દિવાળીના દિવસો શ્રી મહાવીર સ્વામી ભગવાનનાં નામે લખાયેલા હોય છે . આયુષ્યના છેલ્લા બે દિવસોમાં પ્રભુએ છઠનો તપ કર્યો હતો . આ બે દિવસોમાં ભગવાને અંતિમ દેશના ફરમાવી હતી . ભગવાને મોક્ષમાં જતાં પહેલાં જે જે વિષયનું પ્રતિપાદન કર્યું તેનાં નામ આ મુજબ છે : એક , પુણ્ય અને પાપના વિપાકનું વર્ણન . બે , ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ વિષય . ત્રણ , પુણ્યપાલ રાજાને આવેલ સ્વપ્નનાં અર્થઘટન સ્વરૂપે ભવિષ્ય કથન . ચાર , પ્રધાન અધ્યયનની વિભાવના . આજકાલ પ્રભુની અંતિમ દેશના સ્વરૂપે ક્યાંક ઉત્તરાધ્યયન સૂત્ર અને ક્યાંક સ્વપ્નનો ફલાદેશ આ બે વિષય ઉપર દિવાળીનાં વ્યાખ્યાનો થતાં હોય છે .
આ વ્યાખ્યાનો ખરેખર , પ્રભુ સાથે જોડાયેલા જ ગણાય પરંતુ બીજા બે વિષયને મોટે ભાગે કોઈ અડતું નથી . આ બે વિષય સંબંધી જાણકારી આપણને હોવી જોઈએ . પ્રધાન અધ્યયન શું હતું આ વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ તો ફક્ત એટલું જાણવા મળે છે કે પ્રભુએ પ્રધાન અધ્યયનની વિભાવના કરી હતી , એ વિભાવના ચાલુ હતી એ દરમિયાન જ પ્રભુનું મોક્ષગમન થયું એટલે પ્રધાન અધ્યયનનું વિષય નિરૂપણ પૂરું થયું નહીં . પ્રધાન અધ્યયનનો વિષય અધૂરો રહ્યો તેથી એ પ્રધાન અધ્યયન સંબંધી વિષયનું સંકલન કરતી રચના તત્કાલીન અતિશય જ્ઞાનીપુરુષોએ પણ કરી નહીં . આ કારણે પ્રધાન અધ્યયનમાં વિષય શું હતો ? એની જાણકારી આપણને મળતી નથી .
હવે પુણ્ય અને પાપના વિપાકની વાત કરીએ તો પુણ્ય શું ફળ આપે અને પાપ શું ફળ આપે એનું વિષયનિરૂપણ ભગવાને કર્યું છે એ સમજાય છે . પ્રશ્ન એ છે કે આ વિષય નિરૂપણ કરનારું કોઈ આગમસૂત્ર આજે ઉપલબ્ધ છે ખરું ? આ પ્રશ્નના બે જવાબ છે . પહેલો જવાબ એ છે કે જે રીતે ઉત્તરાધ્યયન સૂત્ર , પ્રભુએ અંતિમ દેશના ફરમાવી એના આધારે રચાયું એ રીતે પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું કોઈ શાસ્ત્ર અંતિમ દેશનાના આધારે રચાયું એવો ઉલ્લેખ મળતો નથી . પરંતુ પુણ્ય અને પાપનાં ફળનું નિરૂપણ કરનારું એક આગમસૂત્ર પહેલેથી જ રચાયેલું હતું એ જાણવા મળે છે . એ આગમસૂત્રનું નામ છે : વિપાકસૂત્ર . વિપાકસૂત્ર એ , દ્વાદશાંગી અંતર્ગત અગિયારમું અંગશાસ્ત્ર છે . વિપાકસૂત્રમાં જે વિષયનું વર્ણન કરવામાં આવ્યું છે એ જ વિષય ઉપર ભગવાન્ અંતિમ દેશનામાં બોલ્યા છે .
અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાક સંબંધી ૧૦ અધ્યયન મળે છે . જ્યારે ભગવાને પુણ્યના વિભાગ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અત્યારે જે વિપાકસૂત્ર મળે છે એમાં પાપનાં ફળ સંબંધી ૧૦ અધ્યયન મળે છે જ્યારે ભગવાને પાપનાં ફળ સંબંધી ૫૫ અધ્યયનની વાત કરી હતી . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પાપના વિપાકની વાત પછી કરી છે . વર્તમાન સમયમાં જે વિપાકસૂત્ર મળે છે . એમાં પાપના વિપાકની વાત પહેલાં છે . અંતિમ દેશના સ્વરૂપે ભગવાને પુણ્યના વિપાકની વાત પહેલાં કરી છે . અત્યારે જે વિપાકસૂત્ર ઉપલબ્ધ થાય છે એમાં પુણ્યના વિપાકની વાત પછી કરવામાં આવી છે . આટલો ફરક જોવા મળે છે . એક ફરક સંખ્યાનો છે . એક ફરક ક્રમનો છે . બાકી વિષયની દૃષ્ટિએ વાત કરીએ તો કોઈ જ ફરક નથી . પુણ્યના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પુણ્યનો વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાકસૂત્રમાં મળે છે . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો ભગવાને કરી હતી . પાપના વિપાક શું હોય એની વિવિધ વાતો વિપાક સૂત્ર કરે છે . પરમાત્મા અંતિમ દેશના સ્વરૂપે વિપાકસૂત્ર જ બોલ્યા હતા એવું આપણે નથી કહી શકતા . કારણ કે વિપાકસૂત્રની રચના વૈશાખ સુદ અગિયારસે દ્વાદશાંગીની રચના થઈ એ વખતે થઈ ચૂકી હતી . વિપાકસૂત્રની રચના થઈ તેનાં ૩૦ વર્ષ પછી ભગવાનનું મોક્ષગમન થયું આથી ભગવાન્ વિપાકસૂત્ર ઉપર બોલ્યા એવું કહી શકાય એમ નથી . પરંતુ ભગવાન્ એ વિષય પર બોલ્યા જે વિષય વિપાકસૂત્રમાં મળે છે એવું તો જરૂર કહી શકાય . આ રીતે અંતિમ દેશના સાથે વિપાકસૂત્રનો સંબંધ બને છે . આથી ઉત્તરાધ્યયન સૂત્રનું શ્રવણ જેમ અંતિમ દેશના રૂપે કરીએ છીએ તેમ વિપાકસૂત્રના વિષયનું સ્મરણ અંતિમ દેશનાનાં સ્મરણ સ્વરૂપે કરીએ તો થોડોક આત્મસંતોષ જરૂર મળે છે .
વિપાકસૂત્રના બે વિભાગ છે . બંને વિભાગમાં દસ દસ પ્રકરણ છે . પ્રથમ વિભાગને પ્રથમ શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . દ્વિતીય વિભાગને દ્વિતીય શ્રુતસ્કંધ કહેવામાં આવે છે અને દસ પ્રકરણને દસ અધ્યયન કહેવામાં આવે છે . આ રીતે વિપાક સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે અને વીશ અધ્યયન છે .
પ્રથમ શ્રુતસ્કંધમાં પાપનું ફળ કેવું ભયાનક હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દરેક કથામાં એક શહેર છે . ત્યાં કથાનાં મુખ્ય પાત્રને ગૌતમ સ્વામીજી જુએ છે . એનાં જીવનમાં ચાલી રહેલી પીડા જોઈને ગૌતમ સ્વામીજી આશ્ચર્ય અનુભવે છે . ગૌતમ સ્વામીજી પ્રભુ મહાવીર સમક્ષ પ્રશ્ન કરે છે કે એનાં જીવનમાં આવી પીડા શું કામ આવી ? એના જવાબમાં ભગવાન્ ત્રણ વાત કરે છે : એણે પૂર્વમાં શું પાપ કર્યાં હતાં , એ વર્તમાન ભવમાં કેવું કેવું દુઃખ ભોગવી રહ્યો છે અને ભવિષ્યમાં એ કેવું કેવું દુઃખ ભોગવશે ? સમગ્ર કથા કહી દીધા બાદ પ્રભુ એ પણ જણાવે છે કે એ મોક્ષમાં ક્યારે જશે . દસ પાત્ર છે , દસ કથા છે , દસ પાત્ર આગામી ભવોમાં ઘણાબધા દુઃખ ભોગવીને છેલ્લે મોક્ષમાં જશે એવું કથન છે .
પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રની કથા છે . આ કથા ભગવાને મૃગાગ્રામમાં સંભળાવી હતી . દ્વિતીય અધ્યયનમાં ઉજ્ઝિતકની કથા છે . આ કથા ભગવાને વાણિજ્ય ગ્રામમાં સંભળાવી હતી . તૃતીય અધ્યયનમાં અભગ્નસેનની કથા છે . આ કથા ભગવાને પુરિમતાલમાં સંભળાવી હતી . ચતુર્થ અધ્યયનમાં શકટની કથા છે . આ કથા ભગવાને સાહંજની નગરીમાં સંભળાવી હતી . પંચમ અધ્યયનમાં બૃહસ્પતિ દત્તની કથા છે . આ કથા ભગવાને કૌશાંબીમાં સંભળાવી હતી . છઠ્ઠા અધ્યયનમાં નંદિવર્ધનની કથા છે . આ કથા ભગવાને મથુરામાં સંભળાવી હતી . સાતમા અધ્યયનમાં ઉંબરદત્તની કથા છે . આ કથા ભગવાને પાટલિખંડ શહેરમાં સંભળાવી હતી . આઠમા અધ્યયનમાં શૌરિક દત્તની કથા છે . આ કથા ભગવાને નંદિપુર શહેરમાં સંભળાવી હતી . નવમા અધ્યયનમાં દેવદત્તાની કથા છે . આ કથા ભગવાને રોહીતક શહેરમાં સંભળાવી હતી . દશમા અધ્યયનમાં બાલિકા અંજૂની કથા છે . આ કથા ભગવાને વર્ધમાનપુરમાં સંભળાવી હતી .
દ્વિતીય શ્રુતસ્કંધમાં પુણ્યનું ફળ કેવું ઉત્કૃષ્ટ હોય છે એનું વર્ણન કરનારી દસ કથા , દસ અધ્યયનમાં બતાવવામાં આવી છે . દશ કથાનાં દશ પાત્ર છે . દરેક પાત્ર પ્રભુની સમક્ષ સમવસરણમાં ઉપસ્થિત થાય છે . પ્રભુની દેશના સાંભળે છે . બાર વ્રતનો સ્વીકાર કરે છે . એમને જોઈને ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે આ આટલા સુખી કેવી રીતે ? આમનું ભવિષ્ય શું છે ? જવાબમાં ભગવાન જણાવે છે કે એમણે પૂર્વમાં શું પુણ્ય કર્યું છે ? એ વર્તમાનમાં કેવી કેવી રીતે સુખી છે ? અને શી રીતે ધર્માત્મા બન્યા છે ? એ ભવિષ્યમાં કેટલાં સુખ પામશે ? અને ક્યારે મોક્ષમાં જશે ? દશ પાત્ર છે , દશ કથા છે અને દરેક કથાનું એક શહેર છે .
પ્રથમ અધ્યયનમાં સુબાહુની કથા છે . આ કથા ભગવાને હસ્તીશીર્ષ શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . દ્વિતીય અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને ઋષભપુર શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . તૃતીય અધ્યયનમાં સુજાતકુમારની કથા છે . આ કથા ભગવાને વીરપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે . ચતુર્થ અધ્યયનમાં સુવાસવની કથા છે . આ કથા ભગવાને વિજયપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . પંચમ અધ્યયનમાં જિનદાસની કથા છે . આ કથા ભગવાને સૌગંધિકા નગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . છઠ્ઠા અધ્યયનમાં ધનપતિની કથા છે . આ કથા ભગવાને કનકપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . સાતમા અધ્યયનમાં મહાબલની કથા છે . આ કથા ભગવાને મહાપુરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . આઠમા અધ્યયનમાં ભદ્રનંદીની કથા છે . આ કથા ભગવાને સુઘોષનગરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . નવમા અધ્યયનમાં મહાચંદ્રની કથા છે . આ કથા ભગવાને ચંપાનગરીમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે મોક્ષમાં ગયા . દશમા અધ્યયનમાં વરદત્તની કથા છે . આ કથા ભગવાને સાકેત શહેરમાં સંભળાવી હતી . વ્રતપાલન કરીને તે દેવલોકમાં ગયા . ભવિષ્યમાં મોક્ષ પામશે .
કોઈ આ ભવમાં દુઃખી છે તો એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પાપ ઘણાં કર્યાં છે . કોઈ આ ભવમાં સુખી છે એનો અર્થ એ છે એણે ભૂતકાળમાં પુણ્ય ઘણાં કર્યાં છે . તમે આ ભવમાં પાપ ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઘણું દુઃખ મળશે . તમે આ ભવમાં પુણ્ય ઘણાં કરશો તો ભવિષ્યમાં તમને ઉત્તમ અવસ્થા મળશે . પુણ્ય દ્વારા સુખ મળે છે , પુણ્ય દ્વારા દુઃખનું આગમન અટકે છે , પુણ્ય દ્વારા ધર્મ કરવાની લાગણી જાગે છે , પુણ્ય દ્વારા વ્રતનિયમ લેવાની ભાવના થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનો સ્વીકાર થાય છે , પુણ્ય દ્વારા વ્રતનિયમનું પાલન થાય છે , પુણ્ય દ્વારા મોક્ષમાર્ગ આસાન બને છે . વિપાક સૂત્રનો આ સારાંશ છે .
