તમારામાં સદ્ ગુણ છે , તમે સારાં કામ કરો છો . તમારા સદ્ ગુણની પ્રશંસા થાય , તમારાં સારા કામની તારીફ થાય . આ હોય છે પહેલું દૃશ્ય . તમારામાં દોષ હોય છે , તમે ભૂલ કરતા રહો છો . તમારી ભૂલની સમીક્ષા થાય , તમારે કડવું કડવું સાંભળવું પડે . આ બીજું દૃશ્ય છે . આ બહુ સાધારણ વાત છે . ગુણ હોય અને ગુણની પ્રશંસા થાય . દોષ હોય અને દોષની ટીકા થાય . ગુણ દુર્લભ છે , ગુણ મેળવવા જોઈએ , ગુણ ટકવા જોઈએ . ગુણ મળ્યા , ગુણ ટક્યા . ગુણની વાહ વાહ થઈ . દોષ હોવા ના જોઈએ , દોષને દૂર જ રાખવા જોઈએ . દોષ આવ્યા , દોષ લાંબા ચાલ્યા . દોષની ફરિયાદ થઈ , દોષવાનને કડક શબ્દો સાંભળવા પડ્યા . દર વખતે આવું બનતું હોય છે .
આ સિવાય પણ બીજાં બે દૃશ્ય જોવા મળે છે . તમારામાં ગુણ છે અને તમારી પ્રશંસા થતી નથી . તમારામાં દોષ છે અને તમારી સમીક્ષા થતી નથી . તમારામાં ગુણ હોય અને તમારી પ્રશંસા ના થાય એ વખતે તમને તમારા ગુણ માટે આત્મવિશ્વાસ હોવો જોઈએ . તમારી પ્રશંસા થાય એ પછી જ તમને એમ લાગે કે હા , હું ગુણવાન્ છું . તમારી પ્રશંસા થાય નહીં તો તમને એમ જ લાગે કે મારામાં ગુણ નથી . તમે સારું કામ કરો છો એ પછી પણ તમારી પ્રશંસા થતી નથી એ વખતે તમને એમ લાગે કે મેં સારું કામ કર્યું એની કોઈને કદર જ નથી . પ્રશંસાના અભાવમાં ગુણવાન્ નારાજ થાય , પ્રશંસાના અભાવમાં સારું કામ કરનાર નારાજ થાય આ પરિસ્થિતિ કેટલી ઉચિત કહેવાય ?
તમે ચોક્કસ ગુણ મેળવ્યો , તમે ચોક્કસ ગુણનો વિકાસ કર્યો અને તમે ચોક્કસ ગુણને સ્થિર બનાવ્યો એટલે તમારી સાધના સફળ થઈ ગઈ . કોઈ પ્રશંસા કરે , કોઈ મોટિવેશન આપે એ પછી તમને તમારા ગુણ બાબતે સંતોષ મળે , તમને તમારાં સારાં કામ બાબતે સંતૃપ્તિ મળે એવું ના હોય . તમારો ગુણ તમને સંતૃપ્તિ આપે છે , ગુણની પ્રશંસા અન્યથા સિદ્ધ છે . તમારું સારું કામ તમને સંતૃપ્તિ આપે છે , સારાં કામની પ્રશંસા અન્યથા સિદ્ધ છે . કોઈ પ્રશંસાને કારણે ગુણવાન્ હોતું નથી , કોઈ પ્રશંસાને કારણે સારાં કામ કરતું નથી . ગુણ મેળવવો એ ઉત્તમ પ્રવૃત્તિ છે માટે ગુણ મેળવવામાં આવે છે . સારું કામ કરવું એ ઊંચી ગુણવત્તા છે માટે સારું કામ કરવાનું છે . પ્રશંસા ન થઈ આ એક મુદ્દો પકડી રાખીએ અને ગુણસંપન્ન હોવા છતાં પ્રશંસાના વિરહમાં નારાજ રહીએ , સારા શબ્દોમાં વખાણ ન થયા આ એક કારણને મોટું બનાવીએ અને સારું કામ કર્યું હોવા છતાં , વખાણના વિયોગમાં દુઃખાર્ત થઈએ આ વલણ વ્યાજબી નથી . તમારામાં ગુણ છે એ અગત્યનું છે , ગુણના વખાણ થાય એ અગત્યનું નથી . તમે સારું કામ કર્યું એ અગત્યનું છે . સારાં કામની તારીફ થઈ કે નહીં એ અગત્યનું નથી . તમારા ગુણ અને તમારાં સત્કાર્યની બાબતમાં તમારો આત્મવિશ્વાસ પ્રચંડ હોવો જોઈએ . તમારી ગુણવત્તાને તમે કોઈના અભિપ્રાય પર આધારિત બનાવી દો એ ન ચાલે .
અમુક લોકો કડવું બોલવા માંગતા નથી . અમુક લોકો તમને ઠપકો આપવા માંગતા નથી . તમને કોઈ મોઢામોઢ કંઈ કહી રહ્યું નથી . તમારામાં કોઈ દોષ છે એવું કોઈ તમને સમજાવતું નથી . તમને કોઈએ કંઈ કહ્યું એ વખતે તમે આર્ગ્યુમેન્ટ કરીને એને ચૂપ કર્યા છે આથી હવે તમને કોઈ કશું કહી રહ્યું નથી . તમને કોઈ કંઈ કહેવા આવે છે એ વખતે તમે રડવા બેસી જાઓ છો , ઝગડવા બેસી જાઓ છો આથી કોઈ તમને કશું કહેવા તૈયાર જ નથી . તમને તમારી ભૂલ કોઈએ બતાવી એ વખતે તમે એને એની દસ ભૂલ સામે બતાવી . હવે તમને તમારી ભૂલ કોઈ બતાવતું નથી . તમે વ્યવસ્થા જ એવી બનાવી લીધી કે તમને તમારી ભૂલ કોઈ કહે જ નહીં . તમારામાં કોઈ દોષ છે એવું કોઈ બોલતું નથી . તમે કોઈ ભૂલ કરો છો એવું કોઈ કહેતું નથી . તમે આ ખોટું કરો છો એમ કહેવાની કોઈની હિંમત નથી . તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો . તમને કોઈ રોકવાવાળું નથી , ટોકવાવાળું કોઈ નથી . માહોલ એવો છે કે બધા તમારી પ્રશંસા જ કરે છે , તમારી ભૂલની ચર્ચા કોઈ કરતું જ નથી . વાતાવરણ એવું છે કે તમે બહુ સારા માણસ છો એવું જ બધા બોલ્યા કરે છે , તમે વિચિત્ર માણસ છો એવું કહેવાવાળું કોઈ રહ્યું જ નથી .
કહાની હવે શરૂ થાય છે . તમારી ભૂલની ચર્ચા તમારી સામે થતી નથી , તમારા દોષની વિચારણા તમારી સમક્ષ થતી નથી , તમારે જે ના કરવું જોઈએ એ તમે કરો છો શું કામ ? આવો પ્રશ્ન કોઈ ઉઠાવતું નથી . આને લીધે તમે એવું માની લીધું છે કે તમારામાં કોઈ દોષ છે નહીં , તમારા હાથે કોઈ ભૂલ થતી નથી . યાદ રાખજો , તમારામાં દોષ છે એવું કોઈ કહેતું નથી એનો અર્થ એ નથી કે તમારામાં દોષ નથી . તમારામાં દોષ હોઈ શકે છે . તમે ભૂલ કરી રહ્યા છો એવું કોઈ બોલ્યું ન હોય એનો અર્થ એ નથી કે તમે ભૂલ નથી કરી રહ્યા . બની શકે છે કે તમારા હાથે કોઈ ભૂલ થઈ રહી હોય . તમારામાં દોષ છે એ તમને પોતાને યાદ હોવું જોઈએ . બીજા આવીને કહી જાય એ પછી તમને સમજાય કે તમારામાં દોષ છે એ કેવું વિચિત્ર કહેવાય ?
તમારામાં ગુણ હોય અને તમારા ગુણની પ્રશંસા ના થાય એનો અર્થ એ નથી કે તમારામાં ગુણ નથી . તમારામાં દોષ હોય અને તમારા દોષની સમીક્ષા ન થાય એનો અર્થ એ નથી કે તમારામાં દોષ નથી . પોતાના ગુણ બાબતે આત્મવિશ્વાસ રાખવો જોઈએ અને પોતાના દોષ બાબતે આત્મજાગૃતિ રાખવી જોઈએ . બીજા કંઈક કહેશે એના પર નિર્ભર રહેવાની કોઈ જરૂર નથી . તમારે જે સાંભળવું છે એ સાંભળવા ના મળે , તમારે જે નથી સાંભળવું એ સાંભળવા ના મળે ત્યારે સંભાળજો .
