Home Gujaratiપ્રભુ વીરનાં મોક્ષગમન પછી પાવાપુરીમાં શું શું બન્યું હતું તે જાણી લો

પ્રભુ વીરનાં મોક્ષગમન પછી પાવાપુરીમાં શું શું બન્યું હતું તે જાણી લો

by Devardhi
0 comments

ભગવાનનું મોક્ષગમન થયું તે નિમિત્તે દીવાળીનું પ્રવર્તન થયું . આ વાત શ્રી મહાવીર સ્વામી ભગવાનને પણ લાગુ પડે છે અને પંચ કલ્યાણકની પૂજા અનુસાર શ્રી પાર્શ્વનાથ ભગવાનને પણ લાગુ પડે છે . પૂજામાં એમ લખ્યું છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મોક્ષગમન પછી દેવતાઓએ દીવાળી પ્રવર્તાવી : दीवाळी करता देव . આનો અર્થ એ છે કે શ્રી પાર્શ્વનાથ ભગવાન્ મોક્ષમાં ગયા એ વખતે પ્રભુની યાદમાં દેવો દ્વારા દીવાઓની હારમાળા પ્રગટાવવામાં આવી હતી . બરોબર , આ જ રીતે આસો માસની અમાસે શ્રી મહાવીર સ્વામી ભગવાન્ મોક્ષમાં ગયા તે પછી ૧૮ રાજાઓએ દીવા પ્રગટાવ્યા હતા . એ જોઈને તે સમયની જનતાએ પણ દીવા પ્રગટાવ્યા હતા અને ત્યારથી દીવાળીનું પ્રચલન શરૂ થયું હતું . શું દીવાળીમાં ફક્ત દીવા પ્રગટ્યા એટલી જ ઘટના બની હતી કે બીજું પણ કંઈ બન્યું હતું ? આનો જવાબ ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત – દશમ પર્વના તેરમા સર્ગમાંથી મળે છે . પ્રભુ મહાવીરનાં મોક્ષગમન પછી પ્રભુની નિશ્ચેતન કાયા સંબંધી પ્રમુખ વિધિઓ દેવતાઓએ સંપન્ન કરી હતી , જેમાં પ્રમુખ કાર્ય સૌધર્મ ઇન્દ્ર સંભાળે છે એવું દૃશ્ય હતું . પ્રભુની પવિત્ર કાયાના અગ્નિસંસ્કાર માટે મેરુપર્વત પર રહેલાં નંદનવનના જંગલમાંથી ગોશીર્ષ ચંદન મંગાવવામાં આવ્યું હતું . પ્રભુએ ૪૨ વરસમાં કાયા પાસેથી ઘણી તપસ્યા અને સાધના કરાવી . પ્રભુનો આત્મા મોક્ષમાં બિરાજમાન થયો એટલે એ કાયા એકલી પડી ગઈ . જે કાયા દ્વારા પ્રભુનાં ૭૨ વર્ષનું જીવન વ્યતીત થયું હોય એ કાયાનું સન્માન થવું જ જોઈએ . ઇન્દ્ર સમજતા હતા .

(૧) સૌ પ્રથમ ઇન્દ્ર મહારાજાએ એ કાયાને સ્નાન કરાવ્યું હતું . સ્નાન માટેનું જળ ક્ષીરસાગરથી લાવવામાં આવ્યું હતું . જે જલ આવ્યું તે હતું તો જલ , પણ એનો રંગ દૂધ જેવો ઉજળો હતો . પ્રભુની સુવર્ણરંગી કાયાને દુગ્ધધવલ જલથી સ્નાન કરાવવામાં આવ્યું . પ્રભુએ દીક્ષા કલ્યાણકના દિવસે ત્રીસ વરસની વયે સ્નાન કર્યું તે પછી સ્નાન કર્યું ન હતું . હવે પ્રભુની કાયા ૪૨ વર્ષ પછી સ્નાન પામી હતી . (૨) સ્નાન પછી પ્રભુની પવિત્ર કાયાને મોંઘેરા વિલેપન કરવામાં આવ્યાં . દીક્ષા કલ્યાણકના દિવસે પ્રભુનાં શરીર પર દેવોએ વિલેપન પણ કર્યાં હતાં તે પછી ૪૨ વર્ષે પ્રભુની કાયા પર દેવો દ્વારા જ વિલેપન થયું હતું . (૩)દેવોએ પ્રભુની કાયાને હંસ જેવું સમુજ્જ્વલ વસ્ત્ર પહેરાવ્યું . દીક્ષાનાં બીજાં વર્ષે પ્રભુ વસ્ત્રરહિત થયા હતા આથી એમ કહી શકાય કે ૪૦ વર્ષ પછી પરમાત્માના શરીર ઉપર ફરીથી વસ્ત્ર બિરાજીત થયું . (૪) પ્રભુને જેઓ જાણે છે એમને ખબર છે કે પ્રભુએ ૨૮ વર્ષની ઉંમરે આત્મસાધનાની પ્રવૃત્તિનો પ્રારંભ કરી દીધો હતો આથી ૨૮ વર્ષની ઉંમર પછી ભગવાને દાગીના પહેર્યા નહોતા . આમ ૪૪ વર્ષ પછી પ્રભુની કાયા ઉપર અલંકાર આવ્યા હતા . (૫) પ્રભુની કાયાને ફૂલના હાર પહેરાવવામાં આવ્યા . પ્રભુ સચિત્તના સ્પર્શનો પરિહાર કરતા હતા . ૪૨ વર્ષથી પરમાત્માએ કોઈપણ સચિત્ત તત્ત્વને સ્પર્શ કર્યો નહોતો . દેવતાઓએ પ્રભુની કાયાને ફૂલોની માળા પહેરાવી , એ સચિત્ત સ્પર્શ હતો જે ૪૨ વર્ષ પછી પ્રભુની કાયા સાથે જોડાયો હતો .(૬) પ્રભુની કાયાને દેવલોક જેવી સુંદર શિબિકામાં બિરાજમાન કરવામાં આવી . દીક્ષા લીધી ત્યારથી પ્રભુએ વાહનનો પરિત્યાગ કર્યો હતો . જ્યારે પણ પ્રભુ એક સ્થાનથી બીજે સ્થાને પધારે તો પોતાના પગથી ચાલીને જ પધારે એ નિયમ હતો . પ્રભુને ક્યારે પણ કોઈ વાહનમાં બેસવાનો અવસર આવ્યો હતો નહોતો . પ્રભુ ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા કલ્યાણકના દિવસે શિબિકામાં બેઠા તે પછી ક્યારે પણ વાહન પર આરૂઢ થયા નહોતા . આ વાહન પ્રયોગ ભગવાન સાથે ૪૨ વર્ષ પછી જોડાયો .

અગ્નિસંસ્કાર પૂર્વે જે બન્યું અને સમગ્ર સાધનાજીવનમાં જે નહોતું બન્યું તે આ હતું . સાધનાજીવનમાં દાગીના નહોતા , અગ્નિસંસ્કાર પૂર્વે દાગીના આવ્યા . સાધનાજીવનમાં ફૂલની માળા નહોતી , અગ્નિસંસ્કાર પૂર્વે ફૂલની માળા આવી . અધિકાંશ સાધનાજીવનમાં વસ્ત્ર નહોતું , અગ્નિસંસ્કાર પૂર્વે વસ્ત્ર આવ્યું . સાધનાજીવનમાં સ્નાન નહોતું . અગ્નિસંસ્કાર પૂર્વે સ્નાન આવ્યું . જે રીતે પ્રભુની મૂર્તિને પૂજાસત્કાર દ્વારા ઘણો આદર આપવામાં આવે છે એ રીતે પ્રભુને કાયાને પૂજાસત્કાર સ્વરૂપે ઘણો આદર આપવામાં આવ્યો . પ્રભુ જો જીવિત હોત તો આ પૂજા સત્કારનો સ્વીકાર ન કરત એ સૌ સમજતા હતા . પરંતુ પ્રભુની વિદાય થઇ હતી અને પ્રભુની કાયા દ્રવ્ય ભગવાન્ તરીકે પૂજનીય હતી આથી એની પૂજા થઈ હતી .

શ્રાવક અને શ્રાવિકાઓએ એટલે કે મનુષ્યોએ પણ પ્રભુની કાયાને પૂજી હતી , વંદી હતી , જુહારી હતી . મનુષ્યનો વિલાપ પણ ભારે હતો . નંદીવર્ધન રાજા , સુદર્શનાદેવી , યશોદાદેવી , સુલસાજી આવાં અગણિત નામો યાદ આવે . સૌ દુઃખમાં ડૂબ્યા હતા . મુકરર સમયે મોક્ષ કલ્યાણકનાં સ્થાનેથી પ્રભુની શિબિકાનું પ્રસ્થાન થયું હતું . આસમાનમાં જયજયકારના ધ્વનિ ગુંજતા થયા હતા . આખાય માર્ગ પર દેવોએ સુગંધિત જળનો છંટકાવ ચાલુ રાખ્યો હતો . ભક્તો છાતી કૂટીને રડી રહ્યા છે એ જોવા મળતું હતું . શિબિકાની આગળ દેવાંગનાઓ શોક દર્શક નૃત્ય કરતી કરતી આગળ વધી રહી હતી . વિવિધ વાજિંત્રોમાંથી દુઃખના સ્વરો વહી રહ્યા હતા .

ઇન્દ્ર મહારાજાએ અપાપાપુરી નગરીની બહાર એક ખુલ્લા મેદાનમાં ચંદનચિતાની રચના કરાવી હતી . ત્યાં શિબિકા પહોંચી . શોકાકુળ હૈયે ઇન્દ્ર મહારાજાએ પ્રભુને ચંદન ચિતા પર બિરાજમાન કર્યા . અગ્નિકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે અગ્નિ પ્રગટાવ્યો . વાયુકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે પવનના તરંગો વહેતા મૂક્યા . ચંદનચિતા પર આગની લપેટો ફેલાઈ ગઈ . પ્રભુની મનોહર કાયા એ આગમાં અલોપ થઈ ગઈ . જલકુમાર દેવોને ઇન્દ્રનો આદેશ મળ્યો એટલે એમણે જલધારા વરસાવી . આગ શાંત થઈ . ચંદન ચિતાની જગ્યાએ રાખ જોવા મળી હતી , એમાં પ્રભુની કાયાના અવશેષ રૂપ દાઢા , દાંત અને હાડકા પણ હતા . સૌધર્મ ઇન્દ્ર અને ઈશાન ઈન્દ્ર દ્વારા ઉપરની તરફની દાઢા લઈ લેવામાં આવી . ચમર ઇન્દ્ર અને બલી ઈન્દ્ર નીચેની તરફની દાઢા લઈ લેવામાં આવી . અન્ય ઈન્દ્રો અને દેવો દ્વારા દાંત અને હાડકા લઈ લેવામાં આવ્યા . અગ્નિ સંસ્કારની ભસ્મ લેવા ભક્તિભર્યા માનવો ધસી આવ્યા . એમણે બધી જ ભસ્મ લૂંટી લીધી તે પછી જ્યાં અગ્નિસંસ્કાર થયો એ ભૂમિની માટી એ લૂંટવા લાગ્યા . એટલીબધી માટી એમણે લૂંટી કે અગ્નિસંસ્કારની ભૂમિ પર સોળ એકર લાંબો ખાડો થઈ ગયો .

મોક્ષ કલ્યાણકના સમયમાં ત્રણ વાતો બની . એક , પ્રભુનો આત્મા મોક્ષમાં બિરાજમાન થયો .બે , પ્રભુની કાયાની ભસ્મ લાખો લોકોનાં ઘરમાં પહોંચી . ત્રણ પ્રભુની કાયાના હાડકા , દાઢા અને દાંત દેવલોકમાં પહોંચ્યા .

અગ્નિસંસ્કારનાં સ્થાને જે મોટો ખાડો બન્યો હતો ત્યાં પાણી ભરાયાં એને કારણે એ ખાડો વિશાળ સરોવરમાં ફેરવાઈ ગયો . જે સ્થાન પર અગ્નિસંસ્કાર થયા હતા એ સ્થાન પર દેવતાઓએ રત્ન સ્તૂપની રચના કરી હતી . એ સ્થાન ઊંચું હતું આથી પાણીમાં ડૂબ્યું નહીં . ત્યાં મંદિરની રચના થઈ છે . આ મંદિરની આસપાસ વિશાળ વિસ્તારમાં જળથી ભરેલું તળાવ છે આથી આ મંદિર જળમંદિર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયું છે .

દીવાળીના દિવસે આપણે પાવાપુરીમાં હોઈએ તો ત્રણ સ્થાન અવશ્ય જુહારવા જોઈએ . પહેલું સ્થાન છે નૂતન સમવસરણ મંદિર , જ્યાં ભગવાને સોળ પ્રહરની દેશના ફરમાવી . બીજું સ્થાન છે મોક્ષ કલ્યાણક મંદિર , જ્યાં ભગવાને છેલ્લું ચોમાસું કર્યું અને જ્યાંથી ભગવાન્ મોક્ષમાં પધાર્યા . ત્રીજું સ્થાન છે જલ મંદિર , જેનાં મધ્યસ્થાનમાં ભગવાનના અંતિમ સંસ્કાર થયા હતા . પ્રભુનું સ્મરણ કરતાં કરતાં પ્રભુમાં એકાગ્ર બનીએ એ જ દીવાળી છે . પ્રભુનાં જીવનના છેલ્લા બે દિવસોમાં જે જે બન્યું એ બધું જ યાદ કરવું જોઈએ . યાદ કરતાં કરતાં એ ઘટનાઓ કેવી રીતે બની હશે એની કલ્પનાઓ કરવી જોઈએ . કલ્પનાઓ કરતાં કરતાં આપણે આપણી આંખની સામે જીવંત ભગવાનને જોઈ રહ્યા છીએ એવી અનુભૂતિ રચવી જોઈએ . તમે પ્રભુને યાદ કરો . તમે પ્રભુની કલ્પના કરો . તમે પ્રભુની અનુભૂતિ કરો . તમારી દીવાળી સફળ .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.