પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે
(૩)
ગોવાળે કમરપર વીંટળાયેલી રસ્સીની ગાંઠ ખોલી . લાંબી રસ્સીને એણે એક છેડેથી પકડી . એણે નક્કી કર્યું કે તે દેવાર્યને આ રસ્સીથી ચાબુકની જેમ મારશે . એની આંખોમાં ગુસ્સો હતો , હોઠો પર અપશબ્દો હતા . હૈયામાં દ્વેષ હતો .
દેવાર્યના સંસારી પક્ષે મોટાભાઈ શ્રી નંદીવર્ધન મહારાજાનાં રાજ્યમાં જનાવરોને પણ ચાબુક મારવાનો નિષેધ હતો અને અહીં મહારાજાના જ નાના ભાઈની સામે ચાબુક ઉગામવાની હરકત થઈ રહી હતી . અવાચક વૃષભોને સમજાયું નહોતું કે શું થઈ રહ્યું છે . દેવાર્યને રસ્સી કે ચાબુકનો ડર નહોતો . ગોવાળિયો ઝનૂને ભરાયો હતો . એણે હાથ ઉગામ્યો . હવે પછી રસ્સી વાગવાનો , ચાબુક વાગવાનો અવાજ દેવાર્યની કોમળ કાયા પરથી ઊઠવાનો હતો . જંગલની જમીન આની માટે તૈયાર નહોતી . ચારેકોર ઝળૂંભી રહેલા ઝાડ પણ આવું કોઈ દૃશ્ય જોવાની હિંમત ધરાવતા નહોતા . આછીપાતળી હવાને પણ આ ઘટના મંજૂર નહોતી .
પણ ગોવાળિયાને રોકશે કોણ ? ગોવાળિયો કદકાઠીએ મજબૂત હતો . કુદરતે આંખો મીંચી દીધી હતી . ગોવાળિયો જેમને રસ્સી ફટકારવાનો હતો તેમને દુનિયા નમસ્કાર કરતી હતી . કોઈ તો રોકો આ દુષ્ટ ગોવાળિયાને ? આસમાન ચિલ્લાયું હતું .
અને આસમાનથી જ એક ઓળો ગોવાળિયો પર ત્રાટકી પડ્યો હતો . પળવારમાં દૃશ્ય બદલાઈ ગયું હતું . ગોવાળિયાને હડસેલો વાગ્યો હતો . એ દૂર ફંગોળાઈ ગયો હતો . જાણે ગોવાળિયાને જ કોઈએ ચાબખો ફટકારી દીધો હતો . એ અધમૂઓ થઈને ઊંધાં માથે પટકાયો હતો . એવો એનો ધબડકો વળ્યો હતો કે ઊઠવાનાય સૂધબૂધ રહ્યા નહીં એનામાં . જંગલની જમીન હરખાઈ હતી , દેવાર્યને રસ્સી વાગી ન હતી . ઝાડ રાજી થઈને ઝૂલ્યા હતા , દેવાર્યને કોઈ જ તકલીફ પડી નહોતી . આછીપાતળી હવામાં હરખના હિલ્લોળ ઉઠ્યા હતા , દેવાર્યને હેરાન કરવાનું જે વિચારી રહ્યો તેની જ ધોલાઈ થઈ ગઈ હતી .
અલબત્ત , દેવાર્ય એ જ રીતે પ્રસન્નભાવે ઉભા હતા . બચી ગયા હોવાનો ભાવ એમના ચહેરા પર હતો જ નહીં . એ ડર્યા નહોતા , ડરવાનાય નહોતા . એમને ગોવાળિયાની કે વૃષભોની બાબતમાં વિચારવાની આવશ્યકતા જ નહોતી . દેવાર્ય પોતાની કાયાનોય વિચાર કરતા નહોતા . એમની આસપાસ જે કાંઈ બની રહ્યું હતું તેનાથી તેઓ પૂર્ણતઃ નિર્લેપ હતા .
આ ક્ષણે જંગલમાં એક નવો અવાજ પ્રકટ્યો હતો . એ માનવીય સ્વર નહોતો . કોઈ મંત્રગાન જેવો ધીર ગંભીર ઉદ્ઘોષ હતો એ . સમંદરી લહરીઓ જેવો ભરપૂર હતો એ ધ્વનિ .
‘ પ્રભુ ‘ એ અવાજમાં દેવાર્યને સંબોધન થયું . દેવાર્ય માટે એ અવાજ અજાણ્યો નહોતો . છેક બાળપણથી દેવાર્ય એ અવાજ સાંભળતા આવ્યા હતા . એ દેવરાજનો અવાજ હતો . પ્રભુની દીક્ષાની પહેલી રાતે દેવરાજે સુધર્મ દેવલોકમાં બેઠા બેઠા જ પ્રભુ વિશે વિચાર્યું હતું . તેમણે ગોવાળિયાને રસ્સી ઉગામતાં જોયો હતો . તેમણે જ પળવારમાં , વૈક્રિયબળથી એને રોકી પાડ્યો હતો . એ ગોવાળિયો હવે પછી ક્યારેય દેવાર્યની સામે આવે નહીં એવો ઈંતઝામ તેમણે કરી જ લીધો હતો .
પરંતુ દેવરાજ અવધિજ્ઞાની હતા . ભવિષ્યને તેઓ ભાળી શકતા હતા . તેમને ભવિષ્ય ડરાવી રહ્યું હતું . તેમણે પ્રભુને વિનંતી કરવાની ભાવના બનાવી . તે પ્રભુ સમક્ષ ઊભા રહ્યા . અંધારિયા જંગલમાં દેવરાજનાં આગમનથી સોનેરી તેજ રેલાયું હતું . દેવાર્યની ઓજસ્વી કાયા એ તેજમાં વધુ દેદીપ્યમાન લાગી રહી હતી . પેલા વૃષભ સ્તબ્ધ ભાવે આ દૃશ્ય જોઈ રહ્યા હતા . એક તરફ પ્રથમ દેવલોકના અધિપતિ ઊભા હતા , હાથ જોડીને , વિનયાવનત મુદ્રામાં . બીજી તરફ , ત્રણ લોકના અધિપતિ ઊભા હતા , હાથ લંબાવીને , કાયોત્સર્ગ મુદ્રામાં .
દેવાર્ય પોતાનો અવાજ ઓળખી રહ્યા છે અને સાંભળી રહ્યા છે એની દેવરાજને શત પ્રતિશત ખાતરી હતી . એ બોલતા રહ્યા : ‘ પ્રભુ , આપને વંદન . મારી આપને એક વિનંતી છે . હું ચાહું છું કે આપ મારી વિનંતીનો સ્વીકાર કરશો જ . પ્રભુ , મને દેખાય છે કે આવી રહેલો સમય બહુ કઠિન વીતવાનો છે . સાડા બાર વરસમાં આપને ઘણી ઘણી તકલીફો આવવાની છે . એ તકલીફોની કલ્પનાય મને ડરાવી દે છે . પ્રભુ , મારી ભાવના છે કે હું સાડા બાર વરસ સુધી આપની સેવામાં જ રહું . આપને કોઈ તકલીફ અડે એ મારાથી સહન નહીં થાય . પ્રભુ , મારી વિનંતીનો સ્વીકાર કરો … ‘
દેવરાજે બોલવામાં વિરામ લીધો હતો . દેવાર્યે તત્કાળ જ આંખ ખોલી હતી . વાદળાઓ હટે અને સૂરજનું તેજકિરણ એક રેખામાં રેલાય તેમ દેવાર્યની અપાર્થિવ આંખોમાંથી નીકળી રહેલી રોશની સમગ્ર વનમાં વિસ્તરી ગઈ . દેવરાજનું દૈવી રૂપ એ રોશની સામે ઝાંખું બની ગયું .
‘ મહાનુભાવ , તારી ભાવના ઉત્તમ છે . ‘ દેવાર્ય બોલ્યા હતા . દેવાર્યના સ્વરોમાં મંદ્રસપ્તકનો ઝંકાર હતો . દેવરાજના અવાજને દેવાર્યના અવાજે મહાત આપી હતી એ પ્રત્યક્ષ હતું . ( ક્રમશઃ)
પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે
( ૨ )
પરંતુ વૃષભોને કોઈની પડી નહોતી . એમનો માલિક ગયો . એમને બીજા કોઈની તમા નહોતી . એ થોડોક વખત દેવાર્યની પાસે રહ્યા . દેવાર્યની છાયામાં એમને સારું લાગ્યું હશે . એમનો માલિક તો ઝટ પાછો આવ્યો નહીં . માલિક એમને ગામમાં ઘેર લઈ જાત તો ત્યાં એમને ચારોપાણી તરત મળી જાત . માલિક એમને ઘેર ન લઈ ગયો . એમને ભૂખ લાગી હશે . એ જાડા હોઠને ફફડાવતા ફફડાવતા જંગલ ભણી નીકળી ગયા . દેવાર્યે આ બળદોનો ઠેકો લીધો જ નહોતો .
દેવાર્ય મોટા રાજમહેલ છોડીને નીકળ્યા હતા . રાજમહેલમાં હાથી હતા , ઘોડા હતા , ઊંટ હતા , દૂધાળા જનાવરોનો પાર નહોતો . દેવાર્યને એ રૂપાળા પશુઓ ત્યાગવામાં કોઈ સંકોચ થયો હતો . જંગલમાં અચાનક આવી પડેલા બળદિયામાં દેવાર્યને શું રસ પડવાનો ? દેવાર્યે બળદને મંગાવ્યા નહોતા . દેવાર્યે બળદની સામે જોયું સુદ્ધા નહોતું . બળદ ગયા એની ચિંતા દેવાર્યે કરી નહીં . દેવાર્ય નિર્લેપ હતા .
પણ એ બળદોનો માલિક નિર્લેપ નહોતો . એમ સમજો કે બળદ ગયા અને બળદનો માલિક આવ્યો . એણે દેવાર્યની આસપાસ નજર ફેરવી . બળદ ન દેખાયા . એણે દેવાર્યને પૂછ્યું કે, ‘ મારા બળદ ક્યાં ગયા ? ‘
શું આદમી હતો એ ?
‘ બળદ તારા હતા , બળદને સલામત રાખવાની જવાબદારી તારી હતી , તું બળદને એક અજાણ્યા માણસને સોંપીને જતો રહ્યો . તારી એ ભૂલ તને યાદ નથી . હવે એ અજાણ્યો માણસ બળદ પ્રત્યે બેપરવા રહ્યો હોય તો ભૂલ તારી જ કહેવાય . તારે દેવાર્યને આમ કાંઈ પૂછાય નહીં , પાગલ માણસ . ‘ પણ એને આ વાત કોણ સમજાવે ?
પોતાના બળદિયાઓને શોધવા માટે એ જંગલમાં દોડ્યો . એને ડર હતો કે જંગલમાં બળદની ઉપર કોઈ વનેચર હલ્લો કરી બેસશે તો ન જાણે શું થશે . એ અંધારાથી ટેવાયેલો હતો . એ ચારેકોર શોધતો રહ્યો . એને ન બળદ મળ્યા , ન બળદની નિશાની મળી . એ રઘવાયો થયો . એની રોજીરોટી આ બળદ પર અવલંબિત હતી . એ સહેજ હતાશ થયો . છેલ્લી આશાનાં કિરણ તરીકે તે ફરીથી દેવાર્ય પાસે આવ્યો . ત્યાં એણે આશ્ચર્ય જોયું . એના બળદ દેવાર્ય પાસે બેઠાં બેઠાં કંઈક વાગોળી રહ્યા હતા . એ તો સ્તબ્ધ થઈ ગયો . રાતભર એણે આ બળદને જંગલમાં શોધ્યા અને બળદ તો દેવાર્ય પાસે જ બેઠા હતા . એ ચીડી ગયો .
એને તર્ક વિનાની ગણત્રી માંડી . એણે વિચાર્યું કે દેવાર્યનો ડોળો બળદ પર મંડાયેલો છે . આ સાવ મનહૂસ વિચાર હતો . દેવાર્યને એ દોષિત ઠેરવી રહ્યો હતો . ભલા માણસ , આમાં દેવાર્યનો શો દોષ ? દેવાર્યે તને ચોખા નાંખીને બોલાવ્યો નહોતો . દેવાર્યે તને હા તો પાડી જ નહોતી . આ તો દેવાર્યનો પ્રભાવ હતો કે વૃષભ આમતેમ ફરીને ફરીથી દેવાર્ય પાસે જ આવી ગયા . વર્ના આવડા મોટા જંગલમાં વૃષભ ક્યાંય પણ ભટકી જાય . એ માણસે દેવાર્યનો ઉપકાર માનવો જોઈએ કે તેના વૃષભ દેવાર્ય પાસે જ પાછા આવ્યા અને દેવાર્ય પાસે જ બેઠા . પરંતુ એણે તો એવું વિચારી લીધું કે દેવાર્ય એના વૃષભને ચોરીને સરકી જવા માંગે છે .
દેવાર્યને કેવા કેવા લોકો મળતા હતા ? જુઓ તો ખરા ? પહેલા સોમ બ્રાહ્મણ . પછી આ ગોવાળિયો . બ્રાહ્મણે નિર્ગ્રંથ પ્રભુ પાસેથી દાન માંગ્યું હતું અને આ ગોવાળિયાએ દેવાર્ય પર ચોરીનું આળ મૂક્યું મનોમન . પેલો બ્રાહ્મણ શાંત હતો . આ ગોવાળિયો ગાંડાલાલ હતો . એને ગુસ્સો આવ્યો . એને એમ થયું કે આ ( = દેવાર્ય ) ચોર છે , આ ચોરની ચોરી પકડાઈ ગઈ છે અને આ ચોરને સજા આપવી જ જોઈએ . ( ક્રમશઃ )
પ્રકરણ ૪ .
દીક્ષાની રાતે : દેવ , મનુષ્ય , અને પશુ એક સાથે
કારતક વદ દશમની રાત્રિએ આસમાન પર શ્યામરંગી જાળ બિછાવી હતી . અમાસને ચારપાંચ દિવસની જ વાર હતી એટલે ચાંદનીમાં જોશ આવવાનું નહોતું . સાંજ ઢળી ત્યારે જ પ્રગાઢ અંધકારે જંગલના એક એક વૃક્ષને આલિંગનમાં લઈ લીધું હતું . તમરાઓનો કર્કશ સ્વર , એકધારી નીરસતાનું નિર્માણ કરતો હતો કે બીહડની ભયકારિતાને ઉજાગર કરતો હતો તે સમજાતું નહોતું . ગગનમાં ચોમેર વેરાયેલા અગણિત તારલાઓ , જંગલના ઘોર તમસમાં ઊડી રહેલા આગિયાઓની ઈર્ષા અનુભવી રહ્યા હતા . સાપ નીકળ્યા હશે . વીંછી બહાર આવ્યા હશે . વાઘ અને સિંહ , ગુફા છોડીને ચાલવા માંડ્યા હશે . દેવાર્યની દીક્ષાની પહેલી રાતે જંગલ જાગવા લાગ્યું હતું . હવાથી ઝૂલતા પાંદડાંઓમાં જાણે કે ભૂતાવળની ગુસપુસ શરૂ થઈ હતી .
ક્ષત્રિયકુંડ અને બ્રાહ્મણકુંડમાં જ્વાલાસ્તંભો હતા , મશાલો હતી , દીપમાળા હતી જે રાતના અંધકારને દૂર રાખતી હતી . જંગલમાં તો અજવાસ હોય જ શાનો ? જોકે , દેવાર્યની ભીતરનો ઉજાસ સેંકડો ગાઉઓ સુધી ફેલાયેલા અંધકાર પર ભારે પડી રહ્યો હતો . જંગલ તો ડરામણું જ હતું પણ ડરનું વજન જાણે મરી પરવાર્યું હતું . એમ લાગતું હતું અહીં દેવાર્ય ઊભા છે માટે આજે આ જંગલમાં મોત કે પીડાનું તાંડવ રચાશે જ નહીં .
જંગલમાં ઉદ્યાન જેવી શાંતિ બનેલી રહેશે . વનેચરો , પાલતુ પ્રાણી જેવો વહેવાર કરશે . ઘુવડ અને ચીબરીની અવાજમાં મધુરતા નીતરવા લાગશે . અજગર કોઈને ભીંસમાં નહીં લે . સસલાં , હરણ આજે નિરાંતની નીંદર પામશે . પંખીઓના માળાને સાપ સતાવશે નહીં . ભીલ યુવાનો આજની રાતે તીરકાંમઠાં , ભાલો કે કટારીને હાથ નહીં લગાવે . દેવાર્યના શ્વાસ જંગલમાં સુગંધ ફેલાવતા રહ્યા હતા અને જંગલના બેફામ ઝાડવાઓમાં જ્ઞાતવનખંડોનાં વૃક્ષોની નજાકત આવતી ગઈ . આ દેવાર્ય હતા . જ્યાં જતા ત્યાં જાદુ ફેલાવી દેતા .
ખબર નહીં ક્યાંથી અને કેવી રીતે , પણ કોઈક આવી રહ્યું હતું , આવી ચડ્યું હતું . ગોબરની વાસ આવી હતી . ભાંભરવાના અવાજે શાંતિમાં ખલેલ પહોંચાડી હતી . અંધારામાં આંખ તાણીને ચાલી રહેલા એક આદમીએ , દેવાર્યને જોયા હતા અને એ દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એની સાથે બળદ હતા . અંધારામાં બળદના નસકોરાંનો અવાજ ફાટફાટ થઈ રહ્યો હતો . જે આદમી આવ્યો તે કોઈ ઉતાવળમાં હતો . દેવાર્યને જોઈને એ રાજી થયો હોય એવું લાગ્યું .
એને એવું લાગ્યું કે દેવાર્યને લીધે એનું કામ સહેલું થઈ ગયું . એ વિના અજવાળેય દેવાર્યના દેહાકારને જોઈ શકતો હતો . એને દેવાર્યની હાજરી જંગલમાં આ સ્થાને હતી તે ગમ્યું હતું . એણે દેવાર્યને પોતાનું એક કામ પકડાવી દીધું . એ બળદને સાથે લાવ્યો હતો તે એણે દેવાર્યની બાજુમાં ઊભા રાખી દીધા .
‘ હું પાસે ગામમાં જઈને થોડીવારમાં આવું છું . તમે આ વૃષભને સાચવજોને . હું હમણાં જ આવ્યો . બરોબર ધ્યાન રાખજો . ‘ એ જતાં જતાં બોલ્યો હતો .
દેવાર્ય એને જવાબમાં ના કહી શકતા હતા , હા પણ કહી શકતા હતા પણ એને તો જવાબ સાંભળવો જ નહોતો . એ મનમરજીથી મનઘડંત આદેશ ફરમાવીને નીકળી ગયો હતો , શેઠિયાની માફક .
એને જવાબ જોઈતો જ નહોતો . એણે માની લીધું હતું કે દેવાર્ય એની વાત માની જ લેશે . અરે , એ તો દેવાર્યનું નામ પણ જાણતો ન હતો . દેવાર્યની ગરિમા શું છે એનાથી પણ એ અજાણ હતો . એણે માની લીધું કે દેવાર્ય કોઈ પ્રવાસી છે , વૃક્ષની નીચે થોડો સમય એ પ્રવાસી રોકાયેલો રહે તેટલીવારમાં હું પાછો જ આવી જઈશ . દેવાર્યે જવાબ આપ્યો નહોતો . દેવાર્યે જેની વાત સાંભળી જ ન હોય એને દેવાર્ય જવાબ પણ ના જ આપે . સ્વાભાવિક હતું . પેલાને આ સમજાયું નહોતું . ( ક્રમશઃ )
પ્રકરણ ૩ : સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૩ )
આદિવાસિની મહિલાઓ આવી જતી . એમનાં રહેઠાણમાં દેવાર્યની દેહસુગંધ પહોંચતી . તેણીઓ અચરજભેર સુગંધની દિશા પકડીને દેવાર્ય સુધી આવી પહોંચતી . દેવાર્યની અલૌકિક સૌંદર્યસંપન્ન કાયાને જોઈને તેઓ વિહ્વળ બની જતી . તેઓ દેવાર્યને પોતાની સાથે સંબંધ બાંધવા પ્રાર્થના કરતી . ઘોર જંગલની વચાળે , ઊંચા વૃક્ષોની છાયાતળે એકાંતમાં એ વનવાસિનીઓ યૌવનનું પ્રદર્શન કરી દેવાર્યને અભિભૂત કરવા મથતી . એમના ચેનચાળાથી દેવાર્ય ચલિત થતા નહીં .
એ સુગંધી દ્રવ્યની માંગણી કરતી એનો જવાબ ન મળતો. એ કામપ્રાર્થના કરતી એનો ઉત્તર ન સાંપડતો . દેવાર્ય એ રીતે સાધનામુદ્રામાં નિમગ્ન રહેતા કે જાણે એ નવયૌવનાઓ એમની સામે છે જ નહીં . આ જોઈ એ રૂપગર્વિતાઓનો અહં ઘવાતો . એ ગુસ્સે ભરાતી , વિફરતી . છેવટે એ છંછેડાયેલી વાઘણની જેમ દેવાર્ય પર ગુસ્સો કાઢતી . ગાળો સંભળાવતી , તાંડવ જેવા તિરસ્કાર કરતી . ભૂતિયા કિસમના ધુત્કારી વચનો ઉચ્ચારતી . દેવાર્ય અડગ રહેતા.
આદિવાસી મહિલાઓ નિષ્ફળ જતી . પણ કહાની પૂરી થતી નહોતી . આદિવાસી પુરુષો પણ એ સુગંધથી આકર્ષિત થઈને આવતા. તેઓ દેવાર્યનાં દેહસૌષ્ઠવથી પ્રભાવિત થતા . તેઓ દેવાર્યનું રૂપ જોઈને અચંભિત થતા . સૌથી ખાસ વાત એ હતી કે દેવાર્યની કાયામાં જે સુગંધ આવતી તે એમને ગમતી.
તેઓ દેવાર્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા. દેવાર્યને તેઓ સુગંધી દ્રવ્યનું સરનામું આપવાની અરજી કરતા . દેવાર્ય મૌન રહેતા . એ જોઈને આ ભીલયુવાનો ક઼ડક ભાષામાં સુગંધી ગુટિકાની માંગણી કરતા . એમને એમ લાગતું દેવાર્ય પાસે એવી કોઈ વસ્તુ હશે જેનો લેપ દેહ પર લગાવતા હશે . અલબત્ , એવી લેપ બનાવનારી સુગંધ ગુટિકા દેવાર્ય પાસે હતી જ નહીં . પરંતુ ભીલયુવાનોને લાગતું કે દેવાર્ય પાસે ગુટિકા છે જ . તેઓ માંગતા જ રહેતા . દેવાર્ય મક્કમ રીતે મૌન જાળવી રાખતા .
ભીલયુવાનોને લાગતું કે દેવાર્ય જાણી જોઈને વસ્તુ છુપાડે છે. તે ગુસ્સે ભરાતા ગાળાગાળી કરતા , બરાડા પાડતા . દેવાર્ય ડરતા નહીં . આ ભીલયુવાનોના દિમાગ સટકી જતા . તે લોકો દેવાર્યને પથ્થર મારતા , ધક્કા મારતા . મુલાયમ સુગંધથી શરૂ થયેલી વાત એકતરફી મારામારી સુધી પહોંચી જતી . દેવાર્ય માર ખમી લેતા .
———————
સોમ બ્રાહ્મણે મહારાજા નંદીવર્ધનને આ ઘટનાઓ કહી હતી . મહારાજા નંદીવર્ધનને પારાવાર લાચારીનો અનુભવ થયો હતો . પોતે દેવાર્યની સેવામાં રાજસૈનિકોને મોકલી શકે તેમ હતા. પરંતુ દેવાર્યની એ મૂક સૂચના હતી કે મારી સેવામાં , મારી સુરક્ષા માટે કોઈએ આવવાનું નથી , રહેવાનું નથી .
દેવાર્ય આવું કષ્ટ ઈચ્છતા જ હશે . બાકી દેવાર્ય બોલીને સારો જવાબ આપી દે તો આદિવાસી સ્ત્રી પુરુષોને એ જરૂર સમજાવી શકે . દેવાર્ય સમજાવતા નહોતા . દેવાર્ય મૂકસાક્ષિ બની સહન કરતા હતા .
દેવાર્ય ભમરાઓના ડંખ સહેતા રહ્યા .
દેવાર્ય ભિલ્લવધૂઓના ઉપસર્ગ સહેતા રહ્યા .
દેવાર્ય આદિવાસીઓના પરિષહો સહેતા રહ્યા .
નંદીવર્ધન મહારાજા વિચારતા રહ્યા અને એમની આંખો વરસતી રહી .
વન ઉપનિષદ્
+ જે ગુણવાન્ હોય છે એને હેરાન કરવાનું સહેલું છે. જે ગુણવાન્ બને છે તેણે થોડુંક સહન કરવાની તૈયારી રાખવી જ પડે.
+ મનગમતી સુખસામગ્રી પણ ધર્મથી વિચલિત કરી શકે છે. સુખથી નિર્લેપ રહેવું એ સાધનાનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય છે.
+ સાધકનું વસ્ત્ર , સાધકની ઉર્જાનું સંગ્રહસ્થાન છે. સાધકનાં વસ્ત્રનો સ્પર્શ, અસાધકને સાધક બનાવે એવી શક્તિ ધરાવતો હોય છે.
પ્રકરણ ૩ : સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૨ )
એ ભમરાઓ દેવાર્યની નજીકમાં આવીને ગણગણાટ કરતાં કરતાં દેવાર્ય પર બેસવાની કોશિશ કરતા . દેવાર્યને અડીને એ તુરંત ઊડી જાય. દેવાર્યને ટકરાઈને પાછા જતાં રહે . એવું એ વારંવાર કરતાં. એ ભમરાઓને સમજાતું કે જેમ ફૂલ પર બેસવાથી પ્રતિકારનો સામનો કરવો પડતો નથી તેમ આ સુગંધી સ્થાન (દેવાર્યની કાયા) પર બેસવાથી કોઈ પ્રતિકાર થવાનો નથી. ધીમેધીમે ભમરાઓ દેવાર્યની કાયા પર પગ જમાવતા .
કોઈ મુંડિત મસ્તક પર બેસતા . કોઈ સ્કંધ પર બેસતા. કોઈ શ્રીવત્સમંડિત છાતી પર બેસતા . કોઈ પીઠ પર બેસતા. કોઈ કપાળ પર બેસતા. કોઈ ગાલ પર બેસતા. પોતાની કાયા પર પગ જમાવીને આમતેમ સરકી રહેલા ભમરાઓને દેવાર્ય અનુભવી શકતા . દેવાર્ય, કાઉસગ્ગ માટે લંબાવી રાખેલા પોતાના હાથને હલાવીને એ ભમરાઓને ઉડાવી શકતા હતા . દેવાર્ય આ ભમરાઓને પોતાની લબ્ધિઓથી ભગાડી શકતા હતા. દેવાર્ય આ ભમરાઓથી બચવા મનુષ્યોની વસતિમાં જઈને સલામતી શોધી શકતા હતા. ત્યાં દેવાર્યની પાછળ પડેલા ભમરાઓને દૂર કરવા માનવો ધુમાડો કરી દે તો ભમરાઓને ભાગવું જ પડે. દેવાર્યે એ ધુમાડાનાં આવરણનો માર્ગ પણ ના આપનાવ્યો .
દેવાર્યે ભમરાઓને પોતાની કાયા પર બેસવા દીધા, સરકવા દીધા. ભમરાઓ દેવાર્યને શું સમજતા હશે ? જેમાંથી સુગંધ નીકળે તે ફૂલ હોય એવા સંસ્કાર હશે આ ભમરાઓમાં . ફૂલને ડંખ દેનારા ભમરા, દેવાર્યની કાયાને પણ ડંખ મારતા . ફૂલમાંથી ભમરો રસ ચૂસે તેમ ભમરા દેવાર્યની કાયામાંથી રસ ચૂસવાની વન્ય પ્રવૃત્તિ કરતા . દેવાર્યની કાયાને ધગધગતા અંગારા ચંપાયા હોય તેવી બળતરા થતી . એવી બળતરા કે બીજું કોઈ હોય તો મોઢેથી ચીસ જ નીકળી જાય . પરંતુ દેવાર્ય આ બળતરાથી નિર્લેપ બની રહેતા. સોમ બ્રાહ્મણે મહારાજા નંદીવર્ધનને કહેલું કે દેવાર્યની કાયા પર ભમરા બેઠા છે તે જોઈને પણ મનેં ડર લાગી જતો.
ભમરાઓ કરડે છે એવું દૂરથી જોનારને સમજાતુ નહીં . શરીર પર ડંખના જખમ દેખાતાં. એ જોઇને સમજાતું કે દેવાર્યને ડંખ લાગ્યા છે. ભમરાઓ આવતા અને જતા . એક ભમરો જતો તો બીજો આવતો . ભમરાઓનું એક ઝૂંડ જતું અને બીજું આવી જતું. ડંખ ચાલુ રહેતા . કાળી બળતરાઓ લગાતાર કાયા પર અંકાતી . દેવાર્ય બિલકુલ પ્રસન્ન દેખાતા . એમની અર્ધમીંચેલી આંખોમાં પીડા આવતી જ નહીં . એમના હોઠો પરનું પ્રસન્ન સ્મિત અકબંધ રહેતું. એમનાં મુખ પરનું ઓજ અક્ષીણ રહેતું . વેદનાની અકળામણ અને પીડાનો વલોપાત, દેવાર્યમાં દેખાતા જ નહીં .
ગમે તેટલા ભમરા આવે અને કરડે , દેવાર્યને એનાથી કોઈ જ ફેર પડતો નહીં . જેમ ઘરના દરવાજે અફળાઈને ચામચીડિયું પાછું જતું રહે એમ ભમરાના ડંખ શરીરને અફળાતા પરંતુ દેવાર્યનો આત્મા એ પીડાનું સંવેદન પામતો નહીં . કાયાને અને આત્માને જુદા પાડીને જોવાનું સત્ત્વ હતું દેવાર્યમાં. દીક્ષાભિષેક કરનારા દેવતાઓએ કલ્પના પણ નહીં કરી હોય કે વિલેપનને લીધે આવું થશે .
સામાન્ય આદમીને એક ભમરો એકવાર પણ કરડે એની અસર શરીર પર લાંબા સમય સુધી જોવા મળે છે . સોજા આવે . ઝેર ચડે . તબિયત બગડે . માનસિક પીડા થાય તે અલગ . દેવાર્યનું આરોગ્ય અવ્યાબાધ રહેતું . એમને ભમરાઓનો એકેક ડંખ સમજાતો . કાયા તો કાયા જ હતી . કાયામાં ચેતના હોય અને જડતા ન જ હોય . આદિવાસીઓ મધપૂડા તોડવા નીકળે ત્યારે શરીરે કંઈક વિલેપન કરતા હોય છે , એનાથી મધમાખીના ડંખ વાગતા નથી . આદિવાસીઓ મધપૂડા તોડવા નીકળે ત્યારે મોઢામાં અફીણ જેવા દ્રવ્યો ઠાંસી રાખે છે જેથી પીડાસંવેદન જાગે જ નહીં . દેવાર્યને વિલેપન કે અફીણની જરૂર જ નહોતી . એ પીડાને પીડારૂપે સ્વીકારવા તૈયાર હતા . બસ , પીડાને લીધે દેવાર્યનાં મનને ખલેલ પહોંચતી નહીં . આ વાત સમજી શકાય એવી છે નહીં , સમજાવી શકાય એવી પણ નથી .
તળાવનાં પાણીમાં પથ્થર ફેંકો એ પછી ત્રણ ઝીણી ઘટના જોવા મળે છે . પથ્થર પાણીમાં ડૂબે છે , પથ્થરને લીધે પાણીમાં છપાક એવો અવાજ થાય છે અને પાણીમાં તરંગો સરજાય છે . એ જ તળાવનું પાણી બરફ બની જાય તે પછી શું જોવા મળે છે ? પથ્થર ડૂબતો નથી , પાણીમાં છપાક એવો અવાજ થતો નથી અને તરંગો સરજાતા નથી . દેવાર્યની ભીતરમાં , તળાવનું પાણી બરફ બની ચૂક્યું હતું . ( ક્રમશઃ )
પ્રકરણ ૩ . સુગંધની લહેરોમાં કોણ કોણ આવ્યું ?
( ૧ )
મહારાજા નંદીવર્ધન અવાચક હતા . દેવાર્યની દીક્ષા થઈ તે વખતે ઈન્દ્ર દ્વારા દેવાર્યના સ્કંધ પર જે દેવદૂષ્ય સ્થાપિત થયું હતું તે સોમ બ્રાહ્મણ ક્ષત્રિયકુંડ લઈ આવ્યો હતો . મનુષ્યલોકમાં જેમ એક રત્નકંબલ સેંકડો કામ કરી આપે છે તેમ દેવતાઈ વસ્ત્ર એટલે કે દેવદૂષ્ય એક જ હતું છતાં ઘણું બધું સંરક્ષણ આપી શકતું હતું . ગરમી, ઠંડી , વરસાદમાં આ એક દેવદૂષ્ય સંગાથે હોય એ ઘણું થઈ રહે . આ કેવું કર્યું દેવાર્યે ? દેવદૂષ્યને પણ છોડી દીધું . દેવદૂષ્ય જો મારી પાસે છે તો એનો અર્થ એ છે કે દેવાર્ય પાસે દેવાર્ય સિવાય બીજું કોઈ જ નથી અને બીજું કાંઈ જ નથી . દેવદૂષ્ય મહારાજાએ રાખી લીધું . દેવાર્યના દીક્ષાજીવનની એ અણમોલ યાદ હતી . જ્યારે દેવાર્યની યાદ આવે ત્યારે દેવદૂષ્યને હૈયે ચાંપીને એમાં વસેલો દેવાર્યનો સ્પર્શ અનુભવી શકાય . દેવાર્યનું અસ્તિત્વ દેવદૂષ્યનાં એક એક તાંતણામાં અનુભવી શકાતું . દેવાર્યની દેહસુગંધ એ દેવદૂષ્યમાં મહોરી રહેતી .
અને છતાં દેવદૂષ્ય દેવાર્યની પાસે, દેવાર્યની કાયા પર હોવું જોઈતું હતું એવી સંવેદના પણ બનેલી રહેતી . સોમ બ્રાહ્મણને સરી પડેલું દેવદૂષ્ય ત્યાં ને ત્યાં દેવાર્યના સ્કંધ પર બિરાજીત કરી દેવાનો વિચાર કેમ ન આવ્યો ? એ વિચારે મહારાજાને ગુસ્સો આવતો . અને દેવાર્યનો સ્વભાવ યાદ આવી જતો . દેવાર્યને જે ન જોઈતું હોય તેની સામે એ જુએ પણ નહીં . દેવાર્યને દેવદૂષ્ય રાખવું હોત તો બ્રાહ્મણના હાથમાં એ જાય તે પૂર્વે જ એમણે એ ઊંચકી લીધું હોત . દેવાર્યને દેવદૂષ્યમાં રસ નહોતો તેથી જ તો એ બ્રાહ્મણના હાથમાં આવી ગયું . ભલું થજો આ બ્રાહ્મણનું કે એ ત્યાં હાજર હતો , અન્યથા એ વસ્ત્ર મારા હાથમાં આવત જ નહીં . દેવાર્ય વિનાનું એ વસ્ત્ર જો બ્રાહ્મણના હાથમાં ન આવત તો કોઈ આદિવાસીને જ મળવાનું હતું . એ આદિવાસીઓ આનો મહિમા શું સમજે ? સોમ બ્રાહ્મણે દેવદૂષ્યને આદિવાસીઓથી બચાવી લીધું એ બહુ સારું થયું . આ બ્રાહ્મણ દેવદૂષ્યના બીજા ટુકડા માટે દેવાર્યની પાછળ પાછળ ફર્યો એમાં એણે દેવાર્યને જે રીતે જોયા એની વાત એ કરતો ગયો હતો .
નંદીવર્ધન મહારાજાનાં મનમાંથી એ વાત જતી નહોતી . એણે દેવાર્યની દેહસુગંધની વાત કરી હતી . એ દેહસુગંધનાં કારણે દેવાર્યને કેવી કેવી પરિસ્થિતિઓ જોવી પડી ? દીક્ષાભિષેક દેવતાઓની મુખ્યતામાં થયો હતો . દેવતાઓ જે સામગ્રી લાવે તે માનવની કલ્પનામાં પણ ન આવી શકે એવી સર્વશ્રેષ્ઠ હોય. દેવતાઓ એક વિલેપન લાવ્યા હતા . એની સુગંધ અતિશય અદ્ભુત હતી .
સોમ બ્રાહ્મણે કહ્યું હતું કે એ સુગંધ દીક્ષા થઈ ગયા બાદ આશરે સાડા ચાર મહિના સુધી રહી હતી . હજારો ચંદનકાષ્ટ એક સાથે બાંધીને રાખ્યા હોય તેવી પ્રગાઢ સુવાસ હતી એ. એમાં ફૂલોનો આસવ સિંચ્યો હોય, એવો આહ્લાદ વર્તાતો. વાયરો દેવાર્યને સ્પર્શીને જે દિશામાં સરી જતો એ તરફ એ સુગંધની લહેરો દૂર દૂર સુધી રેલાતી . જંગલમાં જાણે નવા પુષ્પોનો ફાલ ખીલી આવ્યો હોય એવું વાતાવરણ બની જતું. એ સુગંધના પૂર હતા. પડદા પરથી પડદા ઉતરે એમ સુગંધના અલગ અલગ થર વર્તાતા. ક્યારેક એકલી ચંદનની મહેક રહેતી. ક્યારેક ફૂલનો પમરાટ રહેતો. ક્યારેક કસ્તૂરીની મહેક ફોરતી. એ દેવતાઓનાં વિલેપન હતા. મનુષ્યલોકે આવી ખુશ્બૂ જોઈ નહોતી. જાણે વિધવિધ અત્તરમાં પલાળેલાં હજારો વસ્ત્રો એક જગ્યાએ હવામાં લહેરાઈ રહ્યા હોય એવો એ સુગંધનો વજનદાર પ્રવાહ હતો. દેવાર્ય મૌન રહેતા . કશું ન બોલતા. પરંતુ આ દિવ્ય સુગંધને મૌન કોણ રાખી શકે ? એ સુગંધ તો દશે દિશાઓને જગાડી દેતી . જ્યાં દેવાર્ય ઊભા હોય ત્યાંથી ચારે તરફ ગાઉ ગાઉ સુધી એ સુગંધ અવકાશને આરપાર કરીને આગળ સરકતી. એ સુગંધ જે સજીવ તત્ત્વોને સ્પર્શતી એમાં નવા પ્રાણ પૂરાતા .
જંગલી ફૂલો પર ખેલનારા ભમરાઓને આ સુગંધે ઉન્માદિત બનાવ્યા હતા. ભમરાઓને ફૂલ પર બેસીને રસ ચૂસવો હોય . સુગંધની દિશા પકડીને ભમરાઓ ઉડતા અને દેવાર્યની આસપાસ આવીને ચોપાસ મંડરાતા . ખુલ્લી પડેલી મીઠાઇ પર માખી બણબણતી હોય એવું કોઈ દૃશ્ય સર્જાતું .
દેવાર્ય કોઈ વૃક્ષની છાયામાં કે કોઈ ગુફાના દરવાજે કે કોઈ સૂમસામ ખંડેરમાં કાઉસગ્ગ ધરીને ઊભા હોય ત્યાં ભમરાઓનાં ઝૂંડ આવી પહોંચતા . મધપૂડો ફૂટે અને મધમાખીઓનો ઘોર ગુંજારવ ઊઠે એવો ભમરાઓનો ભેદી શોર મચી જતો. એક કે બે નહીં બલ્કે સેંકડો ભમરાઓનું એ ટોળું દેવાર્યની કાયામાંથી જ સુગંધ આવી રહી છે તેનો આખરી અંદાજ બાંધતું . તે પછી શરૂ થતી ખોફનાક ભમ્મરબાજી . ( ક્રમશઃ )
પ્રકરણ ૨ : દેવદૂષ્યની ખરીદી
‘ ભૂદેવ , આપે મારા ભાઈને , શ્રમણ વર્ધમાનને જોયા. એ કેમ છે ? એમનું આરોગ્ય સારું છે ? એમની કાયાને કોઈ કષ્ટ તો નથી ? મને કહો . મારા ભાઈ વિશે તમે જે જાણતા હો તે બધું જ કહો . મારે મારા ભાઈનું વૃત્તાંત સાંભળવું છે . ʼ દરબારમાં બેસેલા સૌ સામંત શ્રેષ્ઠીઓ અને અન્ય સભાજનોમાં નંદીવર્ધન મહારાજાની આ ભાવુક અપેક્ષાએ ઉત્સુકતાનું નિર્માણ કર્યું . બ્રાહ્મણને આખી સભા સાંભળવા માંગે છે એવું વાતાવરણ બની ગયું .
‘ વાહ પ્રભુ . ‘ બ્રાહ્મણે મનોમન બોલ્યો . ‘ એક ગરીબ સાથે દેવાર્યનું નામ જોડાયું એમાં એ ગરીબના ભાવ વધી ગયા . જેની સામે કોઈ જુએ પણ નહીં એને સાંભળવા આખો દરબાર ઉત્સુક છે . વાહ પ્રભુ . શું તારો પ્રભાવ છે અને કેટલો મોટો તારો ઉપકાર છે ? મને મહારાજા દ્વારા આદરસત્કાર મળે છે . હું જરૂર તારી વાતો કરીશ . ‘
( ૫ )
બ્રાહ્મણને બેસવા માટે સુખાસન આપવામાં આવ્યું . એ સંભાળીને બેઠો . ઊંડો શ્વાસ લઈને એણે બોલવાનું શરૂ કર્યું .
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ક્યારેય કોઈની સાથે વાત કરતા નથી . તેઓ મૌન રહે છે . તેઓ ક્યારેય આરામ કરતા નથી . તેઓ કાઉસગ્ગમાં જ રહે છે . તેઓ ક્યારેય ડરતા નથી . તેઓ પરાક્રમનો સાક્ષાત્ અવતાર છે . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ભૂતિયા મકાનમાં નિર્ભયપણે રહે છે . રાતના સમયે ડરામણા અવાજોથી અને ખોફનાક દૃશ્યોથી એ ગભરાતા નથી . એમનો કાઉસગ્ગ ભૂતાવળની હવામાં નિર્બાધ રહે છે . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ સમશાનમાં લાંબો સમય વીતાવી શકે છે . આસપાસમાં ભડભડતી ચિતાઓની વચ્ચે તેઓ પ્રચંડ વીર્યોલ્લાસથી ઊભા રહે છે . ખોપડીઓ અને હાડપિંજરોથી ઢંકાયેલી ભૂમિ એમને ભય પમાડી શકતી નથી . તેઓ સ્મશાનની વચ્ચે ઊભા રહીને ભરદિવસે સૂરજને તાકતા હોય છે . ધીખતો તડકો એમની આંખોને દઝાડી શકતો નથી . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ગામની સીમાભૂમિ પર , માથું અને ખભો આગળ ઝુકાવીને કાઉસગ્ગમાં ઊભા રહેતા હોય છે . એમને આવી વિચિત્ર મુદ્રામાં જે જુએ છે તે અચંભિત થઈ જાય છે . દેવાર્ય દુનિયાથી વેગળા ઊભા રહે છે . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ દુઃખને સુખની માફક ગળે વળગાડે છે . દુઃખ – માનવ આપે , જાનવર આપે કે દુષ્ટ દેવ આપે – દેવાર્યનો પ્રસન્ન સમાધિભાવ એકસરખો જળવાયેલો રહે છે . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . તેઓ ઘણા દિવસો સુધી ઉપવાસ કરતા હોય છે . ઉપવાસનાં પારણું હોય તે દિવસે તેઓ ગરીબ ઘરનાં દ્વારે પહોંચી જાય છે. ત્યાંથી જે લૂખું કે સૂકું કે સાદું અન્ન મળી જાય એનાથી કુક્ષિને ટેકો આપી દે છે . અને આગલા દિવસથી ફરી લાંબા ઉપવાસ શરૂ કરી દે છે . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . સાવ મામૂલી લોકો એમની મજાક ઊડાવતા હોય , તદ્દન સાધારણ માણસો એમને અપમાનિત કરતા હોય કે એકદમ તુચ્છ આદમીઓ એમને ત્રાસ આપતા હોય ત્યારે તેઓ પોતાની અનંત શક્તિનો નાનકડો પણ પ્રયોગ કરવાનું ટાળે છે . તેઓ આ બધું ખમી ખાય છે , બસ . ‘
‘ મેં દેવાર્યને જોયા છે . ક્યારેક દેવતાઓ તેમની પૂજા કરે છે એ પણ મેં જોયું છે . પરંતુ દેવાર્ય આ પૂજામાં નિર્લેપ રહે છે . એમની ભક્તિ કરો એનાથી એ રાજી પણ થતા નથી અને રાહત પણ અનુભવતા નથી . એમને અનુકૂળતાઓનો કોઈ ખપ જ નથી હોતો . ‘
‘ મેં દેવાર્યને જોયા છે , કેવળ જોયા છે . એમને હું ઓળખી શક્યો નથી , સમજી શક્યો નથી . એમની વાત હું શી રીતે કરું ? એમની વાત તો એ કરી શકે જે એમની ભૂમિકાને જાણવા સક્ષમ હોય . હું તો અજ્ઞાની છું . હું દેવાર્યનું વર્ણન કરી જ ન શકું . ‘
બ્રાહ્મણે બોલવાથી વિરામ લીધો . એ દેવાર્યની યાદમાં ખોવાઈ ગયો હતો બોલતી વખતે . બોલવાનું અટક્યું એટલે એ પોતાની તંદ્રામાંથી બહાર આવ્યો . એણે મહારાજા નંદીવર્ધન સમક્ષ જોયું . મહારાજા નાના બાળકની માફક રોઈ રહ્યા હતા . મહારાજાને એમનો ભાઈલો યાદ આવી રહ્યો હતો . બ્રાહ્મણે સભાજનો સમક્ષ જોયું . સૌ કોઈની આંખો ભીંજાયેલી હતી . સૌને ક્ષત્રિયકુંડનો વહાલસોયો રાજકુમાર યાદ આવી રહ્યો હતો .
બ્રાહ્મણે મહારાજાનું , સભાજનોનું અભિવાદન કરીને રાજદરબારમાંથી વિદાય લીધી . લાખ સુવર્ણમુદ્રાઓની થેલીઓ લઈને એક બળદગાડું એની પાછળ રવાના થયું. પચાસ હજાર સુવર્ણમુદ્રાઓ તંતુવાયને મળશે એવું વચન સોમે આપ્યું હતું.
કાર્તક વદ દશમે દેવાર્યના સ્કંધ પર ઈન્દ્ર દ્વારા જે દેવદૂષ્ય સ્થાપિત થયું હતું તે આશરે એક વરસ અને એક માસ પછી મહારાજા નંદીવર્ધનના હાથમાં આવી ગયું હતું . વૈરાગી નાના ભાઈએ , સોમ બ્રાહ્મણ દ્વારા , પ્રેમાળ મોટા ભાઈને એક અલૌકિક ઉપહાર મોકલી આપ્યો હતો જાણે . દેવદૂષ્યની ખરીદી , બ્રાહ્મણ સોમ માટે પણ યાદગાર બની અને મહારાજા નંદીવર્ધન માટે પણ યાદગાર બની . ( ક્રમશઃ )
વન ઉપનિષદ્
——–
+ ઉત્તમ તત્ત્વનો સત્સંગ કરતી વખતે મનમાં સ્વાર્થનો ભાવ ન રાખવો જોઈએ . સ્વાર્થનો ભાવ આવે એટલે ઉત્તમતાનો સ્પર્શ પામવાની પાત્રતા જતી જ રહે .
+ સાધનામાં બાહ્ય જીવનનાં કોઈ લક્ષ્ય હોતા નથી . સાધનામાં ભીતરે રમમાણ રહેવાનું એકમાત્ર લક્ષ્ય હોય છે .
+ ઉત્તમ પુરુષોને નજીકથી જોતા રહેજો . મનમાં એમની યાદોનો સંગ્રહ કરતા જ રહેજો . યોગ્ય વ્યક્તિ સાથે એ યાદોને વહેંચતા રહેજો .
