપણે પોતે જ આપણાં મોઢે ખુદનાં વખાણ કરીએ એ બહુ ખરાબ લાગે છે . ફૂલને સેલ્ફ માર્કેટિંગ કે સેલ્ફ પ્રમોશનની કોઈ જરૂર નથી લાગતી . ફૂલ સેલ્સમેઈડ હોય છે અને સેલ્ફ હેપ્પી હોય છે . ફૂલ પોતાનાં વખાણ કરતું નથી એને કારણે એ વધારે સુંદર લાગે છે . સજ્જન માણસ પોતાનો ડંકો વાગે એને માટે કોઈ જ પ્રયત્ન કરતો નથી . એને લીધે એની સજ્જનતા વધારે શક્તિશાળી બની જતી હોય છે . આપણે સ્વપ્રશંસા કરીએ અથવા આપણા ચમચાઓના હાથે આપણી પ્રશંસાઓ ફેલાવીએ , બંને એક સરખી વાત છે . ફૂલ સ્વપ્રશંસા કરતું નથી . ફૂલ પોતાની પ્રશંસા ફેલાવવા માટે ચમચાઓ પાળતું નથી . ફૂલ પોતાની પ્રશંસા કરતાં શરમાય છે , ફૂલ પોતાની પ્રશંસા સાંભળવામાં શરમાય છે , આથી જ ફૂલ હંમેશાં નાજુક હોય છે . 

ફૂલ પોતાનો ઠાઠમાઠ રચતું નથી . ફૂલ પોતાનો વિસ્તાર વધારવાની કોશિશ કરતું નથી . દરેક ફૂલ નાનકડા છોડ પર આવે છે અને ફૂલનો દરેક છોડ નાનકડી જગ્યામાં ગોઠવાઈ જાય છે . એક ફૂલને રહેવા માટે , ન બંગલો જોઈએ છે , ન મહેલ જોઈએ છે . ફૂલને જોઈએ છે , થોડી માટી અને થોડું પાણી . બગીચામાં ઘણાં ફૂલો હોય છે એને કારણે બગીચો સુંદર લાગે છે એ હકીકત છે . પરંતુ ફૂલનું એક જ કુંડું રાખ્યું હોય અને કુંડામાં ફૂલનો એક જ છોડ હોય અને છોડ પર એક જ ફૂલ ઊગ્યું હોય તો પણ એ એકલું ફૂલ જ્યાં હોય ત્યાંની શોભા વધારે છે . ફૂલ પોતાની શોભા વધારવા કોઈ એક્સ્ટ્રા ઈફોર્ટ કરતું નથી . ફૂલ જ્યાં , જેટલી જગ્યા મળી એટલી જગ્યામાં સુંદરતા બનાવી લે છે અને સુગંધ ફેલાવી દે છે . કવિ કહે છે : એક ખૂણે આ આયખું નાનું‌ , કેવું વીતી જાય મજાનું ? સજ્જન હંમેશા આત્મસંતુષ્ટ હોય છે . સજ્જન સ્પર્ધા રચતો નથી , સજ્જન ઈર્ષા પાળતો નથી , સજ્જન નારાજગી કે નિરાશામાં ફસાતો નથી . સજ્જન પોતાની નાનકડી દુનિયામાં રાજી હોય છે . સજ્જન અભરખા પાળતો નથી . સજ્જન પોતાને જે ખૂણો મળ્યો એ ખૂણાને સજાવી લે છે . સજ્જન બીજાને ખૂણામાં ધકેલવાનો પ્રયત્ન કરતો નથી . સજ્જન પોતે જ્યાં હોય ત્યાં પ્રસન્ન હોય છે . 

કાંટા બીજાને વાગે છે , ફૂલ બીજાને વાગતાં નથી . થોર બીજાને નડે છે , ફૂલ બીજાને નડતાં નથી . જંગલના વૃક્ષો શિકારી પશુઓને રક્ષણ આપે છે . કોઈ પણ ફૂલ હિંસક પશુઓને રક્ષણ આપતાં નથી . ફૂલના સ્વભાવમાં નેગેટિવિટીનું નામોનિશાન નથી . ફૂલો પૂર્ણતઃ પોઝિટિવ છે . નેગેટિવ માણસોનાં બે કામ છે : એ કોઈની માટે ખરાબ બોલશે , એ કોઈની માટે પૂર્વગ્રહો પાળશે . ફૂલ ફક્ત સુગંધની વાત કરે છે . ફૂલ કેવલ સૌંદર્યનો સંવાદ રચે છે . કવિની આ પંક્તિ કમાલની છે : કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી . સજ્જન માણસ બીજાની માટે આડુંઅવળું બોલતો નથી .  સજ્જન માણસ બીજાની માટે ખોટી ધારણાઓ બનાવતો નથી . સજ્જન માણસ પોતાની સજ્જનતા અખંડ રહે એનું જ ધ્યાન રાખે છે . સજ્જન માણસ અન્યને દુર્જન પુરવાર કરવાની કોશિશ કદીપણ કરતો નથી . આપણાં મોઢે પ્રશંસાના શબ્દો શોભે , આપણાં મોઢે નિંદાના શબ્દો ના શોભે . ફૂલની નીતિ બહુ સ્પષ્ટ છે . 

ફૂલની ઊંચાઈનું શિખર આવે છે : એનું નિજના રંગમાં રાતું , ખુશ્બૂભર્યું એકલું ખાતું . ફૂલ સુગંધ બનાવે છે , એ  ફૂલનો સ્વપુરુષાર્થ છે . ફૂલ સુંદરતા બનાવે છે , એ ફૂલનો સ્વપુરુષાર્થ છે . ગુલાબ પોતાની સુગંધ પોતે બનાવે છે ‌. ગુલાબ મોગરા પાસેથી કાંઈ લેતું નથી . મોગરો પોતાની સુગંધ પોતે બનાવે છે . મોગરો ગુલાબ પાસેથી કાંઈ લેતો નથી . કમળ પોતાની સુંદરતા પોતે બનાવે છે . કમળ સૂરજમુખી પાસેથી કાંઈ લેતું નથી . ફૂલની સુગંધ એ ફૂલની આપકમાઈ છે . ફૂલની સુંદરતા એ ફૂલનું સ્વ ઉપાર્જન છે . ફૂલ કોઈની પાસેથી કંઈ ચોરતું નથી . ફૂલ કોઈનાં ઘરમાંથી કાંઈ ઉઠાવતું નથી . સજ્જન કોઈની સ્પર્ધામાં આવીને સજ્જન બનવાની કોશિશ કરે છે , એવું હોતું નથી . સજ્જન પોતાની મસ્તીમાં રહીને જ પોતાની સજ્જનતાને સાચવે , સજાવે છે . સજ્જનતાની મસ્તી એ જ સજ્જનતાની તાકાત છે . 

ફૂલનો સ્વભાવ ચરમ ઉત્કર્ષ બતાવે છે ત્યારે શું થાય છે જુઓ : મસળી નાંખે કોઈ તો સામે , મહેક દે તાજી તાજી . ફૂલ કોઈની ઉપર આક્રમણ કરતું નથી . ફૂલ તો બસ , જેની પાસે જાય એને સજાવી દે છે . પરંતુ ફૂલ પાસે અમુક લોકો આવે છે તેઓ ફૂલને મસળી નાંખે છે , ફૂલને ચગદી નાંખે છે . કોઈ ફૂલની પાંખડીઓ છૂટી પાડી દેશે , કોઈ ફૂલના ચીંથરા ઉડાવી દેશે . જવાબમાં , ફૂલ ના કોઈને દઝાડે છે , ના કોઈને જખમી કરે છે . જે પોતાના હાથે ફૂલને નુકસાન કરે છે એના એ હાથને પણ ફૂલ સુગંધથી ભરી દે છે . સજ્જન સાથે દુર્જનતા થાય એવું બને છે . સજ્જન ક્યારે પણ દુર્જન સાથે દુર્જનતાવાળો વ્યવહાર કરતો નથી . તમને ખરાબ માણસ મળશે પરંતુ ખરાબ માણસ સાથે તમે ખરાબ માણસ બનીને વર્તશો એવું બનવાનું નથી . દુર્જનનો વ્યવહાર ખરાબ હશે , સજ્જનનો વ્યવહાર ખરાબ નહીં થાય . દુર્જન આડુંઅવળું ગમ્મે તેવું બોલશે , સજ્જન બોલવાની બાબતમાં પૂરેપૂરો અંકુશ જાળવશે . દુર્જનની વર્તણૂક અનુચિત હશે . પરંતુ , સજ્જન ઔચિત્ય નહીં ચૂકે . 

ફૂલ માટે જે લખાયું છે તે હકીકતમાં અન્યોક્તિ અલંકાર છે . વાક્ય ફૂલ માટે લખાયાં છે . વાત , સજ્જનની થઈ છે . ફૂલનું કામ છે , સુગંધ આપવાનું . ફૂલ સુગંધ આપતું રહેશે . સજ્જનનું કામ છે , ઉમદા વર્તન રાખવાનું અને સારાં સારાં કામ કરવાનું . સજ્જન ઉમદા વર્તન બનાવી રાખશે અને સારાં સારાં કામ કરતા જ રહેશે . 

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.