Home Gujaratiતમે કોને કોને દુઃખ આપ્યું છે : જરા યાદ કરો કુરબાની

તમે કોને કોને દુઃખ આપ્યું છે : જરા યાદ કરો કુરબાની

by Devardhi
0 comments

જરા યાદ કરો

તમને બીજા લોકો દુઃખી બનાવતા હશે . તમારી પાસે ઘણાં નામ હશે . તમને હેરાન કરનારા એ લોકો માટે તમને ગુસ્સો હશે . બીજી બાજુ તમારા હાથે દુઃખી થયેલા લોકો પણ છે . એવા અનેક માણસો છે જેમને તમારા હાથે ખલેલ પહોંચી છે . એ લોકોને તમારી માટે ફરિયાદ છે .

 

આ સિવાય એક ત્રીજી બાજુ છે . તમને ખબર ન હોય તે રીતે તમારી માટે દુઃખી થનારા પરિવારજનો છે . એમને તમારી ચિંતા છે . એમને તમારો વિચાર આવે છે . એ લોકોએ તમારી માટે પસીનો પાડ્યો છે . એમણે તમારો બચાવ કરવા માટે ઝગડો વહોરી લીધો છે . તમારી માટે એમણે પોતાની ઈચ્છા સાથે બાંધછોડ કરી છે . તમારી માટે એમણે પોતાની ઊંઘ હરામ કરી છે . એ લોકો તમારી સાથે જીવી રહ્યા છે . એમને પોતે આપેલી કુરબાની યાદ નથી . એમણે તો તમારી માટેની લાગણીથી આ બધું કર્યું .

 

એ તમારી માટે ઘસાયા છે . તમારી માટે દોડધામ કરીને એ થાક્યા છે અને હરખાયા છે . તમારી ભૂલને માફ કરીને એ તમને ચાહતા રહ્યા છે . તમે કરેલા ગલત આક્ષેપો ગળી જઈને એ તમને પ્રેમ આપતા રહ્યા છે . તમારી જીદ સામે ઝૂકીને પણ એ તમારાં મનને રાજી રાખવા માંગે છે . તમે એમની સાથે જૂઠું બોલ્યા તો પણ એ તમને સાચા માની રહ્યા છે . તમે એમનાથી ઘણી વાતો છુપાવી છે તો પણ એ લોકો તમને પોતાના અંગત સ્વજન તરીકે સન્માન આપે છે .

 

તમે એમને કાંટા આપ્યા છે , એ તમને ફૂલ આપે છે . તમે એમની ટીકા અને સમીક્ષા કરી છે , એ તમારી પ્રશંસા કરી રહ્યા છે . તમે એમને ઉતારી પાડ્યા છે . એ તમને સમાજમાં ખૂબ ઊંચા સ્થાને બેસાડવા માંગે છે . તમે એમની વાત સમજવા તૈયાર નથી . એ તમને બરોબર સમજી શકે છે .

 

તમારા ઘરમાં રહેનારા સ્વજનો તમારા ઉપકારી છે . એમણે તમને પ્રેમ આપ્યો છે . એમણે તમારી પર વિશ્વાસ મૂક્યો છે . એ તમારાં હિતની ચિંતા કરી રહ્યા છે . સામે પક્ષે તમે એમને ધિક્કાર આપ્યો છે , અપમાન આપ્યું છે અને એમની સાથે નવો ઝગડો કરવાની તમારી તૈયારી છે . આપણને પ્રેમ આપનારને આપણે દ્વેષ આપીએ તો ગુનેગાર આપણે જ છીએ .

 

તમે બીજાને દુઃખ આપ્યું હોય તે તમને યાદ હોઈ શકે છે . તમારી માટે કોઈ દુઃખી બન્યું છે તેની તમને ખબર ના પણ હોય . તમે નવી નજરે તલાશ કરો . તમે સુખી છો તે માટે કોઈને દુઃખી થવું પડ્યું છે ? નાનું બાળક મોંઘા કપડાંની હઠ પકડે છે . ગરીબ માબાપ , મહામહેનતે એ કપડાં લાવી આપે છે . બાળક રાજી થાય છે . બાળકને પોતાનું સુખ જોતી વખતે માબાપને પડેલું દુઃખ સમજમાં નથી આવતું . માબાપ પણ બાળકને સુખ મળ્યું છે તે જોઈને પોતાનું દુઃખ ભૂલી જાય છે . બાળક અને માબાપના કિસ્સામાં બન્યું તે તમારા કિસ્સામાં બની રહ્યું છે .

 

તમને સુખ મળી રહ્યું છે તે માટે કોઈ દુઃખ ભોગવી રહ્યું છે . તમારા સુખ માટે કોઈ પોતાનું સુખ છોડી રહ્યું છે . તમારા અહંને સંતોષવા કોઈ પોતાના અહંને છોડી દે છે . તમારી ઈચ્છાને પૂરી કરવા માટે કોઈ પોતાની ઈચ્છાને કોરાણે મૂકી રહ્યું છે . તમારી ખાતર કોઈ પોતાનાં મનની કુરબાની આપી રહ્યું છે . તમને એ દેખાઈ રહ્યું છે કે નથી દેખાઈ રહ્યું એ તમારી ભાવનાની સચ્ચાઈની પરીક્ષા છે . તમને ખબર ન હોય તો એ તમારી સ્વાર્થી ભાવના છે . તમે તમારી પાછળ દુઃખી થનારાની કુરબાની યાદ કરશો તો તમારી જિંદગી ઉજમાળ બનશે . બીજાની પાછળ તમે દુઃખી થાઓ તે તમારી લાગણી અને નિષ્ઠા છે . તમારી પાછળ તમારા સ્વજનો દુઃખી થયા હોય તે એમની લાગણી અને નિષ્ઠા છે . તમારે એની કદર કરવી જ જોઈએ .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.