Home Gujaratiઆજે સો વરસના થયા શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજા . સો વરસના આયુષ્યનું રહસ્ય શું છે ?

આજે સો વરસના થયા શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજા . સો વરસના આયુષ્યનું રહસ્ય શું છે ?

by Devardhi
0 comments

શતાયુષી

પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા શતાયુષી હતા , તેઓ ગણનાયક પણ હતા . શ્રી બાપજી મહારાજ શતાયુષી હતા અને ગણનાયક પણ હતા . શ્રી હેમશ્રીજી મ. શતાયુષી હતા અને ગણનાયિકા પણ હતા . આ હતા હતા વાળી સૂચિમાં એક – છે – જોડાય છે .  આજથી  સકલ શ્રી સંંઘ ગૌરવથી કહી શકશે કે અમારા શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજા શતાયુષી છે અને ગણનાયક પણ છે .

ફ્રાન્સની મહિલા જિયાન્ને લાઉસે કાલ્મેન્ટ ૧૨૨ વરસ , ૧૬૪ દિવસ સુધી જીવી હતી , સન્ ૧૮૭૫થી ૧૯૯૭ . અમેરિકન લેખિકા કારલોટ્ટે હ્યુગિશ ૧૧૫ વરસ , ૨૨૮ દિવસ જીવી હતી , સન્ ૧૮૭૭થી ૧૯૯૩ . તુર્કી દેશના ઝારો આગા ૧૫૭ વરસ જીવ્યા હતા , સન્ ૧૭૭૭થી ૧૯૩૪ . ૨૮ ઓગસ્ટ , ૨૦૨૦ના દિવસે જાપાનના કાને તનાકા ૧૧૭ વરસ , ૨૩૯ દિવસની લાંબી જિંદગી જીવનારા સૌથી વૃદ્ધ પુરૂષ જાહેર થયા છે . આવા કેટલાય નામ ગૂગલ બાબા પાસેથી જાણવા મળે છે . આ લોકોએ સાધનાના ક્ષેત્રે કોઈ પુરુષાર્થ કર્યો નથી . કેવળ શતાયુષી હોવાને લીધે તેઓ ચોક્કસ વર્તુળમાં પ્રખ્યાત બન્યા છે .

સો વરસની લાંબી જિંદગી જીવવા માટે શું કરવું જોઈએ આ પૂછાતો આવ્યો છે અને એના વિધવિધ જવાબ પણ અપાયા છે . વેબદુનિયાના અનિરુદ્ધ જોશી જણાવે છે કે પાંચ કામ કરવાથી શતાયુષી બનવાની સંભાવના વધે છે : જળ નિયંત્રણ , શ્વાસ નિયંત્રણ , ઉચિત આહાર , નિયમિત અંગ સંચાલન , યોગનિદ્રા . લિન્ડા ગ્રેટન અને એન્ડ્ર્યુ જે સ્કોટ દ્વારા લખાયેલી ધ હન્ડ્રેડ યેર લાઈફ નામની બુક ઇન્ટરનેશનલ માર્કેટમાં સન્ ૨૦૧૬થી ધૂમ મચાવી રહી છે . હું એમ માનું છું કે સો વરસની લાંબી જિંદગી જીવવા માટે શું કરવું જોઈએ – આ પ્રશ્ન ખોટો છે . પ્રશ્ન એ હોવો જોઈએ કે શતાયુષી વ્યક્તિએ એવું શું કર્યું જેનાં કારણે તેમને સો સુધી પહોંચવામાં કોઈ અવરોધ ન નડ્યો ? આ પ્રશ્નનો જવાબ શ્રી દોલત સાગરસૂરિજી મહારાજાની જીવન શૈલીમાંથી મળે છે . તેમણે છ નિયમોનું જડબેસલાક પાલન કર્યું છે .

 નિયમ ૧ . ઉપવાસ તપ 
——————-
તેઓ અવારનવાર ઉપવાસ કરે છે . જૈન પદ્ધતિ મુજબનો એક ઉપવાસ પેટને ૩૬ કલાક માટે આરામ આપે છે . નેચરોપેથી અનુસાર રોજ ૧૬ કલાક આહાર ગ્રહણ ન કરવાથી શરીરનો કચરો બળે છે . ૩૬ કલાકનો એક ઉપવાસ શરીરમાં રહેલ ટોક્સિનને ઘણેઅંશે બાળી નાંખે છે . આમ ઉપવાસ દીર્ઘાયુમાં મદદગાર સાબિત થાય છે . સૂરિભગવંત કે કોઈ પણ સાધક સ્વાર્થી રીતે દીર્ઘાયુની કામનાથી તપ કરતા નથી . તપ કામનામુક્ત જ હોય છે . તપ દ્વારા થનારી પ્રક્રિયા પોતાનો પરચો બતાવે છે . સૂરિભગવંતે જીવનમાં કેટલા ઉપવાસ કર્યા છે એનો જવાબ તમે એમનાં શ્રીમુખે સાંભળજો . તમને શતાયુનું રહસ્ય જડી આવશે .
નિયમ ૨ . ઉનોદરી તપ
——————-
નાસ્તો હોય કે જમવાનું હોય , અમુક લોકો દબ્બાવીને ખાતા હોય છે . ઉનોદરીનો નિયમ કહે છે કે જમવાના સમયે થોડાક ભૂખ્યા પેટે ઊઠવાનું લક્ષ્ય રાખવું જોઈએ . શરીરને પાચનશ્રમ ઓછો પડે છે એનો ફાયદો દીર્ઘાયુને મળે છે . સૂરિભગવંતનો આહાર સંયમ પ્રબળ છે . તેઓ થોડુંક આરોગીને અટકી શકે છે . આવું મનોબળ બધામાં હોતું નથી .
નિયમ ૩ . વૃત્તિ સંક્ષેપ તપ
———————-
એક દિવસમાં સીમિત દ્રવ્યો જ આરોગવા જોઈએ . પાંચ કે દસ કે પંદર દ્રવ્યોથી કામ ચાલી શકે છે . જે દેખાય , જે હાથમાં આવે તે ખાવું જ એવો નિયમ નથી . મારે આ નથી ખાવું , આવું બોલવાનો અને એ મુજબ વર્તવાનો તમને હક છે . સૂરિભગવંત શું નથી વાપરતા એનું લિસ્ટ મોટું છે . એક દિવસમાં તેઓ તદ્દન થોડાં દ્રવ્યો લે છે . ખાવાનો શોખ ઓછો રાખવો જોઈએ . દીર્ઘાયુનો આ ત્રીજો નિયમ છે : ખાવા માટે જીવન નથી . જીવન ચલાવવા પૂરતું જ ખાવાનું છે . સૂરિભગવંત સીમિત દ્રવ્યોથી દેહનિર્વાહ કરે છે . ઘણીબધી વસ્તુઓ ખાવાનો શોખ એમને પહેલેથી જ નથી .
નિયમ ૪ . રસત્યાગ તપ
———————
ભાવતી વસ્તુ માણસ વધારે ખાય છે , વારંવાર ખાય છે . છ વિગઈનો ત્યાગ , છમાંથી એક વિગઈનો ત્યાગ , મીઠાઈનો ત્યાગ , ફરસાણનો ત્યાગ . ઘી કે તેલનો
ત્યાગ . દૂધ કે દહીનો ત્યાગ . આવા ત્યાગ માટે મક્કમ મન હોવું જોઈએ . જે આવો ત્યાગ કરી જાણે છે એનું માનસ સુદૃઢ હોય છે . જે ભાવે છે તે બધું જ ખાવું છે આ વૃત્તિ કમજોર માનસની નિશાની છે . અમુક વસ્તુઓ નથી જ ખાવી એવો સંકલ્પ , સુદૃઢ માનસની નિશાની છે . સૂરિભગવંતે પોતાની સ્વાદવૃત્તિને પૂરેપૂરી અંકુશમાં રાખી છે . આત્માનંદની અનિર્વચનીય અનુભૂતિ પામનારા શતાયુષી સૂરિદેવને સ્વાદના અભરખા ન હોય એ સ્વાભાવિક છે . એ જ એમની સાધનાની જીત કહેવાય . નિયમ સ્પષ્ટ છે : દીર્ઘાયુ એ જ બની શકે છે જે સ્વાદવિજેતા હોય .
નિયમ ૫ . કાયક્લેશ તપ
——————–
શરીરને કષ્ટ સહન કરવાની આદત હોવી જોઈએ . ચાલવું – ઘણુંબધું ચાલવું . લોચ કરવો . ઊભા ઊભા ક્રિયાઓ કરવી , કાઉસગ્ગ કરવા . અનુકૂળતાઓથી દૂર રહેવું . આ શારીરિક કષ્ટો , જીવનઊર્જાને વધારે છે . યોગવિંશિકાના પ્રારંભે ठाण એટલે કે स्थान નામનો યોગ ઉલ્લિખિત છે . એમાં કાયિક મુદ્રાઓનું વિધાન છે . શરીરને કષ્ટ આપીને પણ મનને પ્રસન્ન રાખવું એ સાધના છે . સૂરિભગવંતે કાયાને કેટલી શિસ્તમાં , કેટલાં અનુશાસનમાં અને કેટલી યોગમુદ્રામાં રાખી છે એ જોવા એમની નજદીકમાં રહેવું પડે . સો વરસની વયે તેઓ પોતાનાં કામ પોતાના હાથે કરી શકે છે . શરીરમાં એમણે આળસ નામની ચરબી જમા થવા દીધી નથી . તેઓ થાક્યા નથી , અટક્યા નથી , ઝંખવાયા નથી . તેઓએ સહેજ ધીમા થવાનું સ્વીકાર્યું છે . શરીરને અંકુશમાં રાખવાની કળા એમણે એવી આત્મસાત્ કરેલી છે કે તેઓ પોતાની ઉંમરથી વીસેક વરસ નાના લાગે છે .
નિયમ ૬ . સંલીનતા તપ
——————–
શરીરને એક મુદ્રામાં લાંબો સમય સુધી સ્થિર રાખવાનું કૌવત કેળવવાનું હોય . પદ્માસન , પર્યંકાસન જેવી મુદ્રામાં લાંબો સમય બનેલા રહેવું જોઈએ . પ્રભુ વીરનો દીક્ષાકાળ , પવિત્ર કાયામુદ્રાઓનો સમૃદ્ધ ઉત્સવ હતો . હસ્તમુદ્રાઓ પણ હોય છે અને એનો વિવિધ રીતે પ્રયોગ પણ થતો હોય છે . સૂરિભગવંતની બોડી લેંગ્વેજ , તેમની ક્રિયાઓમાં દર્શનીય હોય છે . જે મનને સ્થિરતા આપી શકે તે જ તનને સ્થિરતાથી બાંધી શકે છે . મન થોડું પણ ચલિત થાય તો શરીર સ્થિરતાનો ભંગ કરી બેસે છે . સ્થિરતા હાથ-પગની , આંખોની , હોઠ-જીભની , આંગળીઓની . મન પરનો અંકુશ એ સાધનાની સૌથી મોટી શક્તિ છે . સૂરિભગવંતનું મન નિર્મલ છે , નિશ્છલ છે અને ( અનુપ્રાસની લાલચ વગર કહીએ તો ) નિશ્ચલ છે . આવું મન જેણે બનાવ્યું હોય એને દીર્ઘાયુ મળે જ છે . એમનો અવાજ અને એમનું હાસ્ય તથા સ્મિત , એમના નિર્મલ માનસની સાખ પૂરે છે .

સૂરિદેવે આ છ નિયમોને એટલે કે છ બાહ્ય તપને આત્મસાત્ કરેલા છે એને જ શતાયુનું રહસ્ય ગણાવી શકાય .

બે સ્પષ્ટતા જરૂરી છે . જૈન પરિભાષાનાં છ બાહ્ય તપ ફક્ત અને ફક્ત આત્મશુદ્ધિ માટે જ કરવાના હોય છે , આ એક . અમુક કામ કરવાથી આયુષ્ય વધે છે એવું કર્મસિદ્ધાંતમાં લખ્યું નથી , આ બીજી . છતાં છ બાહ્ય તપની બહિરંગ શક્તિનું માહાત્મ્ય પણ ગાવું જોઈએ . મોક્ષદાયક તપનું ગૌરવ વધવું જોઈએ . સૂરિદેવે તપનું ગૌરવ વધાર્યું છે , સમગ્ર જૈનશાસનનું ગૌરવ વધાર્યું છે .

જેમનાં શતાયુષી જીવનને જોઈને છ પ્રકારનાં બાહ્ય તપને આચરવાની અસીમ પ્રેરણા મળે છે , જેઓ તપની દોલતના અખૂટ સાગર છે એવા સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીદોલતસાગરસૂરીશ્વરજી મહારાજા વર્તમાન જૈનશાસનમાં વિરલ એવા શતાયુષી સૂરિદેવ બન્યા છે એની અનંત અનંત અનુમોદના .

( શતકવીરમ્ ગ્રંથ માટે વિશેષ આમંત્રણ દ્વારા લિખિત )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.