Home Gujaratiભદ્રાવતી તીર્થ : ચમત્કાર , ઈતિહાસ , સૌંદર્ય અને પુરાતત્ત્વ

ભદ્રાવતી તીર્થ : ચમત્કાર , ઈતિહાસ , સૌંદર્ય અને પુરાતત્ત્વ

by devardhiadmin
0 comments

૧. ચમત્કારી ભગવાન્ 

એક શેઠ છે . કરોડોનો કારોબાર છે . ભારતભરમાં નામ ફેલાયું  છે. સખાવત ઘણી કરે છે . એ પોતાનાં ગામનાં બજારમાં ક્યાંક બેઠા હતા . એમને સમાચાર મળ્યા કે ઘરે અને ઓફિસમાં ઈનકમ ટેક્સની રેડ પડી છે . એ ઓફિસે કે ઘરે ગયા વગર , બસ પકડીને સીધા તીર્થમાં આવી ગયા . ધર્મશાળાની એક રૂમમાં દિવસો સુધી છુપાયેલા રહ્યા . આરતીના વખતે દેરાસર આવે . બાકી આખો દિવસ રુમમાં ભરાયેલા રહે . ખાવાનું પણ રુમમાં આવી જાય . પ્રભુને પ્રાર્થના કરતા રહે : તારાં શરણે આવ્યો છું . ઘરે અને ઓફિસમાં ફાઈલના થપ્પેથપ્પા જમા હતા . અમુક ફાઈલ તકલીફ વધારે એવી જ હતી . ઈનકમ ટેક્સવાળા એક એક ફાઇલ તપાસતા ગયા . દિવસો નીકળી ગયા . ફાઇલ ખતમ જ ન થાય  . આખરે કંટાળીને એ લોકો નીકળી ગયા . જોવા જેવી વાત એ હતી કે જે ફાઇલ પર એ લોકો અટક્યા એના પછીની ફાઇલથી રિસ્ક શરુ થતું હતું . પણ ઈનકમ ટેક્સવાળા એ ફાઇલથી સ્વેચ્છાએ દૂર રહ્યા . જો ફાઇલ પકડાત તો , દસ વરસની જેલ પાક્કી હતી . ન ફાઇલ પકડાઈ  , ન જેલ થઈ , ન શાખ ખરાબ થઈ . એ ભાઈએ તીર્થની ઓફિસમાં જઈને ટ્રસ્ટીઓને કહ્યું કે મૂળનાયક દાદાના ચમત્કારથી હું બચી ગયો છું , બાકી મારા બચવાના કોઈ ચાન્સ નહોતા . ભગવાને મને બચાવી લીધો . મારે તીર્થમાં લાભ લેવો હોય તો મળે ? મારે આટલા કરોડ , પ્રભુસેવામાં વાપરવા છે . 

તમે પૂછશો કેટલા કરોડ ? જવાબ છે : મારે પ્રભુ માટે કરોડ વાપરવા છે , લાભ આપશો ? એવું પૂછવાવાળા ભક્તો અહીં ઘણા છે . કોના , કેટલા કરોડ ગણાવશું ? અહીં કરોડ રૂપિયા શું વિસાતમાં છે જ્યાં કરોડ કરોડ દેવ , દાદાની સેવામાં અદૃશ્ય રૂપે હાજરાહજૂર છે . 

એ તીર્થ એટલે શ્રી ભદ્રાવતી તીર્થ , મહારાષ્ટ્ર . એ મૂળનાયક દાદા એટલે સ્વપ્નદેવ શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . પ્રભુનો ચમત્કાર ગામોગામ ફેલાયેલો છે . કોઈ કેન્સરમુક્ત થયું , કોઈ પરિવારપીડામાંથી બહાર આવ્યું , કોઈ અનિષ્ટથી બચ્યું , કોઈ અભીષ્ટ પામ્યું . કોઈ છ’રીપાલક સંઘનો ઉપદ્રવ યુદ્ધકાળમાં ટળ્યો . પ્રભુના ભક્તો આવે . પ્રભુના ચમત્કારની વાતો સંભળાવે . એનાથી  પ્રભુપ્રેમ વધે . ચમત્કાર સાંભળીને મોઢામાંથી લાળ ટપકે તે ખોટું . ચમત્કાર સાંભળીને નિઃસ્વાર્થ શ્રદ્ધા વધે એ ખરું . ભદ્રાવતી તીર્થમાં મહિનાઓ સુધી રહેવાનું થયું છે . ભદ્રાવતી તીર્થમાં ચોમાસું પણ થયું છે . ભદ્રાવતીના ભગવાનની ચમત્કાર કથાઓ ખૂબ સાંભળી છે . 

આપણે લોકોએ એક અફવા દરેક તીર્થ સાથે જોડી દીધી છે કે કે જૈન તીર્થમાં જે જૈન ઘર વસાવે છે તે આર્થિક રીતે સંપન્ન હોતો નથી . ચોક્કસ તીર્થોના રહેવાસી કુટુંબોનો દાખલો આપીને આ અફવાને સાચી પુરવાર કરવાના પ્રયત્નો ચાલુ રહે છે . આ અફવાના પ્રચારકોને ખોટા સાબિત કરે છે ભદ્રાવતી તીર્થનિવાસી જૈનો . કોઈ બંગલાના માલિક છે , કોઈ શોપિંગ મોલના . કોઈ સોનાચાંદીની દુકાનના માલિક છે , કોઈ કોલ્ડ સ્ટોરેજના . સૌનું કથન એક જ છે : આજે અમે જે પણ છીએ તે કેસરિયા ભગવાનનો પ્રભાવ છે . અમે અહીં રહેવા આવ્યા ત્યારે અમારી ઝોળી ખાલી હતી . અહીં દાદાએ અમારી ઝોળી છલકાવી દીધી છે અને છલકાવેલી રાખી છે . ભદ્રાવતીના જૈન પરિવારો પ્રક્ષાળમાં હાજર હોય છે , અંગલૂંછણામાં આગળ હોય છે , પ્રક્ષાળના સમયે ઢોલનગારા વગાડે છે , સાંજે આરતીટાણે ભક્તિગીતો ગાય છે , તીર્થસેવામાં જોડાયેલા રહે છે . સૌનું સંવેદન એકસમાન છે : હમ જો ભી હૈ , ભગવાન્ કી કૃપા સે હૈં . હમારે પાસ જો ભી હૈ , સબ ભગવાન્ કા હૈ . 

ભદ્રાવતીના ભગવાનનો આ દબદબો છે . એમનાં નગરમાં રહેનારા સૌ સુખી છે અને સેવાભાવી છે . મારું સૌભાગ્ય છે કે  ભદ્રાવતીનિવાસી આ પ્રભુભક્તો સાથે હું વરસોથી જોડાયેલો છું . એમનું સુખ મેં જોયું છે , એમને સુખ ભગવાને આપ્યું છે એ મેં એમનાં જ મોઢે વારંવાર સાંભળ્યું છે . 

જોકે , આ તીર્થ બન્યું એમાં કે તીર્થનાં વર્તમાન સંચાલનમાં એમનો હિસ્સો નથી . પ્રભુ પોતાનાં બળે આવ્યા છે . પછી આ ભક્તો આવ્યા છે . 

૨. પ્રભુનાં પ્રાકટ્યની કથા

કોઈપણ કાર્ય માટે ઉત્તમ દિવસ છે વસંત પંચમી . વસંત પંચમી એટલે મહા સુદ પાંચમ . વસંત પંચમીના દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન્ , શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન્ અને અન્ય કેટલાય જિનાલયોની વાર્ષિક ધ્વજા હોય છે . વસંત પંચમી વણમાંગ્યું મુહૂર્ત છે . વસંત પંચમીના દિવસે શુભ કાર્યનો પ્રારંભ થાય છે , ભારત દેશમાં . વસંત પંચમીએ જે કાર્યનો પ્રારંભ થાય તે સ્વાભાવિક રીતે સફળ થાય છે આવું સાંભળ્યું છે , જોયું છે .

વસંત પંચમીએ જોયેલું સપનું પણ સ્વાભાવિક રીતે સફળ થાય છે આવું ઈતિહાસ શીખવે છે . ઈતિહાસ તીર્થનો છે . વસંત પંચમીએ જોયેલું સપનું હજી સવાસો વરસ પહેલાંની ઘટના છે . જે તીર્થ સવાસો વરસ પહેલાં હતું જ નહીં તે તીર્થ વસંત પંચમીએ જોયેલા સપનાં બાદ આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે . વિ. સં. ૧૯૬૬ ની સાલ હતી , સોમવારની રાત હતી . સપનું સારું મુહૂર્ત જોઈને આવ્યું હતું . સપનામાં ભગવાન્ પધાર્યા હતા . સપનું જોનાર હતા ચતુર્ભુજભાઈ . તેઓ અંતરીક્ષ તીર્થના મેનેજર હતા , અંતરીક્ષ તીર્થમાં હતા .

સપનામાં મોટું જંગલ દેખાયું હતું . ચત્રભુજભાઈ આગળ ચાલતા હતા અને એમની પાછળ દશ હાથ લાંબો નાગ ચાલી રહ્યો હતો . નાગથી ડરીને ચતુર્ભુજભાઈ આગળ આગળ ચાલતા હતા . એમનું પગલે પગલું દાબીને નાગ પાછળ પાછળ આવી રહ્યો હતો. ચાલી ચાલીને થાકેલા ચતુર્ભુજભાઈએ હાથ જોડીને નાગને વિનંતી કરી કે મેં આપનું કંઈ બગાડ્યું નથી . આપ શું કામ મારો પીછો કરો છો ?

સપનામાં નાગદેવતાએ કહ્યું હતું કે ‘ હું તને એક ચમત્કાર બતાવું , તું મનેં પાંચસો રૂપિયા આપ . ‘

ચત્રભુજભાઈએ કહ્યું કે ‘હું નાનો માણસ છું , મારી પાસે આટલા રૂપિયા નથી .’

નાગદેવતાએ કહ્યું: તું મારી માટે પાંચસો રુપિયા પણ ન વાપરી શકે ?

ચત્રભુજભાઇએ કહ્યું કે ‘મારી પાસે ખરેખર પૈસા નથી .’

હવે નાગદેવતાએ કહ્યું કે ‘અચ્છા તારી પૈસા જ નથી . ઠીક છે . તું પાછળ જો .’

ચત્રભુજભાઈને ડર હતો કે હું નજર બીજે ફેરવીશ તો આ નાગ મને ડંખ મારી દેશે . છતાં એમણે ડરતાં ડરતાં પાછળ જોયું . ચત્રભુજભાઈને એમ થયું કે જંગલમાં પાછળ શું હશે , જોવા જેવું ? જંગલમાં તો જ બે જ હોય , ઝાડ અને જનાવર . પણ પાછળ થોડે દૂર , એમને એક વિશાળકાય જિનાલય દેખાયું , એમાં બિરાજમાન હતા , આછા કેસરીવર્ણના પાર્શ્વનાથ ભગવાન્ . જિનાલયની આસપાસ મોટું નગર પણ ફેલાયેલું હતું . એ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યા . એમને નાગદેવતાએ કહ્યું: આ ભદ્રાવતી નગરી છે . આ જિનાલય પશ્ચિમ સન્મુખ છે . એમાં બિરાજમાન દેખાય છે શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . આ મહાન્ તીર્થ છે . તું આ તીર્થનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર . ‘

આટલું બોલીને નાગદેવતા અદૃશ્ય થઈ ગયા . એ સાથે સપનું પૂર્ણ થઈ ગયું . વસંત પંચમીએ જોયેલું સપનું હતું એની ગરિમા સમજીને તેઓ મહા સુદ નોમના દિવસે એ ભદ્રાવતી આવ્યા . એ સમયે ભાંડકજી નામ ચલણમાં હતું . ભદ્રાવતી નામ વસંતપંચમીએ સપનામાં આવ્યું હતું . એ નામ સપનામાં નાગદેવતાએ જણાવ્યું હતું . સપનામાં જે નામ સાંભળેલું તે વહેવારમાં નહોતું . એ વખતે , બ્રિટીશ રાજ હતું . આજની જેવું બજાર નહોતું , ભીડ નહોતી . થોડી વસતિ અને ઝાઝું જંગલ હતું .

ભાંડકમાં આવીને એમણે કોઈ અનુભવીને પૂછ્યું: ભદ્રાવતી ક્યાં આવ્યું ?

એ અનુભવીએ કહ્યું કે આ ભાંડક જ , ભદ્રાવતી છે .

વસંત પંચમીએ આવેલાં સપનાએ અંતરીક્ષ તીર્થના મેનેજર કમ મુનીમજીને ભદ્રાવતીમાં લાવીને ઊભો રાખી દીધો હતો . એણે સપના પર ભરોસો રાખ્યો . સપનામાં જોયું હતું તે જંગલ , નગર અને જિનાલય શોધવું હતું . નાગદેવતાનાં કથનને સાચું સાબિત કરવું હતું . કામ સહેલું નહોતું . વિ. સં.૧૯૬૬ની સાલમાં ત્યાં ધર્મશાળા , ભોજનશાળા , કેન્ટિન , બગીચો વિ. કાંઈ નહોતું . જંગલ હતું , જંગલી જાનવરો હતાં . કોને પૂછવું , ક્યાં જઈને શોધવું – સમજાતું નહોતું . પણ જે શોધવા નીકળે છે એને કુદરત સહાય કરે છે . ચત્રભુજભાઈને સ્થાનિક સજ્જનો સારા મળ્યા . એમાં એક હતા શ્રીમાન્ ગુંડાવરકર . તેઓ જમીનદાર હતા , અહીંની ભાષામાં માલગુજાર . એમને સાથે લઈને જંગલની પરિક્રમા શરૂ થઈ . વાઘ દીપડા અજગર જેવા જોખમને અવગણીને તેઓ ખૂબ ફર્યા . એક જગ્યાએ તેઓ અટક્યા . તેમણે જોયું કે કાંટાળી વાડની વચ્ચે કશુંક જમીનમાં અડધું દટાયેલું છે . પાટિયું લટકતું હતું એની પર લખેલું હતું કે આ પુરાતન સ્મારક , પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે .  પાસે જઈને ધ્યાનપૂર્વક જોયું તો સમજાયું કે આશરે સાત હાથની ભવ્ય પ્રતિમા અર્ધ ઉદિત સૂરજની જેમ , અડધી ભૂમિગત હતી , અડધી પ્રગટ હતી . મસ્તક પરની ભવ્ય ફણા દૃશ્યમાન હતી જેનાથી સમજાતું હતું કે પ્રતિમા પારસનાથ દાદાની હતી . પ્રતિમાનો વર્ણ કેસર જેવો હતો . ચત્રભુજભાઈએ આજસુધી ઘણાય પાર્શ્વનાથ દાદાનાં કર્યા હતા . આ પાર્શ્વનાથ પ્રભુનો વર્ણ કેસરી હતો .  ચત્રભુજભાઈ સહસા બોલી ઊઠ્યા : આ તો કેસરિયા પાર્શ્વનાથ છે . તે ઘડી અને તે દહાડો . અર્ધ દૃશ્યમાન પ્રભુનાં નામને નવલું રૂપ મળ્યું . પ્રભુ જેવા સ્વપ્નમાં દેખાયાં હતાં એવા જ નજરોનજર દેખાતા હતા આથી નામનું અલંકરણ વધ્યું : સ્વપ્નદેવ શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . આજ લગી પ્રભુ આ જ નામે ઓળખાય છે . 

અલબત્ત . મહા સુદ નોમ અથવા દશમે  , નામકરણનો તખ્તો બની ગયો પરંતુ પ્રભુનું પૂરેપૂરું પ્રાકટ્ય સંપન્ન થયું નહોતું . કાંટાળી વાડ કોણે બનાવી છે ? પાટિયું કોણે લગાવ્યું ? આ ભગવાન્ ભૂમિમાંથી પૂરેપૂરા કેવી રીતે બહાર આવી શકશે ? આ ભગવાન્ જૈન સંઘને મળશે કે નહીં ? આ બધા પ્રશ્નોના જવાબ બાકી હતા . એટલો સંતોષ હતો કે મહા સુદ પાંચમે આવેલું સપનું સાચું પડ્યું હતું . જંગલમાં ભગવાન્ હતા . નાગદેવતાએ જે જણાવ્યું એ સત્ય હતું . હવે તીર્થનો ઉદ્ધાર કરવાનો હતો.

તપાસ કરતા જાણકારી મળી કે ઈસવીસન્ 1900 માં સ્કોટિશ ઇસાઈ મિશન – ચંદ્રપુર બ્રાંચના મુખ્ય પાદરીને આ ભગવાન્ આ રીતે જોવા મળ્યા હતા . એણે અંગ્રેજી સરકારના સ્થાનિક શાસક ચંદ્રપુર – ને સમાચાર આપ્યા હતા . શાસન તરફથી પુરાતત્ત્વના જાણકાર લોકો જોવા આવ્યા હતા . એમણે મૂર્તિ અને આસપાસના ભગ્ન અવશેષો જોયા હતા . આશરે ૮૦૦ રૂપિયાના ખરચે  એમણે આજુબાજુમાં લોખંડના તારની વાડાબંધી કરાવીને પુરાતત્ત્વ વિભાગનું પાટિયું લગાવી દીધું હતું . 

ચત્રભુજભાઈને લાગ્યું કે આ મોટો મુદ્દો છે . એકલો હું કાંઈ કરી શકવાનો નથી . એ પહોંચ્યા ચંદ્રપુર . સંઘને ભેગો કર્યો . બધી વાત કરી . સંઘમાં પૂ.મુનિશ્રી સુમતિસાગરજી મ. બિરાજમાન હતા . એમને સંઘે જાણકારી આપી . ચંદ્રપુરથી મુનિ ભગવંતની નિશ્રામાં શ્રી સંઘ ભાંડકજી આવ્યો . ગુરુ ભગવંતે  મૂર્તિનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે આ મૂર્તિ ૨૦૦૦ વર્ષ પ્રાચીન જણાય છે. મૂર્તિ અને જમીન આપણા હાથમાં  હોવી જોઈએ . શ્રી સંઘે મુનિ ભગવંતની વાતને વધાવી લીધી . પુરાતત્ત્વ વિભાગને ૮૦૦ રૂપિયા આપવામાં આવ્યા . એક એકડના આઠ આના લગાન લેખે ૨૧.૫ એકર જમીન લેવામાં આવી . તારીખ હતી ૧.૪.૧૯૧૨. (આ જમીન ત્યારે ભાંડક ગામની નહોતી બલ્કે ઘુટકાલા રયતવારી ગામની હતી . પાછળના સમયમાં જમીન ભાંડકજી ગામમાં ગણાતી થઈ.  )

આગળ પછી બે વાત બની . એક , જમીનમાંથી પ્રગટેલા ભગવાનની વાત ચોતરફ ફેલાઈ ગઈ. હિંદુ સમાજ મૂર્તિનાં દર્શન કરવા દોડી આવ્યો . પ્રભુની વિશાળ ફણાને નાગદેવતા સમજી રોજરોજ સિંદૂર પૂજા થવા લાગી . ધસારો વધતો ગયો . બે , જૈન પ્રતિમા માટે જૈન મંદિર અને જૈન તીર્થ બને તે માટે અંગ્રેજ સરકારે એકસો એકરથી વધુ જમીન જૈન સમાજને આપી . ભાંડકજીના હિંદુધર્મી માલગુજાર પરિવારના લક્ષ્મણ પાટિલ , માધવ પાટિલ આદિએ બક્ષિસપત્ર દ્વારા કુલ મળીને ૬૦ એકર જમીન જૈન સમાજને આપી . 

ચંદ્રપુરના સિદ્ધકરણજી ગોલછા અને વર્ધાના હિરાલાલજી ફતેપુરિયાની આગેવાનીમાં વરોરા , હિંગનઘાટ , નાગપુર અને અન્ય શહેરોના શ્રાવકો જોડાયા . પ્રારંભિક સમિતિ બની . વિ.સં.૧૯૬૯માં સમગ્ર ભારતના આગેવાન શ્રાવકોની સભા રાખવામાં આવી . સભાના અધ્યક્ષ પદે કોલકાતાના બાબુ બદરીદાસ જૌહરીનું નામ નિશ્ચિત હતું . કોઈ કારણ વશ એ ન આવી શક્યા . આથી નાગપુરના શ્રેષ્ઠીવર્ય પૂનમચંદજી શેઠિયાએ સભાનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું . સમગ્ર ભારતના ૫૦૦ થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . પ્રભુપ્રાકટ્યની કથા સાંભળી સૌ આનંદવિભોર બની ગયા હતા . જે જે યોજનાઓ જાહેર થઈ હતી એમાં સૌએ ઊલટભેર લાભ લીધો હતો . 

સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જ્યાં ભગવાન્ પ્રગટ્યા ત્યાં કોઈ જૈન સંઘ નહોતો . અરે , જૈનનું એક પણ ઘર નહોતું . કોઈ એક શહેરને આ તીર્થની જવાબદારી સોંપાય એવું સંભવિત નહોતું . આથી જૈન શ્વેતાંબર મંડલ આ નામે સમિતિનું ગઠન  થયું . ચંદ્રપુર  , વર્ધા , હિંગનઘાટ  , અમરાવતી , વરોરા , નાગપુર , છિંદવાડા , શિવની , નરસિંઘપુર , જબલપુર , કટંગી , ગોટેગાંવ  , કામઠી  , પુલગાંવ  , અકોલા – ના કુલ ૩૫ આગેવાનો સમિતિમાં જોડાયા . સન્ ૧૯૨૧માં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું . 

સપનું વિ.સં.૧૯૬૬માં સપનું આવ્યું . તે પછી તીર્થોદ્ધાર સ્વરૂપ તીર્થનિર્માણનો પ્રારંભ થયો . વિ. સં. ૧૯૭૬માં , સન્ ૧૯૨૧ / ૧૯૨૨ માં તીર્થનિર્માણનું કાર્ય પૂર્ણ થયું અને પ્રભુની  પ્રતિષ્ઠા થઈ . ગભારામાં અખંડ દીપનો પ્રારંભ થયો તેમાં આશ્ચર્ય જોવા મળ્યું : દીવાનું કાજળ કેસરી રંગનું બનતું હતું , શ્યામ રંગનું નહીં . જેમની જ્યોતમાંથી કેસરી વર્ણ નીકળે છે એ ભગવાન્ છે કેસરિયા પાર્શ્વનાથ . દાદાનું નામકરણ આ રીતે પણ થયું . 

મૂર્તિ આશરે ૨૬૦૦ વરસ પ્રાચીન છે . મૂર્તિની સુરક્ષા માટે મૂર્તિ પર શ્યામ રંગનો લેપ કરવામાં આવ્યો . લેપ કરતાં પહેલાં જૂના લેપને ઉતારવામાં આવ્યો ત્યારે મૂર્તિ પરથી સિંદૂરના બે ત્રણ થર ઉતર્યા . મંદિર નિર્માણ પૂર્વે , હિંદુ સમાજની શ્રદ્ધાને કારણે આટલું બધું સિંદૂર ચડ્યું હતું . આ સિંદૂર પણ કેસરિયા નામનું કારણ બન્યું હતું . અત્યારે પ્રતિમા પર શ્યામ લેપ છે પરંતુ કેસરિયા નામ યથાવત્ પ્રચલિત છે . 

બે અંગ્રેજ અફસર પ્રભુના ભક્ત બન્યા હતા . એક , સર ગવર્નર ફ્રેંક સ્લાય .  બે , મિડલટન સ્ટુઅર્ટ . 

ફ્રેંક સ્લાય પ્રભુમૂર્તિના તેજસૌંદર્યથી અભિભૂત હતા .  એમણે તીર્થસંકુલનો મુખ્ય ગેટ બંધાવ્યો  . એ ઉત્તુંગ ગેટની બહાર , બે અંગ્રેજી પુલિસના પૂતળા બનાવ્યા . ફ્રેંક સ્લાયે જાણે એલાન કર્યું હતું કે ‘ ભદ્રાવતી તીર્થની સેવામાં બ્રિટીશ સામ્રાજ્ય હંમેશા હાજર છે  . ‘ આટલું મોટું ગૌરવ બહુ ઓછા તીર્થને મળેલું છે . પુલિસ અધિકારી મિડલટન સ્ટુઅર્ટે પોતાની અંગત લાગણીપૂર્વક , અંગ્રેજી ન્યુઝપેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ( ૬.૭.૧૯૨૪) ઈલ્યુસ્ટ્રેટેડ વીકલીમાં એક લેખ લખ્યો હતો . એ સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સંપાદક હતા સર સ્ટેનલે રીડ , બેનેટ , કોલમન એન્ડ કંપની લિમિટેડની માલિકીમાં એ અંગ્રેજી રાજનું લોકપ્રિય દૈનિક બની ચૂક્યું હતું . 

પ્રતિષ્ઠા બાદ , પ્રભુનું તેજ વધતું રહ્યું છે . સો વરસ પહેલાં જ્યાં ભગવાન્ નહોતા અને ઘોર જંગલ હતું તે ભૂમિ આજે જગવિખ્યાત મહાતીર્થ બની ચૂકી છે . વરસે લાખો યાત્રાળુ આવે છે . પ્રભુનો પરચો અનુભવે છે અને પુનઃ પુનઃ આવતા રહે છે . વિ.સં.૧૯૭૬ માં પ્રભુ જે જિનાલયમાં બિરાજમાન થયા હતા તે જિનાલય કરતાં વધુ રમણીય , વધુ વિશાલ અને વધુ ઉન્નત જિનાલય વરસો બાદ બન્યું . એ અભિનવ જિનાલયમાં પ્રભુ , વિ.સં.૨૦૬૯માં બિરાજમાન થયા . પુરાતન જિનાલયમાંથી ઉત્થાપન પામીને બહાર પધાર્યા અને અભિનવ જિનાલયમાં પધાર્યા એ પ્રક્રિયાએ લાંબો સમય લીધો હતો તે દરમિયાન સતત ખાંડાધારે વરસાદ વરસ્યો હતો , આકાશમાં સફેદ પંખીઓ ઊભરાઈ પડ્યા હતા .

જૈન શ્વેતાંબર મંડલ , આજે યશસ્વી રીતે એકસો વરસ પૂર્ણ કરી ચૂક્યું છે . સાત મંદિર , બે ઉપાશ્રય , બગીચો , ધર્મશાળા , ભોજનશાળા , પાંજરાપોળ , આરોગ્ય કેન્દ્રનું સંચાલન જૈન શ્વેતાંબર મંડલ , સો વરસથી એકધારું સંભાળે છે . 

૩. પ્રભુનું સૌંદર્ય 

પ્રભુની પ્રતિમા ભવ્ય છે . ફણા સુધીની ઊંચાઈ છે ૧૫૫ સે.મી. એટલે કે ૫ ફૂટ , ૧ ઈંચ.  મસ્તક સુધીની ઊંચાઈ છે ૧૩૦ સે.મી. એટલે કે ૪ ફૂટ , ૩ ઈંચ. પહોળાઈ છે ૧૪૦ સે.મી. એટલે કે ૪ ફીટ , ૭ ઈંચ . પ્રતિમા જૂના જિનાલયમાં હતી ત્યારે , ગભારાની પહોળાઈ વધુ હતી અને લંબાઈ ઓછી .  પબાસણ નીચું હતું એટલે નજીક રહેનારી પ્રતિમા તુરંત ભવ્ય ભાસતી હતી . નવા જિનાલયમાં ગભારો જેટલો પહોળો છે એટલો લાંબો છે. પ્રતિમાનું શ્યામ પરિકર નવું બન્યું છે જે તોતિંગ છે . પબાસન ઊંચું છે . આથી પ્રતિમા ત્યારે ભવ્ય ભાસે છે જ્યારે ગભારામાં પ્રવેશીને પબાસણ પાસે ઊભા રહીએ છીએ  . આ જ કારણે  ગભારાની બહારથી પ્રતિમાની ભવ્યતાનો આંખે દેખ્યો અંદાજ આવતો નથી . બાકી , ભગવાન્ તો એ જ છે , ગિરનાર જેવા ગંજાવર , જાજરમાન અને શ્યામ સુંદર .  

પ્રભુનો દુગ્ધ અભિષેક સેંકડો વાર નિહાળ્યો છે . કૃષ્ણરંગી પ્રતિમા પરથી દૂધની ધારાઓ સરકે છે ત્યારે મૂર્તિનું રૂપ બદલાયેલું લાગે છે . સમગ્ર મુખ પરથી દૂધ રેલાતું હોય ત્યારે પ્રભુનો ચહેરો ગોરો ગોરો લાગે , બે ખભા પરથી ધવલધારા વહેતી હોય ત્યારે એમ લાગે કે આદિનાથ દાદાની જટા ઉજળો વર્ણ ધારણ કરીને પ્રગટી છે કે શું ? છાતી પરથી દૂધના રેલા સરકતા હોય ત્યારે એવું લાગે કે પ્રભુએ ધવલ અંગવસ્ત્ર ધારણ કર્યું છે . પલાઠી પરથી દૂધ નીચે સરકે ત્યારે એમ લાગે કે આ દેવદૂષ્ય પથરાયું છે . વિધિવિધાન વખતે પ્રભુ પર વાસક્ષેપ વરસે ત્યારે સહ્યાદ્રિ પર ફલાતા સોનેરી ધુમ્મસની આભા ક્ષણવાર માટે વર્તાય . અંગલૂંછણા થતાં હોય એ પહેલાંના જલભીના ભગવાન્ એવા ચમકે જાણે તેત્રીસ પ્રકારના શ્યામ રત્નોથી પ્રતિમા રચાઈ હોય . આરતીના સમયે પ્રતિમાની આંખો અલગ જ ચમકે . પ્રભુ પશ્ચિમ સન્મુખ છે . સૂર્યોદયના સમયે ગભારામાં ઓછું અજવાળું હોય , એ વખતે પ્રભુનું રૂપ નોખું હોય . મધ્યાહ્ન કાળે ગભારામાં ખાસ્સું બધું અજવાળું આવે , એ વખતે પ્રભુનું રૂપ નોખું હોય . સંધ્યાકાળે તડકો જિનાલયમાં ક્યાંક પગ મૂકે ,  વખતે પ્રભુનું રૂપ નોખું હોય . અજવાસની છાયા બદલાય એમ મૂર્તિની આભા બદલાય છે . શ્રદ્ધાળુઓ કહે છે કે : ભગવાન્ સવાર , બપોર , સાંજ નવા ધારણ કરે છે . આ શ્રદ્ધામાં વસેલી પ્રશંસા , લાગણી , ભક્તિ , આત્મીયતા ગમે છે . 

ભગવાન્ માટે મોટો બગીચો બન્યો છે . ઢગલાબંધ ફૂલો આવે છે . પ્રભુનો ખોળો અને નાભિપ્રદેશ ફૂલોથી ઢંકાઈ જાય એટલા બધા ફૂલ ચડે છે . ચંદ્રપુરના માળી , સફેદ ફૂલની મોટ્ટીમજાની માળા બનાવે છે તેનાથી ભગવાન્ મહાચક્રવર્તીનો ઠાઠમાઠ ધારે છે . 

ભગવાન્ પ્રગટ થયા એ પછી તીર્થનો પણ ઉદ્ધાર થયો અને ભાંડક ગામનો પણ . અંગ્રેજોના જમાનામાં જે ભાંડક હતું એને દેશની આઝાદી પછી ભદ્રાવતી નામ , પ્રભુના જ પ્રભાવે મળ્યું છે . ભદ્રાવતી નગરપાલિકા આપણાં જિનાલયને ભદ્રાવતી નગરની આન બાન ઔર શાન ગણે છે .

૪. પુરાતન અભિલેખ 

+ મહાભારતના સમયની કથા છે . રાજા યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ માટે શ્યામકર્ણ અશ્વની આવશ્યકતા હતી . એ વખતે ભદ્રાવતીના રાજા હતા , યુવનાખ . યુધિષ્ઠિર , મેઘવર્ણ અને કૃષ્ણકેતુને લઈને ભદ્રાવતી આવ્યા કારણ કે ભદ્રાવતીના રાજા પાસે શ્યામકર્ણ અશ્વ હતો . યુધિષ્ઠિરે રાજા પાસે અશ્વ માંગ્યો , રાજાએ ના પાડી . યુદ્ધ થયું , યુધિષ્ઠિર જીત્યા .  ભદ્રાવતીના રાજાનો અશ્વ , યુધિષ્ઠિર પોતાની સાથે લઈ ગયા . આ કથામાં જે ભદ્રાવતી છે તે સંભવત: ભાંડકજી છે .

+ કલિંગસમ્રાટ્  રાજા ખારવેલ . ઈતિહાસનું મોટું નામ . એમની રાણી ,  ભદ્રાવતીની દીકરી હતી . 

+ એવી દંતકથા છે કે શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજા ભદ્રાવતી પધાર્યા હતા અને અહીંની ગુફાઓમાં એમણે ધ્યાનસ્થ દશાનો આનંદ લીધો હતો.

+ જૂના ભૂતકાળમાં મૌર્ય  , ચંદ્રગુપ્ત  , આંધ્ર , રાષ્ટ્રકૂટ  , ચૌલુક્ય  અને વાકાટક વંશના રાજાઓનો સંબંધ આ ભૂમિ સાથે રહ્યો છે . નજીકના ભૂતકાળમાં ચંદ્રપુરના ગોંડ રાજાઓનું રાજ આ ભૂમિ પર રહ્યું . સન્ ૧૮૧૮થી નાગપુરના ભોંસલે રાજાઓનું રાજ હતું . 

+ આટલો લાંબો ભૂતકાળ જોનારી ભૂમિમાં જ્યારે પણ ખોદકામ થાય છે , જમીનમાંથી પુરાણા અવશેષ નીકળી જ આવે છે . કોઈ અવશેષ નાગપુર સરકારી મ્યુઝિયમમાં પહોંચે છે , કોઈ ભદ્રાવતીના જૂના કિલ્લામાં જમા થાય છે , કોઈ અવશેષ ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્મગલ થઈ જાય છે , કોઈ અવશેષ મરાઠી પ્રજા લઈ જાય છે અને એનાથી મંદિર બનાવે છે . કોઈ અવશેષ જૈન સંસ્કૃતિના હોય છે . ૯.૧૦.૨૦૨૫ના દિવસે બંગાલી રોડના એક ભૂમિખંડ પરથી કેસરિયા દાદા કરતાય વિશાળકાય પ્રતિમા નીકળી . ગળાની ઉપર મસ્તક નહીં . નાગપુર પુરાતત્ત્વ વિભાગ તરફથી ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું કે આ જૈન મૂર્તિ છે . મૂર્તિ આદિનાથ દાદાની છે . આશરે ૧૦૦૦ વરસ પ્રાચીન છે . જ્યાંથી મૂર્તિ નીકળેલી ત્યાં અન્ય અવશેષ પણ મળ્યા . એ બધાં અત્યારે ભદ્રાવતી તીર્થ પરિસરમાં જમા છે . પુરાતત્ત્વ વિભાગ કહે છે કે એ ભૂમિની ભીતર હજી ઘણું ધરબાયેલું છે . વિ.સં.૧૯૬૬માં મહા સુદ પાંચમે આવેલું સપનું , વિ.સં.૨૦૮૨માં પણ સાર્થક બની રહ્યું છે . ભૂમિમાંથી પ્રાગટ્યનો મહોત્સવ અવિરત છે . 

You may also like

Leave a Comment

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.