Home Gujaratiપઝૅશન રાખવું નહીં અને પઝૅશનમાં ડૂબેલા લોકોને છંછેડવા નહીં .

પઝૅશન રાખવું નહીં અને પઝૅશનમાં ડૂબેલા લોકોને છંછેડવા નહીં .

by Devardhi
0 comments

તમે લાંબા સમયથી કોઈ એક કામ કરી રહ્યા છો તો તમને એ કામ તમારા કબજામાં છે એવું લાગે છે . તમે લાંબા સમયથી કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા છો તો તમને એમ લાગે છે કે એ વ્યક્તિનાં મનમાં તમારી માટે એકદમ ખાસ જગ્યા છે . તમે લાંબા સમયથી કોઈ એક પૉસ્ટ ઉપર છો તો તમને એમ લાગે છે કે એ પૉસ્ટ પર તમારો અધિકાર છે . તમે લાંબા સમયથી એકહથ્થુ સંચાલન કર્યું છે તો તમને એમ લાગે છે કે તમારા સિવાય સંચાલનમાં બીજું કોઈ જોડાઈ જ ન શકે . પઝૅશન એટલે શું ? તમને સમજાઈ ગયું હશે . તમે જ્યાં બેઠા છો ત્યાં તમારા સિવાય બીજું કોઈ બેસી ના શકે એવું તમે માની લીધું છે એ જ તમારું પઝૅશન છે . તમને જે મળ્યું છે એ તમારા સિવાય બીજા કોઈને મળવું ન જોઈએ એવી તમારી માનસિકતા હોય એને પણ પઝૅશન જ કહેવાય . 

તમે બુદ્ધિશાળી છો પરંતુ તમને એમ લાગે છે કે તમારા જેટલું બુદ્ધિશાળી બીજું કોઈ છે જ નહીં , આ છે પઝૅશન . સમજો કે તમારા જેટલું બુદ્ધિશાળી કે તમારા કરતાં વધારે બુદ્ધિશાળી કોઈ ઉપસ્થિત થાય તો તમારાથી એ સહન ન થાય . આ જે સહનશક્તિનો અભાવ છે તે પઝૅશન છે . તમારી પાસે ઘર છે .  એ ઘરમાં તમે રહો છો . હવે એ ઘરમાં બીજું કોઈ રહેવા આવે તો જે પાછળથી રહેવા આવ્યો છે એ આ ઘરમાં શું કામ રહેવા આવ્યો છે એવો પ્રશ્ન થયા કરે , એ ઘરમાં કેવી રીતે રહેવા આવી ગયો એની પીડા થયા કરે , આ પ્રશ્ન અને આ પીડા એ જ પઝૅશન . તમે જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ થવું જોઈએ એવું તમને લાગે છે . હવે , તમે નક્કી કર્યું એના કરતાં કંઈક જુદું થવાનું છે એવું તમને દેખાય અને એનાથી તમને ખોટું લાગે છે . આ ખોટું લાગવાનું વલણ જે આવ્યું તે પઝૅશન . 

તમે રોટલી સરસ બનાવો છો એટલે તમારાં મનમાં નક્કી થઈ જાય કે તમારા સિવાય બીજા કોઈને રોટલી બનાવતાં આવડતું નથી . હવે બીજો કોઈ આવે છે અને રોટલી બનાવવામાં ઇન્ટરેસ્ટ લે છે ત્યારે તમારા પેટમાં તેલ રેડાય છે . તમારા સિવાય બીજું કોઈ રોટલી બનાવવા આવે અને તમારા સિવાયનું કોઈ માણસ તમારા કરતાં વધારે સારી રોટલી બનાવી જાય એની માટે તમે તૈયાર નથી . તમે એમ ચાહો છો કે રોટલી ફક્ત તમે જ બનાવશો . તમને એમ લાગે છે કે રોટલી ફક્ત તમારા હાથે સારી બને છે . બીજા કોઈના હાથમાં રોટલી બનાવવાનું કામ ગયું એ તમને ગમે નહીં . એના હાથે રોટલી ખરાબ બને તો તમે રાજી થાઓ . એના હાથે રોટલી સારી બને તો તમને અસલામતી થવા લાગે . આ છે પઝૅશન . જિંદગીભર તમે જ રોટલી બનાવ્યા કરશો તો આરામ ક્યારે કરશો ? તમારા સિવાય બીજા કોઈ રોટલી બનાવતા શીખશે નહીં તો તમારી ગેરહાજરીમાં લોકોની માટે રોટલી કોણ બનાવશે ? રોટલી તો હું જ બનાવીશ આવી જે માનસિકતા છે એ પઝૅશન છે . રોટલીનો દાખલો સમજવા પૂરતો છે . રોટલી શબ્દને પકડીને ઉહાપોહ કરવાની જરૂર નથી . તમે મુદ્દો સમજ્યા વગર ફક્ત રોટલી શબ્દ પકડીને ખળભળાટ મચાવો એ પણ પઝૅશન છે . 

પઝૅશન ખુરશીનું પણ હોય છે . પઝૅશન જવાબદારીનું પણ હોય છે . પઝૅશન સંબંધનું પણ હોય છે . પઝૅશન રોટીનું , કપડાંનું અને મકાનનું પણ હોય છે . તમે માની લો છો કે અમુક વસ્તુ તમારા કબજામાં છે . પછી તમે માની લો છો કે જે મારા કબજામાં છે એ મારા કબજામાંથી જતું રહેશે તો ગડબડ થઈ જશે . તમે જે જે માની લીધું છે ને , એ પઝૅશનને લીધે માની લીધું છે . બાકી એવું માની લેવાની જરૂર હતી જ નહીં . તમે માની લીધું એટલે તમે ફસાઈ ગયા . તમે જે માની લીધું છે એ મુજબ તમે વિચાર બનાવશો . તમે જે માની લીધું છે એ વ્યાજબી હોત તો તમે જે વિચાર બનાવો તે પણ વ્યાજબી હોત . તમે જે માની લીધું છે એ વ્યાજબી હોય જ નહીં તો તમે જે વિચાર બનાવો એ પણ વ્યાજબી તો હોય જ નહીં ને . સીધી વાત છે . 

તમે પઝૅશન રાખો છો તો તમારા વિચાર ખોટા બને છે . તમારી સાથે જે લોકો છે એમાંથી કોઈ જો પઝૅશન રાખે છે તો એના વિચારો પણ ખોટા બની જાય છે . પઝૅશન શું છે એ સમજવાનું સહેલું નથી  . પઝૅશનમાંથી બહાર આવવું ઘણું જ અઘરું છે . તમે કોઈપણ બાબતને લઈને તમારાં મનમાં પઝૅશન ન બનાવો એ સાધનાની પહેલી શરત છે . બીજી શરત વધારે અગત્યની છે : જે પઝૅશનમાં ફસાયા છે એ પોતાનાં પઝૅશનમાંથી બહાર આવી શકવાના નથી . તમારી આસપાસમાં જે પણ લોકો છે એમનું પોતપોતાનું પઝૅશન નિશ્ચિત છે . કંઈ વ્યક્તિને શેનું પઝૅશન છે એ જોવાનું શીખી લો . જેણે જેની સાથે વધારે સમય વિતાવ્યો હશે એને એનું પઝૅશન હશે . એને કશુંક પકડી રાખવું હશે , એને કશુંક પોતાના હાથમાં રાખવું હશે , એને કશુંક પોતાનાં વર્ચસ્વમાં રાખવું હશે . એ જેને પકડી રાખવા માંગે છે એ જ એનું સુખ છે . એ જેને પોતાના હાથમાં રાખવા માંગે છે એનાથી જ એને રાજીપો મળે છે . એ જેને પોતાનાં વર્ચસ્વમાં રાખવા માંગે છે એ રીતે કરવાથી જ એનો હોંસલો બુલંદ રહેવાનો છે . તમારાં કારણે એનાં પઝૅશનમાં અડચણ ઊભી થશે એનાથી એ રઘવાયો બનશે . જેનું જેનું પઝૅશન તમારા લીધે ડિસ્ટર્બ થાય છે તે તમારી વિરુદ્ધમાં જતો રહે છે .

શ્રી મહાવીર સ્વામી ભગવાનને અચ્છંદક તાપસ મળ્યો હતો . એ પઝૅશનનો દર્દી હતો . એને લાગતું હતું કે ભવિષ્યવાણી હું જ કરી શકું , મારા સિવાય બીજા કોઈને ભવિષ્યવાણી કરતાં આવડે જ નહીં . એણે જોયું કે ભવિષ્યવાણી ઉપરની મારી મૉનૉપૉલી શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં કારણે તૂટી રહી છે . એણે મહાવીર સ્વામી ભગવાનને પોતાના દુશ્મન સમજી લીધા . ભગવાને એનું કશું બગાડ્યું નહોતું . ભગવાને એના વિરોધમાં એક પણ શબ્દ કહ્યો ન હતો . ભગવાને એને નુકસાન નહોતું કર્યું , ધક્કો નહોતો માર્યો . છતાં એ તાપસ ભડકી ગયો હતો . કારણ કે ભવિષ્યવાણી કરવી આ પ્રવૃત્તિ ઉપર અચ્છંદક તાપસનું પઝૅશન હતું .

જેનું જે વિષયમાં પઝૅશન હોય છે , એ વિષયમાં આપણે હસ્તક્ષેપ કરીએ ત્યારે એને અસલામતીની લાગણી થાય છે . એ વિરોધ કરે છે . એ કાવાદાવા રચે છે . કોઈ કામ હાથમાં લો , કોઈ જગ્યા લો કે કોઈ જવાબદારી સ્વીકારો ત્યારે એ કામ , એ જગ્યા કે એ જવાબદારી ઉપર કોઈએ પઝૅશનની લાગણી બનાવી લીધી છે કે નહીં એ પહેલેથી ચકાસી લેજો . જેની પર કોઈનું પઝૅશન હોય એની સાથે જોડાતાં પહેલાં લાખ વાર વિચાર કરજો . સમજ્યા વિના જોડાઈ જશો એ પછી શું થવાનું છે એ પાક્કું છે :  જેણે પઝૅશન રચી લીધું હશે એ તમારાં કારણે હેરાન થતો રહેશે અને એનાં પઝૅશનનાં કારણે તમે હેરાન થતાં રહેશો . ભગવાન્ અચ્છંદક તાપસનાં પઝૅશનનાં કારણે હેરાન ના થયા કારણ કે એ ભગવાન્ હતા . આપણે ભગવાન્ નથી એ આપણે યાદ રાખવું જોઈએ .

જે જેનાથી સંપન્ન હોય છે એને એનું પઝૅશન હોય છે . ધનસંપન્નને ધનનું પઝૅશન હોય છે . કલાસંપન્નને કલારચનાનું પઝૅશન હોય છે . શેઠને શેઠાઈનું અને નોકરને નોકરીનું પઝૅશન હોય છે . ગાયકને ગાવાનું , કારભારીને કારભારનું , અધ્યાપકને અધ્યાપનનું , વક્તાને બોલવાનું અને નેતાને નેતાગીરીનું પઝૅશન હોય છે . સાસુને ઘરનું અને વહુને પતિનું પઝૅશન હોય છે . પઝૅશનનો મામલો બહુ પેચીદો છે . કોનું પઝૅશન કેવી રીતે ડિસ્ટર્બ થાય છે એ તરત સમજાતું નથી અને સમજાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.