Home Gujaratiસદાકાળ યાદ રહેશે સમેતશિખરજીની યાત્રા

સદાકાળ યાદ રહેશે સમેતશિખરજીની યાત્રા

by Devardhi
0 comments

રોજેરોજના વિહારમાં લખવાનો સમય હવે મળે છે . તીર્થસ્પર્શનાના દિવસોમાં સમય મળતો નહોતો . સૂરજ સવારે છ વાગ્યાની આસપાસ ઉગે , સાંજે પાંચ સવાપાંચે ડૂબે . દિવસનો ઘણોખરો સમય વિહાર અને યાત્રામાં પૂરો થઈ જતો હતો . લગભગ રોજ એવું થતું કે સૂર્યાસ્તના એક કલાક પહેલાં ફ્રી થવાય . વાપરવાનું પતે ત્યારે સૂરજ અલવિદા લેતો હોય . શિખરજી : ૨૦૨૪ની ડિસેમ્બર ૨૫ , ૨૬ , ૨૭ . લછવાડ : ૨૦૨૫ની જાન્યુઆરી ૩ , ૪ . ગુણિયાજી : જાન્યુઆરી ૬ . પાવાપુરી : જાન્યુઆરી ૭ ,  નાલંદા : જાન્યુઆરી ૮ . રાજગૃહી : જાન્યુઆરી ૯ , ૧૦ . ચરંડીહ : જાન્યુઆરી ૧૧ . આજનો મુકામ છે લોહજરા : જાન્યુઆરી ૧૨ .

આશરે છવ્વીસ વરસ પછી બીજીવાર યાત્રા કરવાનો લાભ મળી રહ્યો હતો . પહેલીવાર યાત્રા કરી ત્યારે એમ લાગતું હતું કે બીજીવાર આવવાનું નહીં થાય . 

ભ્રમણા હતી એ . બીજીવાર આવવાનું થયું જ હતું . પહેલીવારની યાત્રા કરતાં સાવ અલગ રીતે બીજી વખતની યાત્રાઓ થઈ હતી . એકએક દિવસ કમાલ રહ્યો હતો યાત્રાનો . મારે ફાગણ સુદ ત્રીજના દિવસે વર્ધા પહોંચવાનું અને મારો વિહાર થયો માગસર વદ ચૌદશના દિવસે . સમયની ખેંચતાણ હતી જ . છતાં યાત્રાઓ કર્યા વિના નીકળવાનું ના હોય . પાક્કું હતું . હું પરમ દિવસે સાંજે રાજગીરીથી નીકળ્યો ત્યારે જે યાત્રાઓ કરી શકાય તેમ હતી તે કરી લીધી હતી . શરૂઆત શિખરજીથી થઈ હતી .

પહાડની પરિપાટી શ્રીકુંથુનાથપ્રભુની દેરીથી શરૂ થઈ હતી . હજારો યાત્રાળુઓ આવ્યા હતા . દેરીએ દેરીએ ભીડ હતી . નાનકડી દેરીના ગોખમાં ઢગલો ચોખાબદામલવિંગ ચડ્યા હતા . એની પર ગડી વાળેલી ચિટ્ઠી પડી હતી . પહેલાં તો મને થયું કે એ ચિટ્ઠીને અડવું નથી . પછી થયું કે વાંચીને પાછી મૂકી દઈશ . ચિટ્ઠી ઊઠાવી . ખોલીને વાંચી . જેણે લખી હતી એનું નામ જાહેર નથી કરવું . એને શિખરજીના દરબાર પર શ્રદ્ધા કેવી હશે કે પોતાના જીવનની બધી સમસ્યા પ્રભુ સમક્ષ વ્યક્ત કરી દીધી હતી . અડધું અંગરેજી અને અડધું હિન્દીમાં લખ્યું હતું . ભગવાન્ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કરવાથી , સમાધિ અને શાંતિ મળે છે . ભગવાન્ પાસે ભીખ માંગીએ એ ખોટું . પરંતુ ભગવાન્ જગતના સર્વસત્તાધીશ છે , એવી શ્રદ્ધા આદરપાત્ર છે . એ ચિટ્ઠીનું કર્મચારીઓ શું કરત , ખબર નથી . મેં એ ચિટ્ઠી મારી પાસે રાખી લીધી . ખુલ્લી કિતાબની જેમ પડેલી આ ચિટ્ઠી વાંચીને મેં ભગવાનને પ્રાર્થના કરી . તમે પણ કરજો .

વિચાર એ આવતો રહ્યો કે પ્રભુના દરબારમાં કેવા કેવા લોકો , કેવી કેવી અરજી લઈને આવતા હશે ? જ્ઞાની પણ આવે અને અજ્ઞાની પણ આવે . તપસ્વી પણ આવે અને ખાણીપીણીના શોખીન પણ આવે . ધર્મી પણ આવે અને અધર્મી પણ આવે . જૈન પણ આવે અને અજૈન પણ આવે . શ્વેતાંબર પણ આવે અને દિગંબર પણ આવે . વિદેશી પણ આવે અને ઝારખંડીઓ પણ આવે . પહાડ પરની દેરીઓની સમક્ષ આવેલા ભક્તોની વિધવિધ ભૂમિકાઓ હશે , પોતપોતાની ભૂમિકા અનુસાર અરજીઓ થઈ હશે , અરજીઓનો સ્વીકાર થયો જ હશે . જેને અરજીનો જવાબ મળ્યો એમની અનુભૂતિ કેવી હશે ? કોઈ અરજી કરતાં કરતાં ગદ્ગદ થાય અને કોઈ અરજીનો સ્વીકાર થયો છે એનો અનુભવ પામીને કૃતજ્ઞતા અનુભવે . સમગ્ર પર્વતરાજ પર અરજીઓનો આત્મીયભાવ છલકે છે અને અરજીની સ્વીકૃતિનો ભાવ ફોરતો રહે છે .

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.