અમુક લોકોનો સ્વભાવ હોય છે , ગુસ્સો કરવાનો . એમને વાતે વાતે ગુસ્સો આવતો હોય છે . એ ગુસ્સામાં શું બોલશે , કાંઈ નક્કી નહીં . એ ગુસ્સામાં કેવો વર્તાવ કરશે , કાંઈ અંદાજ ના આવે . એમની સામે જે આવે એની ઉપર એ ચિડાય છે . એમની લપેટમાં જે આવે છે , એની ધોલાઈ થતી હોય છે . એમણે અત્યાર સુધી જેમની જેમની પર ગુસ્સો કર્યો છે , તે લોકો એમનાથી સાચવીને રહે છે . ગુસ્સો કરનાર ઉપર કોઈને પ્રેમ ઉભરાતો નથી . ગુસ્સો કરનાર કડવો ગણાય છે . એનાથી દૂર રહેવાનું વલણ સહુ કોઈ અપનાવે છે . હવે વાત છે તમારી . આવા ગુસ્સાખોર માણસને મળવું જ ના પડે એવી પ્રભુને પ્રાર્થના . પરંતુ આપણું ધાર્યું થતું નથી . ક્યારેક આવા લોકોને મળવું પડે છે . આવા લોકોની સાથે થોડાક કલાક કે થોડા દિવસો વિતાવવા પડે છે . એ ભાગ્યશાળીનું વર્તન કેવું હશે એનો કોઈ અંદાજ આપણને હોતો નથી . તે ગુસ્સો કરશે એ પાક્કું છે . આપણે આપણા તરફથી શું કરવાનું છે એમાં સ્પષ્ટ રહેવાનું .
જે માણસ સતત ગુસ્સો કર્યા કરતો હોય , ઘણો ગુસ્સો કરતો હોય એને ભૂતકાળમાં જરૂરથી કોઈ મોટું દુઃખ સહન કરવું પડ્યું હશે . એ દુઃખ એનાથી સહન નહીં થયું હોય . એ અંદરથી તૂટી ગયો હશે . દુઃખના દિવસો વીતી ગયા પછી પણ દુઃખના લિસોટા એનાં મનમાં બનેલા રહ્યા હશે . એનું એ દુઃખ ગુસ્સો બનીને બહાર આવતું હોય એવું બની શકે છે . તમને ગુસ્સો દેખાય છે . તમને એની સાથે ભૂતકાળમાં શું થયું છે , એ નથી દેખાતું . જેનામાં ઘણો ગુસ્સો છે એ ભૂતકાળથી ઘવાયેલો માણસ છે . જ્યાર સુધી એના જૂના જખમો ભૂંસાશે નહીં , એ ગુસ્સો કરતો રહેવાનો છે . ગુસ્સો કરનારી વ્યક્તિને દૂરથી જોઈએ છીએ તો એની મજાક કરવાનું સૂઝે છે . તમારી પર એ ગુસ્સો કરતો હોય અને તમને ગુસ્સો આવ્યો ન હોય એ વખતે તમે એ ગુસ્સો કરનાર વ્યક્તિના મુકાબલે સંતુલિત અવસ્થામાં છો . આથી તમે સામો ગુસ્સો કરવાને બદલે થોડી જુદી હરકત કરો છો . જેણે ગુસ્સો કર્યો છે , જે ગુસ્સો કરી રહ્યો છે એની તમે મજાક ઉડાવો છો . મજાક ઉડાવવા દ્વારા તમે એને એવો અહેસાસ આપો છો કે તું કમજોર માણસ છે , નબળો માણસ છે આથી તને ગુસ્સો આવે છે . ભલે , તને ગુસ્સો આવ્યો પણ જોઈ લે . મને તો ગુસ્સો આવ્યો જ નથી . જેને ઘણો ગુસ્સો આવે છે એની મજાક કરવાને બદલે એની માટે દયા અને સહાનુભૂતિની લાગણી બનાવો . દયાની લાગણી તમને હંસીમજાકમાંથી બહાર લઈ આવશે . ગુસ્સો કરનારની મજાક ઉડાવીએ એ આપણી પહેલી ભૂલ હોય છે .
જે માણસ ગુસ્સો કરવા માટે મજબૂર છે એ માણસ માટે તમારાં મનમાં દયાના ભાવ હશે નહીં તો તમે એ માણસ સાથે જે પણ કરશો એમાં ભોગવવાનું તમારે જ છે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિને શિખામણ આપવા જશો તો એ તમારી પર નવેસરથી ગુસ્સો કરશે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિને દલીલ કરીને ચૂપ કરવા જશો તો એ ચૂપ થવાનો નથી . એ નવા નવા મુદ્દા ઉછાળ્યા કરશે . ગુસ્સો કરનાર જે પણ સાંભળે છે એના જવાબમાં એને કંઈ બોલવું જ હોય છે . ગુસ્સો કરનાર સાથે દલીલબાજી કરવા બેસી જઈએ એ આપણી બીજી ભૂલ હોય છે .
ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપી શકાય નહીં . ગુસ્સાને શાંત પાડવો હોય ત્યારે એક જ કામ કરવું પડે . ગુસ્સાનો જવાબ શાંતિથી આપવો પડે . જવાબ ના આપીએ એ પણ શાંતિ છે . જવાબ આપવો જરૂરી બને ત્યારે જવાબ જણાવી દઈએ પણ અભિવ્યક્તિમાં ક્રોધને લાવીએ નહીં એ પણ શાંતિ છે . ગુસ્સો કરનારને હરાવવો જોઈએ એવું ક્યાંય લખ્યું નથી . ગુસ્સો કરનાર ગુસ્સો કરે છે એ એનો રોગ છે . ગુસ્સો કરનાર ઉપર સામો ગુસ્સો કરવાથી એનો રોગ વધવાનો છે . એટલું જ નહીં જે રોગ એને લાગુ પડ્યો છે એ રોગ તમને પણ લાગુ પડી જશે . તમે ગુસ્સો કરનાર વ્યક્તિ ઉપર ગુસ્સો કરશો તો ગુસ્સાના મામલામાં એ તમારાથી સિનિયર છે એટલે એ જીતશે અને ગુસ્સાના મામલામાં તમે એનાથી જુનિયર છો એટલે તમે હારશો . ગુસ્સો કરનાર ઉપર આપણે ગુસ્સો કરવા માંડીએ એ આપણી ત્રીજી ભૂલ હોય છે .
સાધારણ જીવન વ્યવહારમાં એવું બને છે કે ગુસ્સો કરનારને સામો ગુસ્સો કરીને આપણે ઠંડો પાડીએ . પરંતુ તમે સાધક છો . સાધના કરી રહ્યા છો . કોઈ તમારી પર ગુસ્સો કરે છે , એના ગુસ્સાના જવાબમાં તમારા તરફથી ગુસ્સો થવા દેવાનો નથી . જે સામા માણસ પર ગુસ્સો કરે છે એ શક્તિશાળી છે એવું નથી . જે સામા માણસનો ગુસ્સો સહન કરી લે છે એ શક્તિશાળી છે . તમે સામા માણસને સાદી સરળ ભાષામાં ફક્ત યાદ કરાવી શકો છો કે તું ગુસ્સામાં છે . એ યાદ કરાવતી વખતે પણ , તમે પોતે ગુસ્સામાં ન હો , એ બહુ જરૂરી હોય છે . તમને પોતાને યાદ હોય કે સામો માણસ ગુસ્સામાં છે અને એના ગુસ્સાની સામે મારે ગુસ્સો કરવાનો નથી , આનાથી પરિસ્થિતિ સરળ બની જાય છે . ઝેરથી ઝેર ઉતરતું હશે , લોઢાથી લોઢું કપાતું હશે . ક્રોધની સામે ક્રોધ કરવાથી ક્રોધ ઓછો થતો નથી . કોઈ ક્રોધ કરનાર ઉપર તમે ક્રોધ કરીને જીત્યા , ત્યારે જીત ક્રોધની જ થઈ છે , તમારી નહીં : આવું સુવાક્ય ક્યાંક વાંચ્યું હતું .
સામો માણસ ક્રોધ કરે અને આપણે ક્રોધ ના કરીએ આમાં આપણે કમજોર દેખાઈએ છીએ . વાત સાચી છે . સામો માણસ ગુસ્સામાં હોય અને આપણે ગુસ્સામાં ન આવીએ આમાં આપણી હાર થઈ જશે એવું લાગે છે . વાત સાચી છે . મોટેભાગે એવું જ થતું આવ્યું છે કે સામો માણસ ક્રોધ કરે એના જવાબમાં આપણે ક્રોધ કરીએ એટલે પેલો ઠંડો પડી જાય . આપણે આ પોલિસીથી જ ચાલતા આવ્યા છીએ . આ પોલિસીથી હારજીત નક્કી થાય છે . આ પોલિસીથી માનસિક શાંતિનો માર્ગ ખૂલતો નથી . ક્યારેક આપણા ક્રોધને કારણે સામે માણસ ઠંડો પડે અને ક્યારેક સામા માણસના ક્રોધને કારણે આપણે ઠંડા પડીએ . જીવનભર આ વહેવાર ચાલતો જ રહે છે .
સાધના અલગ વસ્તુ છે . સાધનામાં તમે પોતાની જાતને સૂચના આપી છે કે મારે દ્વેષની જંજાળમાં પડવું નથી . આથી તમે સાધનામાં સહન કરવાનો રસ્તો અપનાવો છો . સહન કરવાનો રસ્તો અહિંસક સત્યાગ્રહ જેવો છે . સામો માણસ તકલીફ આપીઆપીને થાકી જશે ત્યાર સુધી આપણે રાહ જોતા રહીશું . ગુસ્સો કરનારો ગુસ્સો કરીકરીને થાકી જશે એ પછી એ ગુસ્સો કરવાનું છોડી દેશે એવો આશાવાદ . પ્રભુ મહાવીરે શૂલપાણિ યક્ષ સાથે આ માર્ગ અપનાવ્યો હતો . શૂલપાણિ યક્ષ ભગવાનને જુદી જુદી તકલીફ આપતો જ રહ્યો , આપતો જ રહ્યો . જવાબમાં ભગવાન શાંત જ રહ્યા , શાંત જ રહ્યા . ન ગુસ્સો કર્યો , ન ડર બનાવ્યો .
નેગેટિવ માણસનાં નેગેટિવ વર્તનની સામે તમે સતત પોઝિટિવ જ રહો છો તો છેવટે નેગેટિવ માણસને નેગેટિવિટી છોડી દેવી પડે છે . શૂલપાણિ યક્ષ અત્યંત નેગેટિવ હતો . એણે ભગવાનને તકલીફ આપવામાં કાંઈ બાકી રાખ્યું નહીં . પણ ભગવાન્ નેગેટિવ બન્યા નહીં . ભગવાન પોઝિટિવ જ રહ્યા . ભગવાન્ નેગેટિવ બન્યા હોત તો શૂલપાણિ યક્ષની નેગેટિવિટી વધી જવાની હતી . ભગવાન્ નેગેટિવ થયા જ નહીં . ભગવાન્ પોઝિટિવ જ રહ્યા . પરિણામ એ આવ્યું કે યક્ષની નેગેટિવિટી કમજોર પડી ગઈ અને ખતમ થઈ ગઈ .
સામો માણસને નેગેટિવ વર્તન કરે એના જવાબમાં તમારે પણ નેગેટિવ વર્તન કરવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી . સામા માણસનાં નેગેટિવ વર્તનની પહેલાં તમે પોઝિટિવ હતા અને સામા માણસનાં નેગેટિવ વર્તન પછી પણ તમે પોઝિટિવ જ રહ્યા . સાધનામાં તમારે આ સ્તરે પહોંચવાનું છે . જે ભગવાન્ કરી શકે તે બીજા કોઈ ના કરી શકે . જે ભગવાન્ માટે પોસિબલ છે એ બીજા માટે પોસિબલ ના પણ હોય . ભગવાને જે કર્યું તે યાદ કરીએ એનાથી કંઈક શીખવા જરૂર મળે છે .
