Home Gujaratiવનવગડે વિહરે વીર ( ૪.૨ )

વનવગડે વિહરે વીર ( ૪.૨ )

by Devardhi
0 comments

 

પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે

( ૨ )

પરંતુ વૃષભોને કોઈની પડી નહોતી . એમનો માલિક ગયો . એમને બીજા કોઈની તમા નહોતી . એ થોડોક વખત દેવાર્યની પાસે રહ્યા . દેવાર્યની છાયામાં એમને સારું લાગ્યું હશે . એમનો માલિક તો ઝટ પાછો આવ્યો નહીં . માલિક એમને ગામમાં ઘેર લઈ જાત તો ત્યાં એમને ચારોપાણી તરત મળી જાત . માલિક એમને ઘેર ન લઈ ગયો . એમને ભૂખ લાગી હશે . એ જાડા હોઠને ફફડાવતા ફફડાવતા જંગલ ભણી નીકળી ગયા . દેવાર્યે આ બળદોનો ઠેકો લીધો જ નહોતો .

દેવાર્ય મોટા રાજમહેલ છોડીને નીકળ્યા હતા . રાજમહેલમાં હાથી હતા , ઘોડા હતા , ઊંટ હતા , દૂધાળા જનાવરોનો પાર નહોતો . દેવાર્યને એ રૂપાળા પશુઓ ત્યાગવામાં કોઈ સંકોચ થયો હતો . જંગલમાં અચાનક આવી પડેલા બળદિયામાં દેવાર્યને શું રસ પડવાનો ? દેવાર્યે બળદને મંગાવ્યા નહોતા . દેવાર્યે બળદની સામે જોયું સુદ્ધા નહોતું . બળદ ગયા એની ચિંતા દેવાર્યે કરી નહીં . દેવાર્ય નિર્લેપ હતા .

પણ એ બળદોનો માલિક નિર્લેપ નહોતો . એમ સમજો કે બળદ ગયા અને બળદનો માલિક આવ્યો . એણે દેવાર્યની આસપાસ નજર ફેરવી . બળદ ન દેખાયા . એણે દેવાર્યને પૂછ્યું કે, ‘ મારા બળદ ક્યાં ગયા ? ‘

શું આદમી હતો એ ?
‘ બળદ તારા હતા , બળદને સલામત રાખવાની જવાબદારી તારી હતી , તું બળદને એક અજાણ્યા માણસને સોંપીને જતો રહ્યો . તારી એ ભૂલ તને યાદ નથી . હવે એ અજાણ્યો માણસ બળદ પ્રત્યે બેપરવા રહ્યો હોય તો ભૂલ તારી જ કહેવાય . તારે દેવાર્યને આમ કાંઈ પૂછાય નહીં , પાગલ માણસ . ‘ પણ એને આ વાત કોણ સમજાવે ? 

પોતાના બળદિયાઓને શોધવા માટે એ જંગલમાં દોડ્યો . એને ડર હતો કે જંગલમાં બળદની ઉપર કોઈ વનેચર હલ્લો કરી બેસશે તો ન જાણે શું થશે . એ અંધારાથી ટેવાયેલો હતો . એ ચારેકોર શોધતો રહ્યો . એને ન બળદ મળ્યા , ન બળદની નિશાની મળી . એ રઘવાયો થયો . એની રોજીરોટી આ બળદ પર અવલંબિત હતી . એ સહેજ હતાશ થયો . છેલ્લી આશાનાં કિરણ તરીકે તે ફરીથી દેવાર્ય પાસે આવ્યો . ત્યાં એણે આશ્ચર્ય જોયું . એના બળદ દેવાર્ય પાસે બેઠાં બેઠાં કંઈક વાગોળી રહ્યા હતા . એ તો સ્તબ્ધ થઈ ગયો . રાતભર એણે આ બળદને જંગલમાં શોધ્યા અને બળદ તો દેવાર્ય પાસે જ બેઠા હતા . એ ચીડી ગયો .

એને તર્ક વિનાની ગણત્રી માંડી . એણે વિચાર્યું કે દેવાર્યનો ડોળો બળદ પર મંડાયેલો છે . આ સાવ મનહૂસ વિચાર હતો . દેવાર્યને એ દોષિત ઠેરવી રહ્યો હતો . ભલા માણસ , આમાં દેવાર્યનો શો દોષ ? દેવાર્યે તને ચોખા નાંખીને બોલાવ્યો નહોતો . દેવાર્યે તને હા તો પાડી જ નહોતી . આ તો દેવાર્યનો પ્રભાવ હતો કે વૃષભ આમતેમ ફરીને ફરીથી દેવાર્ય પાસે જ આવી ગયા . વર્ના આવડા મોટા જંગલમાં વૃષભ ક્યાંય પણ ભટકી જાય . એ માણસે દેવાર્યનો ઉપકાર માનવો જોઈએ કે તેના વૃષભ દેવાર્ય પાસે જ પાછા આવ્યા અને દેવાર્ય પાસે જ બેઠા . પરંતુ એણે તો એવું વિચારી લીધું કે દેવાર્ય એના વૃષભને ચોરીને સરકી જવા માંગે છે .

દેવાર્યને કેવા કેવા લોકો મળતા હતા ? જુઓ તો ખરા ? પહેલા સોમ બ્રાહ્મણ . પછી આ ગોવાળિયો . બ્રાહ્મણે નિર્ગ્રંથ પ્રભુ પાસેથી દાન માંગ્યું હતું અને આ ગોવાળિયાએ દેવાર્ય પર ચોરીનું આળ મૂક્યું મનોમન . પેલો બ્રાહ્મણ શાંત હતો . આ ગોવાળિયો ગાંડાલાલ હતો . એને ગુસ્સો આવ્યો . એને એમ થયું કે આ ( = દેવાર્ય ) ચોર છે , આ ચોરની ચોરી પકડાઈ ગઈ છે અને આ ચોરને સજા આપવી જ જોઈએ . ( ક્રમશઃ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.