પ્રકરણ ૩ : સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૩ )
આદિવાસિની મહિલાઓ આવી જતી . એમનાં રહેઠાણમાં દેવાર્યની દેહસુગંધ પહોંચતી . તેણીઓ અચરજભેર સુગંધની દિશા પકડીને દેવાર્ય સુધી આવી પહોંચતી . દેવાર્યની અલૌકિક સૌંદર્યસંપન્ન કાયાને જોઈને તેઓ વિહ્વળ બની જતી . તેઓ દેવાર્યને પોતાની સાથે સંબંધ બાંધવા પ્રાર્થના કરતી . ઘોર જંગલની વચાળે , ઊંચા વૃક્ષોની છાયાતળે એકાંતમાં એ વનવાસિનીઓ યૌવનનું પ્રદર્શન કરી દેવાર્યને અભિભૂત કરવા મથતી . એમના ચેનચાળાથી દેવાર્ય ચલિત થતા નહીં .
એ સુગંધી દ્રવ્યની માંગણી કરતી એનો જવાબ ન મળતો. એ કામપ્રાર્થના કરતી એનો ઉત્તર ન સાંપડતો . દેવાર્ય એ રીતે સાધનામુદ્રામાં નિમગ્ન રહેતા કે જાણે એ નવયૌવનાઓ એમની સામે છે જ નહીં . આ જોઈ એ રૂપગર્વિતાઓનો અહં ઘવાતો . એ ગુસ્સે ભરાતી , વિફરતી . છેવટે એ છંછેડાયેલી વાઘણની જેમ દેવાર્ય પર ગુસ્સો કાઢતી . ગાળો સંભળાવતી , તાંડવ જેવા તિરસ્કાર કરતી . ભૂતિયા કિસમના ધુત્કારી વચનો ઉચ્ચારતી . દેવાર્ય અડગ રહેતા.
આદિવાસી મહિલાઓ નિષ્ફળ જતી . પણ કહાની પૂરી થતી નહોતી . આદિવાસી પુરુષો પણ એ સુગંધથી આકર્ષિત થઈને આવતા. તેઓ દેવાર્યનાં દેહસૌષ્ઠવથી પ્રભાવિત થતા . તેઓ દેવાર્યનું રૂપ જોઈને અચંભિત થતા . સૌથી ખાસ વાત એ હતી કે દેવાર્યની કાયામાં જે સુગંધ આવતી તે એમને ગમતી.
તેઓ દેવાર્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા. દેવાર્યને તેઓ સુગંધી દ્રવ્યનું સરનામું આપવાની અરજી કરતા . દેવાર્ય મૌન રહેતા . એ જોઈને આ ભીલયુવાનો ક઼ડક ભાષામાં સુગંધી ગુટિકાની માંગણી કરતા . એમને એમ લાગતું દેવાર્ય પાસે એવી કોઈ વસ્તુ હશે જેનો લેપ દેહ પર લગાવતા હશે . અલબત્ , એવી લેપ બનાવનારી સુગંધ ગુટિકા દેવાર્ય પાસે હતી જ નહીં . પરંતુ ભીલયુવાનોને લાગતું કે દેવાર્ય પાસે ગુટિકા છે જ . તેઓ માંગતા જ રહેતા . દેવાર્ય મક્કમ રીતે મૌન જાળવી રાખતા .
ભીલયુવાનોને લાગતું કે દેવાર્ય જાણી જોઈને વસ્તુ છુપાડે છે. તે ગુસ્સે ભરાતા ગાળાગાળી કરતા , બરાડા પાડતા . દેવાર્ય ડરતા નહીં . આ ભીલયુવાનોના દિમાગ સટકી જતા . તે લોકો દેવાર્યને પથ્થર મારતા , ધક્કા મારતા . મુલાયમ સુગંધથી શરૂ થયેલી વાત એકતરફી મારામારી સુધી પહોંચી જતી . દેવાર્ય માર ખમી લેતા .
———————
સોમ બ્રાહ્મણે મહારાજા નંદીવર્ધનને આ ઘટનાઓ કહી હતી . મહારાજા નંદીવર્ધનને પારાવાર લાચારીનો અનુભવ થયો હતો . પોતે દેવાર્યની સેવામાં રાજસૈનિકોને મોકલી શકે તેમ હતા. પરંતુ દેવાર્યની એ મૂક સૂચના હતી કે મારી સેવામાં , મારી સુરક્ષા માટે કોઈએ આવવાનું નથી , રહેવાનું નથી .
દેવાર્ય આવું કષ્ટ ઈચ્છતા જ હશે . બાકી દેવાર્ય બોલીને સારો જવાબ આપી દે તો આદિવાસી સ્ત્રી પુરુષોને એ જરૂર સમજાવી શકે . દેવાર્ય સમજાવતા નહોતા . દેવાર્ય મૂકસાક્ષિ બની સહન કરતા હતા .
દેવાર્ય ભમરાઓના ડંખ સહેતા રહ્યા .
દેવાર્ય ભિલ્લવધૂઓના ઉપસર્ગ સહેતા રહ્યા .
દેવાર્ય આદિવાસીઓના પરિષહો સહેતા રહ્યા .
નંદીવર્ધન મહારાજા વિચારતા રહ્યા અને એમની આંખો વરસતી રહી .
વન ઉપનિષદ્
+ જે ગુણવાન્ હોય છે એને હેરાન કરવાનું સહેલું છે. જે ગુણવાન્ બને છે તેણે થોડુંક સહન કરવાની તૈયારી રાખવી જ પડે.
+ મનગમતી સુખસામગ્રી પણ ધર્મથી વિચલિત કરી શકે છે. સુખથી નિર્લેપ રહેવું એ સાધનાનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે.
+ સાધકનું વસ્ત્ર , સાધકની ઉર્જાનું સંગ્રહસ્થાન છે. સાધકનાં વસ્ત્રનો સ્પર્શ, અસાધકને સાધક બનાવે એવી શક્તિ ધરાવતો હોય છે.
