Home Gujaratiસમયની સંભાળ લો

સમયની સંભાળ લો

by Devardhi
0 comments

 સમયની સંભાળ લો
ઘડિયાળનો કાંટો કોઈની રાહ જોતો નથી . કેલેન્ડરનાં પાનાાં કોઈની શરમ રાખ્યા વગર આગળ નીકળી જાય છે . મહિનાના દિવસો સવારે આવીને રાતે ડૂબ્યા કરે છે રોજે રોજ . તમારી જિંદગીમાં વરસો ૮૦ હોય તો તમારે ૮૦ વરસ પ્રમાણે પ્લાંનિંગ કરવાનું રહે . એક જિંદગીને ૮૦ વરસોનું સંગઠન ચલાવે છે . એક વરસને બાર મહિનાનું સંગઠન ચલાવે છે . એક મહિનાને ત્રીસ દિવસનું સંગઠન ચલાવે છે . એક દિવસને ચોવીસ કલાકનું સંગઠન ચલાવે છે . એક કલાકને ૬૦ મિનિટનું સંગઠન ચલાવે છે . એક મિનિટને ૬૦ સેકન્ડનું સંગઠન ચલાવે છે . મતલબ એ થયો કે ૮૦ વરસની જિંદગીનું ઘડતર એક એક સેકન્ડથી થાય છે . તમારે સોચવાનું છે .

 
તમારો સમય કોને અપાય છે , કેટલો અપાય છે . તમારો સમય કેટલો નકામો જાય છે , કેટલો કામ લાગે છે . તમારો સમય તમારી ધારણા મુજબ વપરાય છે કે તમારી ધારણા બહાર વપરાય છે . તમારે સમયને સાચવીને તમારી આખી જિંદગીને સાચવવાની છે . ટીપે ટીપે સરોવર ભરાય તેમ સેકન્ડે સેકન્ડે જિંદગી ઘડાય . નાની તિરાડની ઉપેક્ષા કરનારો મોટી ભીંતને તૂટતી રોકી શકતો નથી . થોડી સેકન્ડ્સની ઉપેક્ષા કરનારો પણ આખી જિંદગીને બગડતી રોકી શકતો નથી . તમે આયોજન વિના કામ કરો છો . સારું લક્ષ બાંધ્યા વિના ધંધે વળગી જાઓ છો , તેમાં સમયનો ખો નીકળી જાય છે .

 

સમયની બાબતમાં તમે સ્વતંત્ર છો . તમારે સમય ક્યાં વાપરવો તે નક્કી કરવાનું છે . જો તમે સમયની વ્યવસ્થા ગોઠવી શકતા નથી તો તમે ક્યારેય સ્વતંત્ર જિંદગી જીવી શકતા નથી . ગુમાવેલા પૈસા પાછા આવી શકે , ચોરાયેલા દાગીના પાછા મળી શકે પણ ગુમાવેલો સમય પાછો મળવાનો નથી . આજનું ઘડિયાળ બાર વગાડશે અને આવતી કાલનું ઘડિયાળ બાર વગાડશે ત્યારે સમયનો આંકડો એક ભલે દેખાતો પણ પૂરા ચોવીસ કલાકનો ફરક પડી ગયો હશે .
સમયની સંગાથે રહો . સમય જે શિસ્તથી ચાલે છે એ જ શિસ્તથી તમારી જવાબદારી સંભાળો . સમય જેમ નિયમિત છે તેમ કામમાં નિયમિત રહો . સમયમાં બાંધછોડ નથી તેમ તમારાં સારાં કામોમાં બાંધછોડ કરવાનું શક્ય નથી .

 
તમારાં દરેક કામો સાથે તમારો સમય જોડાશે . તમે જે કામ કરશો તે કામને તમારે સમય આપવો જ પડશે . તમારી ઈચ્છા મુજબ તમે કામ કરો અને તેમાં તમારી પાત્રતાને અન્યાય થતો હોય તો એ સમયનો બગાડ છે . તમારી ઈચ્છા અને તમારી પાત્રતાનો સુમેળ રચીને કામ નક્કી કરો . તમારો સમય યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાય તો તમે સમયની સંગાથે રહ્યા છો . તમે યોગ્ય જગ્યાએ અયોગ્ય રીતે સમય વેડફો , અયોગ્ય જગ્યાએ પણ અયોગ્ય રીતે સમય વેડફો તે સમયનો સથવારો તોડવા જેવું કામ છે . સમય સાથે સંકળાતું કામ સારું હોય અને કામ સાથે સંકળાતો સમય સારો પૂરવાર થાય તે માટે તમે જવાબદાર બનો .

 
તમારી પાસે પોતાની માલિકીનું કહી શકાય તેવું તત્ત્વ એક જ છે , તમારો સમય . પૈસા કમાઈને મેળવવા પડે , સમય જન્મજાત મળે . પરિવાર મૂડ પ્રમાણે સાચવે , સમય તો સતત સાચવે . સમયને બગાડવાનો નથી . સમયને ઉજાળવાનો છે . સમયની  સંભાળ લો . 

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.