Home Gujaratiમહારાષ્ટ્રદેશોદ્ધારની એક સ્મરણગાથા – ૧

મહારાષ્ટ્રદેશોદ્ધારની એક સ્મરણગાથા – ૧

by Devardhi
0 comments

ભારતભૂમિ પર રાજાઓનાં શાસન ચાલતાં ત્યારે દિગ્વિજય થતા. ચક્રવર્તી ષટ્ખંડની વિજયયાત્રા સાધતા. મોટા સમ્રાટ્ હોય તે ભારતની ચારે દિશામાં યુદ્ધો ખેડીને સાર્વભૌમ બનતા. એ વિજેતા મહારાજાની આજ્ઞા મુજબ રાજ્યો ચાલતા અને સંસ્કૃતિ ઘડાતી. રાજ્ય શાસન નબળા પડતા ત્યારે અવ્યવસ્થા ફેલાતી,સંસ્કૃતિને ઘસારો પહોંચતો. સૈકાઓથી આમ ચાલે છે. ભગવાન શ્રી ઋષભદેવ પરમાત્માના સમયે જૈન શાસનનો દિગ્વિજય થયો હતો. સમય વીતતો ગયો તેમ દિશાઓ બદલાતી ગઈ, સંકેલાતી થઇ. છેલ્લે રાજર્ષિ કુમારપાળના સમયમાં અઢાર દેશ સુધી આપણો અહિંસામય ધર્મ પહોંચ્યો હતો. આ અઢાર દેશોમાં એક દેશનું નામ હતું મહારાષ્ટ્ર. કાળના પ્રવાહમાં અઢાર દેશો સાથેના સંબંધની ભૂમિકા બદલાઈ. ક્યાંક ધર્મ રહ્યો, ક્યાંક અવશેષો રહ્યા. વારસાગત રીતે ધર્મ મળતો તોય ધર્મની સમજણ અને લાગણી ન મળતી. પરિવારોમાંથી ધર્મ ભુલાતો ચાલ્યો હતો. આદરભાવ હતો, પણ એટલા માત્રથી ધર્મ ના ટકે. ધર્મની ઊંડી જાણકારી, સાચી સમજણ અને પાક્કી નિષ્ઠા જોઈએ. મહારાષ્ટ્ર દેશમાં ધર્મની હાજરી હતી. ગામોમાં જૈન પરિવારો હતા. જૈનત્વ અને ધર્મનું સ્વત્વ ઓસરી રહ્યું  હતુું . તે કાળે અને તે સમયે પરમ શાસન પ્રભાવક અને વ્યાખ્યાન વાચસ્પતિ તરીકે ગુજરાતની ભૂમિ પર અતિશય પ્રસિદ્ધિ પામનારા એક સમર્થ મહાપુરુષે મહારાષ્ટ્રની ધરતી પર પગલાં માંડ્યા. ઝાંખી પડેલી ધર્મચેતનાને નવું તેજ મળ્યું. વિસરાયેલા આત્મધર્મને એમની પધરામણીથી આધાર મળ્યો. હજારો લોકોનાં અંતરમાં બોધિનાં વાવેતર થયાં હતાં. દિગ્વિજયની જેમ જ ચોમેર જયજયકાર ગાજ્યો હતો. સમર્પણનું સામ્રાજ્ય છવાયું હતું. ધર્મ સાથે સંબંધ સુદૃઢ બન્યો હતો. મહારાષ્ટ્રનાં ગામડે ગામડે એ મહાપુરુષ ફર્યા. ઘર એક હોય કે અગિયાર હોય એ ગામમાં પગલાં કર્યા જ. મોટા હોલ ભરાય કે નાની ઓરડી ભરાય, શ્રોતા આવે તેમને ધર્મ સમજાવ્યો જ. થાક ન ગણકાર્યો, રઝળપાટ જેવા આકરા વિહારોની ફિકર ના કરી. આહાર પાણીની ઉપેક્ષા જ કરી. આગતા સ્વાગતની અપેક્ષા ના રાખી. પ્રભુનો ધર્મ જીવે અને વહેતો રહે આ જ ભાવના. યોગ્યતાને સાચા ઉપદેશથી ખીલવવા માટે બધું જ વેઠ્યું. વગર વાદળે વરસ્યા, વગર વીજળીએ ચમક્યા અને વગર આડંબરે ગરજયા. મહારાષ્ટ્રની ડુંગરાળ ધરતી પર નવી આબોહવા સર્જાઈ. લોકોને આ ચમત્કાર પહેલાં તો ન સમજાયો. સમજાયો ત્યારે એમને પોતાનો કાળો ભૂતકાળ યાદ આવ્યો. અજવાસભર્યા આજની અવસ્થાના સર્જનહાર મહાપુરુષ પ્રત્યે મહારાષ્ટ્રવાસીઓ પાગલ બની ગયા. તાજેતરમાં આચાર્યપદ લઈને આ તરફ પધારેલા આ મહાન સૂરિદેવને મહારાષ્ટ્રની જનતાએ એક નવું પદ અર્પિત કર્યું : મહારાષ્ટ્રદેશોદ્ધારક. 

પૂનાથી કરાડનો વિહાર-તે મહારાષ્ટ્રદેશોદ્ધારની ઈતિહાસકથાનું એક સ્વતંત્ર પ્રકરણ છે. વિહાર અને વ્યાખ્યાન એક બીજા સાથે ગૂંથાઈ ગયા હતા. વિહારની એક અસર હતી, તો વ્યાખ્યાનનો એક પ્રભાવ હતો. આ પ્રવચનગ્રંથમાં મહારાષ્ટ્રદેશોદ્ધારનું આ આગવું પ્રકરણ મહદંશે શબ્દબદ્ધ થયું છે. મહારાષ્ટ્રની પહાડી પ્રજા છે. મરી ફીટવા જેટલી નિષ્ઠા દાખવામાં સૌથી પહેલા આવે. એમની ખુમારીમાં ધર્મનો પ્રવેશ કરાવીને એ સૂરિભગવંતે દક્ષિણ ભારતમાં જિનશાસનની પ્રભાવના સાચા અર્થમાં કરી હતી.જ્યાર સુધી મહારાષ્ટ્રમાં ધર્મશ્રદ્ધા જીવશે ત્યાર સુધી એ સૂરિભગવંતનું નામ જીવશે. મહારાષ્ટ્રની માટીમાં ધર્મભાવનાના અંકુરા સીંચનારા એ સૂરિભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આજે સદેહે ઉપસ્થિત નથી. ઇતિહાસની નવી સીમા કંડારનાર આ યુગપુરૂષનાં ૪૦૦થી વધુ પ્રવચનપુુસ્તકો મૌજૂદ છે . વાર્તા કહીએ, રસરંગ પૂરીએ તો જ લોકોને (નવા લોકોને) મજા આવે, તેવી માન્યતાનો અહીં છેદ ઉડે છે. કથા વગર સૂરિભગવંતને બરોબર ચાલ્યું છે. વચ્ચે સિકંદરની કથા કહ્યા બાદ સૂરિભગવંતે ટિપ્પણી કરી છે: સિકંદર બાદશાહને માટે કહેવાતી આ વાત સાચી હોય કે ખોટી હોય, પણ તેમાંની વસ્તુ તો સાચી જ છે. કથાને ખાસ મહત્ત્વ ન આપવાની સૂરિભગવંતની વિશેષતા અહીં સ્ફુટ થાય છે. કથા અસર જરૂર કરે. જોખમી મુદ્દો એટલો જ રહે કે વ્યાખ્યાન પત્યા પછી માત્ર કથા જ યાદ આવે, પદાર્થબોધ બાજુ પર રહી જાય. બીજી વખત ધર્મ સાંભળવાની તક જેમને ભાગ્યે જ મળશે તેવા જીવોને કથાના રસમાં તાણી જઈને ધર્મનાં રહસ્યોની ઓછા સમીપમાં લાવવાની નીતિ સૂરિભગવંતને પસંદ નથી. તેમણે તો સાદી અને સહજ ભાષામાં બધું જ સમજાવી દીધું છે. મુખ્ય ધરી અહીં – ધર્મનો રસ અને પાપનો ડર આ બે સદ્ ગુુણોની આસપાસ ફરે છે. આત્મધર્મ અને આત્મવાદની ગહન વાતો પણ સરળતાથી આવતી જાય છે. સુખદુઃખની સ્પષ્ટતા તો ગજબ છે : આ સુખદુઃખની લાગણી ઉત્પન્ન થવામાં માણસની મનોવૃત્તિ જ મુખ્ય કારણભૂત છે.દાર્શનિક કક્ષાનું આ સત્ય સાવ સુબોધ શબ્દોમાં પ્રસ્તુત થયું છે. આ પુસ્તકના વ્યાખ્યાનો માત્ર વ્યાખ્યાનો નથી. એ તો ધાર્મિક જુવાળ પેદા કરનારા પ્રેરક તત્વો છે. ગામેગામ અને ઘેર ઘેર આ વ્યાખ્યાનો શ્રદ્ધેયભાવે ચર્ચાયા છે. એના દરેક શબ્દોમાંથી, સંજીવનીનો જાદુ ઝર્યો છે. ગણ્યા ન ગણાય એટલા બધા આત્માઓને આ અઢારદિવસીય વિહાર પ્રવચનોએ સંબોધીનું દાન કર્યું છે. આ પ્રવચનો આજે વાંચીએ છીએ ત્યારેય લાગે છે તો એવું જ કે આ તો નવાં જ પ્રવચનો છે. તો ટૂંકમાં જાણીએ એ વિહારોનો અહેવાલ અને પ્રવચનોનો સારાંશ. ( ક્રમશઃ )

( પૂનાથી કરાડ સુધીનાં પ્રવચનો – પુસ્તકની પ્રસ્તાવના )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.