Home Gujaratiસંપાદનવિદ્યાનાં છ સૂત્રો અને સંપાદનપ્રવૃત્તિના ચાર પ્રકારો : અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમ્

સંપાદનવિદ્યાનાં છ સૂત્રો અને સંપાદનપ્રવૃત્તિના ચાર પ્રકારો : અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમ્

by devardhiadmin
0 comments

પ્રાચીન ગ્રંથોનું મુદ્રણ આજે મોટે પાયે થાય છે . છેલ્લા પચીસ / પચાસ વરસમાં ગ્રંથ પ્રકાશનો પુષ્કળ થઈ રહ્યા છે . અભ્યાસ કરવાની સુવિધા આ પ્રકાશનોને કારણે વધી છે . હસ્તલિખિત પોથીમાં રહેલો ગ્રંથ , ૧૦૦૦ નકલનું પુસ્તક બની જાય એ નાનીસૂની વાત નથી . ગ્રંથ છપાય છે , ગ્રંથ વંચાય છે , ગ્રંથ જ્ઞાનભંડારમાં સંગૃહીત થાય છે . ગ્રંથ દ્વારા પરંપરા જીવિત રહે છે . સારી રીતે સંપાદિત થયેલો ગ્રંથ , વર્તમાન અને ભાવિ પેઢીને માર્ગદર્શન આપતો રહે છે . સારી રીતે સંપાદિત થયેલા ગ્રંથમાં શું શું હોય છે ? આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી વિચારી શકાય છે . સંપાદનવિદ્યાનાં છ સૂત્ર યાદ રાખવા જોઈએ .

સંપાદનવિદ્યા સૂત્ર ૧ : મુદ્રણ શુદ્ધિ અને વ્યાકરણ શુદ્ધિ

મુદ્રિત ગ્રંથ એટલે , મુદ્રણ સંબંધી અશુદ્ધિઓથી મહદંશે મુક્ત ગ્રંથ . જે ગ્રંથમાં સંપાદકની અસાવધાનીને લીધે વ્યાકરણ સંબંધી અશુદ્ધિઓ અને પ્રૂફની ભૂલો ઢગલાબંધ જોવા મળતી હોય એ ગ્રંથ , મુદ્રિત હોવા છતાં પ્રામાણિક ગ્રંથની કક્ષામાં આવી શકતો નથી . સારી રીતે સંપાદિત ગ્રંથની સૌથી પહેલી આવશ્યકતા છે , વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ . સંપાદક મહોદયનું ભાષાજ્ઞાન સમૃદ્ધ હોય , પ્રૂફચેકિંગનો મહાવરો સારો હોય એનું જ પરિણામ હોય છે વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ . આજકાલ પ્રોફેશનલી પ્રૂફ ચેકિંગ કરી આપનારા વિદ્વાનો ઉપલબ્ધ હોય છે . એમની પાસે કામ કરાવી શકાય છે . એમને વધારે પૈસા આપવા પડે તો પૈસા આપવામાં સંકોચ નહીં રાખવાનો . પરંતુ ગ્રંથની વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ ઉત્તમ જ હોય એની કાળજી લેવાની . એક જમાનો હતો જ્યારે મુદ્રિત પુસ્તકોની પાછળ લાંબાં શુદ્ધિપત્રક જોવા મળતાં . કયા પાને , કંઈ લીટીમાં શું અશુદ્ધ પાઠ છે અને શું શુદ્ધ પાઠ અપેક્ષિત છે એની જાણકારી શુદ્ધિપત્રમાંથી મળતી . આજે વારંવાર પ્રૂફ ચેકિંગ કરવું સરળ છે . પ્રૂફ ચેકિંગ બે વારને બદલે , ચાર વાર કરવું . અરે , ચાર વારને બદલે , છ કે આઠ વાર પ્રૂફ ચેકિંગ કરવું , એ ચાલે . વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિમાં ગડબડ રહી જાય એ ન ચાલે . વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ સચવાય એ સૌથી મહત્ત્વનું છે .

સંપાદનવિદ્યા સૂત્ર ૨ : હસ્તલિખિત પ્રત આધારિત પાઠ શુદ્ધિ

ભારતમાં મુદ્રણ યુગ આવ્યો એ પહેલાં લેખનયુગ હતો. આજે જે પણ ગ્રંથો મુદ્રિત થયા છે તે લેખનયુગની હસ્તલિખિત પ્રતના આધારે થયા છે . એકાદ હસ્તલિખિત પ્રતના આધારે સંપાદન પામેલો ગ્રંથ પ્રામાણિક હોય જ છે . પરંતુ એકથી અધિક હસ્તલિખિત પ્રતોનો આધાર લેવામાં આવે ત્યારે પાઠશુદ્ધિની સંભાવના વધે છે . હસ્તલિખિત પ્રત આધારિત પાઠ શુદ્ધિને સંશોધન કહેવામાં આવે છે . સંશોધન માટે આટલા મુદ્દા બને છે .

૧. જે ગ્રંથનું સંપાદન કરવાનું છે તેની કેટલી હસ્તલિખિત પ્રતો મળે છે એની તપાસ કરવી જોઈએ . પચાસ વરસ પહેલાં આવી હસ્તલિખિત પ્રત શોધવાનું અઘરું હતું . આજે સ્કેનિંગ કરેલી ડિજિટલ આવૃત્તિની પ્રિન્ટ આઉટ આસાનીથી મળી શકે છે . એક ગ્રંથની જુદી જુદી પંદર હસ્તલિખિત પ્રત મળતી હોય તો એ દરેક પ્રત મેળવી લેવી જોઈએ .

૨. જુદી જુદી હસ્તલિખિત પ્રતોમાં સૌથી વધારે શુદ્ધ પ્રત કંઈ છે એ નક્કી કરવું જોઈએ . સામાન્ય રીતે જે પ્રત સૌથી જૂની હોય એ પ્રત્યે વધારે શુદ્ધ હોય એવી સંભાવના બનતી હોય છે . પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સૌથી જૂની પ્રત સૌથી વધારે શુદ્ધ નથી હોતી . અને જે પ્રત સૌથી વધુ શુદ્ધ હોય છે એ સૌથી જૂની પ્રત નથી હોતી . આવી પરિસ્થિતિમાં સૌથી જૂની પ્રત લેવાને બદલે સૌથી વધુ શુદ્ધ પ્રતનો આધાર લેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે આ પ્રત સૌથી વધુ શુદ્ધ પ્રત છે એવું ખબર કેવી રીતે પડે ? જવાબ આ મુજબ છે : સંશોધક અથવા સંપાદક , પ્રાચીન લિપિઓના જાણકાર હોય છે અને વ્યાકરણ શાસ્ત્રના પણ જાણકાર હોય છે . એમને હસ્તલિખિત પ્રત વાંચતા વાંચતા હાથેથી લખાયેલા ગ્રંથમાં ક્યારેક વ્યાકરણની વિપરીત વાક્યરચના જોવા મળે છે , ક્યારેક મૂળ શાસ્ત્ર સાથે સુસંગત ન હોય એવી વાક્યરચના જોવા મળે છે . સંશોધક અથવા સંપાદકને પૂર્ણ વિશ્વાસ છે કે આવી ભૂલ મૂળ ગ્રંથકાર કરે જ નહીં . આથી એ અનુમાન લગાવે છે કે આ ભૂલ લિપિકારે એટલે કે લહિયાએ કરી છે . એક પ્રતમાં આ રીતની ભૂલ વારંવાર આવતી હોય એના આધારે સંશોધક અથવા સંપાદક નિર્ણય લે છે કે આ પ્રત અશુદ્ધ છે .

૩. આમાં સમજવા જેવી વાત એ છે કે સંશોધક અથવા સંપાદક , પ્રાચીન લિપિઓના જાણકાર હોય છે . ગૌરીશંકર ઓઝા દ્વારા લિખિત ભારતીય પ્રાચીન લિપિમાળા પુસ્તક પ્રાચીન લિપિઓના અભ્યાસુઓ માટે સીમાસ્તંભ છે . આદરણીય લિપિશાસ્ત્રી લક્ષ્મણભાઈ ભોજકે લિપિમાળાનો જે સિલેબસ બનાવ્યો હતો એના આધારે પ્રાચીન લિપિને ઉકેલવાનું જે જાણે છે તે સંશોધક બની શકે છે . એક જ ગ્રંથની અલગ અલગ હસ્તપ્રત હશે એટલે દરેક હસ્તપ્રતના હસ્તાક્ષર અલગ હશે . એક જ ગ્રંથની અલગ અલગ સમયની હસ્તપ્રત હશે એટલે દરેક હસ્તપ્રતની લિપિશૈલી પણ અલગ હશે . એને ઉકેલવાનું આસાન નથી . પડકારજનક પરિસ્થિતિ એ છે કે ગ્રંથની એક હસ્તપ્રત વાંચી લીધા પછી એ જ ગ્રંથની બીજી હસ્તપ્રત વાંચવામાં ધૈર્યની પરીક્ષા થાય છે . બીજી હસ્તપ્રત વાંચી લીધા પછી એ જ ગ્રંથની ત્રીજી હસ્તપ્રત વાંચવામાં ધૈર્યની વધુ પરીક્ષા થાય છે . જેટલી હસ્તપ્રત વધારે , એટલી ધૈર્યની પરીક્ષા વધારે . દરેક હસ્તપ્રત વાંચવી જરૂરી છે . દરેક હસ્તપ્રતના લહિયા જુદા હોય , આથી દરેક હસ્તપ્રતમાં જો અશુદ્ધિ હોય એ પણ જુદી જુદી હોય . દરેક હસ્તપ્રતમાંથી પસાર થયા બાદ જ સમજાય છે કે સૌથી વધુ શુદ્ધ પાઠ કંઈ પ્રતમાં છે . આમ પ્રાચીન લિપિઓનો બોધ અને એકેએક હસ્તપ્રત જોવાની ધીરજ આવશ્યક છે .

૪. હવે એક સૌથી શુદ્ધ પાઠવાળી હસ્તપ્રતને આદર્શ હસ્તપ્રત તરીકે સ્વીકારવામાં આવે છે . સામાન્ય રીતે એવું બને છે કે સૌથી જૂની પ્રત વધુ શુદ્ધ હોય છે . પરંતુ એવું પણ જોવા મળે છે સૌથી જૂની હસ્તપ્રતના પાઠ જેટલા શુદ્ધ હોય એનાથી વધારે શુદ્ધ પાઠ અન્ય હસ્તપ્રતના હોય . આવી પરિસ્થિતિમાં વધારે શુદ્ધ પાઠવાળી હસ્તપ્રતને આદર્શ હસ્તપ્રતનું સ્થાન મળે છે . જો ગ્રંથકારની સ્વલિખિત હસ્તપ્રત મળે તો એ પણ આદર્શ હસ્તપ્રતનું સ્થાન લે છે . આ આદર્શ હસ્તપ્રતના આધારે , સંપાદક પ્રેસકોપી તૈયાર કરે છે . આજની જનરેશનનો પ્રિન્ટર હસ્તપ્રત વાંચી શકવાનો નથી . એને આજના સમયના કોઈ લિપિકારના હાથે લખાયેલ ગ્રંથ આપવાનો રહેશે . આ પ્રેસકોપીમાં વ્યાકરણ સંબંધી કે પાઠ સંબંધી અશુદ્ધિ સદંતર ના હોવી જોઈએ .

૫. આપણે જે આદર્શ હસ્તપ્રતને સ્વીકારી લીધી એ સિવાયની હસ્તપ્રતો પણ મહત્ત્વની છે . આથી આદર્શ હસ્તપ્રત સાથે , અન્ય હસ્તપ્રતોનું તુલનાત્મક અધ્યયન આવશ્યક હોય છે . જ્યાં જે પાઠ આદર્શ હસ્તપ્રતમાં છે ત્યાં તે જ પાઠ અન્ય હસ્તપ્રતમાં હોય એમાં તકલીફ નથી . જ્યાં જે પાઠ આદર્શ હસ્તપ્રતમાં છે ત્યાં તેનાથી જુદો પાઠ અન્ય હસ્તપ્રતમાં હોય એવું જોવા મળે ત્યારે સંશોધકની જવાબદારી વધે છે . આદર્શ હસ્તપ્રત અને અન્ય હસ્તપ્રત વચ્ચે જે જે પાઠભેદ જોવા મળે એની નોંધ થાય છે . એક સાથે અનેક હસ્તપ્રતોનું ક્રોસચેકિંગ કરવા માટે વિદ્વાનો આમનેસામને બેસે છે . આદર્શ હસ્તપ્રતનું વાંચન એક વિદ્વાન્ કરે છે અને અન્ય વિદ્વાનો અન્ય હસ્તપ્રતો પર નજર રાખે છે . અન્ય હસ્તપ્રતોને સંજ્ઞા આપવામાં છે . ચાર હસ્તપ્રત હોય તો સંજ્ઞા બને : अ , ब , क , ड । આદર્શ હસ્તપ્રત કરતાં જુદો પાઠ આવે ત્યારે જે સંજ્ઞાની પ્રતમાં જે પાઠભેદ હોય એમાં એની નોંધ થાય છે . આદર્શ હસ્તપ્રતનું સમાંતર વાંચન પૂરું થાય એ વખતે સ્પષ્ટ થાય કે अ સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , ब સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , क સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , ड સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે . પાઠભેદની સૂચિ લાંબી બની શકે છે .

૬. હવે , આદર્શ હસ્તપ્રતના આધારે તૈયાર થયેલી પ્રેસકોપીમાં દરેક પેજની છેલ્લી લાઈન રૂપે , આ પાઠભેદ ઝીણા અક્ષરમાં ટિપ્પણી રૂપે ઉમેરાય છે . પ્રેસકોપીમાં જે વાક્ય કે શબ્દ સાથે પાઠભેદ જોડાતો હોય એની ઉપર ઝીણા અક્ષરે १ લખાય . વાચક એ १ જુએ એટલે ટિપ્પણી જુએ . ત્યાં એને १ દેખાય અને સાથે પાઠભેદ દેખાય . જો , એક પાનાં પર દશ પાઠભેદ હોય તો એ દશ સ્થાને १ , २ , ३ , ४ , ५ , ६ , ७, ८ , ९ , १० ઉમેરાય . અને નીચે ટિપ્પણીમાં १ ની સામે પહેલો પાઠભેદ , २ ની સામે બીજો પાઠભેદ અને १० ની સામે દશમો પાઠભેદ દેખાય . આ ટિપ્પણી ઉમેરવાથી દરેક હસ્તપ્રતના પાઠભેદનો સમાવેશ પુસ્તકમાં થઈ જાય છે . આનો લાભ એ છે કે એ ગ્રંથનો અધ્યેતા કેવળ એક હસ્તપ્રતના પાઠ સાથે નહીં , બલ્કે દરેક હસ્તપ્રતના પાઠ સાથે જોડાઈ શકે છે .

૭. ક્યારેક એવું થાય છે કે દરેક હસ્તપ્રતમાં અમુક પાઠ અશુદ્ધ કે અધૂરો જ હોય . આવી પરિસ્થિતિમાં અન્ય શાસ્ત્ર સાથે અથવા વ્યાકરણ શાસ્ત્ર સાથે સુસંગત પાઠ શોધવો પડે , છાપવો પડે . આ પાઠસુધારને કોઈ હસ્તપ્રતનો ટેકો નથી . આથી આ પાઠસુધારને અશુદ્ધ પાઠ કે અધૂરા પાઠની બાજુમાં કૌંસમાં છાપવાનો . અશુદ્ધ પાઠ ભલે , અશુદ્ધ છે પરંતુ તેને હસ્તપ્રતનો ટેકો છે માટે એને સળંગ પાઠની સાથે છાપવાનો . બીજી વાત , જો અશુદ્ધ પાઠ કે અધૂરો પાઠ સુધારવાની સંપાદકની ક્ષમતા નથી તો સંપાદક અશુદ્ધ પાઠ કે અધૂરા પાઠની આગળ કૌંસમાં પ્રશ્ન ચિહ્ન મૂકી શકે . આમ કરવાથી અધ્યેતાને ધ્યાનમાં આવે કે આ પાઠ શુદ્ધ નથી . પછી તે પોતાની રીતે સુસંગત પાઠનું અનુમાન કરી શકે . અશુદ્ધ કે અધૂરા પાઠને પોતાની મનમરજી મુજબ સુધારીને છાપી દેવાનું વલણ સ્વીકાર્ય નથી . હસ્તપ્રત સિવાયનો ઉમેરો જ્યાં જે રીતે થયો હોય એનો ઉલ્લેખ કૌંસમાં કરવો જોઈએ . આ અશુદ્ધ અને અપૂર્ણ પાઠની વ્યવસ્થા છે .

૮ . હસ્તપ્રતનો ગ્રંથ એકધારી લીટીમાં હોય છે . ન ફકરા , ન બોલ્ડ , ન ઈટાલિક . નાના શ્લોક બે લાઈનમાં નથી હોતા . મોટા શ્લોક ચાર લાઈનમાં નથી હોતા . પ્રેસકોપી બનાવતી વખતે સંપાદકને અહીં સ્વતંત્રતા મળે છે . સંપાદક વિષય અનુસાર ફકરા પાડી શકે છે , અલ્પ વિરામ ઉમેરી શકે છે . શ્લોકને એકસરખી બે લીટી કે ચાર લીટીમાં સંયોજી શકે છે . મૂળ ગ્રંથના ફોન્ટ મોટા , ટીકા ગ્રંથના ફોન્ટ સહેજ નાના , ઉદ્ધરણનાં ફોન્ટ ઈટાલિક – આવી બધી સુવિધાઓ એ સ્વીકારી શકે છે .

૯. હસ્તપ્રતનાં પાનાનો ક્રમાંક હોય છે . પાનું પહેલું પૂરું થાય તે પછી બીજું પાનું , ત્રીજું પાનું , ચોથું પાનું વગેરે . અમુક સંપાદકો , હસ્તપ્રતનાં પાનાનો ક્રમાંક પણ મુદ્રિત ગ્રંથનાં પાને છાપતાં હોય છે , કૌંસમાં . આજકાલ આ પદ્ધતિ પ્રચલિત નથી .

૧૦.હસ્તલિખિત ગ્રંથના પ્રારંભે ભલેમીંડું હોય છે અને અંતે પુષ્પિકા . મુદ્રિત ગ્રંથમાં આ બંનેને મૂળગ્રંથ રૂપે છાપવાનું બનતું નથી . પરંતુ ભલેમીંડું અને પુષ્પિકા , હસ્તલિખિત ગ્રંથમાં મહત્ત્વપૂર્ણ સ્થાને છે . મુદ્રિત ગ્રંથની ટિપ્પણીમાં કે પ્રસ્તાવનામાં ભલેમીંડું અને પુષ્પિકાને સમાવી લેવા જોઈએ .

૧૧ . જેટલી હસ્તલિખિત પ્રત ઉપયોગમાં લીધી હોય એના પ્રથમ અને અંતિમ પાનાનો ફોટો મુદ્રિત ગ્રંથમાં ઉમેરવો જોઈએ . કંઈ હસ્તલિખિત પ્રત કયા જ્ઞાનભંડારની છે એનો ઉલ્લેખ અવશ્ય થવો જોઈએ .

૧૨ . છેલ્લે ગ્રંથનું ગ્રંથાગ્ર લખવાની પરંપરા છે . એક માન્યતા છે કે જ્યારથી ગ્રંથ લહિયાઓને લખવા આપવાનું શરુ થયું , ત્યારથી આર્થિક વ્યવહારની સ્પષ્ટતા માટે અક્ષરોની ગણના આવશ્યક બની . બત્રીસ અક્ષરોનો એક શ્લોક ગણાય . લહિયાએ કુલ મળીને કેટલા શ્લોક લખ્યા એના આધારે પૈસા ચૂકવાતા . આથી લહિયાઓ ગ્રંથના અંતે ગ્રંથાગ્ર રૂપે શ્લોક સંખ્યા લખતા . વસ્તુસ્થિતિ એ છે કે ગ્રંથકારે પોતાના જીવનકાળ દરમિયાન કેટલી સંખ્યામાં શ્લોકસર્જન કર્યું છે એની ગણના આવશ્યક હતી . આથી ગ્રંથાગ્ર લખાતું . હસ્તપ્રતમાં છેલ્લે ગ્રંથાગ્ર હોય તો મુદ્રિત આવૃત્તિમાં ગ્રંથાગ્ર સંખ્યા સ્પષ્ટ આંકડામાં લખવી .

સંપાદનવિદ્યા સૂત્ર ૩ : વિષયક્રમ અને અકારાદિક્રમ

૧. ગ્રંથનો વિસ્તૃત વિષયક્રમ હસ્તપ્રતમાં હોતો નથી . મુદ્રિત ગ્રંથમાં વિસ્તૃત વિષયક્રમ હોવો જોઈએ . એવો વિષયક્રમ જેને વાંચવાથી ગ્રંથનો મુખ્ય વિષય અને અવાંતર વિષય સમજમાં આવે .

૨. ગ્રંથના મૂળ શ્લોક , મૂળ સૂત્ર , ટીકાગત શ્લોકના અલગ અલગ અકારાદિક્રમ બનવા જોઈએ . પરિશિષ્ટમાં એનો સમાવેશ થાય .

૩.ટીકાગત શ્લોક જે શાસ્ત્રના હોય એનો મૂલસ્થાનનિર્દેશ ટીકાગત શ્લોકની સાથે જ થવો જોઈએ .

૪. અભિપ્રેત ગ્રંથમાં અનેક ગ્રંથોનાં કે અનેક વ્યક્તિઓનાં નામ હોય ત્યારે પરિશિષ્ટમાં ગ્રંથોનાં અને વ્યક્તિઓનાં નામ – ના સ્વતંત્ર અકારાદિક્રમ હોવા જોઈએ .

૫.અકારાદિક્રમમાં પુસ્તકનો પેજ નંબર બતાવવાને બદલે , ગ્રંથના શ્લોકનો કે સૂત્રનો નંબર બતાવવો જોઈએ . પેજ નંબર નવી આવૃત્તિમાં બદલાશે . શ્લોકનો કે સૂત્રનો નંબર નવી આવૃત્તિમાં બદલાશે નહીં . અભ્યાસુને શ્લોકનો કે સૂત્રનો નંબર વધુ ઉપયોગી બને છે .

સંપાદનવિદ્યા સૂત્ર ૪ : ગ્રંથનો પરિચય પ્રસ્તાવનામાં .

+ જે વિષયનું વિવરણ ગ્રંથમાં છે એ વિષયનો વિસ્તૃત કે સંક્ષિપ્ત પરિચય પ્રસ્તાવનામાં મળે છે .

+ ગ્રંથમાં એ વિષયનું વિવરણ ગ્રંથકારે કેવી રીતે કર્યું છે તે પ્રસ્તાવનામાં વિસ્તારપૂર્વક કે સંક્ષેપમાં સમજાવ્યું હોય છે .

+ સંપૂર્ણ ગ્રંથનો સારસંક્ષેપ પ્રસ્તાવનામાં હોય છે .

+ ગ્રંથકારની રચનાશૈલી , ભાષાશૈલી જેવી વિશેષતાઓનું સઉદાહરણ વર્ણન પ્રસ્તાવનામાં હોય છે .

+ જે વિષયનું વિવરણ આ ગ્રંથમાં છે એ વિષયનું વર્ણન અન્ય કયા કયા ગ્રંથોમાં છે એની જાણકારી પ્રસ્તાવનામાંથી મળે છે . આમાં બે વાત છે . એક , અભિપ્રેત ગ્રંથની પૂર્વે રચાયેલા સમાન વિષયક ગ્રંથોની છાયા અભિપ્રેત ગ્રંથમાં જોવા મળી શકે છે . બે , અભિપ્રેત ગ્રંથની પછીના સમયમાં રચાયેલા ગ્રંથોમાં અભિપ્રેત ગ્રંથની છાયા જોવા મળી શકે છે . આથી , પૂર્વકાલીન સમાન વિષયક ગ્રંથો અને પશ્ચાત્ કાલીન સમાન વિષયક ગ્રંથો એમ બે રીતે તુલનાત્મક અભ્યાસ પ્રસ્તાવનામાં જોવા મળે છે .

+ ગ્રંથકારે અન્ય ગ્રંથોની રચના કરેલી હોય તો એની વિગતવાર જાણકારી પ્રસ્તાવનામાંથી મળે છે .

+ ત્રણ સંવત્ અગત્યની છે . એક , ગ્રંથ રચના સંવત્ . બે , ગ્રંથ હસ્તપ્રત લેખન સંવત્ . ત્રણ , ગ્રંથ મુદ્રણ સંવત્ . પ્રસ્તાવનામાં ત્રણેય સંવત્ સંબંધી જાણકારી ઉપલબ્ધ હોય એ આવશ્યક છે . ગ્રંથ હસ્તપ્રત લેખન સંવત્ અનેક હોઈ શકે છે કેમ કે ગ્રંથની હસ્તપ્રત અનેક હોઈ શકે છે . આપણે જેને આદર્શ હસ્તપ્રત માની છે એની સંવત્ અલગથી જણાવી શકાય . અને અન્ય તમામ હસ્તપ્રતની જુદી જુદી સંવત્ અલગથી જણાવી શકાય . મુદ્રણની નવી આવૃત્તિ આવે ત્યારે મુદ્રણની નવી સંવત્ પણ ઉમેરાય .

+ પ્રસ્તાવના , સંપાદક કે સંશોધક મહોદય દ્વારા લખાય છે . પ્રસ્તાવના , આમંત્રિત વિદ્વાન્ દ્વારા પણ લખાય છે . અનુભવી સંપાદકો ગ્રંથની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનાને ત્રણ ભાષામાં રાખે છે : સંસ્કૃત , હિંદી અથવા ગુજરાતી અને અંગ્રેજી . આમ કરવાનો હેતુ એ છે કે જે વાચક ગ્રંથ વાંચી નહીં શકે તે કોઈ એક ભાષાની પ્રસ્તાવના દ્વારા ગ્રંથનો વિષય જાણી લેશે . હિંદી ભાષા રાષ્ટ્રીય સ્તરે વંચાય છે , અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે વંચાય છે .

ટૂંકમાં , પ્રસ્તાવનામાંથી ગ્રંથ સંબંધિત ઘણીઘણી જાણકારી મળતી હોય છે .

સંપાદનવિદ્યા સૂત્ર ૫ : ગ્રંથકારનો પરિચય પ્રસ્તાવનામાં

પ્રસ્તાવનામાંથી ગ્રંથકાર સંબંધી આટલી જાણકારી મળે છે .

+ ગ્રંથકારનો પરિચય બે રીતે મળે . એક , ગ્રંથકારની ગુરુપરંપરાનો પરિચય . બે , ગ્રંથકારના પરિવાર સંબંધી પરિચય .

+ ગ્રંથકારનો જન્મ ક્યારે થયો , ક્યાં થયો અને સ્વર્ગવાસ ક્યારે થયો , ક્યાં થયો આ વિષયની પ્રમાણ પુરસ્સર જાણકારી . ગ્રંથકાર જો દીક્ષિત છે તો એમની દીક્ષા અને અન્ય પદવીઓ ક્યારે થઈ એની પણ પ્રમાણ પુરસ્સર જાણકારી .

+ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા પછીની પટ્ટપરંપરા સાથે ગ્રંથકારની ગુરુપરંપરાનો તંતુ કેવી રીતે જોડાયો છે તેનો ઐતિહાસિક પરિચય .

+ ગ્રંથકારની ગુરુપરંપરામાં કયા આચાર્યભગવંત દ્વારા જૈનશાસનની શું પ્રભાવના / સુરક્ષા થઈ એની જાણકારી .

+ ગ્રંથકાર જો દીક્ષિત છે તો એમના ગુરુભાઈ કે શિષ્યપરિવાર સંબંધી જાણકારી .

+ ગ્રંથકાર જો ગૃહસ્થ છે તો એમના માબાપ , ભાઈબહેન , પુત્રી આદિ પરિવારજન સંબંધી જાણકારી . + ગ્રંથકાર કોઈ રાજા , મંત્રી , શ્રેષ્ઠી સાથે જોડાયેલા હોય તો એમની જાણકારી .

+ ગ્રંથકારની જન્મ ભૂમિ , દીક્ષા ભૂમિ , ગ્રંથરચના ભૂમિ , સ્વર્ગવાસ ભૂમિ સંબંધી વિગતો .

+ જિનાલયોના શિલાલેખ , હસ્તપ્રતોની પુષ્પિકા , તામ્રપત્ર આદિમાં ગ્રંથકાર સંબંધિત જે જે ઉલ્લેખો પ્રાપ્ત થતા હોય એનું સાર સંકલન .ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય , એક જ પ્રસ્તાવનામાં હોય તો પણ ચાલી શકે છે .

સંપાદનવિદ્યા સૂત્ર ૬ : ગ્રંથની કઠિનતા ઓછી કરવી જોઈએ

+ ગ્રંથ ઉપર અભિનવ ટીકા કે વિવેચન લખી શકાય .

+ ગ્રંથનો સરળ અનુવાદ કરી શકાય .

+ ગ્રંથની કઠિન પંક્તિને સમજાવતી ટિપ્પણી ઉમેરી શકાય .

+ ગ્રંથનાં કઠિન શબ્દોના સરળ અર્થ ટિપ્પણીમાં ઉમેરી શકાય.

+ ગ્રંથમાં વચ્ચે વચ્ચે વિષયાનુસારી હેડિંગ કૌંસમાં રાખીને ઉમેરી શકાય . હેડિંગ કૌંસમાં રાખવાનું કારણ સ્પષ્ટ છે . હેડિંગ કૌંસમાં હશે નહીં તો અધ્યેતા હેડિંગને મૂળ ગ્રંથ માની લેશે . હસ્તપ્રતમાં હેડિંગ હોતા નથી આથી હેડિંગને મૂળ ગ્રંથ માની શકાય નહીં . છતાં ગ્રંથનું અધ્યયન કરતી વખતે હેડિંગ ઘણા સહાયક થાય છે .

+ ગ્રંથ જો ખંડનમંડનનો હોય તો ગ્રંથમાં જે જે પૂર્વ પક્ષ છે તેનું નિરૂપણ કયા ગ્રંથમાં મળે છે એ શોધીને , એનો શાસ્ત્રપાઠ ટિપ્પણીમાં મૂકી શકાય . ગ્રંથકાર નિર્દેશિત ઉત્તર પક્ષનું નિરૂપણ કયા ગ્રંથમાં મળે છે એ શોધીને , એનો શાસ્ત્રપાઠ પણ ટિપ્પણીમાં મૂકી શકાય .

સંપાદનવિદ્યાનાં આ છ સૂત્ર છે . આજના સમયમાં જે સંપાદન પ્રવૃત્તિ થાય છે એના મુખ્યત્વે ચાર પ્રકાર છે .

સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૧ : એક ગ્રંથકારની સમગ્ર રચના

એક જ ગ્રંથકારની દરેક રચનાઓને એકીસાથે ઉપલબ્ધ કરાવી આપતું સંપાદન આ કક્ષામાં આવે છે . કાલિદાસ ગ્રંથાવલિ , જગન્નાથ ગ્રંથાવલિ , ભવભૂતિ ગ્રંથાવલિ , ભાસ નાટક ચક્ર , મંડન ગ્રંથાવલિ જેવા સંપાદન સંસ્કૃત ભાષામાં થયાં છે . આ ગ્રંથાવલિમાં તે તે ગ્રંથકારની સમગ્ર રચનાનો સંગ્રહ હોય છે . સંગ્રહ એક પુસ્તકમાં કે પુસ્તકના અનેક ભાગમાં હોય છે . ગ્રંથકારનું મહિમામંડન પણ અપેક્ષિત રીતે હોય છે . ગૂર્જર સાહિત્ય સંગ્રહ – માં વાચક યશની મારુ ગૂર્જર રચનાઓ એકીસાથે મળે છે . સમગ્ર કવિતા – માં ઉમાશંકર જોશીની સમગ્ર રચનાઓ છે . રચનાકાર – પ્રાકૃત ગ્રંથકાર હોય , સંસ્કૃત ગ્રંથકાર હોય , ગૂર્જર કવિ હોય . એમનું સાહિત્ય એક સાથે મળે એ સંપાદકનું લક્ષ્ય હોય છે . પુપ્ફ ભિક્ખૂએ ૩૨ આગમસૂત્રોનું સંપાદન सुत्तागमाईं – માં કર્યું . ગુજરાતીમાં જૈન પ્રવચન , હસ્તાક્ષરનું અક્ષય પાત્ર , ગાંધીનો અક્ષરદેહ , મહાદેવભાઈની ડાયરી જેવા સંપાદન એક ગ્રંથકારનું સમગ્ર સાહિત્ય અનેક ભાગમાં ઉપલબ્ધ કરાવી આપે છે . આ સંપાદન પ્રવૃત્તિ આપણે ત્યાં પ્રચલિત છે .

સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૨ : એક વિષયની અનેક રચના

જુદા જુદા ગ્રંથકારોએ કોઈ એક વિષય પર પોતપોતાના સમયમાં લખ્યું હોય તેનો સંગ્રહ સંપાદક તૈયાર કરી શકે . नवतत्त्वसाहित्यसंग्रह આવા સંગ્રહનું પ્રથમ ઉદાહરણ છે . આવા સંગ્રહમાં ગ્રંથકાર અનેક હોય છે , ગ્રંથ અનેક હોય છે છતાં વિષય એક જ હોય છે . लेश्याकोश , हारिभद्रयोगभारती , नयामृतम् , नाट्य साहित्य माला , रागोपनिषद् , जैन अलंकार कोश જેવા અનેક ઉદાહરણ છે . આપણા સ્તોત્રસંગ્રહો , સ્તવનસંગ્રહો , સ્તુતિસંગ્રહો , સજ્ઝાયસંગ્રહો અને સૂત્રસંગ્રહો આજ શ્રેણીમાં આવે છે . આ સંપાદન પ્રવૃત્તિ આપણે ત્યાં પ્રચલિત છે .

સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૩ : એક ગ્રંથકારની એક રચના

એક ગ્રંથ . એક પુસ્તક . આપણે વરસોથી વાંચતા આવ્યા છીએ . સંવેગરંગશાલા , ઉપમિતિ ભવપ્રપંચા , અધ્યાત્મ કલ્પદ્રુમ , શ્રીપાલ રાજાનો રાસ જેવા અનેક અનેક ગ્રંથો આપણે વાંચ્યા છે , વાંચતા રહીશું . ગ્રંથકાર એક છે , ગ્રંથ એક છે . એ ગ્રંથો પહેલાં હસ્તલિખિત ગ્રંથનાં પાનામાં હતા . આપણે એને પુસ્તક રૂપે હાથમાં લઈએ છીએ . પાઠ શુદ્ધ છે . મુદ્રણ સુઘડ છે . આંખોને અગવડ નથી . એનું સંપાદન કોઈકે કર્યું છે . એમણે અલગ અલગ હસ્તલિખિત પ્રતોનો આધાર લીધો હશે કે એક ચોક્કસ હસ્તલિખિત પ્રતનો આધાર રાખ્યો હશે . આપણી માટે અગત્યની વાત એ છે કે એમણે આપણને શુદ્ધ સંપાદન આપ્યું . સંપાદનનો આ પ્રકાર એટલો બધો પ્રચલિત છે કે આ પ્રકારને અલગથી જોવામાં આવતો નથી . આ પ્રકારનાં સંપાદન દ્વારા , કોઈ સંપાદકે એક ગ્રંથ આપ્યો , કોઈ સંપાદકે એકાધિક ગ્રંથ આપ્યા . આ પ્રકારનાં સંપાદન કરનારા સંપાદકોનાં અનેક અનેક નામ છે અને તે જગજાહેર છે . જે ગ્રંથ મુદ્રણ સુધી પહોંચ્યો નહોતો એને આ સંપાદકો દ્વારા પુસ્તકનો આકાર મળ્યો . ગ્રંથને વિદ્યાર્થી મળ્યા , વિદ્યાર્થીને ગ્રંથ મળ્યા .

સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૪ : ગ્રંથકાર અને ટીકાકારનું સહયોજન

એક જ પુસ્તકમાં ગ્રંથકાર પણ હોય અને ટીકાકાર પણ હોય એવું સંપાદન ઘણી રીતે બને છે .

+ યોગશાસ્ત્ર સટીક , ભવભાવના સટીક , ધર્મસંગ્રહ સટીક – આદિ શાસ્ત્રોમાં ગ્રંથકાર અને ટીકાકાર એક જ છે.

+ ધર્મસંગ્રહણી સટીક , સ્યાદ્વાદમંજરી , યોગવિંશિકા સટીક આદિ શાસ્ત્રોમાં એક ગ્રંથકાર અને એક ટીકાકાર છે . બન્ને જુદા જુદા છે .

+ મૂળગ્રંથ , એની પર ટીકા . એ ટીકા ઉપર નવી ટીકા . આ રીતે ત્રણ ચરણ પણ થતાં હોય છે . મુક્તાવલિ , દિનકરી અને રામરુદ્રીમાં ત્રણ ચરણ છે . ચાર ચરણ પણ જોવા મળે છે . આગમસૂત્રો પર નિર્યુક્તિ છે , નિર્યુક્તિ પર ભાષ્ય છે , ભાષ્ય પર ટીકા છે . આ ચાર ચરણ થયાં : મૂળ આગમ , એની નિર્યુક્તિ , એનું ભાષ્ય અને એની ટીકા .

+ એક જ ગ્રંથ પર એકથી વધુ ટીકા હોય અને એ દરેક ટીકા એક સાથે મુદ્રિત એવું પણ જોવા મળે છે . ષોડશક ગ્રંથ સટીક છપાયો એમાં મૂળ ષોડશક ગ્રંથ ઉપરાંત એની બે ટીકા પણ મુદ્રિત થઈ છે . કારિકાવલિ મુક્તાવલિનું એક સંસ્કરણ એવું છે જેમાં મૂળગ્રંથની સાથે પાંચ ટીકાઓ છે : પ્રભા , મંજૂષા , દિનકરી , રામરુદ્રી અને ગંગારામી .

સંપાદનપ્રવૃત્તિના આ ચાર પ્રકાર ગ્રંથ સંયોજના અનુસાર બને છે . श्री अष्टसहस्री तात्पर्यविवरणम् ગ્રંથ ચતુર્થ સંપાદન પ્રકારમાં સમાવેશ પામે છે . મૂળગ્રંથ છે आप्त मीमांसा , એના રચયિતા છે आचार्य समंतभद्र . એની પર ટીકા છે अष्टशती , એના રચયિતા છે , भट्ट अकलंक . એની પર ટીકા છે अष्टसहस्री , એના રચયિતા છે आचार्य विद्यानंद . આ ત્રણ ચરણ થયાં . ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે : સર્વજ્ઞ સિદ્ધિ , અનેકાંતવાદ , સપ્તભંગી , નય તેમ જ બૌદ્ધ , સાંખ્ય અને વૈદિક દર્શનોનું ખંડન . ત્રણ ચરણના ગ્રંથકાર , દિગંબર પરંપરાના છે . આની પર ચતુર્થ ચરણમાં , શ્વેતાંબર પરંપરાના ગ્રંથકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.એ तात्पर्य विवरणम् એ નામે ટીકા લખી છે .

तात्पर्य विवरणम् ટીકાકારની સ્વહસ્તે લિખિત હસ્તપ્રતના આધારે પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.એ अष्टसहस्री तात्पर्यविवरणम् ગ્રંથ ભાગ ૧ / ૨ નું સંપાદન કર્યું છે . અહીં સંપાદનવિદ્યાનાં છ સૂત્ર પૂર્ણ રીતે સાકાર થયાં છે . આ સંપાદન માટે એમણે બે વરસનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો છે . માનસિક પુરુષાર્થ . આંખોનો પુરુષાર્થ . નિદ્રા અને આરામનો પરિત્યાગ . શારીરિક અનુકૂળતાની ઉપેક્ષા , પ્રતિકૂળતાનો અપ્રતિકાર . તેઓ દર્શનશાસ્ત્ર અને નવ્ય ન્યાયના પ્રખર વિદ્વાન્ છે . મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. માટે એમને અનહદ પ્રીતિ છે . अष्टसहस्री तात्पर्यविवरणम् – નાં સંપાદન દ્વારા એમની પુરુષાર્થ વૃત્તિ , પ્રતિભા અને પ્રીતિને પરમનો સ્પર્શ સાંપડ્યો છે . સ્યાદ્વાદના મહાસૂત્રધાર વાચકવર્ય શ્રીયશોવિજયજી મહારાજાને અનંત વંદના .

( પ્રથમ લેખન વિ.સં. ૨૦૫૯ / પુનર્લેખન વિ.સં. ૨૦૮૩ )

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.