લેખક : મૃગેશ
મારાં ઘરેથી મેઈન રોડ પર આવતાં જ એક ખૂણે ફૂલની લારી છે, એક વૃદ્ધ દંપતી ફૂલો વેંચે છે. અવારનવાર દહેરાસર માટે હું ફૂલ એમની પાસેથી ખરીદતો હોઉં છું. હમણાં છેલ્લાં દોઢેક મહિનાથી નિયમિત ગૃહમંદિર માટે ફૂલોનો હાર એમની પાસેથી લઉં છું .
અહીં હું ફૂલોનો હાર ‘ખરીદું છું’ એટલે નથી લખતો કેમકે પહેલીવાર ફૂલોનો હાર રોજે બનાવવી આપવા માટે નક્કી કર્યું ત્યારે મને એમણે સ્પષ્ટ જ કહ્યુંતું કે તમે જેટલાં રૂપિયા આપશો તે ચાલશે. કેટલાંય સમયથી આવો છો એટલે અમે એક વસ્તુ જોઈ છે કે તમે પાક્કા વાણિયા છો, એકેએક ફૂલ જોઈ જોઈને લ્યો છો, કોઈ ફૂલની પાંખડી ના હોય એ ફૂલ લેતાં જ નથી.
અમે વર્ષોથી ફૂલો વેંચીએ છીએ. કોઈ હવે આમ સમય કાઢીને ફૂલો લેવાં રોકાતું નથી. ઘણાં તો ગાડીમાં બેઠાં હોય તો ગાડી ચાલું રાખીને બેઠાં બેઠાં જ ઓર્ડર કરે કે ફૂલો આપો. નીચે ઉતરવાની તસ્દી લેતાં નથી. તમે વારંવાર કહેતાં હોય છે કે ભગવાન માટે ફૂલો લઉં છું એટલે એ ઉત્તમ જ હોવાં જોઈએ એટલે એમાં કંઈ ભાવ તો હશે ને ! એટલે તમારાં ભગવાન્ એ અમારા ભગવાન્ .
હમણાં ઓફિસનાં કામનાં લીધે આ દોઢેક મહિનાનો નિત્યક્રમ તૂટ્યો ને ગઈકાલે વીક એન્ડમાં ફૂલોનો હાર લેવા હું ગયો ત્યારે મનેં પૂછ્યું : કેમ હમણાં વચ્ચે નહોતાં આવ્યાં ?
મેં કારણ જણાવ્યું તો તે કહે કે – ભાઈ , એવું હોય તો અમે ઘરે આપી જઈએ . સવારમાં બીજાને પણ આપીએ છીએ . પણ ભગવાનને ફૂલો તો ચઢાવો જ. આ બોલતાં હતાં ત્યારે એમનાં મોંઢા પરની ઉદાસી સ્પષ્ટ દેખાતી હતી. એમાં કોઈ લાલચના ભાવો નહોતાં, બનાવટ નહોતી.
…ઝાઝું તો હું જાણતો નથી પણ એટલું વિશ્વાસથી કહી શકું કે ભગવાનને જે ફૂલો ચઢતાં હશે એમાંથી થોડુંઘણું પુણ્ય આવાં લોકોને પણ ચોક્કસ મળતું હશે.
